સ્વદેશી સાત્ત્વિક સુપર ફૂડ

સત્તુ ઉમદા અન્ન ગણાતું. 
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

મોંઘું ને માથાકૂટિયું ખાવાની પશુહઠ કામની નથી
સારું
ને સાચું ના ખવડાવવાની રીત આપણી નથી

ઉનાળો આવી પહોંચ્યો છે. ઘણાને હાશ થઈ. ઘણાને ગભરામણ શરૃ થઈ. સ્વાભાવિક છે શિયાળામાં બીજું બધું જે હોય તે, ખાવાની મોજ પડે. ઉનાળામાં ખાવું તો શું ખાવું એ દઝાડતો પ્રશ્ન હોય છે. વળી, સવારથી રાત સુધીની પરેશાન કરી નાખતી ગરમીમાં ઓછી વાર ‘ને ઓછું ખાઈએ તો થોડું સારું લાગતું હોય છે. જે શાકભાજી મળે એ જાણે કે બત્રીસ વર્ષની ઉંમરે બત્રીસ સુકુમારને ના પાડી ચૂકેલી સુકન્યાને પહેલી વાર પરણવા જે સુવર મળે એવા હોય. પાણી ‘ને પીણા પીધે રાખો એમાં પેટ ખાલી જ ના થાય. પાછું પરસેવામાં શરીરની ખાસી એવી તાકાત વહી જાય. રોજિંદી રોટલી ‘ને ભાખરી યાદ રહી જાય એટલી જ ખવાય. એવામાં કદાચ જીભને સ્વાદ પછી મળે તો ચાલે, પણ શરીરને પોષણ તો પહેલા નંબરે જોઈએ જ. નમક, વિટામિન સી તથા દૂધ, છાશ ‘ને આઇસક્રીમ ગ્રહણ કરીએ, પણ તેની મર્યાદા હોય. ટેટી, તરબૂચ ‘ને કેરી કે પછી કેવળ કાળી દ્રાક્ષ ખાઈને યા તો વિષ્ણુની કૃપા મેળવનાર અસામાન્ય યોગી કે પછી લક્ષ્મીની કૃપા મેળવનાર વિશેષ ભોગી આખો ઉનાળો કાઢી શકે. આપણે તો ઉનાળામાં સ્વસ્થ રહેવા શું ખાવું સારું એ જાણવું પડે.

ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે આયુર્વેદમાં અમુક ચીજથી દૂર રહેવાનું કહેલું છે. નદીનું પાણી, દિવસની નિદ્રા, અતિ પરિશ્રમ અને સત્તુ. ધર્મ અંગેના શાસ્ત્ર કહેતાં કે નદી ચાતુર્માસમાં રજસ્વલા થાય એટલે એને આરામ આપવાનો. ભારત જેવા દેશમાં એક હિન્દુને વૈદ્ય દ્વારા પણ ગંગા કે યમુના નદીના પાણીથી દૂર રહેવાનું કહેવામાં આવતું. આયુર્વેદનું કહેલું માનીને સમજુ લોકો વર્ષા કાળમાં કસરત ‘ને મૈથુન માપમાં રાખતાં. સૂર્યની હાજરીમાં સંસારી પણ સળંગ જાગતાં. વરસાદના વખત માટેના અન્ય ઘણા નિયમો લોકો પાળતાં. સત્તુ ઘરમાં હોય તોય તેને અડતાં નહીં. અંગ્રેજી માધ્યમ, વિદેશી સગાંઓ ‘ને બજારિયા ફૂડને લીધે અમુક જણને ખબર નહીં હોય કે સત્તુ ખાવાની ચીજ છે. અમુક ભારતીયો રોજ ખાવામાં સત્તુના ઉપયોગથી ટેવાયેલા. છતાં એ જમાનામાં પહેલો વરસાદ પડે એટલે સત્તુ ખાવાનું બંધ કરવામાં આવતું, સિવાય કે દવા તરીકે કામમાં લેવાનું હોય. આયુર્વેદ કહે છે, ઉનાળામાં સત્તુનો લાભ ઉઠાવો.

હિન્દીમાં સત્તૂ લખાય છે. ભારતમાં વિવિધ ભાષામાં તેને સાતૂચેંપીઠ, છાતુગુરિ ‘ને સાતુ કહેવાય છે. છાતુઆ, ચત્તુ ‘ને સત્ત્વ. સંસ્કૃતમાં સક્તુ. ઘણા માનતા હશે કે સત્યનું સત, સદ દર્શક સત ‘ને સાત સંખ્યા સત્તુ સાથે જોડાયેલા છે, પણ એવું નથી. ફિજી, ત્રિનિદાદ ‘ને નેપાળ સહિત સમસ્ત ભારતીય ઉપખંડમાં ઠેર-ઠેર ખવાતી આઇટમ સત્તુ એટલે શેકેલા એકદલ કે દ્વિદલ અનાજનો કકરો લોટ. આપણે ત્યાં મૂળે જવનું સત્તુ ખવાતું. બિહાર સાથે સત્તુનું નામ સજ્જડ રીતે જોડાયેલું છે. કહે છે નંદ વંશ હતો ત્યારથી ત્યાં સત્તુ ખવાય છે. વેલ, ઋગ્વેદના દશમ મંડળના ઇકોતેરમા સૂક્તમાં સત્તુનું નામ છે. સક્તુમિવ તિત ઉના પુનન્તો યત્ર ધીરા મનસા વાચમક્રત. ઋષિ જણાવે છે કે જેવી રીતે સક્તુ બનાવવા માટે જવને શેકીને બરાબર શુદ્ધ કરવામાં આવે છે તેમ સમજદાર માણસ બોલ્યા પહેલાં વિચાર કરીને શબ્દો શુદ્ધ કરે છે. સત્તુ બનાવવાની રીતનું ખાસ મહત્ત્વ હતું, સત્તુ ઉમદા અન્ન ગણાતું.

મહાભારતમાં પણ સત્તુનો ઉલ્લેખ છે. મહાભારતમાં એક ઉપદેશમાં કહ્યું છે કે રાત્રે કોઈ પણ સંજોગોમાં દહીં તેમ જ સત્તુ ના ખવાય. રાત્રે દહીં ના ખવાય, અક્કલ ઓછી થાય એ ઘણાને માલૂમ હશે. માન્યતાની દુનિયામાં આગળ વધીને રાત્રે દહીં કે સત્તુ ખાવાથી લક્ષ્મી ના આવે કે જતી રહે તેમ કહેવાય છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયા પર વિષ્ણુની અક્ષત વડે પૂજા કરવા સાથે ઉત્તમ સત્તુ ધરાવવાનું કહ્યું છે. વ્રત અંગેનાં પુસ્તકોમાં લખ્યું છે એ મુજબ અમુક વ્રત કરતી વેળાએ પણ સત્તુ ખાઈ શકાય છે જેમ કે તુલાપુરુષકૃચ્છ્ર વ્રત ‘ને યામ્યકૃચ્છ્ર વ્રત. આ તો ઠીક, શિવજીને સત્તુ ચઢાવવાની પરંપરા છે. વિશેષતઃ શ્રાવણ માસમાં.  શિવજીને શ્રાવણના દરેક સોમવારે ક્રમશઃ એક મુઠ્ઠી ચોખા, સફેદ તલ, લીલા મગ, જવ અને પાંચમો સોમવાર આવતો હોય તો સત્તુ ચઢાવવામાં આવે છે. જ્યોતિષવિદ્યા પણ સત્તુને માને છે, તુલા રાશિ માટે શુક્રવારે લાલ ગાયને જવનું સત્તુ બનાવીને ખવડાવવાની સલાહ છે.

મહાભારતની અર્ધા સોનાના નોળિયાની સ્ટોરી ફેમસ છે. એક ગરીબ ‘ને સજ્જન કુટુંબ હોય છે. કુટુંબને ખાવા માંડ થોડો સાથવો હોય છે. ભૂખ્યા મહેમાન આવે છે તો પ્રેમથી એમને આપે છે. એ સાથવાની રજકણને કારણે એ નોળિયો સોનાનો થયેલો, રજકણો પૂરતી નહોતી એટલે અર્ધો જ સોનાનો થયેલો. એ નોળિયો પૂર્ણ સોનાનો થવા અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિના સમયે આવી પહોંચેલો. પણ, ધાર્યું પરિણામ ના આવ્યું. નોળિયાએ ઉપસંહાર કરતાં કહ્યું કે, એ સેવાયજ્ઞની પરિસમાપ્તિ પછી મારા નજીકના દરમાંથી બહાર નીકળીને એ અતિથિના એંઠા પતરાળા પર હું આળોટ્યો. એ પતરાળામાં લગીર સાથવો હતો. તેના સ્પર્શથી મારું અડધું શરીર સોનાનું થયું. બાકીનું અડધું શરીર સોનાનું કરવા જ્યાં જ્યાં યજ્ઞ થાય છે ત્યાં હું પહોંચી જાઉં છું. રાજા યુધિષ્ઠિરના વિશાળ યજ્ઞની વાત સાંભળીને હું અહીં પણ આવી પહોંચ્યો, પરંતુ યજ્ઞભૂમિમાં આળોટવા છતાં મારું શેષ શરીર સોનાનું ના થઈ શક્યું. એટલે જ મારા અનુભવના આધાર પર કહું છું કે આ યજ્ઞ કરતાં પેલો યજ્ઞ શ્રેષ્ઠ હતો. ભૂખ્યાને ભોજન આપવાનો આત્મસમર્પણ ભાવથી ભરેલો એ જે યજ્ઞ થયેલો હતો એની આગળ અશ્વમેધ અને રાજસૂય યજ્ઞની પણ વિસાત નથી.

ભાવનગરના પાલિતાણાથી દોઢેક કિલોમીટર સૂર શ્રી સતુઆબાબા આશ્રમ આવેલો છે. કહે છે કે સતુઆબાબાએ ગંગાકિનારે બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરીને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. સતુઆબાબા ભારતના એક સમયના સૌથી પ્રસિદ્ધ સંત એવમ યોગીમાંના એક હતા. ગુજરાતમાં આવેલા એ સ્થાનકના ટ્રસ્ટીઓ જણાવે છે કે શ્રી સતુઆબાબા કે જેનું મૂળ નામ જેઠાદાદા હતું તે યાત્રાળુ ભિક્ષુકોને સાથવો આપતા એટલે તેઓ સતુઆબાબા તરીકે ઓળખાવા લાગ્યા હતા. સાથવો જવનો હોય કે ચણાનો હોય. જસ્ટ ઇમેજિન કે યુવાની અથવા જુવાની શબ્દ જેના પરથી આવ્યો છે એ જવ જેને સંસ્કૃતમાં યવ કહેવાય તેનો રેડી ઈટ સાથવો દાનમાં આપવો એ કેટલી ઊંડી સૂઝની વાત છે. આજે પાડા જેવા રઇસ લોકો વેઇટ લોસ ‘ને બેટર હેલ્થ માટે ડાએટિશ્યન યા ન્યૂટ્રિશનિસ્ટની સલાહ પર જવ ખાય છે. જો સાથવો ચણાનો હોય તો લાંબું કશું કહેવાની જરૃર નથી, ચણા હોર્સ પાવર શબ્દના કારણ એવા ઘોડાને તાકાત ‘ને આનંદ આપે છે.

આપણે ત્યાં એવું નથી કે ફક્ત હિન્દુ હોય એ જ સત્તુ ખાય છે. સત્તુ ભારત કે મૂળ ભારતીયોની વાનગી છે. જૈન ચોપડીઓ અનુસાર વર્ધમાન લૂખી કોદરી, સત્તુ તથા લૂખા અડદ ઉપર જ આઠ મહિના ખેંચી કાઢતા. કેરલાનો ખ્રિસ્તી હોય કે કોલકતા કે તેલંગણાનો મુસ્લિમ, આપણને સત્તુ વારસામાં મળેલી ચીજ છે. હા, શહેરી ‘ને વિદેશી વ્યંજન તેમ જ માંસની બોલબાલા વધી એમ સત્તુ ક્યાંક ભૂલાયું. કે પછી પૈસા ‘ને પશ્ચિમની અસર હેઠળ ગરીબોનો ખોરાક કહેવાયો. અલબત્ત, હવે સમય બદલાઈ રહ્યો છે. કૂકરી શૉ ‘ને ઓનલાઇન શોપિંગના જમાનામાં સત્તુનો ભાવ પૂછાવા લાગ્યો છે ‘ને વધવાય લાગ્યો છે. ગુજરાતીમાં આપણે એને સાથવો કહીએ છીએ. એક જમાનામાં પરંપરા, કર્મ કે સુરક્ષાના કારણે યાત્રી કોઈના ઘરનું ખાતા નહીં. માર્ગમાં કે બહાર વેચાતું ખાવાનું આજની જેમ પહેલાં નહોતું મળતું. વળી બધાં પાસે બહારનું ખાવા કે ઘર બહારનાને ખવડાવવાના પૈસા ના હોય. ત્યારે સાથે રાખેલું સત્તુ સાથ આપતું. આપણે પાછા ગમતી ખાવાની વસ્તુને અંતે ઓ લગાડવાના શોખીન. ચેવડો, લાડવો ‘ને ફાફડો. અતઃ સાથવો.

ખાવામાં પણ આ લોકો સાથવો ખાય. (સાથવો એટલે ચણા, જુવાર, ઘઉંને શેકીને એને દળી નાખે.) આ લોટ બજારમાં તૈયાર મળે, એમાં જરા મીઠું નાખીને વાસણ હોય તો તેમાં, નહીં તો કપડામાં થોડું પાણી નાખીને એનાં મૂઠિયાં વાળે, એક મૂઠિયું મોંમાં મૂકે ને ઉપરથી મૂળા, કાકડી, ટમેટાં – જે કાચું શાક મળે તે મીઠું લઈને ખાય. આ જ એમનો ખોરાક. સાવ ગરીબ પ્રજા.

આ ફકરો ગાંધીજીના જોડીદાર મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ લિખિત પુસ્તક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ માંહે ‘અગિયાર – રચનાકાર્યનો પ્રથમ અનુભવઃ ચંપારણ’ પ્રકરણમાંથી લીધેલો છે. એમની વાત સાચી છે કે સાથવો સામાન્ય રીતે બજારમાં તૈયાર મળે છે. બિહાર ‘ને અન્ય પૂર્વી રાજ્યમાં ગૃહ કે મહિલા ઉદ્યોગ થકી ભારતીય મનુષ્યોના હિત માટે સાથવો કામ આવ્યો છે. આજે રો યાને અનકૂકડ સલાડ ‘ને પ્રોટીન સાથે કમ્પ્લીટ ફૂડનો મહિમા છે. લોકોને સરળ ‘ને ઝટપટ ખાવાનું જોઈએ છે. લોકોને સ્વાદ સાથે પોષણ પણ જોઈએ છે. ત્યારે સાથવો સાચા અર્થમાં માનવીને સાથ આપે એમ છે.

સાથવો ઝાપટનારને દરેક અનાજ વિષે જાણકારી હોય તો સારું પડે. ઓરિસ્સામાં કાજુ, બદામ, બાજરી, જવ ‘ને ચણાનો સાથવો બને છે. તેમાં જુવાર ‘ને મકાઈ પણ ઉમેરી શકાય. શરીર ઉતારવું હોય ‘ને ઘઉંનો સાથવો હબેડે તો ખોટું કહેવાય. ઉનાળામાં બાજરી જેને ટેવ હોય એને જ માફક આવે, બાકી ગરમ પડે. પાતળી કે દૂબળો હોય એ જુવાર ખાધે રાખે તો રહી સહી ચરબી પણ ઓગળી જઈ શકે. બેશક બજારમાંથી જે અનાજનો સાથવો બનાવવો હોય તે લાવવું પડે, સિવાય કે આપના પોતાના ખેતર કે દુકાનમાંથી ઘરે આવી જાય. મધુપ્રમેહ કે વાયુની તકલીફ હોય એના માટે ચોખા નકામા. ઓવરઓલ જવ સૌથી શ્રેષ્ઠ છે. જવ અપવાદ સિવાય કોઈ ઇન્સાનને નુકસાન ના કરે. જવનો ઓરિજિનલ સાથવો બનાવવો હોય કે ચણાનો કે પછી મિક્સ, ઘરે બનાવી શકાય.

જવ કે ચણા આઠથી દસ કલાક પલાળી રાખવા. અહીં સામાન્ય સમજ હોવી જોઈએ કે આરપાર ના હોય તેવું વાસણ હોવું જોઈએ ‘ને પલાળવા મૂક્યા પછી થોડીઘણી હવા અંદર રહે તેમ ઢાંકેલું પણ. અનાજ પલળી જાય પછી પાણી સાથવો બનાવવાના કશા કામમાં નથી આવવાનું એટલે વધારે પડતું પાણી ના લો તો સારું. અનાજ પલળવાની ક્રિયા દરમિયાન અનાજમાં રહેલાં અમુક તત્ત્વ ચેતનવંતા થાય છે ‘ને વધુ વિકસિત થાય છે. અનાજ પલળી જાય પછી પાણી અલગ કરી અનાજને સૂકવવા મૂકી દેવાનું. ભીનું અનાજ સૂકાતાં પાંચેક કલાક થાય, વાતાવરણ પર આધાર. ત્યાર બાદ એ અનાજ ધીમા તાપે શેકવાનું, થોડીથોડી વારે હલાવતા રહેવાનું. હવે તો યોગ્ય ગુણવત્તાના નોનસ્ટિક વાસણ મળે છે. મૂળે રેતી સાથે શેકવામાં આવતાં. તેમ કરવાથી બળી જવાની શક્યતા ઓછી ‘ને બરાબર શેકાય એ અલગ. અનાજ શેકાય એટલે એને થોડું કકરું દળી નાખવાનું. ખલ કે ઘંટી ફાવે એને જ ફાવે.

ચણાનો સાથવો બનાવવા બજારમાંથી ફોતરાંવાળા શેકેલા ચણા લાવી શકાય. તેને સીધા જ કકરા રહે એમ ક્રશ કરી કાઢો એટલે ચણાનો સાથવો તૈયાર. જો પોતાની વ્યક્તિગત રેસિપી પ્રમાણે ફોતરાં વગરના ચણા કે ચણાની દાળ કામમાં લો તો ફાઇબર ગુમાવવાથી થતાં નુકસાન માટે તૈયાર રહેવું પડે. અહીં બીજું એ સમજવાનું છે કે બેસન એ ફોતરાં વિનાના ચણાનો સીધો લોટ છે. ભાતને વાટી કાઢો એટલે ખીચુ ના બને. ચણાનો લોટ કે જવનો લોટ શેકી નાખો એને સાથવો ના કહેવાય, એ બનાવટને પોતાની રીતે કોઈ નવું નામ આપી શકાય. સાથવામાં અનાજ પિસાઈ જાય તે સાથે જ મરી, સિંધવ લૂણ ‘ને અન્ય કોઈ પસંદગી કે પ્લાનિંગ મુજબ મસાલા ભેળવી શકાય છે. સાથવો ઘણો લાંબો સમય રાખવો હોય તો અન્ય લોટની સાચવણી માટે જે તકેદારી રાખીએ છીએ એ સાવચેતી રાખી લેવાની. આ સાથવો સીધો જ ખાઈ શકાય. કે પછી સાથવાને ઇન્ગ્રિડિયન્ટ અર્થાત ઘટક દ્રવ્ય તરીકે વિવિધ રેસિપી અર્થાત પાકકૃતિમાં વાપરી અવનવી આઇટમ બનાવી શકો છો.

રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા જેવાં રાજ્યોમાં ગરમીના સમયે સત્તુનું શરબત ખૂબ લોકપ્રિય હોય છે. શરબત ગળ્યું તેમ જ ખારું એમ બંને સ્વાદમાં બને છે. ભાતભાતના એસેન્સ તથા પ્રિઝર્વેટિવ્સ પ્રકારના કેમિકલ્સથી ભરપૂર શરબત પીવાને બદલે સત્તુનું શરબત આ સિઝન સિવાય પણ શરીર માટે સુરક્ષિત ‘ને સ્વાસ્થ્યપ્રદ છે. ઠંડક સાથે હાશકારો આપે ‘ને સાથે લૂથી પણ બચાવે છે. જરૃર મુજબ સાથવો લઈ તેમાં ધીરે-ધીરે કરીને પાણી રેડવું. એની લૂગદી બને એમ પછી વધુ પાણી રેડવું. એક સાથે પાણી ઉમેરવાથી લોટના ગઠ્ઠા રહી જશે. સાથવો સરસ મિશ્ર થઈ જાય એમ પૂરતું પાણી ઉમેરાઈ જાય પછી ફુદીનાનો ભુક્કો કે માવો યા રસ ઉમેરવો. સ્વાદ અનુસાર લીંબુનો રસ, સંચળ, કાળાં મરી, શેકેલો જીરા પાઉડર ઉમેરવો. ઉનાળા માટેનું સ્પેશિયલ હેલ્થ ડ્રિન્ક બનાવવા માટે તેમાં કાંદાનો રસ ઉમેરવામાં આવે છે. જરૃરિયાત મુજબ ગોળ કે ખડી સાકર ઉમેરવા. ફક્ત ગળ્યું શરબત બનાવવા સંચળ નહીં નાખવાનું.

