- પ્રવાસન – જિજ્ઞેશ ઠક્કર
પાવાગઢ, માઉન્ટ આબુ જેવું પ્રવાસન સ્થળ બનવાની વિપુલ તકો ભાવનગર જિલ્લાની આ ગિરિમાળામાં રહેલી છે, પરંતુ હજુ સુધી સરકારી તંત્રને તેમાં રસ પડ્યો નથી.
આવળ-બાવળને બોરડી, ઠુમરી ગુંદી ‘ને ઝિપટો આ છે આ ભૂમિની વનસ્પતિ અને આ જંગલ – પહાડોની ભૂમિ તે માળનાથની ડુંગરમાળા. ભાવનગર જિલ્લાની માળનાથ ડુંગરમાળા તેની સુંદરતા, ભવ્યતા, વૈવિધ્યતાના કારણે ઉત્તમ પ્રવાસનધામ બની શકે, પરંતુ સરકારી તંત્રની નજર નહીં પડતા અને ઉપેક્ષાનો ભોગ બનતા તેનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. પૌરાણિક નગરી સિહોરથી શરૃ કરીને તેની ટેકરીઓ દેવગાણા, અગિયાળી, ખોખરા, તણસા ગામોમાં થઈને તળાજા સુધી વિસ્તરેલી છે. તો બીજી તરફ સિહોરથી સર, સખવદર, પાલિતાણા સુધી ફેલાયેલી છે. આમ તો શેત્રુંજી નદીને કાંઠે-કાંઠે તે ગિરિમાળા છેક ગીર સુધી પણ તૂટક-તૂટક જોઈ શકાય છે. મુખ્યત્વે ખોખરા, ભંડારિયા, સાણોદરના ડુંગરા તરીકે ઓળખાય છે. કુદરતે ખોબલે-ખોબલે હરિયાળી સાથેનું સૌંદર્ય વેર્યું છે, પણ કહેવાય છે ને કે જ્યાં સુધી કોઈ આંગળી ન પકડે ત્યાં સુધી ચાલતા શીખવું કપરું છે, એ જ ન્યાયે સાપુતારા જેવું ફરવાલાયક સ્થળ બની શકે તેમ હોવા છતાં માત્ર ડુંગરાઓના નામે માળનાથ સીમિત છે. જો સરકારી તંત્રએ રસ લીધો હોત તો આજે તેનું લોકજીવન, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક મહત્ત્વ ઊડીને આંખે વળગ્યા હોત.
ખૈર, વિકાસ ભલે ન થયો હોય, લોકોના હૃદયમાં તો તેનું સ્થાન હિમાલયથી લગીરે ય ઓછું નથી. ભડી-ભંડારિયા ગામના ઘનસ્થામભાઈ પટેલ જણાવે છે કે, ‘નિત્ય સવાર ય માળનાથના ખોળામાં પડે છે અને રાત પણ તેના સાંનિધ્યમાં પોઢી જવાથી પડે છે. સમગ્ર જીવન ગિરિમાળા સાથે વણાઈ ગયું છે. ખૂણે- ખાંચરે એકલ-દોકલ ઝૂંપડા બાંધીને રહેતા માલધારીઓથી ગીર જેવા દૃશ્યો પણ જોવા મળે છે. ઘાસચારો વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાથી આસપાસનાં ગામોના માલ-ઢોર માટે અહીં સ્વર્ગ સમાન ખાવા-પીવાનું મળી રહે છે. ચોમાસા દરમિયાન ઠેક-ઠેકાણે ઝરણાઓ ફૂટી નીકળે છે. જેની સાથે જીવનનો આટલો નાતો જોડાયેલો હોય એટલે સ્વાભાવિક જ પરગણાના લોકોને લાગણીવશ સંબંધ હોય.’ વિકાસ ઇચ્છતા લોકો ગિરિમાળાનો પ્રવાસનસ્થળ તરીકે વિકાસ ઝંખે છે, પરંતુ કેટલાક માળનાથ પ્રેમીઓ એવા પણ છે કે, તેઓ પ્રવાસીઓ વધુ આવતા થાય તેવું ઇચ્છતા નથી, કારણ કે જેમ વધુ લોકો આવશે તેમ પ્રદૂષણ વધશે, પર્યાવરણને નુકસાન થશે અને ખાસ તો પૈસાની બોલબાલા વધતા પોતીકા કલ્ચરને ગુમાવવાનો વારો આવશે. ડર હોવા છતાં ૨૧મી સદી વિકાસની છે અને જગ્યાનું હાર્દ જળવાઈને તેનું મહત્ત્વ વધે તે જરૃરી છે.
