દીકરી સમાજ અને પરિવારનો આધાર છે

નિર્ભયા માટે ન્યાયની લડાઈ લડી રહેલા તેના પિતાની વેદના
  • વુમન્સ ડે સ્પેશિયલ

મહિલાઓ કે દીકરીઓ માટે એક દિવસ કેમ…? આ સવાલ છે દેશભરમાં ચર્ચિત બનેલા નિર્ભયાના પિતાનો. ખાસ દિવસો પર દીકરીઓને યાદ કરવી સારી વાત છે, પરંતુ તેમની માટે માત્ર એક જ દિવસ કેવી રીતે હોઈ શકે..!

પિતા અને દીકરીની લાગણી વિશે લખી શકાય, બોલી શકાય, પરંતુ અનુભવ કરવા માટે તો પિતાનું દિલ જ જોઈએ. એક પિતા પોતાના દિલની વેદના ઠાલવતા કહેલા શબ્દો છે કે, દીકરી, તું જોઈ જ શકતી હોઈશ કે તારાં માતા-પિતા એક ક્ષણ માટે પણ નથી હાર્યાં. થાકીને કે મોઢું સંતાડીને ક્યારેય નથી બેઠાં. મૃતપ્રાય શરીર લઈને ન્યાયના રસ્તા પર ચાલી રહ્યાં છે. તારા માટે અને તારા જેવી દરેક માસૂમ દીકરીઓ માટે -આ શબ્દો છે નિર્ભયાના પિતાના.

૨૦૧૨થી પોતાની દીકરી નિર્ભયા માટે ન્યાયની લડાઈ લડી રહેલા તેના પિતા કહે છે, અમારી દીકરીને ન્યાય અપાવવા માટે ઘણો લાંબો સંઘર્ષ કર્યો છે. મુશ્કેલીઓથી ભરેલી રાહ હતી, દરેક ક્ષણે અપમાનના ઘૂંટડા પીવા પડતા હતા. કોર્ટમાં બચાવ પક્ષના લોકોનું અપમાન અપશબ્દો જેવું લાગતંુ હતું. આ તમામ વાતો ઘણી બધી તકલીફો આપતી હતી. આજે હું દેશના દરેક પરિવારને કહેવા ઇચ્છું છું કે કોઈ પણ પરિસ્થિતિ હોય પોતાની દીકરીનો સાથ ક્યારેય ના છોડશો. આ પ્રકારની ઘટનાઓમાં દીકરીઓનો કોઈ વાંક નથી હોતો, પરંતુ આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે કે કોઈ પણ ગુના માટે યુવતીઓને દોષિત માની લેવામાં આવે છે. જે લોકો આવી વિચારધારા ધરાવે છે, તેમની દીકરીઓ રાત્રે ઘરની બહાર નથી નીકળતી. એનો મતલબ તો એવો થાય છે કે આવી વ્યક્તિની દીકરીઓની કોઈ છેડતી કરે કે રેપ કરે ત્યારે જ તેમને સમજ આવશે..?

આ પ્રકારની ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરીશું તો સમાજમાં આવા ગુનામાં વધારો થશે. કાયદાકીય રીતે આવી ઘટનાઓમાં યુવતીઓનાં નામ જાહેર કરવામાં નથી આવતાં, પરંતુ દરેક લોકો જાણે છે અમે અમારી દીકરીના નામને ક્યારેય છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો અને છુપાવીએ પણ શું કામ..? ચહેરો છુપાવવાની જરૃર તો એ લોકોને છે જેમણે આ પાપ કર્યું છે.  જોકે આ મારી અંગત સલાહ છે. અમારા આ પ્રયાસ પછી મીડિયાએ અમારી દીકરીનું નામ નિર્ભયા અને દામિની રાખ્યું. માત્ર દીકરી જ નહીં, જો દીકરા સાથે પણ કોઈ અઘટિત ઘટના બને તો પણ તેને પૂરતો સહકાર આપવો જોઈએ, તેને કમજોર ના બનવા દેશો. ગુના સામે મક્કમતાથી ઊભા રહો, ન્યાય જોઈએ તો જોઈએ જ. દરેક માતા-પિતાએ પોતાની દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવું જોઈએ. દીકરા-દીકરીમાં ક્યારેય ભેદભાવ ના રાખશો, બંનેને સરખો ખોરાક આપો. જેથી દીકરી પોતાની જાતને ક્યારેય કમજોર નહીં સમજે. ઘરની બહાર તે કોઈ પણ મુશ્કેલીનો સામનો મજબૂતીથી કરી શકશે. એનો અર્થ એ પણ નથી કે તે પોતાના ભાઈ અને પિતાનું સન્માન નહીં કરે. આવી સ્થિતિના કારણે જ તેને ઘરની બહાર ખરાબ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતા આવડશે. યુવતીઓ ઘણી ભાવુક હોય છે, જે હંમેશાં આપણા માટે જ વિચારતી રહે છે. આપણી દરેક વાતનો સ્વીકાર કરે છે, તેમના આ સહજ ભાવને તેમની કમજોરી સમજી લેવામાં આવે છે. માતા-પિતાએ દીકરા પર પૂરતંુ ધ્યાન આપવું જોઈએ. કોઈ પણ દીકરો ખોટા રસ્તા પર જાય છે તો તેના કરતાં વધારે તેનાં માતા-પિતાનો દોષ છે. કોઈ વ્યક્તિ બાળકની ફરિયાદ લઈને તેના ઘરે જશે તો માતા-પિતા બાળકને બોલવાની અને સમજાવવાની જગ્યાએ આવનારી વ્યક્તિ સાથે જ ઝઘડો કરે છે. આવી વાતો આપણા ત્યાં સામાન્ય છે, જે બાળકોનો ઉછેર આ રીતે થાય છે તે જાણે-અજાણે ગુનાહિત પ્રવૃત્તિ કરતા થઈ જાય છે. માટે જ આવાં માતા-પિતા કોઈ પણ પ્રકારના ખોટા કામમાં દીકરા જેટલા જ ગુનેગાર છે.

દીકરીને એટલી મજબૂત બનાવો કે તે કોઈ પણ પરિસ્થિતિઓનો સામનો મક્કમતાથી કરી શકે. તેમના પર બે પરિવારની જવાબદારી રહેલી છે. દીકરી જ સમાજનો આધાર છે.
———————————

નિર્ભર્યાપિતાની વેદનામહિલા દિવસ
Comments (0)
Add Comment