સુરતના કુદરતી હીરા પર ભારે પડી રહેલો કૃત્રિમ હીરાનો કારોબાર

છેલ્લાં બે વર્ષો સુરતના હીરા ઉદ્યોગ માટે ભયંકર મંદીનાં રહ્યાં
  • બિઝનેસ – નરેશ મકવાણા

હીરા ઉદ્યોગને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત સુરતના આ પરંપરાગત ધંધાએ હવે ધીરે-ધીરે પોતાની ચમક ગુમાવવા માંડી છે. હવે નવા સમાચાર એ આવ્યા છે કે સુરતી વેપારીઓ કુદરતી હીરાનો ધંધો છોડી કૃત્રિમ હીરા તરફ વળી રહ્યા છે, ત્યારે અહીં આ પરિવર્તન અણધાર્યું છે કે આયોજનપૂર્વકનું, ક્યાં કારણો તેની પાછળ જવાબદાર છે તેની ચર્ચા કરીએ.

સુરતના હીરા ઉદ્યોગમાં આજકાલ કંઈક અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા છે. મંદીની ઝપટમાં ફસાયેલો આ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી હાંફી રહ્યો છે. દિવાળી  પહેલાં વેપારીઓને આશા હતી કે નાતાલના તહેવાર પર વિદેશોમાં કટ-પૉલિશ્ડ હીરા અને જ્વેલરીની માગ રહેશે, પણ તેમના અંદાજ કરતાં વેપાર ઘણો ઓછો રહ્યો હતો. અનેક ઉદ્યોગકારોએ માલ ઓછી કિંમતે વેચવો પડ્યો હતો તો ઘણા પાસે તો માલનો ભરાવો થઈ ગયો હતો. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે હીરાની માગ વધવી જોઈએ, પણ દુનિયાભરમાં જે રીતે મંદીનો માહોલ છવાયેલો છે તે જોતાં આવી શક્યતા ઓછી જ છે. આ બધી ચર્ચા વચ્ચે તેનાથી સાવ વિપરીત સમાચાર એ આવી રહ્યા છે કે સુરતના હીરા ઉદ્યોગો અસ્તિત્વ ટકાવી રાખવા માટે કુદરતી હીરાને બદલે કૃત્રિમ (સિન્થેટિક) હીરામાં ભવિષ્ય શોધી રહ્યા છે. જો આ પરિસ્થિતિ લાંબો સમય રહી તો આગામી દિવસોમાં અહીં કુદરતી હીરાને બદલે સિન્થેટિક હીરાનો ધંધો વધી જાય એવી શક્યતા પણ નકારી શકાતી નથી.

આ લાઈનના જાણકારોના મતે છેલ્લાં બે વર્ષો સુરતના હીરા ઉદ્યોગ માટે ભયંકર મંદીનાં રહ્યાં હતાં. જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારોમાં ચિંતા પેઠી છે. દરમિયાન વૈશ્વિક માર્કેટમાં કૃત્રિમ હીરાની ડિમાન્ડ વધતાં હવે બધા ધીરે-ધીરે એ તરફ વળવા લાગ્યા છે. હાલ દુનિયાભરમાં કટ અને પૉલિશ્ડ ૯૦ ટકા હીરા સુરતના માર્કેટમાં તૈયાર થાય છે. એ પૈકી ૬૦ ટકા માલ અમેરિકન બજારમાં વેચાય છે. ત્યાર બાદ યુરોપ અને અન્ય દેશોનો નંબર આવે છે. મંદીના કારણે હીરાની ડિમાન્ડ ઘટી છે અને લોકો કુદરતી હીરાથી દૂર રહેવા લાગ્યા છે. સામે કૃત્રિમ હીરા સસ્તા પડતાં હોવાથી તેનું માર્કેટ જોરમાં છે. ગત વર્ષે નાતાલ અને વેલેન્ટાઈન ડે પર ગ્રાહકોએ કુદરતી હીરાની જ્વેલરીને બદલે કૃત્રિમ હીરાજડિત આભૂષણો પર વધારે પસંદગી ઢોળી હતી. જેના કારણે હવે સુરતી ડાયમન્ડ ઉદ્યોગપતિઓને એમાં ભવિષ્ય દેખાઈ રહ્યું છે. તેમનું ગણિત એવું છે કે, જો કુદરતી હીરો મંદીનો માર સહન કરી રહ્યો છે અને કૃત્રિમની ડિમાન્ડ છે, તો શા માટે તેમાંથી કમાણી જતી કરવી. એટલે અહીં અનેક હીરા ઉદ્યોગોએ સિન્થેટિક હીરા પર ફોકસ કર્યું છે. બદલાતા સમયની સાથે યુવાવર્ગ હવે જ્વેલરી ખરીદવાને બદલે અન્ય ચીજો પર પસંદગીનો કળશ ઢોળવા લાગ્યો છે. પહેલાં ગિફ્ટ માટે જ્વેલરી પહેલી પસંદ ગણાતી, પણ હવે તેની જગ્યા સ્માર્ટફોન કે અન્ય ગેઝેટ્સે લઈ લીધી છે. યુવા વર્ગની આ બદલાયેલી પસંદની સૌથી મોટી અસર જ્વેલરી સેક્ટર પર પડી છે, પણ સિન્થેટિક હીરાની જ્વેલરી તેમને માફક આવે તેમ છે. તેની કિંમત અસલી હીરાની સરખામણીએ ત્રણ ગણી ઓછી છતાં આકર્ષક હોય છે. સામે કુદરતી હીરાનો વેપાર સતત ઘટી રહ્યો છે, કારખાનાં બંધ થવા લાગ્યાં છે. ત્યારે હીરાના કારોબારીઓ સિન્થેટિક હીરા તરફ વળે તેમાં નવાઈ ન લાગે. દિવાળી પછી ૨૫ ટકા હીરાના ધંધાર્થીઓ કૃત્રિમ હીરાનું કામ કરવા લાગ્યા છે અને આગામી દિવસોમાં બીજા વધારે કારોબારીઓ એ દિશામાં વળશે તે નક્કી છે. ચીન અને હોંગકોંગમાં કોરોના વાઇરસને કારણે પણ હીરા ઉદ્યોગને માઠી અસર થઈ છે, કેમ કે સુરતમાં તૈયાર થતાં ૩૭ ટકા હીરા હોંગકોંગ એક્સપોર્ટ થાય છે. હાલ ત્યાં કોરોના વાઇરસને કારણે એક મહિનાનું વૅકેશન જાહેર કરી દેવાયું છે. આ બધાં કારણોસર આગામી દિવસોમાં વધુ સુરતી ડાયમન્ડ ઉદ્યોગકારો કૃત્રિમ હીરાના વેપાર તરફ વળશે તે નક્કી છે.
————————-

આર્ટિફિસિયલ ડાયમંડનરેશ મકવાણાબેરોજગારીસુરત
Comments (0)
Add Comment