અંબુવા કી ડાલી પે બોલે કોયલિયા…

હવે એકવાર પાનખર સાથે જ ચાર ફેરા ફરી લીધા પછી તો વસંતનાં પગલાં થવા અઘરા છે
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

જેને કેળવાવું જ નથી કે કૂણા પડવું જ નથી ને માત્ર જડ જ રહેવું છે તેઓ પાનખરના નકલી વારસાના અસલી દાવેદારો છે

વગડાની વસંત બહુ વરણાગી હોય છે. જે ખેતરોની વચ્ચે ઊંડી ઊતરેલી કેડી જતી હોય એ તો વસંતે બેય બાજુથી એવી ઝૂકેલી હોય કે ગાડું હાંકનારાના બાવડે ઘસરકો કરતી જાય. લીલી કૂંપળ વગડામાં ડાળીએ ડોકિયા કરે છે. વસંત ઋતુ વનચેતનાનું નવીનીકરણ છે. વનશ્રીમાં આ સગવડ છે. દેહાન્તર વિના નવાં પાંદડાંઓ વૃક્ષવેલને મળે છે. હવામાં ફાગણની તાજગી આવવા લાગી છે. આમ્રકુંજોમાં મૉર બેઠો છે. આંબાના મૉરની મહેક કોયલને મત્ત બનાવે છે. જે બોલે છે એ નર કોકિલ છે. લોકમાન્યતા એ છે કે કોયલિયા બોલે છે. કોકિલસ્વરથી વસંતનું મધ્યાહ્ન કોમળ બની જાય છે. આમ્રકુંજોમાં આ મોસમમાં વિહાર કરો તો તમારા પર પંચમસ્વરનો અભિષેક થાય છે. વસંત કોયલના કંઠે બેસીને તમને ઉન્માદક સાદ કરે છે.

વસંત માત્ર ઋતુનું નામ નથી, માનવ સ્વભાવનો એક પ્રકાર છે. કેટલાક લોકોના સ્વભાવ પાનખર જેવા હોય છે. દીકરો કહે કે પપ્પા મને સેલ્સમાં રસ છે. ભલે નાનો પણ મારે બિઝનેસ કરવો છે. એટલે એનો પિતા કહે કે એવા કોઈ ધંધા કરવાના નથી. છાનોમાનો નોકરીએ લાગી જા. આવા દીકરાઓએ આખી જિંદગી ઘરમાં જ રાજ કરતી પાનખર સાથે કામ પાડવાનું આવે છે. એની સામે ગુજરાતીઓમાં એવા પણ દાખલા છે કે પોતાનો એકનો એક ફ્લેટ વેચીને ભાડે રહેવા જઈને દીકરાને બિઝનેસ કરવા માટે પિતાએ મૂડી આપી હોય. જેના ઘરમાં વસંત હોય એની જિંદગી ધન્ય થઈ જાય છે. ન હોય તો એનો મિથ્યા અફસોસ ન કરવો, પ્રયત્ન કરવાથી અને ધીરજ ધરવાથી વસંતની પ્રાણપ્રતિષ્ઠા ઘરમાં થઈ શકે છે.

પત્નીમાં પણ વસંત અને પાનખર એવા બે પ્રકારો છે. મને લાગે છે કે પ્લોટ લઈને બંગલો બનાવીએ એમ પતિ કહે કે તુરત જ પત્ની બોલે – તમને શું ભાન પડે? આપડે કંઈ કોન્ટ્રાક્ટર છીએ? હવે એકવાર પાનખર સાથે જ ચાર ફેરા ફરી લીધા પછી તો વસંતનાં પગલાં થવા અઘરા છે, પરંતુ અને અનામી મહાપુરુષોએ એ પડકાર ઝીલવાનો આવે છે અને તેઓ સાવ ધીમે ધીમે વસંતનું અવતરણ શક્ય બનાવે છે. વસંત નવા સાહસની ઋતુ છે. યાહોમ કરવાની મોસમ છે. જેનો પ્રકૃતિ સાથે તાલમેલ હોય એને વસંત પહેલાં ભીતરથી મળે છે અને બહાર તો એના માત્ર પ્રતિબિંબ હોય છે. એ તો જરા અઘરી કળા છે ને અંતઃકરણની શુદ્ધિએ જ મળે છે, પણ એની મજા એક અલગ છે.

કેટલાક લોકોના સ્વભાવમાં પાનખર ઘર કરી જાય છે. કોઈ પણ નવા આરંભે તેઓ તમને રોકે છે. એમની દલીલો એટલા પૂરતી સાચી હોય છે કે એમાં જ એમણે પસંદ કરેલી વિફળતાઓ ટાઢે કલેજે માણી હોય છે. કેટલાક એવા પણ લોકો છે જે સતત એમ કહેતા હોય છે કે ખોટા ઉત્પાત કરવાને બદલે આ શાન્તિ સારી છે. એમની શાન્તિ ખરેખર પાનખરનો પર્યાય હોય છે. જેની પાસે ગુમાવવા જેવું કશું નથી એને પાનખર પોતાના માળામાં પાળે છે. પાનખર એને હેળવે છે ને પછી ઊડતા પીળા પાંદડાની નાતમાં ભેળવે છે. પાનખર કદી કોઈને કેળવે નહીં, કારણ કે એ કામ તો વસંતનું છે.

જેને કેળવાવું જ નથી કે કૂણા પડવું જ નથી ને માત્ર જડ જ રહેવું છે તેઓ પાનખરના નકલી વારસાના અસલી દાવેદારો છે. એમનું વેરાન એમને આપી દેવું જોઈએ. વસંતધર્મીઓએ એમાં ન પડવું જોઈએ. વસંત તો ભૂલ કરવાની ને નિખાલસ હૈયે ભૂલ સ્વીકારવાની મોસમ છે. ચાલાક લોકોથી વસંત સો ગાઉ દૂર રહે છે. બોલકાઓ પાસે તો કદીકેય વસંત ફરકે છે, પણ કાળમીંઢ શિલા સમા વાકમીંઢ લોકોને તો વસંતની એક પાંદડીય ન અડે. વસંત વાઘા પહેરવામાં નહિ, સત્યરૃપે જેવા હોઈએ એવા દેખાવામાં છે. એનો અર્થ એ નથી કે વસંત ન્યૂડિસ્ટ છે, ખરેખર વસંત સત્યની પક્ષપાતી છે. આ સત્ય એટલે નવઉદઘાટિત સત્ય. જે હમણા જ અંકુરરૃપે પ્રગટ થયું છે. જે હજુ તરોતાજા અને લીલું છે. જે સત્ય એની બહુ પ્રારંભિક અવસ્થાએ છે એને સ્વીકારવાની કળા વસંત પાસેથી શીખવાની છે અને આ એની જ તો મોસમ છે.

રિમાર્ક
સંતન કે સંગ મેં ફાગુન હી માહ હૈ
ઔર કોઈ રંગ નહિ કિંશુક (કેસૂડો) વિવાહ હૈ…!
————————————————–.

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment