માણસના બે જ પ્રકાર… વહેલા જાગનારા ને મોડે સુધી પડ્યા રહેનારા…

કઠોર પરિશ્રમ કરવો જ પડે - એ એક જ રસ્તો છે.
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

આજે જેટલી ઝાડવા વાવવાની જરૃર છે એટલી જ જરૃર શીતળ છાંયો આપે એવા સજ્જનોનીય છે. સજ્જનો વિના સમાજ ટકતો નથી……!

ઇન્દિરા ગાંધીના જમાનામાં એક સૂત્ર બહુ લોકપ્રિય કરવામાં આવ્યું હતું, એ હતું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, પરંતુ નવાઈની વાત એ છે કે તેનો ખરો અર્થ કોઈ સમજ્યા નહીં. બધાએ એમ જ માની લીધું કે સરકાર ઇચ્છે છે કે આપણે કઠોર પરિશ્રમ કરીએ, ખરેખર એનો અર્થ છે કે કઠોર પરિશ્રમથી જે મળે તે તેના અનેક વિકલ્પોમાંથી અન્ય કોઈ પણ વિકલ્પ અજમાવવામાં આવે તો ન જ મળે. એટલે કે તમારે જો સર્વોત્તમ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવા હોય તો કઠોર પરિશ્રમ કરવો જ પડે – એ એક જ રસ્તો છે. એ એક જ કેડી સર્વોત્તમ પરિણામો સુધી પહોંચે છે.

એ માટેનો અન્ય કોઈ શોર્ટકટ નથી. વળી, આ જ્ઞાન સૂત્ર ઇન્દિરાજીએ કટોકટીના નકારાત્મક સમયગાળામાં વહેતું કર્યું હોવાને કારણે એમાં રહેલો સકારાત્મક બોધ પ્રજા કંઈ પ્રાપ્ત કરી શકે નહીં, પરંતુ જેમ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ જ રીતે સવારના વહેલા ઊઠવાનો પણ કોઈ વિકલ્પ નથી. એટલે કે વહેલી સવારે જાગીને કામે લાગી જવાથી જે પરિણામો જીવનમાં પ્રાપ્ત થાય છે, એ પરિણામો બીજા કોઈ પણ સમયમાં એટલું જ કે એથી વધુ કામ કરવાથી પણ પ્રાપ્ત થતાં નથી. મોડા ઊઠતા લોકો વ્યાકુળ હોય છે. એમને મદદ કરે કોણ? એક તો થોડા ઊઠે અને વળી ટોળટપ્પા પણ કરે તો એનો કેવો વિનાશ થાય? અગાઉના યુગમાં પણ ટોળટપ્પા થતાં પણ કામને ટાણે બધા એકબીજાની પડખે હોય.

આપણે ત્યાં એ જમાનામાં વાતોનો મેળો જામતો. ગામડાંનાં પાદરો હંમેશાં છલકાયેલાં હોય. આજે તો કોઈ પણ ગામના પાદરે પહોંચો તો ોજોગીદાસ હમણા જ ધાડ પાડીને ગયો હોય એવો સન્નાટો દેખાય છે. એ જમાનામાં માણસોને એકબીજાનું એવું ઘેલું કે કોઈએ દાડિયાય ન રાખવા પડે. એકબીજાના ખેતરે નીંદામણ ટાણે સામટા પરિવારો દાતરડાં લઈ ફરી વળે. ગામનું પાદર જોઈને જ ગામનો અણસાર આવી જાય. પાદરના વડલાના છાંયે વડીલોની ટોળી બેઠી હોય. કોઈ વળી બેઠું હોય પરબડીની પાળે. ભાઈબંધોની ટોળકી જમાવીને વાતોએ વળગી ગયા હોય જુવાનિયાવ.

