- અર્થકારણ – હેમંતકુમાર શાહ
ભારત સરકારનું ૨૦૨૦-૨૧નું બજેટ રૃ. ૩૦.૪૨ લાખ કરોડનું છે અને તેણે ખાસ કરીને મંદીના સમયમાં જે પ્રકારનું બજેટ આપવું જોઈએ તેવું બજેટ નથી આપ્યું તેમ લાગે છે. આશ્ચર્યની અને આઘાતની વાત એ છે કે ચાલુ વર્ષ માટે રૃ. ૨૭.૮૬ લાખ કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું હતું અને હવે તે રૃ. ૨૬.૯૯ લાખ કરોડનું રહેશે એમ કહેવાયું છે. આમ, ચાલુ વર્ષે ખર્ચમાં રૃ. ૮૭,૦૦૦ કરોડનો ઘટાડો થયો છે. ખરેખર તો મંદી હોય ત્યારે સરકારે ખર્ચ વધારવો જોઈએ એમ અર્થશાસ્ત્રીઓ કહે છે અને દુનિયાભરની સરકારો એમ જ કરે છે.
હવે નવા વર્ષનું બજેટ રૃ. ૩૦.૪૨ લાખ કરોડનું છે. એટલે કે ચાલુ વર્ષ કરતાં નવા વર્ષે સરકાર રૃ. ૩.૪૩ લાખ કરોડનો જ ખર્ચ વધારે કરશે. આટલો વધારો તો ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યો હતો. ૨૦૧૮-૧૯માં રૃ. ૨૩.૧૫ લાખ કરોડનો ખર્ચ થયો હતો અને ચાલુ વર્ષ માટે તેના કરતાં રૃ. ૩.૮૪ લાખ કરોડનો ખર્ચ વધુ થશે એવો અંદાજ છે. આમ, નવા વર્ષે ચાલુ વર્ષ કરતાં પણ રૃ. ૪૧,૦૦૦ કરોડનો વધારો ઓછો કરવામાં આવ્યો છે! સરકાર બેકારી કે મંદી વિષે સહેજે ચિંતિત છે જ નહીં એમ લાગે છે.
ખાધ વધી નથી તેથી બેકારી જલ્દી દૂર નહીં થાય
દેશમાં ભયંકર બેકારી છે એમ લગભગ તમામ અંદાજો કહે છે, ત્યારે સરકારે રોજગારી વધારવા માટે બજેટમાં જરૃરી જોગવાઈઓ કરવી જોઈતી હતી, પણ તેવી જોગવાઈઓ થઈ નથી. જ્યારે બજારમાં લોકો ગ્રાહક તરીકે ખર્ચ ના કરતા હોય અને સાહસિકો મૂડીરોકાણનો ખર્ચ ના કરતા હોય ત્યારે સરકારે જ ખર્ચ કરીને બેકારી દૂર કરવી પડે એમ વીસમી સદીના સૌથી મોટા અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઈન્સ કહે છે. દુનિયાભરની સરકારો પણ મંદી સમયે વધુ ખર્ચ કરે છે, પછી ભલેને બજેટમાં ખાધ વધે. આ બજેટમાં ખાધ ના વધે તેનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તે સૌથી વિચિત્ર બાબત છે. વાસ્તવમાં, સરકારે ખાધ વધે તેની ચિંતા કર્યા વિના ખર્ચ વધારવાની જરૃર હતી. સરકાર વધુ ખર્ચ કરે તો લોકો પાસે પૈસા આવે અને લોકો પાસે પૈસા આવે તો તેઓ બજારમાં વસ્તુઓ અને સેવાઓની માગ ઊભી કરે અને તો બજારમાંથી બેકારી દૂર થાય.
સરકાર ૨૦૦૩ના રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન ધારાને ચુસ્તપણે વળગી રહે છે અને ખાધ ઓછી રાખવાનો પ્રયાસ કરે છે, પણ તેમ કરવાની જરૃર છે જ નહીં, કારણ કે આ કાયદાનું પાલન ના કરવામાં આવે તો સરકાર સામે કશું કરી શકાય નહીં તેવી જોગવાઈ તો કાયદામાં કરવામાં આવેલી જ છે.
ચાલુ વર્ષના બજેટમાં રાજકોષીય ખાધ જીડીપીના ૩.૩ ટકા અંદાજવામાં આવી હતી અને હવે તે ૩.૮ ટકા થશે તેમ જણાવાયું છે. આ એક થોડી સારી બાબત જ થઈ, પણ આવતા વર્ષ માટે તે માત્ર ૩.૫ ટકા જ અંદાજવામાં આવી છે. ખરેખર તો તે ચાર કે પાંચ ટકા કરવી જોઈતી હતી. જ્યારે ૨૦૦૮-૧૦ના બે વર્ષના ગાળા દરમિયાન મંદી આવી ત્યારે મનમોહન સિંહની સરકારે ખાધ ૬ ટકાની આસપાસ કરી હતી અને તેને પરિણામે દુનિયાભરમાં જ્યારે મંદી હતી ત્યારે ભારતમાં જીડીપીનો વૃદ્ધિ દર છ ટકાની આસપાસ રહ્યો હતો! સરકાર ખર્ચ વધારે કરે અને શિક્ષણ તથા આરોગ્ય પાછળ તેમ જ રોજગાર સર્જન માટેની યોજનાઓ માટે વધુ ખર્ચ કરે તો જ બેકારી દૂર થાય. આ બજેટ એવું કશું કરતું નથી અને તેથી મંદી વધુ તીવ્ર બને કે પછી બેકારી વધુ ફેલાય કે ઝડપથી દૂર ના થાય એમ બને.
પ્રાથમિક ખાધ તો ચાલુ વર્ષ માટે જીડીપીના ૦.૨ ટકા અંદાજવામાં આવી હતી અને તે હવે ૦.૭ ટકા અંદાજવામાં આવી છે, પણ તે નવા વર્ષ માટે માત્ર ૦.૪ ટકા જ અંદાજવામાં આવી છે. આ ખાધ પૂરવા માટેના નાણા રિઝર્વ બેન્ક પાસેથી આવે છે. ચાલુ વર્ષે તે રૃ. ૪૩ હજાર કરોડ અંદાજવામાં આવ્યા હતા અને લીધા રૃ. ૧૪૨ હજાર કરોડ. એ પણ સારું થયું, પણ નવા વર્ષે રૃ. ૮૮ હજાર કરોડ અંદાજાયા છે. એ વધારે જ અંદાજવાની જરૃર હતી. જો રિઝર્વ બેન્ક પાસેથી ભારત સરકાર પાસે પૈસા આવે તો નાણાનો પુરવઠો વધે છે. બેકારીમાં તો એ વધે તો જ બેકારી દૂર થાય. આ બજેટમાં સરકાર આ તક ખોઈ બેઠી છે. શા માટે સરકાર ખાધ ઘટાડવાના દબાણમાં રહે છે તે સમજાતું નથી!
રોજગારી માટેના ખર્ચમાં સાધારણ વધારો
બજારમાં અને ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં બેકારી ભયંકર છે ત્યારે સરકારે મનરેગા જેવા કાર્યક્રમ પાછળ વધુ નાણાની જોગવાઈ કરવી જોઈએ, પણ તેમ કર્યું નથી. ૨૦૧૮-૧૯માં તેમાં રૃ. ૬૨,૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો. ચાલુ વર્ષ માટેનો અંદાજ રૃ. ૬૦,૦૦૦ કરોડનો અને હવે રૃ. ૭૧,૦૦૦ કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ મૂકાયો છે. મનરેગા માટે ખર્ચ વધ્યો તે સારું જ થયું, પણ બેકારી વધારે છે ત્યારે એ ખર્ચ આગામી વર્ષ માટે બમણો થવો જોઈતો હતો અને તેમાં ૧૦૦ દિવસ રોજગારી આપવાની જે જોગવાઈ છે તેટલી રોજગારી મળે જ તેને માટે પ્રયાસ કરવો જોઈતો હતો, પણ આગામી વર્ષ માટે વળી પાછો રૃ. ૬૧ હજાર કરોડનો જ ખર્ચ કરાશે. તો રોજગારી વધશે કેવી રીતે અને બેકારી દૂર થશે કેવી રીતે?
એ જ રીતે, નોકરી અને કૌશલ્ય વિકાસ એ ભારત સરકારની મહત્ત્વની કુલ ૪૨ યોજનાઓ પૈકીની એક અગત્યની જોગવાઈ છે. તેને માટે ૨૦૧૮-૧૯માં રૃ. ૬,૧૦૦ કરોડનો ખર્ચ થયો, ચાલુ વર્ષે તે રૃ. ૭,૩૦૦ કરોડ અંદાજાયો હતો, પણ હવે તે માત્ર રૃ. ૫,૭૦૦ કરોડ થશે તેમ કહેવાયું છે અને નવા વર્ષ માટે તે રૃ. ૫,૪૦૦ કરોડ જ થશે! આમ તો સરકાર કૌશલ્ય વિકાસ માટે બહુ ગાણા ગાય છે, પણ હકીકતમાં તેને માટે તે ખર્ચ ઘટાડી રહી છે! જો કૌશલ્ય વિકસી નહીં શકે તો પછી આધુનિક ઉદ્યોગો અને સેવાઓના ક્ષેત્રે યુવાનોને કામ કેવી રીતે મળશે?
સબસિડીમાં ઘટાડો આઘાતજનક
સરકાર ભારત જેવા દેશોમાં ગરીબોને સબસિડી આપે તે ખરેખર આવકારદાયક છે, કારણ કે દેશમાં ગરીબોની સંખ્યા ૨૦૧૯ના અંદાજ અનુસાર આશરે ૮૧.૩૫ કરોડ છે. ગરીબો પણ ભારતના નાગરિકો તો છે જ, પણ સરકાર તેમને વિષે ગંભીર હોય તેમ લાગતું નથી. સરકાર ગરીબોને જે સસ્તું અનાજ રેશનિંગની દુકાનોએથી આપે છે તે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા-૨૦૧૩ અનુસાર આપે છે. તેને માટે જે ખર્ચ સરકાર કરે છે તે અન્ન સબસિડી છે. તેનો ખર્ચ ગયા વર્ષે રૃ. ૧.૦૧ લાખ કરોડ હતો અને ચાલુ વર્ષે ખર્ચ રૃ. ૧.૮૪ લાખ કરોડ અંદાજાયા હતા. હવે તે રૃ. ૧.૦૯ લાખ કરોડ જ થશે તેમ બજેટ કહે છે. આમ, રૃ. ૭૫,૦૦૦ કરોડનો ઘટાડો થયો! એનો અર્થ એ છે કે ગરીબોને સસ્તું અનાજ આપવા પાછળ ઘણો ઓછો ખર્ચ થયો! નવા વર્ષ માટે પણ રૃ. ૧.૧૬ લાખ કરોડનો જ ખર્ચ અંદાજાયો છે!
તેનો અર્થ એવો નથી કે સરકાર ગરીબોને સસ્તા અનાજના બદલામાં રોકડ રકમ આપીને એટલી જ સહાય કરે છે. ૨૦૧૭-૧૮માં આ સહાય માત્ર રૃ. ૧૩ કરોડની જ હતી અને ૨૦૧૮-૧૯માં ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ રકમ માત્ર રૃ. ૧૬૦ કરોડ જ છે! આમ, સરકાર ગરીબોના મોંમાંથી ભોજનનો કોળિયો ઝૂંટવી રહી છે અને તે પણ ત્યારે કે જ્યારે બજારમાં ભારે મંદી અને બેકારી છે.
ખેતી ક્ષેત્રે જે સબસિડી આપવામાં આવે છે તેમાં ખાતરમાં આપવામાં આવતી સબસિડીનો પણ સમાવેશ થાય છે. તે રકમ ગયા વર્ષે રૃ. ૭૦,૬૦૫ કરોડ હતી, તે ચાલુ વર્ષે રૃ. ૮૦,૦૦૦ કરોડ થઈ, પણ નવા વર્ષ માટે તે ૭૧,૩૦૯ કરોડ અંદાજાઈ છે. આમ, તેમાં પણ આશરે રૃ. ૯૦૦૦ કરોડનો ઘટાડો થશે. તેનું પરિણામ ખાતરના ભાવવધારામાં આવશે. ખેતી ક્ષેત્રે ભારે મુસીબત છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ નથી મળી રહ્યા ત્યારે આ વલણ તેમની મુસીબતોમાં વધારો કરશે.
એકંદરે આર્થિક હાલત બગડવાની સંભાવના
એકંદરે એમ લાગે છે કે આ બજેટ બજારમાંથી મંદી દૂર કરવા માટે યોગ્ય જોગવાઈઓ કરતું નથી. બજારમાં મંદી છે તેનું કારણ એ છે કે બજારમાં માગ નથી. માગ તો જ વધે જો ગરીબોના ખિસ્સામાં પૈસા આવે. આ બજેટમાં તે માટેની ગંભીર જોગવાઈઓનો અભાવ છે. આવક વેરામાં જે ફેરફાર કરાયો છે તેનાથી નિમ્ન માધ્યમ વર્ગને ફાયદો થવાની સંભાવના રહે છે અને તેથી સરકારને થનારું નુકસાન રૃ. ૪૦,૦૦૦ કરોડ જેટલું છે એટલે તેટલા પ્રમાણમાં માગ વધે તો વધે. ખરેખર તો, તેથી ઘણી વધારે માગ વધારવાની જરૃર હતી અને બજેટ તે અપેક્ષા ફળીભૂત કરતું નથી. ગરીબો લગભગ ઠેરના ઠેર જ રહેશે એમ જણાય છે.
——————————————–