હાઉ ડી ટ્રમ્પ

અમેરિકાના ઇમિગ્રેશનને લગતી નીતિ વિષે ઊહાપોહ શરૃ થયો
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

એક સમયે જ્યાં ભારતીયો ખૂબ મોટા પ્રમાણમાં રહેતા હતા એવા ન્યૂ યૉર્કના ‘ક્વિન્સ’ વિસ્તારમાં આવેલ ‘જમૈકા હૉસ્પિટલ મેડિકલ સેન્ટર’માં અમેરિકાના ૪૫મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ જ્યોન ટ્રમ્પનો જન્મ ૧૪મી જૂન, ૧૯૪૬ના દિવસે થયો હતો. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની વોર્ટન સ્કૂલમાંથી એમણે અર્થશાસ્ત્રના વિષયમાં બેચરલની ડિગ્રી પ્રાપ્ત કરી અને ૧૯૯૩માં માર્લા મેર્પસ જોડે લગ્નગ્રંથિથી જોડાયા. છ વર્ષ બાદ એમનાથી છૂટા થયા અને વર્ષ ૨૦૦૫માં મિલાનિયા ટ્રમ્પ જોડે લગ્નગ્રંથિથી જોડાયાં. એમની કુલ સંપત્તિ ૩.૧ બિલિયન ડૉલરની આંકવામાં આવે છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ગયા વર્ષે જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં વસતા ભારતીય અમેરિકનો તેમ જ અન્ય લોકોએ ટ્રમ્પની સાથે મળીને એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીને પ્રેસિડન્ટ ટ્રમ્પે ‘હાવ ડી મોદી’ કહીને આવકાર્યા હતા. હવે જ્યારે અમેરિકાના ૪૫મા પ્રેસિડન્ટ ટ્રમ્પ આ મહિનાની ૨૪ અને ૨૫ તારીખે ભારત પધારવાના છે, અમદાવાદમાં આવવાના છે ત્યારે આપણે પણ ટ્રમ્પને ‘હાવ ડી ટ્રમ્પ’ કહીને આવકારીએ.

જેમની સામેની અવિશ્વાસની દરખાસ્ત હાલમાં જ નકારવામાં આવી હતી એ પ્રેસિડન્ટ ટ્રમ્પે જે દિવસથી અમેરિકાના પ્રેસિડન્ટનું પદ સ્વીકાર્યું છે ત્યારથી એમની અમેરિકાના ઇમિગ્રેશનને લગતી નીતિ વિષે ઊહાપોહ શરૃ થયો છે. ટ્રમ્પનું સપનું છે કે તેઓ મેક્સિકોમાંથી ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશતા પરદેશીઓને અટકાવવા અમેરિકા અને મેક્સિકોની સરહદ ઉપર એક ‘ગ્રેટ વૉલ ઓફ ચાઇના’ જેવી જ દીવાલ ઊભી કરે.

જેવું ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડન્ટનું પદ સંભાળ્યું કે એમણે બે એક્ઝિક્યુટિવ હુકમો ઉપર સહી કરી. એક હતો મેક્સિકોની બોર્ડરની સિક્યૉરિટીને લગતો હતો અને બીજો અમેરિકાની અંદર ઇમિગ્રેશનના કાયદાના અમલને લગતો.

ઓસામા બિન લાદેન અને એના કહેવાથી જે આતંકવાદીઓએ અમેરિકાના નાક સમા ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં બે મકાનો, જે વિશ્વનાં સૌથી ઊંચાં મકાનો હતાં, એનો ધ્વંસ કર્યો અને જ્યાં એક પક્ષી પણ પરવાનગી સિવાય પાંખ ફફડાવી ન શકે એવા અભેદ્ય ગણાતા અમેરિકાના પેન્ટાગોન ઉપર બોમ્બવર્ષા કરી, એ સર્વે આતંકવાદીઓ ઇસ્લામધર્મી હતા. છેલ્લાં થોડાં વર્ષોથી યુરોપિયન યુનિયન દેશોમાં આશરો મેળવીને જેમણે હાહાકાર મચાવ્યો છે એ સર્વે પણ ઇસ્લામધર્મીઓ છે. વિશ્વના બધા જ આતંકવાદી હુમલાઓ કરનારાઓ મોટા ભાગે ઇસ્લામધર્મી છે. આ કારણસર, તેમ જ અન્ય અનેક કારણોસર, ડોનાલ્ડ ટ્રમ્પે જેવું અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું કે ઇસ્લામધર્મી દેશોમાંના અમુક દેશો, જેઓ જોખમી દેશ તરીકે ઓળખાય છે, એના રહેવાસીઓને અમેરિકામાં પ્રવેશવા ન દેવા એવો પ્રેસિડેન્શિયલ ઓર્ડર બહાર પાડ્યો. અનેકોને એવું લાગ્યું કે, એમના પ્રેસિડન્ટ રેસિસ્ટ છે. આથી એમણે પ્રેસિડન્ટ ટ્રમ્પના એ પ્રેસિડેન્શિયલ ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો. કોર્ટે એ ઓર્ડરને અમલમાં આવતા એક મનાઈહુકમ આપીને અટકાવ્યો. ત્યાર બાદ ટ્રમ્પે એવો ઇસ્લામધર્મીને અટકાવતો એક બીજા અને ત્રીજો પ્રેસિડેન્શિયલ ઓર્ડર બહાર પાડ્યો એનો પણ વિરોધ થયો છે અને અમેરિકાની કોર્ટોએ એ ઓર્ડરોને પણ મનાઈહુકમ દ્વારા સ્થગિત કરી દીધા છે.