વળી ક્યાંક હીંચકે બેઠા તડાકા મારતા હોય. સૌરાષ્ટ્રના ગ્રામજીવનમાં વ્યક્તિગત જીવન કરતાં સમૂહ જીવનનો અધિક મહિમા હતો. જેને ખરા અર્થમાં જીવન સંપદા કહેવાય એ બધાની સહિયારી હતી. એમાંથી પ્રજા પાછી ક્યાં પડી? એકબીજાની છૂપી ઈર્ષ્યાએ આપડા મલકની હાલત ખરાબ કરી નાંખી. બીજાની હાજરીમાં ત્રીજાને હલકો બતાવવાની જે વૃત્તિ પાંગરી એણે એક તો સામાજિક સંબંધોમાં લૂણો લગાડ્યો અને માત્ર બહારથી ઠાવકાઈ ભર્યા દંભની શરૃઆત થઈ. એ જૂનો અમીનજરનો જમાનો વહી ગયો.

જિંદગી આપણે માનીએ છીએ એના કરતાં બહુ જ ટૂંકી છે. સમયને વહી જતા બહુ વાર લાગતી નથી. આ કળિયુગનાં વર્ષો માટે તો એમ કહેવાય છે કે આ બધા તો પોણિયા વરસ છે. એટલે અરધા – અધૂરા કે ટુકડા. હજુ તો આપણને એમ લાગે છે કે હજુ તો બહુ બધો સમય બાકી છે. જેટલો સમય નિરાંતે સુખ મળે એટલા સમયની નિરાંત લઈ લો, પરંતુ દરેક ક્ષણની આગળ એક હજાર ઘોડા બાંધવામાં આવ્યા છે. એને આધારે તમે અંદાજ લગાવો કે સમય કેટલો પૂરપાટ વેગે વહે છે. ઘડિયાળના કાંટાનું નિર્માણ જેણે કર્યું છે એણે આ દુનિયા સાથે બહુ રસપ્રદ છેતરપિંડી કરી છે. ત્રણેય કાંટાની જે ઝડપ બતાવી છે તે ભ્રામક છે. જે ખરેખર તો સમયની મૂળભૂત ઝડપનું આંશિક પ્રતિનિધિત્વ પણ કરતી નથી. સમયની ઝડપની તુલનામાં આ ઘડિયાળના કાંટા તો સાવ કાચબા ગતિએ ચાલે છે.

એને કારણે બિચારા મનુષ્યને તો ખ્યાલ જ નથી આવતો કે સમયની ગતિ શું છે? માતાપિતા હયાત હોય ત્યારે એને સર્વકાલીન વાત માની લેવામાં આવે, પરંતુ જેમ-જેમ સમય આગળ વધતો જાય એમ-એમ પેઢીઓ બદલાતી જાય. એક મનુષ્ય અને બીજા મનુષ્ય વચ્ચે સર્વકાલીન વિયોગ પ્રવેશતો જાય છે. સંસારના કોઈ પણ યોગનું વિયોગમાં રૃપાંતર કરવું એ કાળ દેવતાની મુખ્ય પ્રવૃત્તિ છે. કવિ નર્મદ તો અમર વાક્ય ઉચ્ચારે છે કે નર્મદ આખરે તો જુદાઈ જ… નર્મદ કહે છે કે ગમે તેટલા મિલન અને સ્નેહમિલનથી આ સંસારના અમૃતરસને ઘૂંટો તો પણ છેવટે તો સર્વ મિલન, વિયોગ જ બની જાય છે. અવસર પાછા વળતા નથી, એનાં સ્મરણો ક્યારેક એકાંતે મનુષ્યના મનને ભીંજવી દે છે. એટલે જેટલી મીઠાશ મનમાં હોય એને વહેતી રાખો. એક ચાઇનીઝ કહેવત છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમારા મિત્રો મૃત્યુ પામે ત્યાં સુધી તમારા મુખમાં રહેલી સાકરને સંઘરી ન રાખો. આપણા મિત્રોના સદ્ગુણો આપણે જાણતા જ હોઈએ છીએ. એટલું જ નહીં, પણ આપણે એનાથી ઉજળા હોઈએ છીએ.

છતાં સંસારમાં એવું જોવામાં આવે છે કે પોતે કૂવામાં પડ્યા હોય ત્યારે વરત નાંખીને જેણે બહાર કાઢ્યા હોય એનેય લોકો વીસરી જાય છે. કમ સે કમ જેનો આપણને પોતાને સારો અનુભવ હોય એને માટે બે સારા વેણ ઉચ્ચારવામાં જીભ કેમ થોથરાય છે? જેણે ખરે ટાણે તમારા દુઃખણા લીધા હોય એને કેમ ભુલાય? અને ચાઇનીઝ કહેવતમાંથીય શીખવાનું એટલું જ છે કે તમે કોઈની શ્રદ્ધાંજલિ સભામાં વખાણ કરવા સુધી જીભને રિઝર્વ ન રાખો. એમની હયાતીમાં જ એમને કહો, જેથી એમની બાકીની જિંદગીને એક સોનેરી કિનાર લાગે. કોઈને કંઈ રાષ્ટ્રપતિ ઍવૉર્ડની ઝંખના હોતી નથી અને સારા માણસોની સારપને તો કોઈના પ્રતિભાવનીય કંઈ પડી ન હોય.

પણ તમે બે સુવાક્ય બોલો તો એની સારપ વધે ને ઘટાટોપ થાય. તમને તડકામાં જેવો છાંયો મળ્યો એવો છાંયો એ જ વડલાથી અનેકને મળતો થાય. કોઈના સદ્ગુણોને સન્માનથી જોવા એ એ જ ગુણોનું સિંચન કર્યા બરાબર છે. આજે જેટલી ઝાડવા વાવવાની જરૃર છે એટલી જ જરૃર શીતળ છાંયો આપે એવા સજ્જનોનીય છે. સજ્જનો વિના સમાજ ટકતો નથી. ઈરાક, સિરિયા અને અફઘાનિસ્તાનમાં સજ્જનોનો દુકાળ પડ્યો પછી જ એના ખરા પતનની શરૃઆત થઈ જે પતન હજુ પણ ચાલુ છે.

આ જગત આખું પરસ્પરાવલંબિત છે. બધાને એકબીજાનો કોઈને કોઈ આધાર હોય અને એ જરૃરી પણ હોય. કોઈના દુઃખ કાયમ ટકતા નથી. નસીબ આડેનાં પાંદડાં તો હવાની એક લ્હેર સાથે ઊડી જતાં હોય છે. કદાચ કોઈને ટેકો કરવાનો મોકો મળે તો શાને એ મોકો જવા દેવો જોઈએ? એવા અવસરોય કંઈ પાછા મળતા નથી. હા, માણસની સજ્જનતા અને વ્યાવહારિક વિવેક જોઈ લેવા જોઈએ. એ જો બરાબર હોય તો પછી એવા મોભને નજર સામે ભાંગવા ન દેવાય, કારણ કે કોઈનોય કાળ બદલાતા વાર લાગતી નથી. આપણી સંસ્કૃતિમાં કાળને કાળદેવતા તરીકે અમથા તો પૂજવામાં નહિ આવતા હોય. સંસારમાં કાળદેવતાના દૃષ્ટાન્તો ઊડીને આંખે વળગે છે. જેઓ સમયને માન આપતા નથી તેમની હાલત જે જોવાજેવી થાય છે તે આ કાળદેવને આભારી છે. ઘડિયાળ તો સહુને કાંડે ને સહુની ભીંતે હોય છે, પણ એને તલવારની ધાર માનીને જે ચાલે છે તે બધાય જંગ જીતે છે.

કાળ ગમે ત્યારે ગમે ત્યાં પ્રવેશે છે. ભક્ત અને ભગવાન હોય કે પ્રસન્ન દાંપત્ય હોય…કોઈ બે ગાઢ મિત્રો હોય કે બંધુ બેલડી હોય… તેમાંય ગમે ત્યારે કાળનો પ્રવેશ નિશ્ચિત છે. સુભાષિત કહે છે કે દંપતી તો નદીમાં વહેતા બે કાષ્ઠના ટુકડાઓ જેવા છે જે કાળના વહેતા પ્રવાહમાં તરતા તરતા થોડો સમય સાથે થઈ જતા હોય છે, પરંતુ કાળનો પ્રવાહ થોડોક જ આગળ જતા બંને જુદા-જુદા કાંઠે ફંગોળાઈ જાય છે. કુદરત પ્રત્યેનો સૌથી મહત્ત્વનો આદર એ છે કે જે જે કંઈ દેખાય છે એ બધું જ ક્ષણજીવી છે એ યાદ રાખવું. આમાનું કંઈ પણ ચિરંતન નથી. કોઈ વ્યક્તિ સનાતન નથી.

