- પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર
અમદાવાદની માનસિક આરોગ્યની હૉસ્પિટલના તબીબોએ કરેલી ચકાસણીમાં કચ્છમાં રહેતાં બાળકનો આઇ. ક્યુ. ૧૯૦ આવ્યો છે, જે આઇન્સ્ટાઇનના આઇ. ક્યુ. કરતાં ૩૦ જેટલો વધુ છે.
મનુષ્યમાં બુદ્ધિ હોવાના કારણે જ તે બીજા બધાં જ પ્રાણીઓથી ચડિયાતો સાબિત થયો છે. બુદ્ધિ ઈશ્વરદત્ત ભેટ છે. નાનપણથી જ બાળકની બુદ્ધિ વિશે એક સર્વસામાન્ય ખ્યાલ બાંધી શકાય છે. આજના જમાનામાં કોની કેટલી બુદ્ધિ છે તે વિવિધ પ્રકારના ટેસ્ટથી ચકાસી શકાય છે. વ્યક્તિની બુદ્ધિમત્તા અને તર્ક કરવાની ક્ષમતાને રજૂ કરતા આંકડાને તેનો આઇ. ક્યુ. કહેવાય છે. આ આંકડા પરથી કેટલી બુદ્ધિ છે તેનો ખ્યાલ આવી શકે. વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જમાનામાં આવા ટેસ્ટ ન હતા, પરંતુ તેમણે કરેલા સંશોધન, તેમનાં લખાણો વગેરે પરથી નિષ્ણાતોએ તેમનો આઇ. ક્યુ. ૧૬૦ હોવાનું તારણ કાઢ્યું છે. કચ્છના મુન્દ્રા તાલુકાના નાનકડા ગામ સમાઘોઘામાં આવો જ એક બાળક વસે છે. અમદાવાદની માનસિક આરોગ્યની હૉસ્પિટલના તબીબોએ કરેલી વિવિધ ચકાસણીના અંતે તેનો આઇ. ક્યુ. ૧૯૦ હોવાનું જણાયું છે. આમ આ બાળકની બુદ્ધિમત્તા આઇન્સ્ટાઇનથી ચડિયાતી સાબિત થઈ છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલે મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે રહીને ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ મિશ્રા અને એમ.એસ.(આઇ.ટી.) થયેલા અભિશિખાનો પુત્ર અથર્વ અત્યારે ભલે ૬ વર્ષનો છે, પરંતુ તેની માનસિક ઉંમર તેનાથી બમણી એટલે ૧૩ વર્ષની હોવાનું નિષ્ણાતો જણાવે છે.
પોતાના પુત્ર વિશે ગર્વ વ્યક્ત કરતા પિતા જયપ્રકાશ જણાવે છે કે, ‘મારો બાળક જન્મથી જ હોશિયાર છે. એક પિતા પુત્રના વખાણ કરે તે રીતે હું આ વાત કરતો નથી, પરંતુ તેના વિશેનો તદ્દન તટસ્થ અભિપ્રાય આવો છે. તે ૨-૩ વર્ષનો હતો ત્યારથી જ તેની પ્રવૃત્તિ તેની ઉંમરનાં અન્ય બાળકોથી અલગ હતી. તેને જે કંઈ પણ શીખવીએ તે બધું જ એક જ વખતમાં તેને યાદ રહી જતું. ભાંખોડિયા ભરવા, બેસવું કે ચાલવું જેવી કુદરતી ક્રિયાઓ પણ તેણે બહુ નાની ઉંમરમાં જ શરૃ કરી હતી. આંકડા કે કક્કો કે ઘડિયા જેવી પાયાની વસ્તુઓ શીખતા સામાન્ય બાળકને ઘણો સમય લાગે છે જ્યારે અથર્વને એક જ વખતમાં બધું જ યાદ રહી જતું હતું. તે માત્ર યાદશક્તિના આધારે નહીં, પણ સમજણપૂર્વક બધું શીખતો હતો. અત્યારે ધો. બેમાં ભણે છે, પરંતુ ધો. ૯ના ગણિતના દાખલા અને વિજ્ઞાનના સિદ્ધાંતો તે સહેલાઈથી શીખે છે. થોડો તોફાની, રમતિયાળ એવો અથર્વ કોઈ જ જાતના તણાવ વગર દિવસમાં બે- ત્રણ કલાક ભણે છે. તેની માતા અને હું તેને ભણાવીએ છીએ.’
તેની આઇ. ક્યુ. ટેસ્ટ કરાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘તે એટલો બુદ્ધિશાળી છે કે અમે તેને સીધું ધો. ૧૦ કરાવવા વિચાર્યું, આ માટે મેં બોર્ડમાં તપાસ કરી તો ત્યાંથી જાણવા મળ્યું કે તેની માનસિક ક્ષમતાની ટેસ્ટ કરાવવી જરૃરી છે. આથી અમે તેની આઇ. ક્યુ. ટેસ્ટ કરાવી.’
અથર્વનાં માતા અભિશિખા કહે છે, ‘મને તે બીજા બાળકોથી કંઈક અલગ હોવાની સાબિતી તેની ૨-૩ દિવસની ઉંમરથી મળવા લાગી હતી. સામાન્ય બાળક જ્યારે હજુ સરખી રીતે હસી પણ શકતા નથી ત્યારે તે મારા, તેના પિતાના કે અન્યોના અવાજને અલગ અલગ રીતે પ્રતિભાવ આપતો હતો. તે છ માસનો હતો ત્યારે હું માંદી પડી હતી ત્યારે તે એટલી નાની ઉંમરે પણ મને તકલીફ ન થાય તેનું ધ્યાન રાખતો હતો. મેં તેને સરવાળા, બાદબાકી કે ગુણાકાર, ભાગાકાર કંઈ જ શીખવ્યું નથી. તેણે પોતે જ અંક અને ઘડિયા શીખીને આગળનું બધું જ શીખી લીધું હતું. અત્યારે તે તેની ઉંમરના બાળક કરતાં મોટી ઉંમરના બાળકો સાથે જ રમવાનું વધુ પસંદ કરે છે. જો પૂરતું માર્ગદર્શન અને ટેકો મળે તો અમે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ લઈ જવા ઇચ્છીએ છીએ.’
૬ વર્ષની ઉંમરનો અથર્વ ન્યુટન અને મિસાઇલમેન એ.પી.જે. અબ્દુલ કલામને પોતાના રોલ-મૉડેલ ગણાવે છે. મોટો થઈને તે વૈજ્ઞાનિક બનીને આર્ટિફિશિયલ ઓઝોન લેયર બનાવીને લોકોને સ્કિન કૅન્સરથી બચાવવા માગે છે. અત્યારે તે બ્લોકના રમકડાંથી રમે છે, પરંતુ તેમાંથી તે પ્લેન, મિસાઇલ કે રૉકેટ જ બનાવે છે. તે ઇન્ટરનેટ પર પોતાના પસંદગીના વિષયો વિશે ખૂબ વાંચે છે, પરંતુ ટી.વી.માં તેને કાર્ટૂન અને ડિસ્કવરી કિડ્સ ચેનલ્સ જોવાનું વિશેષ પસંદ છે.
મધ્યમ વર્ગીય પરિવારનો આ બાળક આગળ વધે તે માટે જરૃર છે તેને યોગ્ય માર્ગદર્શનની અને પૂરતા આર્થિક સહકારની. જો માર્ગદર્શન મળે તો ભવિષ્યમાં આ બાળક દેશની બહુમૂલ્ય સંપત્તિ સાબિત થશે તે નક્કી છે.
——————————