જેની પાછળ પડીએ તે દૂર ભાગે છે!

આશા કોઈ જ કારણની ઓશિયાળી નથી હોતી
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

ચીલીના એક મહાન કવિ પેબ્લો નેરુદાએ ક્યાંક કહ્યું છે ઃ ‘આશા કોઈ જ કારણની ઓશિયાળી નથી હોતી અને હકીકતે આશાનાં કોઈ માબાપ હોતાં નથી, દરેક માણસે તેને દત્તક જ લીધી હોય છે.’ જેમણે જેમણે આશા અને ઉમંગના ખજાના ખુલ્લા કર્યા છે તેમણે પોતાના મનના ભંડારો જ માત્ર ખુલ્લા કર્યા છે. આ ખજાનાથી તેમણે ઘણુબધું મેળવ્યું છે અને સંભવ છે કે ઘણુબધું નહીં પણ મેળવ્યું હોય. જેમણે નિરાશાનાં લાખ કારણો વચ્ચે આશાને તદ્દન અકારણ રીતે હૈયાસરસી ચાંપીને જિંદગીનો જંગ ખેલ્યો છે તે જીત્યા છે, અગર બહાદુર માણસની જેમ હાર્યા છે. જેમણે નિરાશાને તાબે થવાનું પસંદ કર્યું તે લડી પણ શક્યા નથી. એટલું જ નહીં, આ બંધનમાંથી નાસી છૂટવાની હિંમત પણ કરી શક્યા નથી! નિરાશા ડગલે ને પગલે તેમને શિક્ષા થવાનો ડર બતાવ્યા કરે છે.

નિષ્ફળ જવાની બીકે તમે પરીક્ષામાં બેસતા નથી. લગભગ તમામ નાના-મોટા મુકાબલા ટાળો છો, પણ તમે જ્યારે આ ડરને દૂર કરીને આગળ વધો છો ત્યારે આખી રમત અને તેની મઝા બદલાઈ જાય છે. ‘એનિમલ ફાર્મ’ અને ‘૧૯૮૪’ જેવી નવલકથાઓના લેખક જ્યોર્જ ઓરવેલનો એક અનુભવ હમણા જાણ્યો ત્યારે તે દ્રષ્ટાંતકથા કે રૃપકકથા જેવો લાગ્યો.

જ્યોર્જ ઓરવેલે બ્રિટનના સામ્રાજ્યવાદના ઝળહળતા સૂરજના દિવસોમાં ઇમ્પિરિયલ પોલીસ સર્વિસમાં સરકારી નોકરી લીધી અને જુવાન ઓરવેલ બર્મામાં પોલીસ અફસર બન્યો. પાંચ વર્ષ સુધી આ પોલીસમેનની નોકરી કર્યા પછી તેણે રાજીનામું આપ્યું, નક્કી કર્યું કે લેખક થવું છે. પેરિસમાં અઢાર મહિના કાઢ્યા ગરીબી અને બેહાલની દશામાં! હોટેલમાં કપ-રકાબી અને વાસણ માંજનાર તરીકે પણ કામ કર્યું. પછી લંડન આવ્યો. લંડનમાં તેણે લેખક થવાની તાલીમના એક ભાગરૃપે જિંદગીના જુદા જુદા અનુભવો લેવાનું નક્કી કર્યંુ. આવા ખ્યાલના એક ભાગરૃપે ઓરવેલે જેલમાં જવાનું નક્કી કર્યું! જ્યોર્જ ઓરવેલને જેલમાં જવું હતું! જેલનો જાત-અનુભવ મેળવવા! જેલમાં જવા માટે શું કરવું? એક મિત્રને તેણે કહ્યું કે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં આગનું તાપણુ કરું તો પોલીસ પકડી જાય કે નહીં? મિત્રે કહ્યું કે આગના તાપણાનું તોફાન કરવા માટે પોલીસ કદાચ પકડશે તો પણ જેલની સજા નહીં થાય! જાહેર સ્થળો પર આવા આગના ઉંબાડા જુવાનિયા કરતા હોય છે! ઠપકો આપશે, દંડો મારશે, ભગાડી મૂકશે! બાકી સજા નહીં થાય! ખરેખર જેલમાં જવું જ હોય તો સાદો અને સીધો રસ્તો ચોરી કરવાનો છે! પણ જેલમાં જવાનો હેતુ સિદ્ધ કરવા માટે એક તમાશારૃપે પણ ચોરી કરવાનું જ્યોર્જ ઓરવેલને પસંદ ના પડ્યું. તેણે તો ટ્રફાલ્ગર સ્ક્વેરમાં આગનું તાપણુ કર્યું! પેલા મિત્રે કહ્યું હતું તેમ પોલીસવાળાઓએ પકડીને છોડી દીધો, પણ જેલનો લહાવો ના મળ્યો!

જ્યોર્જ ઓરવેલ વિશ્વવિખ્યાત લેખક પછી બન્યો. એણે ત્રીસ વર્ષની ઉંમરે વેઠેલી નિષ્ફળતા અને નિરાશાની દશામાં જે જે અખતરા કર્યા તે વખતે તો તેણે આ તખલ્લુસ પણ ધારણ કર્યું નહોતું! તે ત્યારે તો ઇરીક બ્લેર નામનો એક અજાણ્યો માણસ જ હતો, પણ જેલનો અનુભવ લેવા માટે તેણે જે પ્રયોેગ કર્યો તેમાંથી તેને આટલું જાણવા મળ્યું કે જેની પાછળ પડીએ તે દૂર ભાગે છે! પીછો પકડીને આ નસાડવાની શક્તિ એક રચનાત્મક બળ બની શકે છે. તમે જ્યારે ખુલ્લી છાતીએ નિષ્ફળતાને બાથ ભરવા તૈયાર થાઓ છો ત્યારે ઘણુખરું તે તમારી સાથે કુસ્તી કરવા આવતી જ નથી! આવું કેમ બને છે તેનો કોઈ તર્કશુદ્ધ ખુલાસો મળી શક્યો નથી. એક અગર બીજું બનવાની જે પચાસ-પચાસ ટકાની શક્યતા હોય છે તેનું જ કાંઈક ગણિત અહીં લાભકારક રીતે કામ આપતું જોઈ શકાય. અલબત્ત, આછા-પાતળા અનુમાન તરીકે જ આવો ખુલાસો ચાલી શકે. માણસે સૈકાઓના અનુભવમાં એવું જાણ્યું છે કે કેટલીક ચીજોનો પીછો કરવાથી તે દૂર ભાગે છે અને તમે જ્યારે તેનાથી દૂર ભાગો છો ત્યારે તે તમારી પાછળ દોડે છે.
————————————————–.

પંચામૃત. ભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment