અશક્યને પણ શક્ય બનાવ્યું ગાંધીધામના યુવાને

'મન હોય તો માળવે જવાય'
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

જે વ્યક્તિની કરોડરજ્જુ પર ઈજા થઈ હોય તે પોતાના પગ પર ઊભી રહી શકતી નથી, પરંતુ ગાંધીધામનો એક પેરાપ્લેજિક યુવાન કપરી સ્થિતિમાંથી બેઠો થઈને પોતાની જિંદગી સામાન્ય માણસની જેમ જીવી રહ્યો છે. હવે તે પેરાપ્લેજિક દર્દીઓ પોતાના પગભર ઊભા રહી શકે તેવા પ્રયત્ન કરે છે.

‘મન હોય તો માળવે જવાય’ એ કહેવત તો સૌએ સાંભળી જ હશે, પરંતુ મન તો હોય પણ તનનો સાથ જ ન હોય તો માળવે કેમ કરીને જવાય? અદમ્ય ઇચ્છાશક્તિ અને સ્વજનોની સહાયથી તનના સાથ વગર પણ ગાંધીધામનો યુવાન માળવે પહોંચ્યો છે. દિવ્યાંગ લોકો અન્યોની સહાનુભૂતિ, મદદ, સરકારી યોજનાઓનો આધાર ઝંખતા હોય છે, પરંતુ અહીં જે યુવાનની વાત કરવી છે, તે વગર પગે, પોતાના પગભર થયો છે.

ગાંધીધામમાં રહેતા દિનેશ કલવા નામના ૪૫ વર્ષના યુવાનની જીવનકથા સંઘર્ષોથી ભરેલી છે. પાંચ વર્ષથી શરૃ થયેલો સંઘર્ષ આજે ૪૫ વર્ષની વયે પણ પૂરો થયો નથી. જોકે આ સંઘર્ષમાં દિનેશ જ વિજયી નિવડ્યા છે. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થયું. યુવાવયે અકસ્માતમાં કરડોરજ્જુને નુકસાન થયું, કમર નીચેના ભાગે કામ કરવાનું બંધ કર્યું, તેનું પહેલું સંતાન પ્રભુને પ્યારું થયું. જીવન મરણના સંઘર્ષ પછી આજે આ યુવાન કેલીપર અને વૉકરની સહાયથી થોડું ચાલી શકે છે, પોતાનો વ્યવસાય સંભાળી શકે છે, વ્યાયામ કરી શકે છે અને ખાસ તો બે જોડિયાં સંતાનોને પિતા બનીને તેમની સંભાળ લઈ શકે છે. જીવનની તકલીફોમાં હિંમત હાર્યા વગર સતત આગળ વધવું એ જ તેનો જીવનમંત્ર છે.

તેઓ કહે છે, ‘ઈશ્વરે મારી કસોટી કરવાની શરૃઆત બહુ જ નાની ઉંમરે કરી. હું માત્ર પાંચ વર્ષનો હતો અને મારાથી નાના બે ભાઈ હતા ત્યારે માતાનું અવસાન થયું. અમે લોકો મૂળ અમદાવાદના, પરંતુ માતાના અવસાન વખતે હું ગાંધીધામમાં, મારા મોસાળમાં હતો. નાનીએ મને અમદાવાદ ન મોકલ્યો, પોતાની પાસે રાખીને જ મને ઉછેર્યો. છઠ્ઠા ધોરણ સુધી તો નાનીની છત્રછાયામાં હું ભણતો રહ્યો, પરંતુ ત્યાર પછી અમદાવાદમાં ભણતર ચાલુ રહ્યું. જોકે માતાના મૃત્યુનો ઓછાયો સતત મારા પર રહેતો. હું ડિપ્રેશનમાં રહેતો. હું એન્જિનિયર બનવા માગતો હતો, પરંતુ તે સ્વપ્ન પૂરું ન થયું. ધો.૧૨ વિજ્ઞાનમાં હું ફેલ થયો, ફરીથી હું મોસાળમાં આવ્યો, ત્યાં મામાએ મને પોતાના ઇલેક્ટ્રિકના વર્કશોપમાં કામ કરવાનું પ્રોત્સાહન આપ્યું, મેં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ધો. ૧૨ કોમર્સની પરીક્ષા આપી. ત્યાં ફરી વખત અમદાવાદ રહેવાનું થયું. અહીં મેં બી.કોમ.ના કોર્સમાં ઍડ્મિશન લીધું અને સાથે સાથે ઇલેક્ટ્રિકની વસ્તુઓનું રિપેરિંગનું કામ શરૃ કર્યું. ધીમે-ધીમે કામ ખૂબ વધવા લાગ્યું,

‘મારી સાથે ભણતા એક વિદ્યાર્થીને મેં મદદનીશ તરીકે રાખ્યો. છતાં કામમાં પહોંચી શકાતું ન હતું. મારે બીજા વર્ષથી કૉલેજ છોડી દેવી પડી. ૧૮-૧૯ વર્ષની ઉંમરે બેંકની ૩૫ હજારની લોન લઈને ઑટોમેટિક રિવાઇન્ડિંગ મશીન લીધું હતું. હું કામ ખૂબ કરતો હતો, પરંતુ મને તેનાથી સંતોષ ન હતો. પાંચેક વર્ષ મેં આ વર્કશોપ ચલાવ્યું. ત્યાં મને મામા તરફથી શિપિંગના બિઝનેસની ઑફર મળી. હું ફરી ગાંધીધામમાં આવ્યો. ભાગીદારો સાથે મળીને એક મરીન સર્વિસ કંપનીની સ્થાપના કરી. થોડી મુશ્કેલીઓ પછી કામકાજ સરળતાથી થવા લાગ્યું. કંડલા પોર્ટ જ નહીં, પરંતુ ભારતભરના તમામ પોર્ટ પર જહાજોને અમારી કંપની જરૃરી વસ્તુઓ પૂરી પાડે છે. મારા કામના અનુસંધાને હું યુરોપની ટ્રિપ પણ કરી આવ્યો. આ સમયગાળા દરમિયાન મારા પ્રેમલગ્ન હસ્મિતા નામની યુવતી સાથે થયા. હું મારી જાતને ખુશનસીબ માનવા લાગ્યો. ભૂતકાળમાં કરવો પડેલો સંઘર્ષ ભૂલવા લાગ્યો હતો. જાણે જિંદગી એક સુંદર, સીધા અને સરળ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડવા લાગી હતી. પરંતુ….’

જીવનમાં આવતો ‘પરંતુ’ શબ્દ ખૂબ ભયાનક હોય છે. આ વખતે જે વળાંક આવે છે, તે જિંદગીને સંપૂર્ણ બદલી નાખે છે. આવું જ કંઈક દિનેશ સાથે બન્યું હતું.

તેઓ કહે છે, ‘અમારો સંસાર સરસ રીતે ચાલતો હતો. અમારા પરિવારમાં એક સભ્યનો ઉમેરો થવાનો હતો. હું ફરી વખત વિદેશ જવાનું વિચારી રહ્યો હતો. વ્યવસાય વિકસાવવાના પ્લાન ઘડતો હતો, પરંતુ કુદરતને તે મંજૂર ન હતું. ૨૦૦૫ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે હું અલંગમાં કામ પતાવીને ડ્રાઇવર તથા અન્ય બે વ્યક્તિઓ સાથે પરત ફરી રહ્યો હતો ને અમારી ગાડીને ભયાનક અકસ્માત થયો. બીજા બધાને તો ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ, પરંતુ હું આગળ અને પાછળની સીટ વચ્ચે ફસાઈ ગયો હતો. મહામુસીબતે મને બહાર કાઢ્યો, મને ક્યાંય જખમ થયાનાં નિશાન ન હતાં, પણ મારી કમ્મરમાં અસહ્ય દુખાવો થતો હતો, પગનું હલનચલન કરી શકતો ન હતો. દોઢ-બે  કલાક સુધી મને સારવાર ન મળી. આખરે એક ટ્રકના ડ્રાઇવરની કેબિનમાં સૂવડાવીને મને ભચાઉ સુધી લઈ ગયા. ત્યાં સુધીમાં મારા ભાઈઓ, મામાઓ અને મારા ભાગીદારો ભચાઉ આવી ગયા હતા. તેઓ મને ગાડીમાં ગાંધીધામ લઈ ગયા.

‘આ તમામ પ્રવાસ દરમિયાન મને ઘણા આંચકા વાગ્યા હતા. અસહ્ય પીડા થતી હતી. ગાંધીધામમાં લઘુશંકા માટે કેથેડ્રલ મુકાઈ અને પેઇનકિલર અપાઈ. પછી મને અમદાવાદ લઈ જવા સલાહ અપાઈ. એમ્બ્યુલન્સમાં અમદાવાદ ગયા, ઑપરેશન થયું, મારી કરોડરજ્જુમાં ૨ રૉડ, ૪ સ્ક્રુ મુકાયા, પરંતુ મારા પગમાં કોઈ સંવેદન ન હતું. બેસવામાં પણ તકલીફ થતી હતી. આખરે ડૉક્ટરે મારા જીવનની સૌથી આઘાતજનક વાત મને કહી, હું ક્યારેય ચાલી શકવાનો ન હતો. હું હવામાં ઊડવાનાં સપનાં જોતો હતો અને કુદરતે મારી પાસેથી મારા પગ જ છીનવી લીધા.’

આંખમાં આંસુ અને ગળે ડૂમા સાથે તે આગળ કહે છે, ‘જાણે મારી ચારેબાજુ અંધારું છવાઈ ગયું, ક્યાંયથી પ્રકાશનું એક કિરણ પણ નજરે પડતું ન હતું. હું જિંદગી હારી ગયો હતો. આવું મને જ શા માટે? સ્વજનો સાથે હતા પરંતુ હું સાવ એકલો જ હોઉં, આસપાસ ભેંકાર હોય તેવું જ લાગતું હતું. વ્યવસાય, વિદેશગમનની વાત તો ક્યાંય વિસરાઈ ગઈ હતી, રહી હતી માત્ર ચાલી ન શકવાની પીડા. હું પેરાપ્લેજિક થઈ ગયો હતો. હવે મારું ભવિષ્ય શું? મારી પત્ની અને આવનારા બાળકનું શું એવા પ્રશ્ન પજવતા હતા. ખૂબ માનસિક તણાવ સાથે હૉસ્પિટલમાં અઠવાડિયું રહ્યા પછી ઘરે ગયો. ગાંધીધામમાં પણ સતત ડૉક્ટરના કન્સલ્ટેશન માટેની દોડાદોડ, ઇન્ફેક્શન, બેડશોર, સામાન્ય હલનચલનમાં થતી તકલીફ, તાવ જેવી અનેક મુશ્કેલીઓ પીછો છોડતી ન હતી. માનસિક તણાવ રોજ વધતો હતો. તેવામાં જિંદગીનો બીજો મોટો આઘાત લાગ્યો. મારી ગર્ભવતી પત્નીની તબિયત લથડી, સમય પહેલાં બાળકીનો જન્મ કરાવવો પડ્યો, પરંતુ અમે તેને જીવંત જોઈ શકીએ તે પહેલાં જ તેણે અમારી કાયમી વિદાય લીધી. આટલી આફતોમાં કોઈ પણ માણસ તૂટી જાય, પરંતુ મારી પત્ની મારી સાથે એક ચટ્ટાનની માફક ઊભી રહી. સદા સાથ નિભાવવાના મક્કમ ઇરાદા સાથે.’

પોતાની જિંદગીના નવા વળાંક વિશે વાત કરતી વખતે તેઓ કહે છે, ‘હવે અમે જીવન સારી રીતે જીવવા કૃતનિશ્ચયી બન્યાં હતાં. ડૉ. સ્વ.એચ.એલ. ત્રિવેદી પાસે સ્ટેમસેલની ટ્રીટમેન્ટ શરૃ કરી. તેઓ સ્ટેમસેલથી પેરાપ્લેજિક દર્દીઓને ઊભા કરવા અંગે પ્રયોગો કરી રહ્યા હતા અને હું તેમનો બીજો દર્દી હતો. સ્ટેમસેલ આપવાની જવાબદારી મારી પત્નીએ સ્વીકારી, ત્રણ ડોઝ લીધા ૧૫ ટકા ફાયદો થયો પરંતુ પછી હસ્મિતા પર તેની આડઅસર થવા લાગી આથી અમે તે સારવાર બંધ કરી. હવે બાળક વગર જિંદગી અધૂરી લાગતી હતી. આથી આઇ.વી.એફ. ટ્રીટમેન્ટથી પ્રયત્ન કર્યા અને સદ્નસીબે જોડિયાં દીકરા- દીકરીનાં મા- બાપ બન્યાં.’

આ સમયગાળ દરમિયાન દિનેશ પોતાની ઑફિસે જવા લાગ્યા હતા. ગાડીમાં કોઈ બેસાડે, કોઈ ઉતારે અને તે ઑફિસે જઈને કામ કરે, તેવી સ્થિતિ હતી. આથી તેમણે ગાડી ચલાવવાનું નક્કી કર્યું. હેન્ડ ડ્રાઇવિંગવાળી કાર બનાવડાવી અને પોતે સ્વાવલંબી થયા. વ્યાયામ, જિમ વગેરેથી પોતાના શરીરને સજ્જ કર્યું. દિવસના

૫થી ૮ કલાક બેસીને કામ કરી શકે.

જિંદગી થાળે પડતી જોઈને તેમને પોતાના જેવા જ દર્દીઓની વહારે ચડવાના વિચારો આવ્યા. ઑટોમેટિક મોબિલિટી નામનું એક નવા પ્રકારનું સાધન બનાવવા તેમણે પ્રયોગ શરૃ કર્યા. આ નવા સાધનની મદદથી પેરાપ્લેજિક દર્દી કોઈની પણ મદદ વગર ઊઠી શકે છે, પોતાના કામ કરી શકે છે. જે દર્દી વધુ બેસી શકે તેમ ન હોય તે ઊભા ઊભા પણ કામ શકે છે. આ વ્હીલચેરનું કામ પૂર્ણ થવામાં જ છે. તેમ જ પોતાની માતાની યાદમાં ભારતી સ્પાઇનલ ફાઉન્ડેશન બનાવીને પેરાપ્લેજિક દર્દીઓના પુનર્વસન માટેનું સેન્ટર બનાવવા માગે છે. આ માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ ફાઉન્ડેશન કાર્યરત થઈ જશે.

જો માણસ ધારે તો નિરાશાના અથાગ અંધારામાંથી પણ બહાર આવીને સામાન્ય જિંદગી તો જીવતો થઈ જ જાય. સાથે-સાથે અન્યો માટે ઉદાહરણરૃપ કાર્યો કરી શકે છે. આ વાતનું પ્રમાણ દિનેશ કલવાની જિંદગી છે.
———————————-

પાંજોકચ્છ.સુચિતા બોઘાણી
Comments (0)
Add Comment