બર્થ ટૂરિઝમ, મેડિકલ ટૂરિઝમ

અમેરિકાની ધરતી ઉપર જન્મ લેનાર બાળકને અમેરિકન પાસપોર્ટ આપવામાં આવે છે
બર્થ ટૂરિઝમ, મેડિકલ ટૂરિઝમ
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

અમેરિકાની ધરતી ઉપર જો કોઈ પણ બાળક જન્મ લે તો એને ફક્ત જન્મના આધારે જ અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય છે.

જન્મ આપનાર માતા અમેરિકન સિટીઝન હોય, ગ્રીનકાર્ડધારક હોય, પરદેશી હોય અને કોઈ પણ પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશેલ હોય, નૉન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા બાદ એનો ત્યાં રહેવા માટે આપવામાં આવેલો સમય પૂરો થઈ જતાં સ્વદેશ પાછા ન ફરતાં અમેરિકામાં જ ગેરકાયદેસર રહી ગયેલ હોય, વિઝા વગર કેનેડા યા મેક્સિકોની સરહદ ઓળંગીને અમેરિકામાં ઘૂસેલ હોય, એ સ્ત્રી યા એનો પતિ અથવા એના બાળકનો પિતા આતંકવાદી હોય, ગુનેગાર હોય, જેલની સજા ભોગવી ચૂકેલ હોય, દેશદ્રોહી હોય, રોગિષ્ઠ હોય, કંગાળ હોય, અમેરિકામાં પ્રવેશવા તેમ જ રહેવાલાયક ન હોય, પણ એ સ્ત્રી એના બાળકને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપે છે આ કારણસર જ એ બાળકને આપોઆપ અમેરિકાની સિટિઝનશિપ પ્રાપ્ત થાય છે.

અમેરિકાની ધરતી ઉપર જન્મ લેનાર બાળકને અમેરિકન પાસપોર્ટ આપવામાં આવે છે. અમેરિકન સિટીઝનના બધા જ હક્કો એને પ્રાપ્ત થાય છે. એ અમેરિકન સેનેટર બની શકે છે, અમેરિકન પ્રેસિડન્ટ બનવા માટે પણ એ ઉમેદવારી કરી શકે છે. એ બાળક એકવીસ વર્ષનો થાય ત્યાર બાદ એનાં માતા-પિતાને, પત્ની કે પતિને, ભાઈ-બહેનનેે ઇમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ અથવા જુદી જુદી ચાર ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકામાં કાયમ રહેવા માટે આમંત્રી શકે છે. અમેરિકન સિટીઝન હોવાને લીધે વિશ્વના ૧૮૦થી વધુ દેશોમાં પ્રવેશવા માટે એ બાળકને વિઝાની જરૃર નથી રહેતી. જો એ મુશ્કેલીમાં હોય તો વિશ્વના ગમે તે ખૂણામાં એ હોય, અમેરિકાની સરકાર એને સહાય કરે છે. અમેરિકાની અંદર જો એની પાસે નોકરી ન હોય, આર્થિક રીતે એ નબળો હોય તો એને અમેરિકાની સરકાર ફૂડ સ્ટેમ્પ આપે છે. મેડિકલ ટ્રીટમેન્ટ માટે સહાય કરે છે. શાળાનું શિક્ષણ તો એને મફતમાં જ અપાય છે. રહેઠાણ માટે અમેરિકાની સરકાર એને સસ્તા ભાડાના ઘરો આપે છે. આમ અમેરિકાની ધરતી ઉપર જન્મેલ બાળકને અનહદ લાભો પ્રાપ્ત થાય છે.

આ બધાં કારણસર અનેક પરદેશી સ્ત્રીઓ, તેઓ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે, ત્રીજા-ચોથા મહિને, જે વખતે તેઓ ગર્ભવતી છે એની જાણ અન્યોને ન થાય એ વખતે, અમેરિકાના બી-૧/બી-૨ યા અન્ય નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના વિઝા મેળવીને અને અનેક ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અમેરિકામાં પ્રવેશે છે અને ત્યાં એમના બાળકને જન્મ આપે છે, જેથી એ બાળકને અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય. ફક્ત જન્મના આધારે જ અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થતી હોવાને કારણે અનેક અનિચ્છનીય દેશ, ધર્મ, કોમની વ્યક્તિઓને અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય છે. અમેરિકાની સરકારે આથી બાળકને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપનારા ઇરાદાથી જેઓ અમેરિકામાં પ્રવેશવા ઇચ્છતા હોય છે એવા ‘બર્થ ટૂરિઝમ’ને રોકવા એમના નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘બી’ વિઝા, જેની વ્યાખ્યા અમેરિકાના ‘ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ની કલમ ૧૦૧(અ)(૧૫)(બી)માં કરવામાં આવી છે એના નિયમમાં સુધારો કર્યો છે.

આ વર્ષના એટલે કે વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાની ૨૪મી તારીખથી અમેરિકાના ધ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ, બ્યૂરો ઓફ કોન્સ્યુલર એફર્સે, નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘બી’ (બી-૧/બી-૨) વિઝાને લગતા નિયમમાં કરેલ સુધારો અમલમાં આવ્યો છે. આ સુધારેલા નિયમ મુજબ હવેથી જો કોઈ પણ પરદેશી અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય એવા ઇરાદાથી અમેરિકામાં પ્રવેશીને બાળકને જન્મ આપવાનો ઇરાદો ધરાવતી હશે તો એને અમેરિકાના બી-૧/બી-૨ વિઝા આપવામાં નહીં આવે. જો એની પાસે બી-૧/બી-૨ વિઝા હશે તો એને એ હોવા છતાં આવા ઇરાદાઓના કારણે અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. આમ હવેથી અમેરિકાએ ‘બર્થ ટૂરિઝમ’નો અંત આણ્યો છે.

અનેક પરદેશીઓ ‘અમારે અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ લેવી છે’ એવું જણાવીને બી-૧/બી-૨ વિઝાની અરજી કરે છે. આમાંના ઘણા મેડિકલ ટ્રીટમેન્ટનું ખોટું કારણ ફક્ત અમેરિકાના બી-૧/બી-૨ વિઝા મેળવવા માટે આપતા હોય છે. અનેક મેડિકલ ટ્રીટમેન્ટને બહાને બી-૧/બી-૨ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ ત્યાંથી સ્વદેશ પાછા ફરવાનું નામ નથી લેતા. તેઓ અમેરિકામાં જ ગેરકાયદેસર રહી જાય છે. આ કારણસર અમેરિકાની સરકારે હવેથી એમના બી-૧/બી-૨ વિઝાના નિયમોમાં પણ ફેરફાર આણ્યો છે.

જેઓ ‘અમારે મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવું છે અને એ માટે અમને બી-૧/બી-૨ વિઝા આપો’ એવું જણાવીને વિઝાની માગણી કરે એમણે કોન્સ્યુલર ઓફિસરને ખાતરી કરાવી આપવી પડશે, પુરાવાઓ સહિત દેખાડી આપવું પડશે કે અમેરિકાના ડૉક્ટરે અથવા તો ત્યાંની હૉસ્પિટલે એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની તૈયારી દર્શાવી છે, એ માટે એમને સમય આપ્યો છે. મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જે ફી છે એ ફી, અમેરિકા જવાના-આવવાનો, ત્યાં રહેવાનો, પરચૂરણ ખર્ચાનો એમની પાસે પૂરતો બંદોબસ્ત છે. તેઓ કેટલા દિવસ ટ્રીટમેન્ટ લેવાના છે અને એ માટે ક્યાં રહેવાના છે એ પણ દર્શાવવાનું રહેશે. મેડિકલ ટ્રીટમેન્ટ પોતાના દેશમાં ન લેતાં, અન્ય બીજા કોઈ દેશમાં ન લેતાં, અમેરિકામાં જ શા માટે લેવી છે એ પણ એમણે જણાવવાનું રહેશે.

જેઓ એમનાં સંતાનોને અમેરિકાની સિટીઝનશિપ મળે એ માટે એમનો જન્મ અમેરિકામાં જ થાય એવું ઇચ્છે છે એમણે નિયમમાં થયેલ આ ફેરફાર જાણી લેવો જોઈએ. અમેરિકાએ ‘બર્થ ટૂરિઝમ’ હવેથી બંધ કર્યું છે. જેમનો અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટને બહાને ઘૂસવાનો ઇરાદો હોય, એમણે પણ એ જાણી લેવું જોઈએ કે હવેથી ‘મેડિકલ ટૂરિઝમ’નું બહાનું પણ ચાલશે નહીં.
—————————

ડો. સુધીર શાહવિઝાવિમર્શ
Comments (0)
Add Comment