હાલની સ્થિતિએ પણ વિનાશ શરૃ તો થઈ જ ગયો છે. વિકાસ થવાની વાત તો દૂર, ત્યાં ખાણમાફિયાઓએ ડુંગરા તોડવાના શરૃ કરી દીધા છે. વગર મંજૂરીએ થતું કામ તંત્ર અટકાવી શકતું નથી. પરિણામે પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ધર્મની દૃષ્ટિએ પણ પૌરાણિક સ્થળનું મહત્ત્વ લગીરે ય ઓછું આંકી શકાય તેમ નથી. રાજાશાહી સમયનું ૨૦૦ વર્ષ જૂનું માળનાથ મહાદેવનું મંદિર શ્રદ્ધાનું કેન્દ્રબિન્દુ છે. ચારેતરફ હરિયાળા પહાડો વચ્ચે ગોદમાં બિરાજમાન માળનાથદાદાનો નજારો શ્રાવણ મહિનામાં અલૌકિક હોય છે. પરમ શિવભક્ત ખીમશંકરભાઈ દવેએ વાત કરી કે, ‘ભાવનગર રાજ્યના રાજવીઓએ પર્વતમાળામાં મંદિર બંધાવીને પૂજા શરૃ કરી હતી. ત્યાં પાણીનો વિશાળ કુંડ પણ છે. જેમાં સ્નાનાદિ વિધિ કરીને શિવઅનુષ્ઠાન કરી શકાય છે. મંદિરમાં પૂજારી અને જય માળનાથ ગ્રૂપ દ્વારા વર્ષોથી પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. પક્ષીઓના માળા ટૅનામેન્ટ રૃપે પરિસરમાં ગોઠવાયેલા છે. ભાવનગર જિલ્લાનો પક્ષીઓનો સૌથી મોટો મેળો વનવગડામાં જામે છે. દરજીડો, લક્કડખોદ, કબૂતર, ઘુવડ, ચકલી, બુલબુલ, મોર, ચાતક, પોપટ, કોયલ, હોલા, બપૈયા, કાગડા જેવી વૈવિધ્યસભર પક્ષીસૃષ્ટિ ગિરિમાળાનું ગૌરવ છે. જો પહાડો તોડવા ટ્રક, ટ્રેક્ટરનો ઘોંઘાટ વધે નહીં, તો પંખીઓનો કલરવ વાતાવરણને અદ્ભુત નજાકતતા બક્ષે છે. શાંતિ અને એકાંતના કારણે આધ્યાત્મિક શિબિરો, ઍડવેન્ચર સ્પોટ્ર્સને વિકસાવવાની પણ વિપુલ તકો રહેલી છે. ધાવડીમાતાનું મંદિર, વીરોકૂવો, ખોડિયાર ટેકરી જેવા સ્થળોએ કેમ્પસાઈટ બનાવીને ટ્રેકિંગ, પર્વતોરોહણના ઍડવેન્ચર કોર્સ શક્ય છે. ડુંગરના ઢોળાવ પરથી વહેતું વરસાદનું પાણી માળનાથ મહાદેવના પ્રાંગણમાં ઢોળાય છે. અને ત્યાંથી પૂર્વ તેમજ પશ્ચિમે માલેશ્રી ૧,૨ એમ બે નદીઓ રૃપે વહેવા લાગે છે.
વરસો જૂની, માળનાથ ગિરિમાળા પૌરાણિક, ઐતિહાસિક, ભૌગોલિક અને ધાર્મિક સ્થાનનું પર્યાવરણ અત્યંત શુદ્ધ છે. અફાટ વનરાજીમાં ઘાસ, છોડ, ક્ષુપ, વૃક્ષ, મહાવૃક્ષ અને લતાઓના મંડપ વડે રચાતી હરિયાળી નિરખનારની આંખોને ઠંડક આપે છે. માળનાથ ગિરિમથકને વિકસાવવા વિષે ભાવનગરની ગુ.હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય ડૉ. મનહરભાઈ ઠાકરને પૂછતા તેઓએ કહ્યું કે, ‘આંશિક રીતે હાલ છેલ્લાં ૫ાંચ વર્ષથી કંઈક કામ તો થયું છે. સુઝલોન કંપની દ્વારા ટેકરીઓ ઉપર વિન્ડ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે. પવનચક્કીઓ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજી તરફ સ્થાનિક બેરોજગારોને કામ પણ મળ્યું છે. ઉપરાંત બિલ્ડરોની દીર્ઘદૃષ્ટિથી ફાર્મહાઉસ પણ બની રહ્યાં છે! ભલે પ્રોફેશનલ હેતુ હોય, પણ વિકાસની શક્યતા ઊભી કરવી હોય તો તેમાંથી પૈસો બાકાત રહી શકતો નથી. હા, વિકાસના નામે વિનાશ ન થાય તે જ માત્ર જોવાનું છે.’ આમ પણ દરિયામાં મીઠા પાણીનું સરોવર એટલે કે કલ્પસર પ્રોજેક્ટનો જેમને વિચાર આવ્યો હતો તે મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરાના પૂર્વ કુલપતિ ડૉ. અનિલ કાણેએ માળનાથ પર્વતો ઉપર પવનઊર્જા માટે સંશોધન આપેલું છે. જેના દ્વારા ઓખાના દરિયાઈ પટ વિસ્તારની જેમ હજુ વધુ પવનચક્કીઓ સ્થાપીને ઉદ્યોગને મોટું સ્વરૃપ આપી શકાય તેમ છે.
હવે તો આ બૃહદગીરના ઓવારણા ગીરના સાવજોએ પણ લીધા છે. વારંવાર જંગલમાં તેના આંટાફેરા શરૃ થઈ ગયા છે. જોકે બીજી તરફ ડાલામથ્થાનો વસવાટ વધતાં માલધારીઓનું પશુધન અને ખેતર-વાડીઓના ખેડૂતો ભયભીત પણ છે. આખોય ગિરિપંથક ક્યારેક સાવજોની ડણકોથી ગર્જી ઊઠે તેવું હવે બનવા લાગ્યું છે. પહાડોની વચમાં થોડી ઘણી સપાટ ભોમકા ઉપર માલધારીઓના નેસડાની સંસ્કૃતિ દર્શનીય લાગે છે. તણસા ગામથી અરવિંદભાઈ સોઢા વાતચીતમાં જણાવે છે કે, ‘સૌથી રમણીય સ્થળ તો ડુંગરોમાં આવેલું મહાદેવગાળાનું સ્થાન છે. ત્યાં ભાવનગર- સોમનાથ હાઈવે પર સાણોદરના પાટિયાથી પહોંચાય છે. ઘટાટોપ વડલાઓની શીળી છાયા તળે ખુલ્લા ઓટલા ઉપર શિવલિંગનું સ્થાપન અને ઓટલાને અડીને વહેતી પહાડી નદીનું દૃશ્ય હૃદયંગમ છે. સાધ્વીઓ તપશ્ચર્યા કરે છે. તેમણે ગાયોની સેવા માટે ગૌશાળા બનાવી છે. જવલ્લે જ આવતા યાત્રિકો માટે પ્રસાદ બનાવવાની પણ વ્યવસ્થા છે. ગાયોનું દૂધ પણ આપે છે. પોતાના માટે સીધું સામાન લઈને કોઈ પર્યટકો અહીં પહોંચીને રસોઈ બનાવે તેવી વ્યવસ્થા છે. નૈસર્ગિક સંપત્તિનો આહ્લાદક નજારો ધરાવતું આ સ્થાન એકાંતવાસી માટે આધ્યાત્મિક ઉત્થાનનું કેન્દ્રબિન્દુ છે.’ સિહોરથી તળાજા તરફ ૫૦ કિલોમીટરની તૂટક-તૂટક ગિરિમાળા પર સૌથી ઊંચું શિખર ૫૨૦ ફૂટની ઊંચાઈ ધરાવે છે. જો સરકારી વિભાગોને રસ ન હોય અને કોઈ ખાનગી ધોરણે પણ વિકાસ કરવા ઇચ્છે તો પેરા ગ્લાઇડિંગ, રૉક ક્લાઇમ્બિંગી, કેમ્પિંગ દ્વારા આર્થિક ઉપાર્જન પણ મેળવી શકાય તેમ છે. અત્યાર સુધી તો પ્રવાસન વધારવા કોઈ કામ થયું નથી. કદાચ ભવિષ્યમાં થાય તો ખબર નથી અને એ પણ ખાણિયાઓ બધા ડુંગરા તોડીને સપાટ મેદાન બનાવી દે એ પહેલાં..!
——————————