મેઘાણી – ભક્તિ જ નહીં, સાહિત્ય-યાત્રાનો યે અંદાજ

'મેઘાણીના પગલે, કાઠિયાવાડનાં ખેતરોમાં પુસ્તક નથી, ગ્રંથરાજ છે.
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

લેખકે ૪૩૮ વાર અહીં પરિભ્રમણ કર્યું જ્યાંથી મેઘાણીભાઈની કથા-લોકકથા-લોકગીતોની વિશાળ ફૂલવાડી મહેકી, તે તમામ સ્થાને રણછોડભાઈનું જવું અને સમગ્ર – મેઘાણીને પામવું એ ગુજરાતના દસ્તાવેજી સાહિત્યિક ઇતિહાસની અપૂર્વ-અદ્ભુત ઘટના છે, તેનો ક્રમ પણ એટલો જ દીર્ઘ છે.

પહેલીવાર તેમને જૂનાગઢ, રૃપાયતનના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમમાં જોયા. નિરૃપમભાઈ અને હેમંત નાણાવટીએ પરિચય કરાવ્યો. નામ રણછોડભાઈ બીજલભાઈ મારુ. અકાદમી અને તે પૂર્વે ‘ચાંદની’ સામયિક અને અધ્યાપન – લેખન દરમિયાન ઘણા સાહિત્યકારોનો પરિચય થતો રહ્યો છે. કેટલાક તો પરિચયને અતિક્રમીને સ્વજન બની રહ્યા, પણ આ રણછોડભાઈ એક અનોખા માણસ! જન્મ પાલિતાણામાં, અભ્યાસ ઃ પહેલું ધોરણ, દેખાવ અદ્દલ કાઠિયાવાડી, માથે ફેંટો, દેશી પોશાક. ૧૯૬૪માં જન્મ્યા હતા, વણકર જ્ઞાતિ અને જીવન-નિર્વાહ મજૂરીથી પણ ઝવેરચંદ મેઘાણીને વાંચવાની ટેવ. મેઘાણી-જીવન અને સાહિત્યમાં એવા ગળાડૂબ થયા કે કોઈ યુનિવર્સિટીના ખરેખરો સંશોધક મહાનિબંધ લખે, પીએચ.ડી. થાય તેવું ભગીરથ કામ તેમના હાથે થયું છે.

‘મેઘાણીના પગલે, કાઠિયાવાડનાં ખેતરોમાં પુસ્તક નથી, ગ્રંથરાજ છે. રણછોડભાઈએ તેમના આ હસ્તલિખિત ગ્રંથમાં ચાર ખંડ આપ્યા છે, તે પુસ્તકોનાં અવતરણોની ‘વિદ્વતા’ નથી, જાતે પ્રવાસ ખેડીને પ્રાપ્ત ‘મેઘાણી સમગ્ર’ છે. મેઘાણીની જીવન જાતરા, મેઘાણીની કલમે કાઠિયાવાડની વાતો, મેઘાણી માટે સૌને માન અને મેઘાણીના માર્ગે વિશેષ એમ ચારેમાં રણછોડભાઈનો આશ્ચર્યમાં મુકી દે તેવો પુરુષાર્થી કસબ પણ છે. મેઘાણી તો અહીં પાને-પાને વિરાજિત છે, પણ તેની સાથે તે પ્રસંગો-કથાઓ- પ્રવાસોને વધુ પ્રભાવી બનાવતી તસવીરો પણ છે! કેટલી અને કેવી તસવીરો? બાર જિલ્લાનાં ૪૩૮ એવાં સ્થાનો, જ્યાં ઝવેરચંદ મેઘાણીના લોકધર્મી પગલાં પડ્યાં હતાં, ત્યાં રણછોડભાઈ પણ ગયા. મેઘાણી-જીવનના ચોટિલામાં જન્મથી બોટાદમાં અંતિમ વિદાય સુધીનાં સ્થાનવિશેષોની આટલી દસ્તાવેજી સામગ્રી આજ સુધીમાં ગુજરાતી સાહિત્ય-ઇતિહાસમાં ક્યાંય પ્રાપ્ત થતી નથી. લેખકે ૪૩૮ વાર અહીં પરિભ્રમણ કર્યું જ્યાંથી મેઘાણીભાઈની કથા-લોકકથા-લોકગીતોની વિશાળ ફૂલવાડી મહેકી, તે તમામ સ્થાને રણછોડભાઈનું જવું અને સમગ્ર – મેઘાણીને પામવું એ ગુજરાતના દસ્તાવેજી સાહિત્યિક ઇતિહાસની અપૂર્વ-અદ્ભુત ઘટના છે, તેનો ક્રમ પણ એટલો જ દીર્ઘ છે. એક બોધ તો જરૃર લેવો જ પડે. હવે પછી ઝવેરચંદ મેઘાણીને સમગ્રપણે પામવા હોય તો આ ગ્રંથ અત્યંત ઉપયોગી બનશે. ભવિષ્યના સંશોધકોને માર્ગ બતાવશે.

મેઘાણી-જીવન અને સાહિત્ય એ રાષ્ટ્રજીવનનો યે આંશિક ઇતિહાસ છે, કાઠિયાવાડની ઇતિહાસ-ભૂગોળ-સાહિત્યની પોતાની પહેચાન છે. ધંધુકાની અદાલત, સાબરમતી જેલ, છેલ્લો કટોરો, રવીન્દ્રનાથ સાથેની મુલાકાત, ભૂચર મોરીનું મેદાન, દ્વારિકા-ઓખાનો સ્વાતંત્ર્ય જંગ, કાર્ટૂન કેસ, મહીડા પારિતોષિક સમયનું પ્રવચન, કોનોટ હૉલ, દાડાની નિશાળ, લાખા પાઈ (જ્યાં તેમનો તરુણકાળ વીત્યો), રાણપુર (જ્યાં ‘સૌરાષ્ટ્ર’ અખબાર પ્રકાશિત થતું), બહાઉદ્દીન કૉલેજ (જ્યાં તેમણે અભ્યાસ કર્યો), ઇંગ્લેન્ડની સફર, કલકત્તા, નિવાસ, પાંચાળ-ભ્રમણ, શેણીના ગામમાં, સરધાપરપુરના પાળિયા, તુલશીશ્યામ, રાજુલા, સંત રોહિદાસનું ચર્મકાર્ય, જેલવાસ, બોટાદ. આ તો થોડાક જ સંકેત પણ આ બધું આપણા લોકસાહિત્ય ઋષિ મેઘાણીએ કેવા સંજોગોમાં ખેડાણ કર્યું તેના જીવંત સ્મારકો સરખાં છે. રણછોડભાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી છે.
———————————–

પૂર્વાપરવિષ્ણુ પંડ્યા
Comments (0)
Add Comment