આટલું જેને યાદ રહે એણે વિવેકની પાઠશાળામાં ભણવા જવાનીય જરૃર નહીં. તેણે વૈરાગ્ય દાખવવાની જરૃર નથી. વૈરાગ કંઈ કાપડ ઉદ્યોગનો વિષય નથી. એ તો સમજણના પ્રદેશનું સ્વર્ગ છે. પ્રત્યેક ક્ષણે યાદ રાખવાનું છે કે દેખાય છે તે છે તો ખરું, પરંતુ ચિરંતન નથી. જે જમીન પર તમે પગ મુકેલો છે તેના માલિકો છેલ્લાં હજાર વર્ષમાં કેટલા બદલાયા હશે? આજે તમે જેના માલિક છો એ જ જમીન ફરી આવનારા યુગોમાં નવા નવા માલિકીહક્કમાં રૃપાંતરિત થતી રહેશે. મનુષ્ય અથાક પ્રયત્નો કરવા છતાં આ પૃથ્વી પર જન્મજન્માંતર સુધી કંઈ એટલે કંઈ સાથે તો લઈ જઈ શક્યો નથી. એક પીળા પાંદડાનો પણ કાયમી માલિક બની શક્યો નથી.

જેની પાસે સત્કાર્ય કરવાનો મોકો છે કે સેવા કરવાની તક છે તો એ એમણે જવા દેવા ન જોઈએ, કારણ કે આ જગતમાં સેવાની ભાવના તો ઘણાકની હોય પણ ક્ષમતા ન હોય. જેનાથી જે થઈ શકે તે કરીને પૃથ્વી પર જેટલા ચહેરા પર હાસ્ય લાવી શકાય એ ધન્યતા છે. આપણે અત્યારે એવા યુગમાંથી પસાર થઈએ છીએ કે માણસને માણસની હૂંફની જરૃર છે. હૂંફ મળ્યા વિનાના એકલપડ્યા લોક એવા તો શોષાઈ જતા હોય છે કે એના હૈયે કોઈ ડોકિયું કરે તોય આંખો ભીની થઈ જાય. પોતપોતાનું કરીને સહુ બેસી જાય તો પછી જેને આભના ઓઢણા ને પૃથ્વીના પાથરણા હોય એનું શું?

પૃથ્વી સાવ રસાતાળ ગઈ નથી એનું કારણ એ જ છે કે હજુ આ દુનિયામાં ઘટી હોવા છતાંય માનવતા સાવ મરી પરવારી નથી. આજે દુનિયાના જે ટોપ ટેન સુખી દેશો છે એના નાગરિકો માટેના કાયદાઓ અને ફાઇનાન્સનો સહુ અભ્યાસ કરે છે, પણ ખરેખર તો એમના હૃદય જોવા જેવા હોય છે. એમના સુખની ચાવી ત્યાં છુપાયેલી હોય છે. કેળવાયેલા હૃદય સુખી દેશની આધારશિલા છે. આ જ વાતને સાવ નાના એકમરૃપે જુઓ તો જે ઘરમાં કેળવાયેલું હૃદય ધરાવતો મોભી હોય એ પરિવાર કદી દુઃખી તો થતો જ નથી, પણ એમને કારણે બીજા અનેકાનેક પરિવારો સુખ માણતા હોય છે.

રિમાર્ક ઃ
શામ ઢલતે હી અબ્બા કી છાઁવ હુઆ આસમાન
ચાંદ નિકલતે હી અમ્મી જાન બના યે જહાઁન…!
————————-

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment