- ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
શું ત્યાંથી અહીં આવ્યું ‘ને શું અહીંથી ત્યાં ગયું તે વાત પછી કરો
શું પહેલાં અહીં હતું ‘ને શું કાયમ હોવું જોઈએ તે વાત ખરી ગણો
લગ્નની મોસમ ચાલે છે. જેમનાં લગ્ન હશે તે ખુશખુશાલ હશે. જે કુટુંબમાં લગ્ન હશે તે કુટુંબના મોભીઓ મનોભાર સાથે ઉત્તેજિત હશે. ખરીદી સાથે અન્ય ઘણા આયોજનમાં લાગતાં-વળગતાં ચિંતા સાથે ઉત્સાહમાં હશે. કંકોત્રીઓ પહોંચે છે ‘ને રસ્તા પર વાહનોની ભીડ પહોંચે છે. લગ્ન એટલે લાકડાના લાડુ એ ઉપમા ખોટી છે એવું કહેનાર પર લગ્ન કરી ચૂકેલા શંકાની નજરે જુએ છે કે પછી બળતી દ્રષ્ટિએ. આપણે ત્યાં લગ્ન અંગે શિવ, રામ ‘ને પાંડવો વગેરેની વાતો થકી બહુધા લોકોને લગ્નની વ્યવસ્થાના મૂળ અંગે ખાસ નક્કર સવાલ નથી થતાં. આપણે ત્યાં વરસમાં એક દિવસ એવો વૅલેન્ટાઇન ડે હમણા આવ્યો બાકી વસંતનું વિશેષ સંતત્વ સનાતન કાળથી જીવી રહ્યું છે. શક્ય છે પરંપરા ‘ને સંસ્કૃતિના વિરોધમાં હોય તેમને પ્રશ્ન થતાં હશે. બોલિવૂડની લાંબી અસર પછી અતિરંગી સિરિયલ્સ ‘ને તે પછી વેબ સિરીઝ આપણા લોકોના અમુક ભાગ પર છવાયેલી છે. અંગ્રેજી એવમ વિદેશી રીડિંગ વત્તા ઓડિયો ‘ને વીડિયોને કારણે ઘણા ત્યાંના પ્રભાવમાં છે ત્યારે ત્યાંના મેરેજનો થોડો ઇતિહાસ જાણીએ તો માહિતી સાથે મજા મળે.
અંગ્રેજી ભાષામાં મેરેજ, વૅડિંગ ‘ને ડાઉરિ અર્થાત વાંકડો, પૈઠણ, પહેરામણી, દાયજો કે દહેજ તેરમી સદીમાં આવેલા શબ્દ છે. જૂની અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ ‘ને લેટિન વગેરે ભાષામાં એ પહેલાં પણ લગ્ન માટે શબ્દ હતા. ત્યાંના વિવિધ પુરાવા પરથી ત્યાંના સંશોધકોનું માનવું છે કે મેરેજ ૪૩૫૦ વરસ જૂની વ્યવસ્થા છે. માનવશાસ્ત્રના જ્ઞાતાઓ માને છે કે મેરેજના જન્મ પહેલાં ત્રીસ આસપાસ માણસો એક કુટુંબની જેમ જીવતાં. એવાં કુટુંબમાં એકથી વધુ પુરુષ મુખ્ય રહેતાં જે એકથી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ રાખતાં. એ સમયનો શિકારી તરીકે જીવન વિતાવતો માણસ જ્યારે ખેતીવાડી તરફ આગળ વધ્યો ત્યારે તેને અથવા એવા માણસના સમાજને ચોક્કસ ‘ને સ્થિર વ્યવસ્થાની જરૃર પડી. સૌ પ્રથમ મેરેજ ઈસુથી ૨૩૫૦ વર્ષ પહેલાં મેસોપોટેમિયામાં થયાનું નોંધાયું છે. એ પછીનાં વર્ષોમાં પ્રાચીન યહૂદીઓ, ગ્રીક ‘ને રોમન પ્રજામાં મેરેજ સિસ્ટમ સામાન્ય થતી ગયેલી, પરંતુ મૂળે મેરેજને ધર્મ કે પ્રેમ સાથે ખાસ કોઈ સંબંધ નહોતો.
