ઇમ્યૂનિટીઃ ધ માસ્ટર કી

કોરોના વાઇરસ ચામાચીડિયાથી સાપમાં 'ને અંતે માનવીમાં પ્રસર્યા.
ઇમ્યૂનિટીઃ ધ માસ્ટર કી
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

મહામારીનું કામ અંદર ઘૂસી જવું વત્તા બહાર લેતા જવું
આપણું ના આવો ના આવજો સાથે બારણે સાબદા થવું

ફરી એકવાર ધૂળના કણથી સૂક્ષ્મ દુશ્મન ત્રાટક્યા છે. ૨૦૧૯ નોવેલ કોરોના નામના વાઇરસ ચીનથી માનવ ભક્ષણ શરૃ કરીને આગળ વધી રહ્યા છે. સમગ્ર વિશ્વ ભયભીત છે કે ભયમાં છે એવું ક્યાંક કોઈને ખરેખર લાગતું હશે. રોગનું એપિસેન્ટર ચીનનું વુહાન શહેર છે, વાસ્તવમાં વુહાનની એક સરકારી પ્રયોગશાળા છે. વાઇરસ અંગે સંશોધન કરવા જ્યારે આ અત્યાધુનિક ફેસિલિટીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં ત્યારે અમુક વિજ્ઞાનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ ફેસિલિટી ખુદ રાક્ષસી સમસ્યા સર્જી શકે છે. ચીનની નંબર વન બનવાની હઠને ધ્યાનમાં રાખીને ઘણાએ શંકા સેવેલી કે ચીન સંશોધનના નામે કશું પણ કરી શકે છે. છતાં વુહાન ખાતેની ફેસિલિટી રંગેચંગે કામ કરતી રહી. ચીનમાં મીડિયા કેવળ સરકારના કે સામ્યવાદી પક્ષના ચોર ખિસ્સામાં ગુપ્ત રહેતી આંગળીઓ નચાવે એમ નાચે છે તેથી આ નવીન રોગની અસરથી લઈને મૃત્યુ સુધીના સાચા સમાચાર આપણને મળે એ ખ્યાલ બિનવૈજ્ઞાનિક છે એ સ્વીકારવું રહ્યું.

વિશ્વના ઘણા સંશોધનકારોની ધારણા અનુસાર ૨૦૧૯ નોવેલ કોરોના વાઇરસ ‘ને તેના થકી થતાં રોગના મૂળમાં બે કારણ હોઈ શકે છે. સૌથી પહેલાં વિજ્ઞાનીઓએ થિયરી આપેલી કે કોરોના વાઇરસ ચામાચીડિયાથી સાપમાં ‘ને અંતે માનવીમાં પ્રસર્યા. મેડિકલ વાઇરોલોજીની જર્નલમાં જણાવવામાં આવેલું કે આ વાઇરસ સાપમાંથી માનવીમાં પ્રવેશી શકે છે. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીએ ૨૩ જાન્યુઆરીએ કીધું કે ચીનમાં પ્રાણીઓના બેરોકટોક ચાલતાં વેપારને કારણે વાઇરસને મોકો મળી શકે. ચીનમાં ખાવા માટે વપરાતાં જીવંત પ્રાણીઓના બજારમાં ઘણા પ્રકારની બેદરકારી રાખવામાં આવે છે એ વિશ્વ જાણે છે. વુહાનના કે અન્ય ચીની બજારમાં વેચનાર ‘ને ખરીદનાર બંને હેલ્થ ‘ને હાઇજિન અંગે પોતાના ઘરના સ્ટાન્ડર્ડ મુજબ ચાલે છે. આ રોગચાળાને લીધે વિશ્વમાં ભણેલા ‘ને નાસ્તિક લોકો પણ આઘાત પામ્યા છે કે ચીના ચામાચીડિયાં ખાય છે. એવામાં વિજ્ઞાનીઓને એ નથી ખબર કે ચામાચીડિયાંને તળવાની પ્રક્રિયામાં ક્યારે આ વાઇરસ માનવીમાં સક્રિય થવા લાયક બને છે.

