કોણ આ આઝાદ ફોજનો સૈનિક લક્ષ્મીદાસ?

પોરબંદરમાં જન્મ. નેતાજીને કલકત્તાથી કાબુલ લઈ જવામાં મદદગાર અને આઝાદ ફોજનો અદનો સૈનિક.
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

કોણ આ લક્ષ્મીદાસ દાણી? ઝળહળતી તવારીખમાં આ બિચારાનું નામ ક્યાંથી હોય? પોરબંદરમાં જન્મ. નેતાજીને કલકત્તાથી કાબુલ લઈ જવામાં મદદગાર અને આઝાદ ફોજનો અદનો સૈનિક. સ્વતંત્રતા પછી શું થયું? તેની મિલકત તો બ્રિટિશ સરકારે જપ્ત કરી લીધી હતી. પાછલી જિન્દગી દારુણ-ગરીબીમાં વીતી. અમદાવાદની ચંદ્રવિલાસ લોજમાં થાળી-વાટકા સાફ કર્યા. ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં દિવસો ગુજાર્યા. આ પોતે લખેલી નોંધ ગુજરાતનો સ્વાતંત્ર્ય ઇતિહાસ હું લખું છું તે વાંચીને તેમણે મને ચાળીસ વર્ષ પૂર્વે મોકલી હતી.

‘મુંબઈ જઈને પણ મેં દેશસેવા કરવાનું કામ ચાલુ જ રાખ્યું હતું. ધંધાને માટે મેં ત્રણ હાઈસ્કૂલોમાં વ્યાયામનું કામ સ્વીકાર્યું હતું. જેનાથી મને રૃ.૧૪૦નો પગાર મળતો થયો હતો. તદુપરાંત મેં મુંબઈમાં ભીંડી બજારમાં તકિયાના કવરનું કારખાનું ભાગીદારીમાં કર્યું હતું. જેમાં પચાસ માણસો કામ કરતા હતા. આ કારખાનું મને ડરબીની લોટરી લાગી હતી તેમાંથી કર્યું હતું. આ રીતે હું મારો જીવનવ્યવહાર ચલાવતો હતો અને સાથે-સાથે દેશસેવાનું કામ પણ કરતો હતો.

શરૃઆતમાં હું મુંબઈ કોંગ્રેસ તરફથી બહાર પડતા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો હતો, જેવા કે સભા, સરઘસો કે પિકેટિંગો વગેરેમાં. ત્યાર પછી મારે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ઓળખાણ થઈ હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જે ફોરવર્ડ બ્લોક નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી, તેમાં હું ભળ્યો હતો. મુંબઈમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ૧૯૩૯ના ઑગસ્ટ મહિનામાં આવ્યા હતા અને ફોરવર્ડ બ્લોક નામની ક્રાંતિકારી સંસ્થાનું સ્થાપન કર્યું હતું. નેતાજીએ મુંબઈમાં ચાર સભાઓ કરી હતી. આ સભાઓની દરેક કામની જવાબદારી મેં લીધી હતી. વૉલન્ટિયરોની, સભાની વ્યવસ્થાની તેમ જ બીજી ઇતરની મેં વ્યવસ્થા કરી હતી. આથી નેતાજી સુભાષચંદ્ર બોઝ મારા ઉપર ખૂબ જ ખુશ થયા હતા અને મુંબઈ પ્રેસિડેન્સી ફોરવર્ડ બ્લોક પાર્ટીનું સઘળું કામકાજ મને સોંપ્યું હતું. નેતાજી ગયા પછી મેં આ કામને ખૂબ જ આગળ વધાર્યું હતું. પૂરા ૬ માસમાં મેં મુંબઈ ઇલાકામાં ફરીને ૨૦,૦૦૦ (વીસ હજાર) સભ્યોની નોંધણી કરી હતી અને ૨૦૦ જગ્યાએ મુંબઈ ઇલાકામાં ઑફિસો ખોલી હતી. આ બધી ઑફિસો ભૂગર્ભમાં ચાલતી હતી. તદુપરાંત બોમ્બ બનાવવાના જુદાં જુદાં ગામોમાં દસ જગ્યાએ કારખાનાંઓ ઊભાં કરવામાં આવ્યાં હતાં. આ બધી અમારી ગુપ્ત કાર્યવાહી હતી. આ રીતે મેં ફોરવર્ડ બ્લોક પાર્ટીના કામને ખૂબ જ આગળ વધાર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝે મુંબઈની માફક આખા ભારતમાં દરેક પ્રાંતોમાં ફરીને ફોરવર્ડ બ્લોક પાર્ટી નામની ક્રાંતિકારી સંસ્થાનું સ્થાપન કર્યું હતું જેની કુલ્લે સંખ્યા પાંચ લાખથી પણ વધારે હતી. આ પાંચેય લાખ ફોરવર્ડ બ્લોક પાર્ટીના જવાંમર્દોએ ફોરવર્ડ બ્લોક પાર્ટીના પ્રતિજ્ઞાપત્ર ઉપર બ્રિટન સામે હથિયારોથી લડવા માટેની પોતાના ખૂનથી સહીઓ કરી હતી.

મુંબઈમાં પણ હું તથા અન્ય સૂત્રધારો જે કોઈ સભ્ય થાય તેની પૂરેપૂરી ચકાસણી કરીને ફોરવર્ડ બ્લોક પાર્ટીના પ્રતિજ્ઞાપત્ર પર તેમના લોહીથી જ સહીઓ લેતા હતા. આ રીતે આખા ભારતમાં બ્રિટન સામે હથિયારોથી લડવા માટેનું ફોરવર્ડ બ્લોક પાર્ટીનું જૂથ ઊભું થયું હતું અને ઠેકઠેકાણે ક્રાંતિકારી કાર્યક્રમો થવા લાગ્યા હતા, જેવા કે બોમ્બ ફેંકવાના તથા રિવોલ્વરોથી યુરોપિયનોની જાનહાનિ કરવાના વગેરે. આ રીતે ૧૯૪૦ના જૂન સુધી ચાલ્યું હતું, તે પછી નેતાજી સુભાષચંદ્ર બોઝે કલકત્તાથી ૧૯૪૦ના જૂનમાં બ્રિટિશ શાહીવાદનું બાવલું બનાવીને સળગાવવાના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ બાવલું ૧૯૪૦ની નવમી ઑગસ્ટે આખા ભારતમાં દરેક જગ્યાએ સળગાવવાનું નક્કી કર્યું હતું.

આ કાર્યક્રમ માટે આખા ભારતમાં જ્યાં જ્યાં ફોરવર્ડ બ્લોક પાર્ટીની ઑફિસો ચાલતી હતી ત્યાં ત્યાં તૈયારી થઈ રહી હતી. ૧૯૪૦ની ૯મી ઑગસ્ટથી ભારતમાં બ્રિટન સામે હથિયારોથી લડવા માટેનો ક્રાંતિકારી બળવો મોટા પાયા ઉપર સળગવાનો હતો. બ્રિટિશ સરકારને આથી ભડક પેઠી હતી. તેથી તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની તથા ફોરવર્ડ બ્લોક પાર્ટીના ચારથી પાંચ હજાર સભ્યોની આખા ભારતમાંથી ૧૯૪૦ના જુલાઈ માસમાં જ, આ કાર્યક્રમ થાય તે પહેલાં જ ધરપકડો કરી હતી અને બધાને જેલમાં પૂર્યા હતા. છતાં પણ આ કાર્યક્રમ બંધ રહ્યો ન હતો. આખા ભારતમાં ફોરવર્ડ બ્લોક પાર્ટી તરફથી ૧૯૪૦ની નવમી ઑગસ્ટે મોટા પાયા ઉપર બ્રિટિશ શાહીવાદનું બાવલું સળગાવવાનો કાર્યક્રમ રખાયો હતો અને આખા ભારતમાં દરેક શહેરોમાં જ્યાં જ્યાં ફોરવર્ડ બ્લોક પાર્ટીની ઑફિસો હતી, ત્યાં ત્યાં ખૂબ જ ધમાલ થઈ હતી અને આ ધમાલમાં કેટલાંયે યુરોપિયન નરનારીઓએ જાન ગુમાવ્યા હતા.

મુંબઈમાં પણ મુંબઈ પ્રેસિડેન્સી ફોરવર્ડ બ્લોક પાર્ટી તરફથી આ બ્રિટિશ શાહીવાદનું બાવલું સળગાવવાનો કાર્યક્રમ ૧૯૪૦ના ૯મી ઑગસ્ટે થયો હતો અને મુંબઈમાં પણ આઠ દિવસ સુધી ખૂબ જ ધમાલ થઈ હતી. આ ધમાલમાં પણ યુરોપિયનોની ખૂબ જ જાનહાનિ થઈ હતી. મુંબઈમાં તે વખતે બે દિવસનો માર્શલ-લો પણ રહ્યો હતો. મુંબઈમાં બ્રિટિશ શાહીવાદનું બાવલું મુંબઈની ચોપાટી ઉપર સળગાવવામાં આવ્યું હતું. આ સમયે મુંબઈની ચાર લાખની જનતા આ કાર્યક્રમ જોવા માટે મુંબઈની ચોપાટી ઉપર ભેગી થઈ હતી. મુંબઈના કમિશનર મિ. સ્મિથે તે વખતે પાંચ હજાર તો પોલીસો આસપાસ ખડકી દીધી હતી છતાં બાવલું જલાવ્યું હતું અને મુંબઈની ચોપાટી ઉપર બે ત્રણ કલાક સુધી ધમાલ રહી હતી. આ ધમાલ ત્યાર બાદ તળ મુંબઈમાં પ્રસરી ગઈ હતી, જે આઠ દિવસ સુધી રહી હતી. ફોરવર્ડ બ્લોકવાદીઓ બોમ્બ અને એસિડની બોટલોનો તથા રિવોલ્વરોનો ઉપયોગ કરતા હતા અને જનતા પથ્થરો, ઈંટો અને સોડાની બાટલીઓનો આ ધમાલમાં ઉપયોગ કરતી હતી.

૧૯૪૦ની ૯મી ઑગસ્ટ બાદ પણ દરેક જગ્યાએ ભારતમાં ક્રાંતિકારી કાર્યક્રમો ફોરવર્ડ બ્લોક પાર્ટી તરફથી થઈ રહ્યા હતા – બોમ્બ ફેંકવાના વગેરે વગેરે. ભારત દેશ હવે બ્રિટન સામે હથિયારોથી લડવા માટે જાગ્યો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસથી જુદા પડીને ફોરવર્ડ બ્લોક નામની ક્રાંતિકારી સંસ્થાનું સ્થાપન કરીને ભારત દેશને બ્રિટન સામે હથિયારોથી લડવા જગાડ્યો હતો. હું મુંબઈમાં ઉપર મુજબ ફોરવર્ડ બ્લોક પાર્ટીનું કામ કરી રહ્યો હતો તેમાં ૧૯૪૦ના ઑક્ટોબર મહિનામાં મારા ઉપર કલકત્તાથી નેતાજી સુભાષચંદ્ર બોઝનો એક પત્ર આવ્યો હતો. તેઓએ આ પત્ર તેઓને જે જગ્યાએ કલકત્તામાં નજરકેદમાં રાખ્યા હતા, ત્યાંથી લખ્યો હતો. હું તે પછી ૧૯૪૦ના નવેમ્બર માસમાં તે પત્રના આધારે કલકત્તા ગયો હતો અને મેં કલકત્તામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની, જે જગ્યાએ તેઓને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા, તે જગ્યાએ મુલાકાત લીધી હતી.

સુભાષબાબુને બ્રિટિશ સરકારે તેમને એલીએટ રોડ ઉપર આવેલ, તેમના રહેવાના મકાને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. તે મકાનને ફરતે રાઇફલધારી દોઢસો પોલીસોનો ઘેરો તેમ જ બીજી કેટલીયે સી.આઈ.ડી. પોલીસો હતી જે તેમના પર નજર રાખવા માટે ગોઠવી હતી. સુભાષબાબુને માટે ખાવાનું તેમના મોટાભાઈ શ્રી શરદચંદ્ર બોઝને ત્યાંથી જતું હતું. એક વિશ્વાસુ માણસ આ ખાવાનું લઈને જતો હતો. તેને અંદર જવાનો પાસ આપવામાં આવ્યો હતો. જ્યારે મેં સુભાષબાબુની આ નજરકેદખાનામાં મુલાકાત લીધી, ત્યારે હું તેમને માટે શરદબાબુને ઘેરથી ખાવાનું લઈ ગયો હતો. તે વખતે પેલો વિશ્વાસુ માણસ ગયો ન હતો. મેં તેમની પાસેથી અંદર જવાનો પાસ લઈ લીધો હતો.

સુભાષબાબુ મને આવેલો જોઈ ખૂબ જ ખુશ થયા હતા અને ઊભા થઈ ભેટી પડ્યા હતા. તે પછી અમો બંનેએ ટિફિનમાંથી ખાવાનું કાઢી સાથે બેસીને ખાધું હતું. ખાવાનું હું વધારે લઈ ગયો હતો. ખાતાં ખાતાં સુભાષબાબુએ પોતાની પેટની વાત મને કરી હતી. તેઓ હવે આ નજરકેદમાં રહીને કંટાળી ગયા હતા. મને તેમણે આ નજરકેદખાનામાંથી કોઈ હિકમત વાપરી બહાર કાઢવા કહ્યું હતું. મેં સુભાષબાબુને તે ંપછી વચન આપ્યું હતું અને કહ્યું હતું કે બાબુજી, હું તમને ગમે તેમ કરીને અહીંથી કાઢી જઈશ, પરંતુ મને તે માટે થોડો સમય જોઈશે. સુભાષબાબુએ મારી આ વાતને કબૂલ રાખી હતી. આવી બધી વાતચીત કરીને હું ટિફિન લઈને સુભાષબાબુ પાસેથી છૂટો પડ્યો હતો.

તે પછી મેં કલકત્તામાં શ્રી હિંમતકુમાર બસુ તેમ જ બીજા ફોરવર્ડ બ્લોક પાર્ટીના ભાઈઓને મળીને ઉપર મુજબની ખાનગીમાં ચર્ચા કરી હતી. તે પછી મને તેઓએ પાંચ જવાંમર્દોને મારા આ કાર્યમાં મદદ કરવા માટે સુપરત કર્યા હતા. આ પાંચમાં એક મુસ્લિમ બિરાદર હતા. અમો છએ જણાએ મરી જઈએ તો પણ કોઈને ઉપર બાબતની વાત ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમો છએ એકલોહિયા જેવા બની ગયા હતા. તે પછી અમોએ સુભાષબાબુને નજરકેદમાંથી નસાડવાની ભાંજગડ શરૃ કરી હતી. પહેલાં અમોએ એક મકાન હાવરા સ્ટેશનની પેલી તરફ ભાડે રાખ્યું હતું. તે પછી અમોએ સુભાષબાબુને અજબ રીતે અજબ યુક્તિ વાપરીને નસાડ્યા હતા. નસાડીને અમો પેલા હાવરા સ્ટેશનના મકાને લઈ ગયા હતા. તે પછી સુભાષબાબુને મૌલવીનો (મુસલમાન ધર્મગુરુનો) વેશ-કપડાં પહેરાવીને બર્દવાન સ્ટેશનેથી પેશાવર તરફ લઈ ગયા.

હું આ વખતે તેમની સાથે ફકીરના વેશમાં હતો. પેશાવરમાં અમો એક મુસ્લિમ રેસ્ટોરાંમાં ત્રણ દિવસ રહ્યા હતા. ત્રણ દિવસ બાદ ૧૯૮૧ની જાન્યુઆરીથી ૧૭મી તારીખે સુભાષબાબુને પઠાણી કપડાં પહેરાવીને પેશાવરી કાબુલ તરફ જતા, કાચા માર્ગે લઈને, કાબુલ તરફ પગપાળા અમો ગયા હતા. રસ્તામાં અમારે નદીનાળાં, ટેકરીઓ, ખાઈઓ, ખીણો તથા બરફથી છવાયેલો રસ્તો વટાવવો પડ્યો હતો અને અમારે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઈશ્વરની કૃપાથી અમો જીવતા જાગતા કાબુલ પહોંચ્યા હતા. અમારા છમાંથી ચાર જણાને સુભાષબાબુએ પેશાવરથી પાછા વળાવી દીધા હતા, ત્યારે સુભાષબાબુની સાથે હું તથા એક પંજાબીભાઈ ભગતરામ રહ્યા હતા. ભગતરામે આ વખતે પઠાણી કપડાં ધારણ કર્યા હતા અને હું ફકીરનો ફકીર જ રહ્યો હતો.

(આઝાદ ફોજના મોરચે પણ આપણો આ ગુજરાતી બહાદુર લડ્યો તેની વિગત આવતા અંકે…)
—————————

આઝાદ હિન્દ ફોજનેતાજી સુભાષલક્ષ્મીદાસવિષ્ણુ પંડ્યા
Comments (0)
Add Comment