ત્યાં મેરેજના પ્રારંભના જમાનામાં મેરેજ પુરુષ ‘ને સ્ત્રી વચ્ચેના અધિકૃત સંબંધ માટેની સંસ્થા નહોતી. ‘મેરેજ, એ હિસ્ટ્રીઃ હાઉ લવ કંકર્ડ મેરેજ’ પુસ્તકની રાઇટર સ્ટેફની કૂન્ટઝ કહે છે કે એ વખતે ગઠબંધન કે જોડાણ કરવા, પરસ્પર નવા ‘ને કાયમી સગા બનાવવા ‘ને કામ કરનારાની સંખ્યા વધારવા જેવા હેતુથી મેરેજ કરવામાં આવતાં. સંશોધકોનું કહેવું છે કે મેરેજનો મુખ્ય એક આશય એ હતો કે જે સંતાન થાય તેના પર તેના સાચા માતાપિતા કોણ એ મહોર લાગતી, જેથી વારસા અંગે મામલો તદ્દન સ્પષ્ટ રહેતો. ત્યાંના એ જમાનાના સમાજમાં મેરેજ વડે પત્ની તેના પતિની મિલકત બનતી. પ્રાચીન ગ્રીસમાં મેરેજની વિધિ વખતે એક પિતા પોતાની દીકરી કે દીકરીઓને આ શબ્દો કહીને આપતાં – મારી પુત્રી કાયદેસરના વંશજ પેદા કરશે તે માટે હું બાંહેધરી આપું છું. મુસ્લિમ ‘ને ખ્રિસ્તી પહેલાંના પ્રાચીન યહૂદીઓમાં એક પુરુષ એકથી વધુ પત્ની કરી શકતો. ગ્રીક ‘ને રોમન સમાજમાં પત્નીએ ઘરમાં રહીને બાળકો સાચવવા સાથે ઘરનું કામ કરવાનું રહેતું, જ્યારે પતિ બહાર રખાત કે વેશ્યાની મુલાકાત લેવા કાયદેસર રીતે મુક્ત હતા.
મેરેજ એક કરાર માત્ર નહીં, પણ ધાર્મિક વિધિ કે સંસ્કારનું સ્વરૃપ યુરોપમાં રોમન કેથલિક ચર્ચ જ્યારે અત્યંત શક્તિશાળી બને છે ત્યારે પામે છે. મેરેજને તે સમયે ખ્રિસ્તી ધર્મના સેક્રમેન્ટ યાને સાત પવિત્ર સંસ્કારમાં સ્થાન મળ્યું. આખરે ચર્ચના પાદરીના આશીર્વાદ વગર મેરેજ અધાર્મિક યાને અપવિત્ર ગણાવા લાગેલાં. ખ્રિસ્તના બાર શિષ્યોમાંનો એક એવા પૌલ ધ એપોસલ ઉર્ફે સેન્ટ પૌલે જાહેર કરેલું કે ખ્રિસ્ત ‘ને ચર્ચ વચ્ચે જેમ સંબંધ છે તેમ પુરુષ ‘ને સ્ત્રી વચ્ચેનો સંબંધ એટલે મેરેજ કહેવાય. આઠમી સદીમાં મેરેજ ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની પવિત્ર વિધિ બન્યા. ૧૨૧૫માં ચર્ચ દ્વારા ઘોષણા થયેલી કે લગ્ન સંબંધમાં જોડાનારે ચર્ચમાં તેની જાહેરાત કરવી પડશે ‘ને તો જ તે અધિકૃત ગણાશે, જે ફરમાન છેક ૧૯૮૦માં દૂર કરવામાં આવેલું. ૧૫૦૦ આસપાસ સુધી કોઈ સાક્ષી કે કાગળ વિના દંપતીના મૌખિક વચનના આધારે મેરેજને પ્રમાણિત કરવાનું કામ ચર્ચે હાથમાં લીધેલું. ૧૫૬૩માં મેરેજની ધાર્મિકતા કે ઈશ્વરીયતા અંગેના નિયમ ઘડાયા ‘ને લખાયા.
ચર્ચની મધ્યસ્થી કહો કે દખલને કારણે પતિ કરતાં પત્નીને વધુ લાભ થયાં. માણસ જરા વધુ સામાજિક ‘ને સભ્ય થયો. પુરુષ અર્થાત પતિને પત્ની પરત્વે અમુક અંશે સમાનતા કે સન્માનનો ભાવ રાખવાના લાભ મળ્યા. વિશેષ તો ડિવોર્સ અર્થાત છૂટાછેડા પર અંકુશ આવ્યો. રોમન કેથલિક ચર્ચે જાહેર કરેલું કે દંપતી એટલે જોડકું કે યુગ્મ. ફિલ્મમાં કહે છે તેથી આગળ વધીને એક જિસમ દો જાન. તેને કારણે પુરુષને જે અન્ય સ્ત્રીઓ સાથે શૈયાસુખ માણવાની પરંપરાગત અધિકૃત આઝાદી હતી તેના પર રોક લાગી ગઈ. ચર્ચે જાહેર કર્યું કે મેરેજને કારણે બંને પાત્રને એકબીજાના શરીર પર અનન્ય અધિકાર છે. ખેર, ચર્ચે એવું પણ સ્પષ્ટ કરેલું કે પુરુષ કુટુંબનો વડો છે એટલે સ્ત્રી સાથે તેના મતભેદ હોઈ શકે, પતિ પોતાની પત્નીથી સ્વતંત્ર કે અલગ વિચાર રાખી શકે.
પોપની સર્વોચ્ચ સત્તાના સ્થાપનમાં ઇતિહાસમાં જેમનું નામ ટોચ પર છે તેવા નિકોલસ ધ ગ્રેટ તરીકે ઓળખાતાં પોપ નિકોલસ પ્રથમે ૮૬૬માં કહેલું કે જો મેરેજમાં પરસ્પરની સંમતિ ના હોય તો અન્ય કોઈ પણ વિધિ વડે જોડાણ સંપૂર્ણ થયું હોય તેમ છતાં રદબાતલ ગણાશે. ત્યારથી પશ્ચિમના સમાજમાં કહો કે ખ્રિસ્તી સમાજમાં મેરેજ માટે મેરેજ કરનારની મંજૂરીનું મહત્ત્વ થોડું ઘણું સ્વીકારવામાં આવ્યું. બેશક વ્યવહારમાં મંજૂરી નથી એવું કોણ ક્યારે કેવી રીતે જાહેર કરી શકે કે નહીં તે સમસ્યા તો હતી જ. મેરેજ એટલે શું એ વ્યાખ્યાનો વિસ્તાર ચર્ચ દ્વારા થતો રહ્યો. જોકે એક બાબત નિશ્ચિત હતી કે એ જમાનામાં મેરેજ એક યા વધુ વ્યવહારુ કારણસર થતાં, નહીં કે પ્રેમને કારણે. જૂજ અપવાદ દેખાતા હશે, પણ ધ્યાનથી તપાસીએ તો એ અપવાદમાં પણ વ્યક્તિગત વ્યવહારુ સ્વાર્થ જડી આવે. નાપસંદગી હોય તો મેરેજ ના કરવા એ વાત અલગ છે અને સામેથી પસંદગી કરવી ‘ને તે પસંદગી સાથે જ મેરેજ કરવા એ વાત અલગ છે.
હા, ત્યારે પણ મેરેજ થયાં પછી દંપતીમાં પરસ્પર વિશેષ લાગણી બંધાય એવી શક્યતા હતી. પરંતુ, ત્યાં મધ્ય યુગ પહેલાં કેવળ પ્રેમથી પ્રેરાઈને મેરેજ થવાં કે કરવાં એવું નહોતું થતું. ત્યાંના ઘણા પંડિતો ધારે છે કે પ્રેમને કારણે મેરેજ કરવા કે પ્રેમનું મેરેજમાં પરિણામ આવવું એ કન્સેપ્ટ મૂળે ફ્રેન્ચ લોકોનો છે. ૧૯૮૮માં અમેરિકન પીબીએસ પર એક ડોક્યુમેન્ટરી આવેલી જેને આઈએમડીબી પર દસમાંથી ૮.૯ ગુણ મળેલા છે – જોસેફ કેમ્પબેલ એન્ડ પાવર ઓફ મિથ. તેના પર આધારિત પુસ્તકમાં લખેલું છે કે વીસમી સદીના રોમાંચક અથવા શૃંગારિક કાવ્યો રચનાર મધ્યયુગીન કવિઓ સૌથી પહેલાં હતા, જેમણે આજે આપણે વિચારી છીએ એવા પ્રેમ વિષે વિચાર્યું હોય. મધ્યયુગ ‘ને તેના કવિઓ પહેલાં રોમાન્સની કલ્પના અસ્તિત્વમાં જ નહોતી. નિઃસંદેહ, આ વાત તેમણે ત્યાંના સદર્ભમાં કીધેલી છે. મધ્ય યુગ એટલે પાંચમીથી પંદરમી સદી વચ્ચેનો સમય.
અંગ્રેજોના રાજ્યમાં કદી સૂર્યાસ્ત નહોતો થતો એ સૌને યાદ હશે. અંગ્રેજોએ નોંધ્યું છે કે ૧૮૫૮ પહેલાં છૂટાછેડાની ઘટના જવલ્લે જ આકાર લેતી, કારણ મેરેજ એટલે ના તોડી શકાય એવું બંધન હતું. ડિવોર્સ શબ્દ પણ મોડો એટલે કે ચૌદમી સદીમાં આવેલો. બ્રિટિશ નેશનલ આર્કાઇવ્ઝ મુજબ ૧૬૭૦માં લેડી એનના વ્યભિચારને કારણે તેમના ‘ને જહોન મેનર્સના મેરેજનો અંત ડિવોર્સમાં લાવવા બ્રિટિશ પાર્લામેન્ટ સક્રિય થયેલી. યુનિવર્સિટી ઓફ વોર્વિક સ્કૂલ ઓફ લોની રિબેકા પ્રોબર્ટ ‘ને અન્ય ઘણાના મતે એ બનાવે આધુનિક ડિવોર્સના પાયા નાખ્યા. સત્તરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય સુધીના ૩૦૦ આસપાસ કેસ માટે એ કાર્યવિધિ આધાર રૃપ બની. છેક ૧૮૫૮માં એક્ઝેટલી કાયદેસર છૂટાછેડાની આપલે શક્ય બની. રસપ્રદ વાત તો એ છે કે ત્યારે બ્રિટિશ વર્લ્ડમાં લીગલી ડિવોર્સ લેવા માટે ખૂબ ખર્ચો કરવો પડતો જેથી બહુમતી માણસો માટે એ વિકલ્પ હકીકતમાં બંધ હતો. વળી પ્રક્રિયા નવી જ હોવાને કારણે પણ જે પત્ની છૂટાછેડા ઇચ્છતી હોય તેના માટે તેના પતિને સાવ વ્યભિચારી, હિંસક, ઘાતકી કે અન્ય કોઈ રીતે અમાનવીય સાબિત કરવું દુષ્કર હતું.
અંગ્રેજોને ત્યાં ૧૮૩૬માં મેરેજ રજિસ્ટર કરવા માટેનો કાયદો આવેલો. ડિવોર્સ માટે સાચા અર્થમાં પતિ કે પત્ની માટે ૧૯૬૯માં ડિવોર્સ રિફોર્મ એક્ટ આવ્યો તે પછી માર્ગ સરળ થયેલો. એ કાયદાને કારણે મેરિડ કપલ કેવળ અમારું લગ્નજીવન ભાંગી પડ્યું છે તેવા કારણ હેઠળ પણ છૂટાછેડા માંગી શકતાં, એકબીજા પર ગંભીર આરોપ લગાડવા કે પુરવાર કરવા જરૃરી નહોતું. ૧૯૬૯ના એ કાયદાને કારણે મેરેજ એટલે મૃત્યુ સુધી સાથે રહેવાનો કરાર એ પરંપરાગત વ્યાખ્યા એક જૂનો વિચાર બની ગઈ. આજના સમયની સરખામણીમાં એ કાયદાની હકારાત્મક અસર જોતાં ઘણા માને છે કે ૧૯૬૯ના ડિવોર્સ રિફોર્મ એક્ટને કારણે મેરેજ એટલે કોઈ પણ સંજોગોમાં કે ગમે તેટલાં દુઃખ કે નુકસાનના ભોગે પણ કાયમ કે લાંબા સમય સુધી સાથે રહેવાની પ્રતિબદ્ધતા ના રહી, બલકે ધીરે-ધીરે વ્યક્તિગત સંબંધ પર ભાર મૂકાતો ગયો ‘ને પતિ તેમ જ પત્નીના વ્યક્તિગત સંતોષનું મહત્ત્વ વધતું ગયું.
આપણે ત્યાં ચારણ જેવી અમુક જાતિ પોતાના આગવા ગીત ગાવા માટે જાણીતી છે. અંગ્રેજોને ત્યાં કેલ્ટિક જાતિના ગાયક યાને બાર્ડ જૂના જમાનામાં જાણીતા લોકગાયક હતા. મધ્ય યુગ દરમિયાન તેમનાં ગીતોમાં પુરુષ ‘ને સ્ત્રી વચ્ચેનો પ્રેમ પણ એક વિષય રહેતો. શેક્સપિયરનું રોમિયો એન્ડ જુલિએટ નાટક ત્યારે લોકપ્રિય થયેલું, પરંતુ લોકમાનસમાં ખરું પરિવર્તન વિક્ટોરિયન કાળમાં આવ્યું. મેરેજ માટે લવ મહત્ત્વની બાબત છે એ વિચાર હકીકતમાં ઘણા ગોરા લોકો અપનાવતા થયા. પતિપત્ની એટલે હમસફર કે એકબીજાના સાથીદાર એ વાત ગોરા કપલે ગંભીરતાથી લેવાનું શરૃ કર્યું. ‘કોર્ટ શિપ એન્ડ મેરેજ ઇન વિક્ટોરિયન ઇંગ્લેન્ડ’ બુકમાં જેનિફર ફેગ્લીએ પશ્ચિમમાં મેરેજના ઇતિહાસનો એ રોમેન્ટિક ટર્નિંગ પોઇન્ટ લખેલો છે. રાણી વિક્ટોરિયા ‘ને પ્રિન્સ આલ્બર્ટના મેરેજ તરફ દ્રષ્ટિપાત કરીને એ સમયના ગોરા લગ્ન જીવનમાં પ્રેમનું મહત્ત્વ સમજતાં. એ દંપતી રાજવી વંશના આધારે લગ્નથી જોડાયેલું, છતાં તેમની વચ્ચે એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરવાનો નાતો હતો એ વારંવાર સ્પષ્ટ થતું હતું. ખાસ કરીને મહારાણી વિક્ટોરિયાનો પતિ આલ્બર્ટ પ્રત્યેનો પ્રેમ લોકોમાં ઘણો જાણીતો હતો.
વળી, એ અંતરાલમાં મધ્યમ વર્ગનું મહત્ત્વ વધ્યું હતું. ગોરા સમાજમાં લોકોની સુધરતી કે મજબૂત થતી આર્થિક સ્થિતિ સાથે પૈસાનું જીવનમાં મહત્ત્વ વધતાં મેરેજ અંગેની ભૂતકાળથી ચાલી આવતી માન્યતા ‘ને પ્રણાલિકાગત સામાજિક દ્રષ્ટિકોણમાં બદલાવ આવવા લાગ્યો. મધ્યમ વર્ગના લોકોને મેરેજ એટલે કુટુંબ નક્કી કરે તેમ એવી રૃઢિ પ્રત્યે ચીડ થવા લાગેલી. એક કુટુંબના વડીલો નક્કી કરે કે એ કુટુંબની દીકરી કોઈ બીજા કુટુંબને આપવાની છે તે વિચાર પર સ્ત્રીઓને અણગમો થવા લાગેલો. સ્ત્રીઓના વિચાર, વાણી ‘ને વર્તનમાં અગાઉ કરતાં વધુ હિંમત દેખાવા માંડી હતી. બે કુટુંબ પોતાના કૌટુંબિક હિત જુએ તેમાં પોતાના વ્યક્તિગત હિતનું શું એવા પ્રશ્ન પુરુષને પણ થતાં. વેલ, ત્યાંના મેરેજમાં પ્રેમનો ઉદય થયો તે ઘટનામાં પૈસાનો મહત્ત્વનો રોલ જાણીને અહીં ભારતીયોને એમ થાય કે એ લોકોમાં આ મહત્ત્વનું પરિવર્તન આવ્યું તેમાં એ સમયે ગુલામ એવા આપણા દેશના પૈસાનો મોટો ફાળો છે તો તેમાં કશું ખોટું નથી.
મેરેજ એટલે વંશ પ્રાપ્ત કરવાના સાધન તરીકેનું મુખ્ય કામ કરનાર સંસ્થા એ વિચાર ચર્ચે ત્યાંના લોકોના દિમાગમાં કંડારી દીધેલો. પણ, ઓગણીસમી સદીના પાછલા ભાગમાં મૂક ક્રાંતિની ઘંટડીઓ રણકવા લાગેલી. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની સેન્ટ જહોન કૉલેજના રેવરન્ડ ડંકન ડોર્મર મેરેજ સંસ્થામાં આવેલા પરિવર્તનના અભ્યાસુ છે. તેમના મંતવ્ય અનુસાર એ સમયે બાળકોના મૃત્યુનો દર ઘણો ઘટી ગયેલો એટલે બાળકોની સંખ્યા વધી ‘ને કુટુંબ મોટાં થયાં. તેથી લોકોએ ગર્ભ ના રહે તે માટે પ્રાથમિક કક્ષાના કુટુંબ નિયોજનના સાધન વાપરવા માંડ્યાં. બસ, તેની સાથે જ લગ્ન ‘ને વંશ પ્રાપ્તિ વચ્ચેનું તૂટી ના શકે તેવું જોડાણ દૂર થયું. એ પહેલાં લગ્ન જીવનમાં સંભોગના પરિણામે સંતાન થતાં રોકી શકાય એ વિચાર પણ લોકોના મનમાં નહોતો આવતો. ૧૯૩૦માં એન્ગ્લિકન ચર્ચે સાવધાની સાથે સ્વીકાર્યું કે કૃત્રિમ ગર્ભનિરોધક વાપરી શકાય છે. સંતાન પ્રાપ્તિના ધ્યેય વગરના સંભોગને ધાર્મિક ‘ને કાયદેસર માન્યતા મળતાં મેરેજ સાથે જોડાયેલા ઘણા પરંપરાગત આયામનો છેદ ઊડી ગયો.
અમેરિકન ઇતિહાસકાર ‘ને દાની એવાં મેડમ લેસ્લી હ્યૂમ જણાવે છે કે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે ત્યાં સ્ત્રીઓને જોવાની પુરુષોની દ્રષ્ટિ બદલાઈ. સ્ત્રીઓએ પ્રથમ વિશ્વયુદ્ધમાં જે અનન્ય યોગદાન આપેલું તેને કારણે સ્ત્રીઓ શારીરિક ‘ને માનસિક રીતે પુરુષ કરતાં નબળી છે એ ખ્યાલને પડકાર મળેલો. જોકે ૧૯૦૪માં સ્ત્રીઓને મતાધિકાર આપવા માગણી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બની ચૂકેલી. આઇલ ઓફ મેન જેવી કેલ્ટિક જાતિની વસ્તી ધરાવતી બ્રિટિશ કોલોનીમાં તો છેક ૧૮૮૧થી સ્ત્રીઓને મતાધિકાર હતો, પરંતુ કહેવાતા સુધરેલા પશ્ચિમી ગોરા દેશોમાં સૌ પ્રથમ ૧૮૯૩માં ન્યૂઝીલેન્ડની સ્ત્રીઓને મતાધિકાર મળ્યો. ઓસ્ટ્રેલિયાએ તમામ સ્ત્રીને મતનો હક્ક આપવામાં ૧૮૯૪થી ૧૯૧૧ જેટલાં વર્ષ કર્યાં. કેનેડાએ ૧૯૧૭માં, બ્રિટન ‘ને જર્મનીએ ૧૯૧૮માં, ઓસ્ટ્રિયા ‘ને નેધરલેન્ડે ૧૯૧૯માં, અમેરિકાએ ૧૯૨૦માં સ્ત્રીઓને રાજકીય રીતે થોડી ઘણી સમોવડી ગણી. જ્યારે ફ્રાન્સ ૧૯૪૪માં, ગ્રીસ ૧૯૫૨માં ‘ને સ્વિત્ઝરલેન્ડ ૧૯૭૧માં સ્ત્રીઓને મત આપવાનો રાઇટ આપી શક્યું.
સ્ત્રીઓને મતાધિકાર મળતાં જ મેરેજને લઈને પરિવર્તન આવ્યાં. એ પહેલાં પતિ ‘ને પત્ની બેમાંથી એક એટલે પુરુષ જ પૂર્ણ નાગરિક હતો, એ પછી બંને સમાન નાગરિક તરીકે લગ્ન જીવન જીવતાં થયેલાં. એ સિવાય અન્ય બદલાતા કાયદા સાથે મેરેજમાં બદલાવ આવ્યા. ૧૯૬૦ સુધીમાં આંતરવંશીય લગ્ન પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો. એટલે ગોરા સાથે અન્ય વંશના માણસ કે અન્ય વંશના માણસ સાથે ગોરા લગ્ન કરી શકતાં થયાં. સ્વાભાવિક છે તેને કારણે મેરેજ સંસ્થા માનવીય સંવેદના સાથે વધુ જોડાતી થઈ. ૧૯૬૫માં અમેરિકામાં સુપ્રીમ કોર્ટે રૃલિંગ આપ્યું કે સરકાર કોઈ પણ લગ્નથી જોડાયેલાં દંપતીને કુટુંબ નિયોજન વાપરતાં રોકી ના શકે. નવી દુનિયા જેવા અમેરિકામાં પણ મેરેજ સાથે લવ અને સેક્સ સામાજિક, સાંસ્કૃતિક તેમ જ કાયદાકીય રીતે જોડાઈ ગયા. એમાં પણ સેક્સ સિવાયના પ્રેમનું મહત્ત્વ ત્યારે સ્પષ્ટ થયું જ્યારે ૧૯૭૦ સુધીમાં મેરેજ કર્યા હોય છતાં પત્નીની ઇચ્છા વિરુદ્ધ પતિ સંભોગ કરશે તો રેપ ગણાશે એવા કાયદા આવ્યા.
વધુમાં વધુ સો વરસ પહેલાં સુધી પશ્ચિમના દેશોમાં પ્રેમને કારણે લગ્ન કરવા લગભગ અસામાજિક કે વિધ્વંસક લેખાતું. કુટુંબમાં કોઈ પ્રેમને કારણે લગ્ન કરવાનો પ્રયત્ન કરતું તો તે સભ્યને સમાજની બહારનો ગણવામાં આવતો. માતાપિતા તેવા માણસને પોતાના વારસામાંથી રદબાતલ કરતાં. દાર્શનિકો માટે જાણીતા ગ્રીસમાં આડા કે ટેડા સંબંધ ચાલતાં, પરંતુ પ્રેમને ગાંડપણ પ્રકારની સમસ્યા ગણી લોકો તેમના પર હસતાં કે તેમને ધુત્કારતાં. રોમાન્સ સાથે જે દેશ જોડાયેલો કહેવાય છે તે ફ્રાંસમાં પ્રેમ કોઈ પ્રકારની માનસિક અસ્થિરતા કે ગરબડ લેખાતી જેની સારવાર પોતાના કે કોઈ પારકા પાત્ર સાથે સંભોગ દ્વારા થઈ શકે તેમ મનાતું. સમય બદલાયો, જીવન વધુ જટિલ એવમ રંગીન થતું ગયું. પશ્ચિમમાં ‘ફાધર નોઝ બેસ્ટ’ યાને ‘પપ્પા જાણે છે તે શ્રેષ્ઠ છે’ પ્રકારનાં લગ્નની પદ્ધતિ હાંસિયામાં ધકેલાતી ગઈ અને એક સમય આવ્યો જ્યારે લગ્ન પહેલાં કે પછી બંને માણસ વચ્ચે પ્રેમ હોય કે હોવો જોઈએ એ વિચાર બહુમતી લોકોમાં લોજિકલ તેમ જ રેશનલ બન્યો.
લગ્ન સિવાય હાલ વૅલેન્ટાઇન ડે ‘ને વસંતનો વાયરો વાય છે. વૅલેન્ટાઇન ડે ‘ને વસંતની એક મૂળભૂત ‘ને ફરજિયાત ખાસિયત એ છે કે બંને કોઈ મિત્ર, કુટુંબના સભ્ય, ઓળખીતા કે કોઈ પણ વ્યક્તિને બિરદાવવાનો પણ ઉત્સવ છે. કોઈ પશુ કે પક્ષી કે વનસ્પતિ પરનો પ્રેમ અભિવ્યક્ત કરવાનો ઉત્સવ છે. પ્રેમની અભિવ્યક્તિ એટલે જેના પરત્વે પ્રેમ હોય તેનું સારું ઇચ્છવું ‘ને કરવું, તેનો આભાર માનવો ‘ને તેની માફી માગવી. વૅલેન્ટાઇન ડે શરૃ થયાના મૂળમાં જે એક વાયકા છે તેમાં સેન્ટ વેલેન્ટાઇનના રોમના સૈનિકો રૃપી માણસો પ્રત્યેના પ્રેમની વાત છે. સૈનિકો લગ્ન ના કરી શકે એવા કાયદા સામે એમણે સૈનિકોને લગ્ન કરવાનો પ્રેમથી મોકો આપેલો. રોમમાં ખ્રિસ્તીઓ આવ્યા તે પહેલાં વસંતનો ઉત્સવ તેરથી પંદર ફેબ્રુઆરી લુપરકાલિયા કે ફેબ્રુઆ નામે ઊજવાતો જેની પાછળ અમાનવીય નકારત્મકતા ભગાડવા ‘ને ધાવવાના પ્રેમ કર્મની દેવી રૃમિનાને પોંખવાનો આશય હતો, વાસ્તવમાં ભૂત ભગાડવા ‘ને બલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવતો હતો.
ભાવાર્થનું કહેવાનું કે મામલો મેરેજનો હોય કે વસંતનો ‘ને વૅલેન્ટાઇનનો, પશ્ચિમને હજારો વર્ષ બાદ થોડું ઘણુ સમજાયું કે અંતે મુદ્દો પ્રેમ છે. સમાજ, ધર્મ ‘ને કાયદા વડે માણસનું પ્રેમથી દૂર થવાનું ‘ને પ્રેમની નજીક આવવાનું ભૂતકાળમાં ચાલ્યું છે ‘ને ભવિષ્યમાં પણ ચાલશે. લગ્નની શરણાઈ, વૅલેન્ટાઇનની ગિફ્ટ ‘ને વસંતની મહેક સાથે હકીકતમાં પ્રેમને કેટલો સંબંધ છે એ પ્રશ્ન છે. હા, પ્રત્યેક જીવનો અન્ય દરેક જીવ સાથે જે આદિમ ‘ને અંતિમ સંબંધ છે એ પ્રેમનો છે. કિન્તુ, બસ એમ જ પ્રેમ થઈ જાય છે એવું જે કહેવાય છે તેમ પ્રેમનો સાક્ષાત્કાર એમ જ ના થઈ જાય ‘ને થાય તો એમ જ બરકરાર રહે. ઉત્ક્રાંતિ હજુ ચાલુ છે. આશા, ઉત્સાહ ‘ને આનંદ રાખવા માટે આપણે એટલું યાદ રાખીએ કે ઉત્ક્રાંતિની હરીફાઈમાં માણસ અન્ય જીવો સામે ટકી રહ્યો ‘ને આગળ વધ્યો તેના મૂળમાં માતાનો પ્રેમ છે. આજે નહીં તો કાલે આપણે પ્રેમને મળીશું, આપણે પ્રેમ બનીશું.
બુઝારો – ભારતમાં ૧૯૫૫માં હિન્દુ માટે બહુપત્નીત્વ પ્રતિબંધિત થયું. ખ્રિસ્તી માટે છેક ૧૮૬૦થી એકથી વધુ પત્ની રાખવા સામે મનાઈ છે. મિઝોરમમાં ૧૯૪૫માં જન્મેલા ઝિઓના ચાના પોતાના પપ્પાનો ચાના પૌલ નામનો ખ્રિસ્તી પંથ ચલાવે છે. તેમને ૩૯ પત્ની છે. ૯૪ સંતાન, ૧૪ વહુ, ૩૩ સંતાનનાં સંતાન, ૧ સંતાનના સંતાનનું સંતાન મળીને કુલ ૧૮૧ સભ્યો સાથે તેમનું કુટુંબ વિશ્વનું સૌથી મોટું જીવતું કુટુંબ છે. આખું કુટુંબ સોએક ઓરડાના ઘરમાં એકસાથે રહે છે. ઝિઓના ચાનાનું કહેવું છે કે અમે બધાં સાથે પ્રેમથી રહીએ છીએ.
—————————————-