બીજી ધારણા માત્ર વિચાર કે ચિંતા કરવા પૂરતી જ કામની છે, કારણ કે એ ધારણા પર વ્યવહારમાં કોઈ ઠોસ કામગીરી થાય એવું અનુભવે લાગતું નથી. ૨૦૧૭માં ચીને જ્યારે વિશ્વના સૌથી તાકાતવર વાઇરસ ‘ને પેથોજન્સનો અભ્યાસ કરવા વુહાન નેશનલ બાયોસેફ્ટી લેબોરેટરીની સ્થાપના કરી ત્યારે અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીના મોલેક્યુલર બાયોલોજિસ્ટ રિચાર્ડ બ્રાઇટે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, આ લેબોરેટરીમાં એકથી વધુ રીતે ખોટું થઈ શકે છે. એ સિવાય એમણે ટૅક્નિકલ મુદ્દા સાથે ઘણી લાંબી ટિપ્પણી કરેલી. ૨૦૦૩-૪માં સિવિઅર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રમ ઉર્ફે સાર્સ નામક રોગે ૮૦૦૦થી વધુ માનવીઓને ભરડામાં લીધા હતા, એ કદાચ આપને યાદ હશે. ત્યારે ‘ને આજે પણ ઘણા વિજ્ઞાનીઓ સાર્સના વાઇરસ આ વુહાન નેશનલ બાયોસેફ્ટી લેબોરેટરીમાંથી લીક થયા હોવાનું માને છે.

અહીં સમજવાનું એ પણ છે કે સાર્સના વાઇરસ અને આ નવીન રોગના વાઇરસ એ મૂળ કોરોના વાઇરસની જ બે અલગ પેટાજાત છે. તદુપરાંત નવો વાઇરસ ચીને તેમની પોતાની લઘુમતી જેમને એ દુશ્મન ગણીને કેમ્પસમાં યાતના આપે છે તે મુસ્લિમ વિઘરની વસ્તી જ્યાં વધુ છે ત્યાં પહોંચી ગયો છે. વોશિંગ્ટન ટાઇમ્સમાં પત્રકાર બિલ ગર્ટઝ લખે છે કે ચીનના કોવર્ટ બાયોવૉરફેર પ્રોગ્રામના ભાગ રૃપે આ કોરોના વાઇરસ જન્મ્યો હોય તેવું શક્ય છે. બિલ એફબીઆઇ, સીઆઇએ ‘ને નેશનલ ડિફેન્સ યુનિ. જેવી સંસ્થાઓમાં લેક્ચર આપવા જાય છે. તેમણે ઇઝરાયલના એક્સ મિલિટરી ઇન્ટેલિજન્સ ઓફિસર ‘ને સિનિયર બાયોલોજિકલ વૉરફેર એનાલિસ્ટ એવા ડેની શોહમને ટાંકે છે. ડેની મેડિકલ માઇક્રોબાયોલોજીમાં ડૉક્ટરેટ ધરાવે છે. ડેની કહે છે એવું પણ શક્ય છે કે વાઇરસ ફેસિલિટીમાંથી લીક થયો હોય કે પછી લેબોરેટરીમાં કામ કરનાર કોઈ શખ્સને આ વાઇરસનું ઇન્ફેક્શન હોય ‘ને કોઈના ધ્યાનમાં ના આવ્યું હોય, પરંતુ એવા કોઈ પુરાવા કે સૂચક ચિહ્ન આ ઘટનાને લઈને મળ્યા નથી જેથી ઘટના પાછળ એવાં સામાન્ય કારણ હોય તેવું માની શકાય. એનિવેઝ, આપણે તો વાઇરસ છે એટલું નિશ્ચિત જાણીએ.

૧૮૯૨માં રશિયન વનસ્પતિશાસ્ત્રી દિમિત્રી આઇવનોવ્સ્કીએ વિશ્વને જણાવ્યું હતું કે બેક્ટેરિયા ના હોય તેવા પેથોજન્સ તમાકુના છોડમાં રોગ પેદા કરી રહ્યા છે. ૧૮૯૮માં ડચ વિજ્ઞાની માર્ટિનસ બાઇજેરિંક એ દિશામાં આગળ વધીને ટોબેકો મોઝેઇક વાઇરસ શોધે છે. વિજ્ઞાન ‘ને વ્યવહારની મિલીભગત જુઓ, બાઇજેરિંક એ પછી ‘ને પહેલાં નોંધપાત્ર પ્રદાન કરતાં રહેલા છતાં એમને નોબલ પ્રાઇઝ ના આપવામાં આવ્યું. બેશક એમની ગણના વાઇરોલોજી ‘ને ઍન્વાયરમૅન્ટલ માઇક્રોબાયોલોજીનો પાયો નાખનારમાં થાય છે. હશે. એ પછી તો વાઇરસની ૫૦૦૦ જાતિ શોધાઈ છે, ભલે વાઇરસના પ્રકાર લાખોમાં હશે. વારુ, વાઇરસ પોતાના બળભૂતા પર કશું જ નથી. ઇન્ફેક્શન ફેલાવવા માટે બંધારણીય રીતે સક્ષમ વાઇરસ કેવળ કોઈ જીવંત કોષની અંદર જ સંખ્યાની દ્રષ્ટિએ વૃદ્ધિ પામી શકે છે ‘ને અન્ય જીવને રોગગ્રસ્ત કરવા સક્રિય થઈ શકે છે. વાઇરસ વનસ્પતિ, પશુ, પક્ષી કે બેક્ટેરિયા કે એક કોષીય જીવને ઇન્ફેક્ટ કરી શકે છે યાને રોગગ્રસ્ત કરી શકે છે. સંસ્કૃતમાં રોગ માટે માંદ્ય શબ્દ છે જેના પરથી ગુજરાતીમાં માંદગી શબ્દ આવ્યો.

વિકૃતિ, વિકાર ‘ને વ્યાધિ. ભય, દોષ ‘ને આતંક રોગના સમાનાર્થી છે. રોગ એટલે મૃત્યુભૃત્ય અર્થાત મૃત્યુનો નોકર. મેડિકલ સાયન્સ મુજબ રોગ એક એવી ચોક્કસ અસામાન્ય સ્થિતિ છે જે જીવના કોઈ ભાગ કે સમગ્ર જીવને અર્થાત જીવના બધા જ ભાગના બંધારણ કે નિયોજિત કાર્ય પર નકારાત્મક અસર કરે છે અને તે સ્થિતિ કોઈ બાહ્ય ઈજાની તત્કાલીન અસરના કારણે પેદા થયેલી નથી હોતી. પ્રત્યેક રોગના નિશ્ચિત લક્ષણ ‘ને સંકેત હોય છે. રોગ બહારથી પેથોજન્સના ઇન્ફેક્શન થકી કે અંદરથી કોઈ અપક્રિયાને કારણે સર્જાય છે. દાખલા તરીકે રોગ મુક્ત રહેવા કે રોગનો પ્રતિકાર કરવાની બંધારણીય વ્યવસ્થા યાને ઇમ્યૂન સિસ્ટમની ભીતરી અપક્રિયાને કારણે વિવિધ રોગ જન્મે છે. ઇમ્યુનિટી અહીં માસ્ટર કી સમાન શબ્દ છે.

ઇન્ફેક્શન એટલે સંક્રમણ, સંસર્ગ કે સંચાર. ઇન્ફેક્શનથી થયેલા રોગને સંગદોષ કહેવાય. વિજ્ઞાન અને સાહિત્ય વચ્ચે અનોખો સંબંધ છે. વિજ્ઞાનમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે કોઈ એક બાબતની વ્યાખ્યામાં વપરાયેલી બીજી બાબતની પોતાની વ્યાખ્યામાં પાછી પેલી પહેલી બાબતનો આધાર હોય. જેમ વાઇરસ, રોગ ‘ને ઇન્ફેક્શન એકમેક સાથે જોડાયેલા છે તેમ તેમની વ્યાખ્યાઓ પણ એકબીજા પર આધારિત છે. ઇન્ફેક્શન એટલે જીવના શરીર પર રોગ પેદા કરનાર પેથોજન્સ દ્વારા થયેલું આક્રમણ ‘ને તેનું પરિણામ. જીવ એટલે કે રોગના સંદર્ભમાં યજમાન પોતાની ઇમ્યૂન સિસ્ટમ ઉર્ફે ઇમ્યુનિટી વડે રોગ સામે લડે છે. સસ્તન જીવ ઇન્ફેક્શન સામે લડે ત્યારે પ્રાથમિક રીતે અંદરથી અમુક સામાન્ય પ્રતિક્રિયા આપે છે, જેમ કે સોજા આવવા ‘ને તે પછી પોતાનો યથોચિત પ્રત્યુત્તર વાળે છે. ઇન્ફેક્શનનો ઉપચાર કરવા નિશ્ચિત દવાઓ વપરાય છે જેમાં ઍન્ટિબાયોટિક વગેરે હોય છે.

વાઇરસથી ઇન્ફેક્શન થાય, ઇન્ફેક્શનથી રોગ ‘ને રોગથી મૃત્યુ પણ થાય. આ આખી સ્ટોરીલાઇનમાં બે ચીજ ગેમ ચેન્જર છે. દવા ‘ને ઇમ્યૂન સિસ્ટમ. એક તરફ એવા માનવીઓ છે જેમને ઇન્ફેક્શન નથી લાગતું ‘ને એક તરફ એવાં ઇન્ફેક્શન છે ‘ને આવશે જેની દવા નથી. ૧૯૧૮માં જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ અંત તરફ જતું હતું ત્યારે એક રહસ્યમય રોગ ફેલાવા માંડેલો. ૧૯૨૦ સુધીમાં એ રોગને કારણે વિશ્વની કુલ વસ્તીના ચોથા ભાગના માનવીઓ એ રોગના ઇન્ફેક્શનનો શિકાર બનેલા. સ્પેનિશ ફ્લૂ નામના એ રોગના ઇન્ફેક્શનથી અંદાજે દસ કરોડ માનવી મોતને ભેટ્યાં હતાં. પ્રથમ ‘ને દ્વિતીય વિશ્વ યુદ્ધના પરિણામે આશરે સાતથી આઠ કરોડ માનવી મૃત્યુ પામેલાં. બે વિશ્વ યુદ્ધે જેટલાં માનવી મારી નાખ્યા તેથી વધારે માનવી વીસમી સદીના સૌથી મોટા હત્યારા સ્પેનિશ ફ્લૂએ મારી નાખ્યા છે. ઇબોલા, ઝિકા, ડેન્ગ્યૂ, ઇનફ્લૂએન્ઝા યાને સ્વાઇન ફ્લૂ, કોરોના વાઇરસથી થતાં મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રમ ‘ને સાર્સ જેવા તથા અન્ય ચેપી રોગ ક્યારે શું કરશે તે વિજ્ઞાન કે જ્યોતિષ કહી શકે તેમ નથી.

વિજ્ઞાનીઓનું રિસર્ચ કહે છે કે અમેરિકામાં દર વર્ષે કમ સે કમ ૨૮ લાખ ઍન્ટિબાયોટિક-રેઝિસ્ટન્ટ એટલે કે જેના પર કોઈ ઍન્ટિબાયોટિકની અસર ના થાય તેવા ઇન્ફેક્શનના યાને ઇન્ફેક્ટેડ પેશન્ટ્સના કેસ બને છે અને તેમાંથી કમ સે કમ ૩૫૦૦૦ માનવી મૃત્યુ પામે છે. અમેરિકાની વસ્તી ૩૨થી ૩૩ કરોડ અને અમેરિકામાં વિશ્વની શ્રેષ્ઠ હૉસ્પિટલ્સ આવેલી છે. વળી, આ આંકડા જે કેસનું તારણ કાઢવા સુધી સંશોધન થયું હોય ‘ને ચોપડે નોંધાયેલા હોય ફક્ત તે માનવીઓની રજૂઆત કરે છે. વેલ, જે રોગની ઍન્ટિબાયોટિક શોધાઈ જ ના હોય તે રોગ થાય એટલે મરી જ જવાય એવી સીધી ‘ને સરળ વાત નથી. ફોકસ એ માનવીઓ પર આપવું જોઈએ જેમને ઇન્ફેક્શન નથી થતું. જંગ એ માનવીઓ જીત્યા કહેવાય જેમની ઇમ્યૂન સિસ્ટમ જીતી શકી. અલબત્ત, તેમાંથી ઘણાને અમુકતમુક દવા મદદગાર નીવડી હોય તેવું શક્ય છે, પરંતુ તેવા કિસ્સામાં પણ ઇમ્યુન સિસ્ટમ સલામની અધિકારી છે.

સિઝન રોગની હોય છે તેથી વધુ દવાની હોય છે ‘ને એથી વિશેષ કહીએ તો ડૉક્ટર્સની હોય છે. વિશ્વમાં જ્યાં જ્યાં ઋતુ બદલાય છે ત્યાં બધે જ સમર-ડિસીઝ, વિન્ટર-ડિસીઝ ‘ને મોન્સૂન-ડિસીઝ કે સ્પ્રિંગ ‘ને ફોલ એવાં ટેગ સાથેના રોગના ભાગલા ચલણમાં છે. વિદેશમાં સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડર નામક મનોરોગ સુદ્ધાં છે. અનુભવ સિવાયનાં કારણો થકી પણ અમુક સિઝન શરૃ થાય એટલે અમુક રોગ થશે તેવું ડૉક્ટર્સ ગંભીરતાથી માનતા હોય છે. વિજ્ઞાન એ કક્ષાએ નથી પહોંચ્યું કે જન્મ થાય ત્યારથી જાતકની તંદુરસ્તી સામે શું પ્રશ્ન થશે તે અંગે રિપોર્ટ આપી શકે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મેલી બાલિકાને ગર્ભાશયના ઇસ્યૂ થઈ શકે. શતભિષા નક્ષત્રમાં જન્મેલાને શક્યતઃ ઘૂંટણ યા એડીનો કે જડબાનો પ્રોબ્લેમ થઈ શકે ‘ને અનુરાધા નક્ષત્રમાં જન્મ્યા હોય તો કિડની રિલેટેડ રોગ થઈ શકે. આવી સાવ જનરલ ભવિષ્યવાણી સિવાય માનવીની જન્મપત્રી પરથી પણ જ્યોતિષ ભવિષ્યમાં કયો રોગ ક્યારે થઈ શકે તે ભાખતાં હોય છે.

વિશ્વનાં અન્ય જ્યોતિષશાસ્ત્રોમાં હેલ્થ અંગેની એમની પોતાની ગણતરીઓ છે જ. કિન્તુ, શું આ વિજ્ઞાન વિરોધી વાતો ના કહેવાય? અંધશ્રદ્ધા ના કહેવાય? એકવીસમી સદીમાં પબ્લિશ થયેલી ‘ઇન્ટ્રોડક્શન ટુ મેડિકલ એસ્ટ્રોલોજી’માં ૧૮૦૦ આસપાસના જર્મન ફિઝિશિયન ‘ને ૧૯૦૦ આસપાસના રશિયન ફિઝિઓલોજિસ્ટ જેવા કંઈક પ્રોફેશનલ્સના અવલોકનની વાતો છે. આવી એકથી વધુ બુક્સ છે. બુક તો ઠીક, રિસર્ચનું શું? વર્ષો પહેલાં કોલંબિયા યુનિ.ના મેડિકલ વિભાગના મેરી, નિકોલસ ઇત્યાદિએ ૧.૭૫ મિલ્યન દર્દીઓના રેકોર્ડનું વિશ્લેષણ કરેલું. ૧૬૮૮ પ્રકારની ઇલનેસમાંથી ૫૫ રોગ એવા તારવ્યા જેને બર્થ-મન્થ જોડે સંબંધ હોય. આવા એકથી વધુ સંશોધન થયાં છે. સ્પેનમાં ૩૦,૦૦૦ જેવા લોકો ‘ને ૨૭ ક્રોનિક ડિસીઝ વચ્ચે જન્મ સમયની ઋતુને લઈને રિલેશનશિપ કાઢવામાં આવી. ખેર, આવા જ્યોતિષશાસ્ત્રને સ્પર્શ્યા વિનાના સાયન્સના સંશોધનના ટેબલ્સ ‘ને તારણ આપણે ના માનવા હોય તો કશો વાંધો નહીં, પણ અન્ય એક કે વધુ રીત વડે વિવિધ માનવીઓની ઇમ્યૂન સિસ્ટમના ડેટાનો અભ્યાસ કરવો ઘટે.

ઇમ્યૂનિટી બહારના પારકાં જીવો અને અંદરના પોતાના જીવ વચ્ચેની સુરક્ષા કવચ સાથેની આપણી પોતાની અનન્ય સરહદ છે. વિજ્ઞાન અથવા વિજ્ઞાનને કામમાં લેનારાએ રોગ ‘ને દવા પર કામકાજ કરવું જ જોઈએ, પણ હવે ઇમ્યૂનિટી પર તાબડતોબ મેગા મિશન શરૃ કરવાનો સમય પાકી ગયો છે. દર્દીને નીરોગી કરવા સાથે એટલી કે વધુ મહેનત અરોગી માનવીને વધુ સ્વસ્થ ‘ને તાકાતવર કરવા પર કામ કરવું પડે. ડૉક્ટર એટલે હેલ્થ પ્રોફેશ્નલ, નહીં કે ડિઝીઝ પ્રોફેશ્નલ. આજે કેટલાય લોકો પોતાની રીતે કસરત કરે છે કે સારું પોષણ મળે એવું જાતે ખાય પીવે છે. મેડિકલ સાયન્સ જવાબદારી સાથે તેમાં કેટલું યોગદાન આપશે એ મહત્ત્વનું છે. ઇમ્યૂનિટી સાયન્સ કે ન્યુટ્રિશન સાયન્સ શા માટે વિશેષજ્ઞ કે મર્યાદિત પ્રોફેશ્નલના હવાલે જ રાખવાનું? આજે આપણે ઇમ્યૂનિટી વધારવી હોય તો શું કરવું જોઈએ એ પ્રશ્ન લઈને કોની પાસે જઈશું? દરેક ડૉક્ટર એ મુદ્દે સજ્જ થવા જોઈએ. વળી, મેડિકલ સાયન્સ છે, મેડિકલ ફિલોસોફી નથી. સાયન્સ તેને જ કહેવાય જે પરફેક્ટ હોય. પાણી એક્ઝેટ તાપમાને ઊકળે એટલે ઊકળે જ. ઇમ્યૂનિટી કેવી રીતે વધે એ અંગે જવાબદારીથી નિશ્ચિત થવું જ પડે.

ચિકિત્સા, સામર્થ્ય ‘ને સ્વાસ્થ્ય માટે આદિ કાળથી માનવી એક કે બીજી રીત શોધતો ‘ને અપનાવતો રહ્યો છે. અતઃ મેડિકલ સાયન્સનો જન્મ ક્યારે થયો તે કહેવું અશક્ય છે. હા, એલોપથી કે અલોપથી શબ્દ ૧૮૧૦માં જર્મન ફિઝિશિયન સેમ્યુઅલ હિનામને આપેલો. યાદ રાખવા જેવી નક્કર વાસ્તવિકતા એ છે કે રોગના ફરજિયાત ‘ને પ્રત્યક્ષ સંદર્ભ વગર હેલ્થ ‘ને ફિટનેસ સુધારવા પર અલોપથી ખૂબ ઓછું ધ્યાન આપે છે. સામે પક્ષે અલોપથી જેને વૈકલ્પિક ‘ને પૂરક મેડિસિન કહે છે તે ભારતીય, ચીની, આફ્રિકન ‘ને અમેરિકન આદિવાસીઓની પ્રાચીન પદ્ધતિમાં માનવી સક્ષમ થઈને રોગથી દૂર રહે તે પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. અને સાઇડ-ઇફેક્ટનું શું? આજે જે દવા સત્તાવાનોએ મંજૂર કરી હોય છે તે પરમ દિવસે પ્રતિબંધિત દવાના લિસ્ટમાં આવી જાય છે તેનું શું? કોઈ યોગ્ય ભોજન ગ્રહણ કરતો, નિર્વ્યસની ‘ને શુદ્ધ વાતાવરણમાં રહેતો માનવી ડૉક્ટરને પૂછે કે ફેફસાં કેવી રીતે વધુ મજબૂત કે વધુ તંદુરસ્ત કરવાં તો ડૉક્ટર ધર્મ ‘ને પક્ષના કુંઠિત ભેદભાવથી મુક્ત થઈને કાયદેસર કહી શકવો જોઈએ કે આ તે કસરત સિવાય પ્રાણાયામ કરો તો સારું.

ઇમ્યૂનિટી વધારવા શું ખાવું જોઈએ એ સર્ચ કરો તો અલોપથી આધારિત દસ કે વીસ આઇટમ મળશે ‘ને એમાં અડધાથી વધુ તો આપણે ખાતા હોઈએ એ જ હશે. જ્યારે એકલા ચ્યવનપ્રાશમાં પચ્ચીસથી એંશી વનસ્પતિ વપરાય છે. દેશી ભૂકી કે દાતણ છોડીને સફેદ ટૂથપેસ્ટ ઘસવાના નુકસાન આપણે ભોગવ્યા ‘ને હવે એમને હર્બલ પેસ્ટ વેચવાનું સૂઝ્યું. આપણે પેઢીઓથી જમ્યા પછી અમૃત એવી છાશ પીધી, હવે એ લોકો બ્રાન્ડેડ ‘ને કોસ્ટલી પ્રોબાયોટિક ડ્રિંક વેચે ત્યારે તે સાચું ગણવાનું? એમને હળદરમાં કરક્યૂમિન જડે ત્યારે જ હળદર કામની થાય? ગોરાઓ ઓરેન્જની ખેતી મોટા પાયે કરે એટલે આંબળામાં ઓરેન્જ કરતાં ખૂબ વધુ તાકાત હોવા છતાં આપણે આંબળા છોડીને ઓરેન્જ ખાવાની? જર્મની જેવા દેશ આયુર્વેદને વર્ષોથી આવકારી શક્યા, પરંતુ અબજો ડૉલર્સની એલપથીના ગુલામ એવા ઘણા મુખ્ય દેશો આયુર્વેદને મહેમાન તરીકે પણ સ્વીકારી ના શક્યા.

બેશક મૉડર્ન મેડિસિને આપણને કલ્પના બહારનું આપ્યું છે, જેમ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ. છતાં જે ભૂલો થઈ હોય તે સુધારવી રહી ‘ને ક્ષતિઓ દૂર કરવી રહી. માંસાહારી માનવીઓની માંસ ખાવાની આદતને વિજ્ઞાને પોષણ આપ્યું છે તો માંસ થકી જે રોગ પ્રગટે ‘ને ફેલાય તેની જવાબદારી વિજ્ઞાને લેવી જોઈએ. આસન ‘ને પ્રાણાયામ જેવી શરીર સમર્થ બનાવતી પદ્ધતિઓ સિવાય ભારત ‘ને અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ પાસેથી આહાર-વિહાર અંગે આધુનિક વિજ્ઞાન ઘણુ શીખી શકે છે. જમ્યા પછી ડાબા પડખે થોડી વાર સૂવું કે જમ્યા પછી તરત પાણી ના પીવું જેવી ઘણી બાબતો આયુર્વેદમાં આવકારવા જેવી છે. આયુર્વેદમાં ઇમ્યૂનિટી વધારવાના મામલાને વ્યાધિક્ષમત્વ કહે છે. વ્યાધિ આવે તો શરીર તેની સામે બારણુ બંધ કરી શકે તેવું શક્તિશાળી હોવું જોઈએ, માત્ર રોગ થાય ત્યારે રોગ દૂર કરવો એ સાચું એવમ પૂર્ણ આરોગ્ય નથી. સામાન્ય ભારતીય રસોડાના રોજના મસાલા કેવળ સ્વાદ માટે નથી હોતા એ બીજા નહીં તો ત્રીજા ભારતીયને ભાન છે. રસોડાના મસાલાથી સામાન્ય વ્યાધિથી આબાદ બચી જતાં લોકોના અનુભવ ખોટા નથી.

કોઈ કહે છે, ૧૮૬૬માં તો કોઈ કહે છે ૧૯૧૩માં પહેલી વાર ‘એન એપલ એ ડે, કિપ્સ ધ ડૉક્ટર અવે’ ઉક્તિ આવેલી. લોકો જાણે છે એ ઉક્તિમાં એવો કોઈ દમ નથી. એ જમાનામાં વરસમાં એક વાર ડૉક્ટરને મળવાના કારણ હતાં તેના કરતાં આજે વધારે છે. આપણે ત્યાં બે સમય રોટલો, શાક, ખીચડી ‘ને દૂધ જમી શકનાર માનવીના આંખ, દાંત ‘ને ઘૂંટણ છેક સુધી બરાબર કામ કરતા હતા તેવું ગામડા સાથે સંબંધ રાખનારને માલૂમ છે. એપલ કયા રસાયણની કઈ અસર લઈને શરીરમાં આવશે એ અંગે કોઈ આપણને કશું નથી કહેતું. સ્ત્રીઓના હોર્મોન ઇસ્ટ્રોજન ‘ને ફળ વચ્ચે વિજ્ઞાને ગાઢ નાતો બાંધી આપ્યો છે તેની ઉપરછલ્લી માહિતી પણ જૂજ લોકોને હશે. વિજ્ઞાન જ જ્યારે અવનવા કેમિકલ્સથી જન્મેલા ‘ને મોટાં થયેલાં ફળ, શાકભાજી ‘ને અનાજ ખવડાવે ત્યારે આ કે તે ખાવાથી ઇમ્યૂનિટી વધે એ દાવાની પોકળતા કરતાં કેમિકલ્સથી શરીરમાં ડૉક્ટરના ભણવામાં ના આવ્યા હોય તેવા પણ લોચા સર્જાઈ શકે છે એ સંદેહ પર વિશ્વાસ મૂકવો સારો.

ગયા વરસ કરતાં આ વરસે વધુ લોકો વધુ હાઇજેનિક થયા છે, પણ સાથે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે એ જાણવું, સમજવું ‘ને સ્વીકારવું રહ્યું. ઘણી વાર બહારનું પાણી પીતા હતા ‘ને ઘણી વાર આરઓ યા મિનરલ વૉટર ના વપરાયું હોય તેવી પાણીપૂરી ખાતાં હતા ત્યારે મોટા ભાગનાની ઇમ્યૂનિટી બહેતર હતી. વેસ્ટના રવાડે ચઢીને વેસ્ટનું પ્રિઝર્વેટિવ જેવું ઘણુ વેસ્ટ અપનાવવાથી આપણે આપણુ સાચું ગુમાવ્યું ‘ને અમુક અંશે આપણી હેલ્થ જોખમમાં મૂકી છે. ફ્રીઝ માપમાં રાખવાને બદલે હવે ફ્રોઝન ફૂડ પર ચઢીએ છીએ. દેશી અથાણાને ગાળો દઈને અહીંની ગરમીમાં વિનેગારમાં તરબતર ઓલિવ ‘ને  હેલાપેન્યો ખાવામાં બુદ્ધિ ફૂંકવાનો નશો કરીએ છીએ. ભારતીય આબોહવા મુજબ મેદાની ઇલાકામાં શિયાળા કે ચોમાસામાં જમ્યા પહેલાં સૂપ પીવાય, બાકી એસિડનો ઓવરફ્લો થાય જે શરીરને નડે એ આપણને બહારના લોકો નહીં શિખવાડે. આપણે જાતે આપણા જાણીતા કે પારકા તંદુરસ્ત વડીલો પાસેથી ઘણુ શીખવું પડે.

પ્રદૂષણ, ધંધાદારી ફૂડ ‘ને મૂડીવાદના પ્રેશર નીચે ધ્રૂજતું જીવન બદલવું અઘરું છે. એક નહીં તો બીજા વાઇરસ આપણી આસપાસ છે ‘ને રહેવાના જ છે. સંભાવના ભારોભાર છે કે નાનું કે મોટું ઇન્ફેક્શન આજે નહીં તો કાલે આપણને હેરાન કરશે ‘ને શક્યતઃ આપણે નીરોગીમાંથી રોગી થઈશું. ભવિષ્યમાં જાણીતો કે અજાણ્યો રોગચાળો ક્યાંક ફાટી નીકળશે એવી શંકા નહીં ખાતરી રાખવામાં કોમન ‘ને અનકોમન બંને સેન્સ છે. ચીને ભૂતકાળમાં ખોટા ધંધા કર્યા છે કે પછી ભવિષ્યમાં કરશે એ અંગેની ચર્ચાનો અંતે આપણી સ્વસ્થતા સાધવા માટે ખાસ કોઈ અર્થ નથી સરતો. ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા પશ્ચિમમાંથી મેડિકલ સાયન્સ વાઇરલ ઇન્ફેક્શનની સ્પીડમાં આગળ વધવા ના મથે તો આપણા વિજ્ઞાની ‘ને ડૉક્ટર સમાજે હરણફાળ ભરવી પડશે. આમ પણ ઇમ્યૂન સિસ્ટમની જરૃરિયાત ઘણે અંશે સ્થળ મુજબ બદલાય છે. સો વાતની એક વાત કે રોગ સામે અગમચેતી રાખવી એ રોગીની સારવાર કરવા સુધી પહોંચવા કરતાં ઉત્તમતર છે.

બુઝારો  –  આયુર્વેદમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા સદવૃત્તનો આગ્રહ રાખ્યો છે. સદવૃત્ત હિતાયુ ને સુખાયુ આપે. આચાર્ય વાગ્ભટ્ટના કથન અનુસાર સદવૃત્ત એટલે તમામ જીવ પરત્વે અનુકંપા રાખવી, વિવેકથી મન સાથે વાણી તેમ જ શરીરને કાબૂમાં રાખવા ને અન્યની સંવેદનાને પોતાની સંવેદના ગણીને તે મુજબ વર્તવું.
—————————

ગૌરાંગ અમીનચર્નિંગ ઘાટ
Comments (0)
Add Comment