‘કૅરિંગ સોસાયટી’માં સૌના આર્થિક વિકાસ માટેની મહત્ત્વાકાંક્ષા રાખતું બજેટ

વિકટ સંજોગોમાં પણ સરકારે નાણાકીય ખાધને કે કેન્દ્ર સરકારનાં દેવાંને વધવા દીધાં નથી
  • અર્થકારણ – ડૉ. જયેશ શાહ

વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ ભારત સરકારનાં નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને લોકસભામાં પ્રસ્તુત કરતી વખતે કહ્યું કે આ બજેટ મુખ્યત્વે ત્રણ બાબતો ઉપર આધારિત છેઃ (૦૧) મહત્ત્વાકાંક્ષી ભારત, (૦૨) સૌનો આર્થિક વિકાસ અને (૦૩) કૅરિંગ સોસાયટી‘. શું આ બજેટ આ ત્રણે બાબતો ઉપર ખરું ઊતરશે? આપણે બજેટને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈએ અને તેને સરળ રીતે સમજીએ. આપણે સૌ સામાન્ય રીતે એટલું તો સમજી શકીએ છીએ કે આપણી જેટલી આવક હોય તેટલો જ ખર્ચ આપણે કરીએ છીએ. ઘરમાં કોઈ વસ્તુ વસાવવી હોય તો આપણે એટલી જ લોન લઈએ છીએ કે જેથી તેનો માસિક હપ્તો સરળતાથી ભરી શકીએ. જે પરિવાર તેમ કરવામાં નિષ્ફળ જાય તો તે ચિંતાગ્રસ્ત થઈને ડામાડોળ થઈ જતો હોય છે. એટલે આપણામાંના મોટા ભાગના આર્થિક શિસ્ત જાળવીને જ આર્થિક વ્યવહારો કરતા હોઈએ છીએ. તેવું જ કંઈક દેશના વહીવટનું હોવું જોઈએ. શું આ સરકારે નાણાકીય શિસ્ત જાળવી છે? સૌથી પ્રથમ આપણે તેના ઉપર નજર નાખીએ.

નાણાકીય શિસ્ત
છેલ્લા એક વર્ષથી વૈશ્વિક આર્થિક પ્રવાહો અને દેશના અર્થતંત્રમાં થઈ રહેલા માળખાગત સુધારાઓના કારણે દેશના અર્થતંત્રનો વિકાસ થોડો ધીમો પડ્યો છે અને તેની અસર જીડીપીના વાર્ષિક વૃદ્ધિ દર ઉપર દેખાઈ રહી છે. આવા વિકટ સંજોગોમાં પણ સરકારે નાણાકીય ખાધને કે કેન્દ્ર સરકારનાં દેવાંને વધવા દીધાં નથી એ આ સરકારની આર્થિક અને નાણાકીય શિસ્ત સૂચવે છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં નાણાકીય ખાધ ૩.૪% હતી. ૨૦૧૯-૨૦ના બજેટમાં ૩.૩% અંદાજવામાં આવી હતી, પરંતુ તેમાં ૦.૫% જેટલો વધારો થયો અને અંતે તે ૩.૮% સુધી પહોંચી છે. ૨૦૨૦-૨૧ માટે નાણાકીય ખાધ માટે ૩.૫%ને અંદાજવામાં આવી છે. ભારત સરકારે જો ધાર્યું હોત તો નાણાકીય ખાધને ૫% સુધી લઈ જઈને દેશના અર્થતંત્રમાં ટૂંકાગાળાના ઉપાય તરીકે રોકડની અછતને દૂર કરી શકી હોત, પરંતુ આ સરકારે લાંબાગાળાનું વિચારીને નાણાકીય ખાધને ૪%ની અંદર જ રાખવાનો નિર્ધાર કર્યો હતો અને તેને તે વિકટ સંજોગોમાં પણ વળગી રહી છે જે ખરેખર સરાહનીય છે. અગાઉની સરકારમાં જયારે આર્થિક રીતે વિકટ વર્ષ આવ્યાં હતાં ત્યારે નાણાકીય ખાધ ૬%ની ઉપર રહી હતી. ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦માં નાણાકીય ખાધ અનુક્રમે ૬.૧% અને ૬.૬% હતી – આ કારણે જ હું આ સરકારની પ્રશંસા કરી રહ્યો છું.

તેવી જ રીતે કેન્દ્ર સરકારે વિકટ આર્થિક સંજોગોમાં તેનું દેવું ગજા બહાર વધાર્યું નથી. માર્ચ ૨૦૧૪માં કેન્દ્ર સરકારનું દેવું જીડીપીના ૫૨.૨% હતું તે ઘટીને માર્ચ ૨૦૧૯માં ૪૮.૭% થયું છે. આવા જ મુશ્કેલ આર્થિક સંજોગોમાં વર્ષ ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦માં કેન્દ્ર સરકારનું દેવું જીડીપીના ૫૫% સુધી પહોંચી ગયું હતું, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે દેવું ન વધારીને નાણાકીય શિસ્તનાં દર્શન કરાવ્યાં છે.

મોટા ઉદ્યોગોને વધુ રોકડ મળી રહે તે માટે ૨૦૧૯-૨૦ના વર્ષ દરમિયાન કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપી હતી તેમ છતાં આવકમાં રૃ.૫૩,૦૭૨ કરોડથી વધારે ઘટાડો નોંધાયો નથી. વર્ષ ૨૦૧૮-૧૯માં કોર્પોરેટ ટેક્સની આવક રૃ.૬,૬૩,૫૭૨ કરોડ હતી તે ૨૦૧૯-૨૦માં ઘટીને રૃ.૬,૧૦,૫૦૦ કરોડ થઈ છે. તેવું જ વ્યક્તિગત આવકવેરામાં છે. ૨૦૧૮-૧૯માં ઇન્કમટેક્સની આવક રૃ.૪,૭૩,૦૦૩ કરોડ હતી તે ૨૦૧૯-૨૦માં વધીને રૃ.૫,૫૯,૫૦૦ કરોડ થઈ છે. ઇન્કમટેક્સની આવક ૨૦૧૯-૨૦ માટે રૃ.૫,૬૯,૦૦૦ કરોડ અંદાજવામાં આવી હતી તેના કરતાં માત્ર રૃ.૧૦,૫૦૦ કરોડ ઓછી છે, પરંતુ ગયા વર્ષ કરતાં રૃ.૮૬,૦૦૦ કરોડ વધારે આવક થઈ છે. ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સની આવકના આ આંકડા ભારતમાં આર્થિક મંદીની બૂમ મારનારાઓના મોઢા ઉપર તમાચા સમાન છે.

નાણાકીય શિસ્ત પરના આંકડા જોયા પછી હવે આપણે ખેતી, શિક્ષણ અને આરોગ્ય ઉપર એક નજર કરીએ અને તેના આધારે નક્કી કરીએ કે શું આ બજેટ ખરેખર ‘કૅરિંગ સોસાયટી’માં સૌના આર્થિક વિકાસ માટે મહત્ત્વાકાંક્ષા રાખે છે?

ખેતી
ભારત દેશ હજુ પણ ખેતી ઉપર નિર્ભર છે, કારણ કે ખેતી સૌથી મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે. દેશમાં ખેડૂતો અને ખેત-મજૂરોની સંખ્યા લગભગ ૨૬ કરોડની છે. આથી દરેક સરકાર ખેતી ઉપર બહુ મોટી રકમ ખર્ચ કરતી હોય છે. ૨૦૧૮-૧૯માં ખેતી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૃ.૬૩,૨૫૯ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા જે ૨૦૧૯-૨૦માં રૃ.૧,૨૦,૮૩૫ કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ બજેટમાં તેના માટે રૃ.૧,૫૪,૭૭૫ કરોડની રકમ ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. તેવી જ રીતે ખેતી માટે અનિવાર્ય ખાતર ઉપર ૨૦૧૮-૧૯માં રૃ.૭૦,૬૦૫ કરોડ સબસિડી પેટે ચૂકવવામાં આવ્યા હતા. તે વર્ષ ૨૦૧૯-૨૦માં વધીને રૃ. ૭૯,૯૯૮ કરોડ થયા છે. આ બજેટમાં કેમિકલ-યુક્ત ખાતરનો વપરાશ ઘટે અને સેન્દ્રીય અને કુદરતી ખાતરના વપરાશને ઉત્તેજન મળે એવાં પગલાં લેવાની વાત કરીને ખાતરની સબસિડીમાં લગભગ રૃ. ૯,૦૦૦ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે ૧૫ લાખ કરોડ રૃપિયાની લોન ખેતી ક્ષેત્રમાં નાબાર્ડ દ્વારા આપવામાં આવશે તેવું બજેટમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે.

ખેડૂતો માટે સોલર ઊર્જાની વાત આ બજેટમાં કરવામાં આવી છે. ‘પ્રધાનમંત્રી કુસુમ યોજના’ અંતર્ગત ખેતીમાં વપરાતા પંપને સોલર સાથે જોડવામાં આવશે. આ યોજનામાં આ વર્ષે ૨૦ લાખ ખેડૂતોને ફાયદો થશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૫ લાખ ખેડૂતોના ગ્રિડ પંપને પણ સોલર ઊર્જા સાથે જોડવાની જોગવાઈ કરવામાં આવી છે. ખેતીમાં થતાં નુકસાનને ઘટાડવા માટે હાલ દેશભરમાં ઉપલબ્ધ વેરહાઉસ અને કૉલ્ડ-સ્ટોરેજને નાબાર્ડ હસ્તક લેવામાં આવશે અને તેને નવેસરથી વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત પીપીપી મૉડેલથી દેશમાં નવા વેરહાઉસ અને કૉલ્ડ-સ્ટોરેજ બનાવવામાં આવશે. આવી જોગવાઈ કરવામાં આવી છે. દૂધ, માંસ, માછલી જેવી જલ્દી ખરાબ થઈ જતી ચીજ-વસ્તુ માટે ‘ઍરકન્ડિશન્ડ કિસાન રેલવે કોચ’ શરૃ કરવામાં આવશે તથા ‘કૃષિ ઊડાન યોજના’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે નવા બજારોની શક્યતા ઊભી કરવામાં આવશે.

જો ખેડૂતોને ખરેખર પોતાના ગામમાં જ અથવા તો દર દસ કે પંદર ગામના ક્લસ્ટરમાં એક આધુનિક સગવડો ધરાવતું વેરહાઉસ અને કૉલ્ડ-સ્ટોરેજની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો ખેડૂતોનો આક્રોશ ઘટી શકે છે અને ખેડૂતોને ઓછા ભાવે અનાજ અને અન્ય ખેતપેદાશ વેચવી નહીં પડે. આના કારણે ખેતપેદાશ બગડતી પણ અટકશે. આ કાર્ય સરકારે મોટાપાયે યુદ્ધના ધોરણે શરૃ કરાવવું જોઈએ. જો તેમાં જરૃર પડે તો એનજીઓને અને કોર્પોરેટ કંપનીઓને સાંકળીને એક નેટવર્ક ઊભું કરીને આ જ વર્ષમાં સરકારે વેરહાઉસ અને કૉલ્ડ-સ્ટોરેજના તમામ ટાર્ગેટ પુરા કરવા અનિવાર્ય છે. જો આટલું જ સરકાર કરી શકશે તો ખેડૂતોને તો ફાયદો થશે જ પરંતુ સાથે સાથે ખેડૂતોના પ્રશ્નો મોટાપાયે ઘટી જવાથી ચૂંટણીમાં પણ મબલખ ફાયદો થઈ શકે છે. આશા રાખીએ કે કૅરિંગ સોસાયટી’ની મહત્ત્વાકાંક્ષા રાખતું આ બજેટ ખેડૂતોની વેરહાઉસ અને કૉલ્ડ-સ્ટોરેજની સુવિધાઓ ઊભી કરી આપશે તથા ‘ઍરકન્ડિશન્ડ કિસાન રેલવે કોચ’ અને ‘કૃષિ ઊડાન યોજના’ના સફળ અમલીકરણ દ્વારા ખેડૂતોને થતાં નુકસાનથી બચાવી લેશે.

શિક્ષણ
કોઠારી કમિશને ૧૯૬૪માં ભલામણ કરી હતી કે શિક્ષણ અને આરોગ્ય પાછળ જીડીપીના ૬% ખર્ચ કરવો જ જોઈએ અને તેને અનિવાર્ય બનાવી દેવો જોઈએ, પરંતુ સસ્તી લોકપ્રિયતા મળે તેવા કાર્યક્રમો અને સબસિડીના રાજકારણે શિક્ષણ અને આરોગ્યમાં વધુ જોગવાઈ થાય એવી કોઈ શક્યતા જ બાકી રાખી નથી. ‘કૅરિંગ સોસાયટી’ની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે ભૂતકાળની પરંપરામાંથી આ સરકારે બહાર નીકળવું જ પડશે. શિક્ષણ માટે ૨૦૧૮-૧૯માં રૃ.૮૦,૩૪૫ કરોડ ખર્ચ કર્યા હતા તો ૨૦૧૯-૨૦માં રૃ.૯૪,૮૫૪ કરોડ ખર્ચ કર્યા છે અને આ બજેટમાં તે અંગે રૃ.૯૯,૩૧૨ કરોડની જોગવાઈ કરી છે. આ જોગવાઈ ખૂબ જ ઓછી છે. કોઠારી કમિશનની ભલામણ પ્રમાણે આ જોગવાઈ ઓછામાં ઓછી ૧૨ લાખ કરોડની હોવી જોઈએ, પરંતુ દેશનું કુલ બજેટ જ ૩૦ લાખ કરોડ રૃપિયાનું હોવાથી તે તો શક્ય નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે જોગવાઈ જીડીપીના ઓછામાં ઓછા ૧.૫%થી ૨% જેટલી થાય તો જ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવી શકાય અને શિક્ષણને સાચા અર્થમાં અસરકારક માધ્યમ બનાવી શકાય.હાલમાં જીડીપીના માત્ર ૦.૫% જોગવાઈ જ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવે છે. આ જોગવાઈમાંથી આઈઆઈએમ, આઈઆઈટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટેની જોગવાઈ, પ્રાથમિક શિક્ષણ માટેની જોગવાઈ અને ‘સર્વ શિક્ષા અભિયાન’ની જોગવાઈ બાદ કરો તો શિક્ષણ સુધારણા માટે કશું જ બચતું નથી.

વર્ષ ૨૦૩૦ સુધીમાં કામ કરતા હોય તેવા લોકો ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ બની જશે. આ ‘વર્કફોર્સ’ને શક્તિશાળી બનાવવો હશે અને આ ‘વર્કફોર્સ’ને જ દેશની એક તાકાત બનાવવી હશે તો શિક્ષણ માટે ક્રાંતિકારી નીતિ અનિવાર્ય છે. બજેટ પ્રવચનમાં નાણા મંત્રીએ નવી શિક્ષણ નીતિ આવશે તે તરફ નિર્દેશ કર્યો છે, પરંતુ ‘જરા હટકે’ કાર્ય થઈ શકે તેવી નીતિ આજના સમયની માગ છે. હું એવું સૂચવું છું કે આજે જે તાલુકામાં જે સ્કિલની અનિવાર્યતા હોય તેને અનુરૃપ ‘વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’ સ્થપાવી જોઈએ. આ ‘વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં ત્રણ દિવસ અભ્યાસ કરવાનો અને ત્રણ દિવસ ઉદ્યોગમાં જઈને તાલીમ પ્રાપ્ત કરવાનું ફરજિયાત કરી દેવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. આ વ્યવસ્થા ઊભી કરવામાં મોટા મોટા ઉદ્યોગોનો સહયોગ લઈને એક નીતિ ઘડાવી જોઈએ. સરકાર એકલા હાથે શિક્ષણ ક્ષેત્રે ‘જરા હટકે’ કાર્ય નહીં કરી શકે. આ બજેટમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે ૩,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે જોગવાઈની રકમ ‘વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’ દ્વારા યોગ્ય રીતે અને અસરકારક રીતે વપરાય તે જોવું અનિવાર્ય બનશે.

તેવી જ રીતે આ બજેટમાં ‘ઓનલાઈન અભ્યાસક્રમ’ શરૃ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તે અંતર્ગત મારું એવું સ્પષ્ટ માનવું છે કે એક ચોક્કસ શિક્ષણ નીતિ અંતર્ગત જ એક જ માળખામાં રહીને તેનું આયોજન થવું જોઈએ. ઓનલાઈન અભ્યાસક્રમથી જોબ કે વ્યવસાયની સાથે સાથે પોતાની કુશળતા વધારી શકે તેવું વિશિષ્ટ આયોજન થવું જોઈએ. ‘કૅરિંગ સોસાયટી’માં સૌના આર્થિક વિકાસ માટે મહત્ત્વાકાંક્ષા રાખતું આ બજેટ ૨૦૨૦-૨૧ દરમિયાન સર્વગ્રાહી અને ઉદ્યોગોની જરૃરિયાતને અનુરૃપ હોય તથા દેશના યુવાવર્ગને યોગ્ય દિશામાં રોજગાર પૂરો પાડવામાં મદદરૃપ થાય તેવી ક્રાંતિકારી શિક્ષણ નીતિ લઈને આવે તે જ આજના સમયની અનિવાર્યતા છે.

આરોગ્ય
૧૩૪ કરોડ સભ્યો ધરાવતી ‘કૅરિંગ સોસાયટી’ની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે આરોગ્ય ક્ષેત્રની ભૂતકાળની પરંપરામાંથી આ સરકારે બહાર નીકળવું જ પડશે. આરોગ્ય માટે ૨૦૧૮-૧૯માં રૃ.૫૪,૪૭૭ કરોડ ખર્ચ કર્યા હતા તો ૨૦૧૯-૨૦માં રૃ.૬૩.૮૩૦ કરોડ ખર્ચ કર્યા છે અને આ બજેટમાં તે અંગે રૃ.૬૭,૪૮૪ કરોડની જોગવાઈ કરી છે. એટલે કે દેશના પ્રત્યેક નાગરિક દીઠ માથાદીઠ વાર્ષિક માત્ર રૃ.૫૦૦ની આ જોગવાઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષના માથાદીઠ માત્ર રૃ.૫૦૦ અને ચાર સભ્યોનું પરિવાર ગણીએ તો પરિવાર દીઠ વાર્ષિક માત્ર રૃ. ૨,૦૦૦માં આરોગ્યનો ખર્ચ નીકળી જ ન શકે. આરોગ્ય અંગે જ્યારે મોટો ખર્ચ આવે છે ત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની કમર તૂટી જાય છે. ઉચ્ચ કક્ષાની આરોગ્યની સગવડ આપવી એ સરકારની ફરજ છે અને તે અંગે ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે. ૨૦૨૫ સુધીમાં ટીબીને જાકારો આપવો હશે તો મોટા મોટા કોર્પોરેટ ગૃહો અને ઉદ્યોગો તથા એનજીઓનો સહયોગ લેવો પડશે. તે અંગે પોલિયોમુક્ત ભારત અંગે જે રીતે એક ચળવળ ચલાવી હતી તેવી એક વ્યાપક ચળવળ ચલાવવી પડશે. આયુષ્યમાન યોજના હેઠળ માત્ર સરકારી હૉસ્પિટલ પૂરતી થઈ નહીં રહે. આ અંગે આ બજેટમાં જે પીપીપી મોડેલ હેઠળ હૉસ્પિટલો શરૃ કરવાની જોગવાઈ છે તેને ગંભીરતાથી અમલી બનાવવી પડશે. ‘કેરિંગ સોસાયટી’ની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે આરોગ્ય ક્ષેત્ર ઉપર સવિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે.