વારુ, ખરી વાત તો એ છે કે ગુજરાતીઓના સારા માટે સત્તુ શરબતનો ધંધો કરી શકાય. ધંધો ના કરવો હોય તો પોતાના શરીર ‘ને એ સાથે મનનું સારું કરવા આ સાથવાનું શરબત ખૂબ કામનું છે. સાથવાના ડ્રિન્કમાં કોથમીર કે તેનો રસ ઉમેરી શકાય. ધાણા ‘ને વરિયાળીનો પાવડર ઉમેરી શકાય. સાથવો જવનો હોય તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કામની ચીજ, પેશાબ બરાબર ના થતો હોય તેમના માટે પણ વિશેષ કામની ચીજ. ચણાનો પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે એટલે પેટમાં જાય એટલે સીધી બ્લડ સુગર વધતી નથી. જવમાં ફેટ કમ હોય છે તો ચણામાં જવ કરતાં પ્રોટીન વધુ હોય છે. બંનેમાં કોલેસ્ટ્રોલ કુલે શૂન્ય ટકા હોય છે. બંને અમુક ખનિજ તત્ત્વો ‘ને અમુક વિટામિનથી સભર છે. ઉનાળામાં ડિહાઈડ્રેશનથી દૂર રાખવા સિવાય સત્તુ શરબત તેમાં ઉમેરેલાં ફુદીનો, સંચળ વગેરે લાભ આપે છે. કાળઝાળ ગરમીમાં સ્વાદ ‘ને ભૂખ સામે લડવામાં ઉપયોગી થાય છે. શારીરિક શ્રમ કે કસરત કર્યા પછી પ્રોટીન સાથે પાણી મેળવવા સાથવાનું શરબત લઈ શકે છે.

સાથવાનું ખીચુ, સાથવાનો ઉપમા બનાવી કે સાથવામાં સીધાં ટામેટાં, કાંદા, ધાણા ‘ને મસાલા મિક્સ કરીને પોષણ સાથે પ્લેઝર મેળવી શકાય છે. સાથવાની રોટલી કે પૂરી ફટાફટ બની જાય, કારણ કે ઓલરેડી પાકેલો સાથવો કાચો રહી જાય એવી કોઈ શક્યતા નથી. સત્તુ પરાઠા નોર્થ ‘ને ઇસ્ટમાં લોકોને ઘણા પસંદ છે. સાથવાની ઢોકળી, સાથવાની પેટીસ ‘ને સાથવાના બિસ્કિટ બનાવી શકાય.રાઈ, તજ ‘ને મીઠા લીમડાના વઘાર સાથે સત્તુનું સૂપ બનાવી શકાય. સત્તુ ચામડી ‘ને વાળ બંનેના આરોગ્ય માટે કામની ચીજ છે. સત્તુ દોડાદોડી વચ્ચે બાળકોને ટેસ્ટ સાથે હેલ્થની વેલ્થ આપે એવું માસ્ટર ફૂડ છે. હાઈ બ્લડપ્રેશર હોય તેમને તો કામ આપે જ છે, પણ સાથવો શરીરમાં પેદા થતું વિષ શરીરની બહાર કાઢીને સામાન્ય રક્તચાપના ધારકની પણ મદદ કરે છે. સત્તુને દહીં સાથે માણી શકાય, સત્તુની લસ્સી બની શકે. સત્તુનો હલવો બની શકે. લાડવા, ખીર કે સુખડી બની શકે. બેસનની જગ્યાએ વાપરી શકાય. સત્તુની કડક ભાખરી કરી પિત્ઝા બનાવી શકાય. ઈડલી, ઢોકળાં ‘ને પૂડા. કબાબ. પેંડા. વેડમી. બાટી. કંસાર. દલિયા. સ્મિત સાથે શરીર સારું રાખવા ‘ને સુધારવા આખો ઉનાળો રોજ કશું નવું બનાવવા સાથવો તમને સાથ આપી શકે છે. વધારે તો શું કહેવું, એક સમયે ભારતના કુસ્તીવીરોની બોલબાલા હતી ત્યારે એ અખાડાબાજો સત્તુની સોગંદ ખાતા હતા.

બુઝારો  – વરાહમિહિરની ‘બૃહદ સંહિતા’ મુજબ વધુ માત્રામાં ફૂલ ‘ને ફળ આવે તે માટે સક્તુનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે.
———————————

ચર્નિંગ ઘાટ. ગૌરાંગ અમીન
Comments (0)
Add Comment