પ્રેસિડન્ટ ટ્રમ્પને એવું જણાયું કે, એચ-૧બી વિઝાનો ખૂબ જ ગેરઉપયોગ થઈ રહ્યો છે. આથી એમણે એ વિઝાના નિયમમાં સખ્તાઈ આણી. પરદેશી વિદ્યાર્થીઓ જેમને ભણી રહ્યા બાદ અમેરિકામાં એક અને અમુક કિસ્સાઓમાં ત્રણ વર્ષ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે કામ કરવાની છૂટ આપવામાં આવે છે એનો ખૂબ જ ગેરલાભ લેતા જણાયા આથી ટ્રમ્પે એ નિયમોના અમલમાં સખ્તાઈ આણી.

અમેરિકામાં કાયમ રહી શકાય એ માટે નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર પ્રવેશીને અથવા તો વિઝા વગર બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર ઘૂસીને રહેતા લોકો રાજકીય આશરો ખૂબ જ મોટી સંખ્યામાં માગે છે. આમાંના અડધા ઉપરાંત જુઠ્ઠા હોય છે. એમના દેશમાં એવી કોઈ જ ખરાબ પરિસ્થિતિ નથી હોતી કે જેથી એમની ધાર્મિકતાના કારણે કે રાજકારણના કારણે હત્યાનો ડર હોય. આમ છતાં ‘અમારા દેશમાં અમારી અમુક માન્યતાઓના કારણે જાનનું જોખમ છે, અમારો દેશ અમને રક્ષણ આપતો નથી,’ આવું ખોટે ખોટું જણાવીને અનેકો અમેરિકામાં પોલિટિકલ અસાયલમ માગે છે.

મેક્સિકોની સરહદ ઉપરથી ૧૨-૧૪ વર્ષનાં બાળકો સેંકડોની સંખ્યામાં એકલા અમેરિકામાં ઘૂસી આવે છે અને તેઓ ત્યાં રક્ષણ માગે છે. આ બધું અટકાવવા ટ્રમ્પે અસાયલમ ના કાયદાઓ ખૂબ જ કડક બનાવ્યા છે.

ગયા મહિનાથી જે અમલમાં આવ્યો છે એ ‘પબ્લિક ચાર્જ’નો નિયમ એવું જણાવે છે કે, જેઓ અમેરિકામાં કાયમ રહેવા ઇચ્છતા હોય અને એના માટે ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરતા હોય એમણે દેખાડી આપવું પડશે કે તેઓ અમેરિકામાં આવીને અમેરિકાને માથે બોજારૃપ નહીં બને. જો એવું જણાશે કે એ ઇમિગ્રન્ટ વિઝાનો અરજદાર અમેરિકાને માથે પડે એમ છે તો એમના લાભ માટેની ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન એપ્રુવ્ડ થઈ હોય, વિઝા કરન્ટ થયા હોય તો પણ એમને વિઝા આપવામાં નહીં આવે.

ડોનાલ્ડ ટ્રમ્પ, એમની રીપબ્લિકન પાર્ટી અને મોટા ભાગના અમેરિકનોનું એવું માનવું છે કે આ સર્વે અમેરિકાના હિતમાં છે. પરદેશીઓ જેમને આ બધા ઓર્ડરો અને નિયમોથી અમેરિકા જવું મુશ્કેલ બન્યું છે એમને ટ્રમ્પના આ બધા ઇમિગ્રેશનને લગતા ફેરફારો પસંદ નથી. આથી અમેરિકાના ૪૫મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકોના અળખામણા બની ગયા છે. ઇમિગ્રેશનની બાબતમાં તેઓ ખૂબ જ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ બની ગયા છે. આવા અમેરિકાના પ્રેસિડન્ટ ભારતના આંગણે પધારવાના છે. એમની ઇમિગ્રેશનની નીતિ સારી છે કે ખરાબ આપણા માટે ફાયદાકારક છે કે હાનિ પહોંચાડનાર, એની ચર્ચામાં ન પડતા આપણે ફક્ત એટલું જ કહીશું કે, ‘ભલે પધાર્યા!’
———————–.

ડો. સુઘીર શાહવિઝા વિમર્શ
Comments (0)
Add Comment