ખેતી, શિક્ષણ અને આરોગ્ય જેવા મૂળભૂત ક્ષેત્રો ઉપર ચર્ચા કર્યા પછી હવે આપણે આંતરમાળખાકીય સુવિધાઓ, ઉદ્યોગો તથા નાના અને લઘુ ઉદ્યોગો તથા ઉદ્યોગો બાબતે એક નજર કરીએ.

આંતરમાળખાકીય સુવિધાઓ
આંતરમાળખાકીય ક્ષેત્ર ખેતી પછી સૌથી મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરી આપતું ક્ષેત્ર છે. દેશમાં સારા અને સુવિધાપૂર્ણ રસ્તા, અસરકારક અને વ્યૂહાત્મક રેલવે લાઈન, બંદરો અને દરિયાઈ લાઈન તથા હવાઈ સેવાઓ જેટલી અસરકારક હોય તેટલો દેશનો આર્થિક વિકાસ વધારે સારો થાય અને દેશને મોટા પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત થઈ શકે. આ ક્ષેત્રનો વિકાસ થવાથી આર્થિક પ્રવૃત્તિઓ વેગવંતી બને છે. આથી આ ક્ષેત્રમાં જોગવાઈ થાય તે દેશને તમામ રીતે ફાયદાકારક રહેતી હોય છે. ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા પછી આંતરમાળખાકીય ક્ષેત્રના કાર્યમાં ખૂબ જ ઝડપ આવી હોય તેમ દેખાઈ રહ્યું છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન હેઠળ ૧૦૩ લાખ કરોડના આંતરમાળખાકીય કાર્યો કરવાની યોજના ૨૦૧૯માં શરૃ કરવામાં આવી છે. તે અંતર્ગત ગયા નાણાકીય વર્ષમાં રૃ.૧,૫૮,૨૦૭ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા અને આ બજેટમાં તે અંગે રૃ. ૧,૬૯,૬૩૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૨૦૨૪ સુધીમાં ૧૦૦ નવા ઍરપોર્ટ, નવા એક્સપ્રેસ હાઈવે, નવી હાઈસ્પીડ ટ્રેન તથા તેજસ જેવી વધુ ટ્રેન સેવાઓ શરૃ કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે જે ખૂબ જ આવકાર્ય છે. રેલવેમાં તથા તમામ આંતરમાળખાકીય ક્ષેત્રોમાં આંશિક ખાનગીકરણ દેશને અંતે ખૂબ જ ફાયદો કરાવશે. દેશમાં હાલ લોજિસ્ટિક પાછળ જીડીપીના ૧૪% જેટલો ખર્ચ થાય છે તેને ૯% સુધી આવનારા બે વર્ષમાં લઈ જવો અને અંતે તે જીડીપીના માત્ર ૫% જેટલો જ રહે તે માટે નેશનલ લોજિસ્ટિક પૉલિસી જાહેર થવી અનિવાર્ય છે. આશા રાખીએ કે સરકાર આ જ વર્ષે આ પૉલિસી જાહેર કરે. લોજિસ્ટિકને આધુનિક ટૅક્નોલોજી સાથે સાંકળીને તેને અતિ-આધુનિક બનાવવી જોઈએ અને તેનો સમાવેશ નવી જાહેર થનારી નેશનલ લોજિસ્ટિક પૉલિસીમાં થવો જોઈએ. ‘કૅરિંગ સોસાયટી’ની મહત્ત્વાકાંક્ષા માટે આંતરમાળખાકીય ક્ષેત્રની સર્વ-સમાવેશી સર્વગ્રાહી સુવિધાઓ ઊભી થવી અતિ આવશ્યક છે. ઉત્તમ ગુણવત્તા ધરાવતી આંતરમાળખાકીય સુવિધાઓ દેશના અર્થતંત્રને બહુ ઊંચી છલાંગ લગાવવામાં ખૂબ જ મદદરૃપ સાબિત થશે.

ઉદ્યોગો તથા નાના અને લઘુ ઉદ્યોગો
ખેતી અને આંતરમાળખાકીય ક્ષેત્ર પછી રોજગારી આપતું ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર નાના અને લઘુ ઉદ્યોગો છે. દેશમાં આશરે ૧૫ કરોડ લોકોને આ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે એટલે કોઈ પણ સરકાર આ ક્ષેત્રની અવગણના ન જ કરી શકે. નોટબંધી અને જીએસટી જેવા માળખાગત સુધારાઓ પછી આ ક્ષેત્રને સૌથી મોટી અસર પહોંચી હતી. આ ક્ષેત્રમાં રોજગારી મોટા પ્રમાણમાં ઘટી હતી. આ બજેટમાં રૃ. ૨૭,૨૨૭ કરોડની જોગવાઈ વાણિજ્ય, ઉદ્યોગો તથા નાના અને લઘુ ઉદ્યોગો માટે કરવામાં આવી છે.

એમએસએમઈ માટે ટેક્સ ઓડિટની મર્યાદા એક કરોડથી વધારીને પાંચ કરોડ થવાથી ૬૦% જેટલા નાના અને લઘુ ઉદ્યોગોને તેનો લાભ મળશે. ‘સ્ટાર્ટ-અપ’ની મર્યાદા પણ ૨૫ કરોડથી વધારીને ૧૦૦ કરોડ કરવામાં આવી છે. એમએસએમઈને જરૃરિયાત મુજબ સરળ રીતે લોન મળી રહે તે માટે નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓના કાયદામાં સુધારા કરવાની વાત આ બજેટમાં કરવામાં આવી છે. તદુપરાંત તેઓ માટે ‘નિર્યાત ઋણ વિકાસ યોજના’ની પણ જાહેરાત કરવામાં આવી છે કે જેનાથી નાના લેવલે નિકાસ કરતા નાના અને લઘુ ઉદ્યોગોને ફાયદો થઈ શકે. બજેટમાં આયાત થતી વસ્તુઓ પર આયાત વેરો વધાર્યો છે. આનાથી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પ્રોત્સાહન મળશે. આયાત પર અંકુશ લાગશે.આમ એકંદરે આ બજેટમાં નાના અને લઘુ ઉદ્યોગો માટે લાભદાયી જોગવાઈઓ અને જાહેરાત કરવામાં આવી છે. આશા રાખીએ કે આ જોગવાઈઓ અને જાહેરાતનો અસરકારક અમલ થાય અને સૌના આર્થિક વિકાસ માટે મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થાય.

અન્ય ક્ષેત્રો
અન્ય ક્ષેત્રોમાં ઊર્જા, ગ્રામ્ય વિકાસ, શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ અને જાહેરાતો કરવામાં આવી છે. ઊર્જામાં રૃ.૪૨,૭૨૫ કરોડ, ગ્રામ્ય વિકાસમાં રૃ.૧,૪૪,૮૧૭ કરોડ અને શહેરી વિકાસમાં રૃ.૫૦,૦૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગામડું સમૃદ્ધ થશે તો દેશનો આર્થિક વિકાસ તો મજબૂત થશે જ અને સાથે સાથે શહેર ઉપરનું ભારણ પણ ઘટશે. એ અર્થમાં ગ્રામ્ય વિકાસમાં ફાળવેલા રૃ.૧,૪૪,૮૧૭ કરોડ બહુ જ ઉપયોગી સાબિત થશે. રાજકીય રીતે મતબેન્કની દ્રષ્ટિએ પણ ગ્રામ્ય મતબેન્ક બહુ મોટો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા માટે સરકાર માટે ગ્રામ્ય વિકાસ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

રિઅલ એસ્ટેટ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. માત્ર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની મર્યાદા એક વર્ષ વધારી દેવાઈ છે. સસ્તા મકાનની ખરીદી માટે દોઢ લાખ રૃપિયા સુધીની વધારે કપાત વધુ એક વર્ષ વધશે. આજે રિઅલ એસ્ટેટ ક્ષેત્ર ટાઇમ બોમ્બ પર સવારી કરી રહ્યું છે અને તે ગમે ત્યારે ફાટી શકે છે. આ ક્ષેત્રમાં માગ વધારવા માટે રાહત પેકેજ વહેલા-મોડા આપવા જ પડશે.

મધ્યમવર્ગ અને નોકરિયાત
ઇન્કમટેક્સના સ્લેબ ઘટાડીને તેમાં ઘણી શરતો પણ મૂકવામાં આવી છે. કરદાતાઓને વિકલ્પ આપવામાં આવ્યો કે નવી અને જૂની વ્યવસ્થામાંથી પસંદ કરી શકે છે. કરદાતા તેમના ફાયદા અનુસાર સ્લેબ પસંદ કરી શકે છે. નવી પદ્ધતિમાં ઘણા પ્રકારના ડિડક્શનના લાભ પણ નહીં મળે. જૂના સ્લેબમાં આ રાહત મળવાની ચાલુ રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે. ટેક્સમાં કરાયેલા ફેરફારથી ચાલુ ખર્ચાઓ માટે કરદાતાઓ પાસે પૈસા બચી શકે છે. નીચલા આવકવેરા સ્લેબમાં આવતા મધ્યમવર્ગના લોકોને સૌથી વધારે ફાયદો થશે, કારણ કે તેમને હવે વિકલ્પ આપવામાં આવ્યો છે. જે કરદાતા નવી વ્યવસ્થાનો લાભ ઉઠાવશે તેમને મારી સલાહ છે કે શ્રેષ્ઠ ભવિષ્ય માટે લોન્ગ ટર્મનું રોકાણ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને અસરકારક ટેક્ષપ્લાનિંગ કરી શકે છે. ૮૦સી હેઠળ મળનારી છૂટ મેળવવા માટે થતી ગરબડો આનાથી રોકાશે. આનાથી એવા લોકોને ફાયદો થશે જે ઇન્કમટેક્સની કલમ ૮૦સી અને ૮૦ડી હેઠળ રોકાણ કરતા નથી.

અંતે
એકંદરે આ બજેટ ‘ગૂગલી બોલ’ જેવું છે. જો દેશમાં હાલમાં જે રીતે સંજોગો ઊભા થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જો યોગ્ય સમયે મક્કમ અને દ્રઢતાપૂર્વક પગલાં લેવામાં નહીં આવે તો આ બજેટ વર્ષની મધ્યમાં ‘રિવર્સ સ્વિંગ’ થઈ શકે છે. તેવી જ રીતે જો બજેટમાં ‘પેસ’ યોગ્ય રીતે જાળવવામાં નહીં આવે તો અર્થતંત્ર તેજીની ફટકાબાજીના મૂડમાં આવી શકશે નહીં, પરંતુ જે રીતે છેલ્લાં છ વર્ષથી નાણાકીય શિસ્ત રાખવામાં આવી છે તે જોતાં ૨૦૨૧ સુધીમાં ભારતીય અર્થતંત્રમાં ફરી એક વખત તેજી અને વિકાસના રસ્તે ચઢી જશે.
————————

ડો. જયેશ શાહબજેટ-2020
Comments (0)
Add Comment