કારકિર્દી છોડી મહિલાએ અપનાવ્યુંઃ પ્રાકૃતિક ખેતી કામ

વડોદરા જિલ્લાના દુમાડ ગામની નજીક પોતાની સાત વીઘા જમીનમાં અવની શાકભાજીની જૈવિક ખેતી કરે છે
  • વામા – હેતલ રાવ

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. માટે તેની સારી અને નરસી વાતો હંમેશાં ચર્ચાતી જ રહે છે. ખેડૂતોની મુશ્કેલીઓ અને તેના નિવારણ માટે ઘણી વાતો કરી, આજે વાત કરવી છે એવી યુવતીની જેણે આર્કિટેક્ચર જેવી ધીકતી કારકિર્દી છોડીને સાત્ત્વિક ખેતી અપનાવી. પોતે તો ઓર્ગેનિક ખેતી કરે જ છે અને અન્ય વ્યક્તિને પણ શીખવે છે.

બાળપણથી ભણવામાં હોશિયાર, પોતાના કરિયર માટે પહેલેથી જ મક્કમ, જે પણ ધારે તે કરવાની શક્તિ રાખતી અવની ભણી-ગણીને આર્કિટેક્ટના વ્યવસાયમાં જોડાય છે. સારી આવક, સારો હોદ્દો બધું જ તેની પાસે હતું. સમય જતા યોગ્ય ઘરમાં લગ્ન થાય છે, માતા બને છે. છતાં પણ પોતાના કામમાં હંમેશાં પ્રથમ. અચાનક એક દિવસે તે પોતાની કામગીરી છોડીને ખેતી કરવાનું વિચારે છે. પહેલા તો પરિવારને ઘણી નવાઈ લાગે છે કે, અવનીએ આ નિર્ણય કેમ લીધો હશે, પરંતુ જ્યારે અવની કહે છે, કે હવે નોકરી નહીં ખેતી કરવી છે અને તે પણ કોઈ પણ મિલાવટ વગરની, એટલે કે સાત્ત્વિક. શાકભાજીની ખેતી કરીશ અને તેનું વેચાણ પણ પોતાના નેતૃત્વમાં જ કરીશ. હવે પરિવારના સહકારની જરૃર હતી અને કહેવાની જરૃર નથી કે બંને પરિવારે તેને સાથ આપવાનું નક્કી કર્યું. બસ, પછી અવનીએ શરૃ કરી ઓર્ગેનિક ખેતી. પ્રશ્ન અહીં ઘણા છે કે, સારી કારકિર્દી છોડીને ખેતી..? ઓર્ગેનીક ખેતી કરવી સરળ નથી તો તેને કરી કેવી રીતે..? તેના માટેનું બજેટ..? તેના વિશેની માહિતી..? મહિલા તરીકે કેવી રીતે ખેતી કરી હશે..? અને વળી કંઈ કેટલાય સવાલો, પરંતુ આ બધાનો એક જ જવાબ છે કે અવની ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજીની ખેતી તો કરે જ છે, સાથે જ એવી વ્યક્તિઓ જેમણે આ રીતે ખેતી કરવી હોય તેમને જમીન પણ આપે છે અને ખેતીની સમજ પણ આપે છે.

આજકાલ ઓર્ગેનિક ખેતીને લોકો પ્રાધાન્ય આપતા થયા છે, પરંતુ ઘણા લોકો એવા છે જેમને ઓર્ગેનિક ખેતીની જાણકારી નથી. સામાન્ય રીતે કુદરતી રીતે કરવામાં આવતી ખેતીને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે. જેમાં રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ નથી કરવામાં આવતો. આવી ખેતીને રસાયણમુક્ત, સજીવ, જૈવિક, પ્રાકૃતિક, ઓર્ગેનિક, કુદરતી અને ઓર્ગેનિક ફાર્મિંગ જેવા જુદા-જુદા નામે ઓળખવામાં આવે છે.

વડોદરા જિલ્લાના દુમાડ ગામની નજીક પોતાની સાત વીઘા જમીનમાં અવની શાકભાજીની જૈવિક ખેતી કરે છે. જેમાં ટામેટાં, કોબીજ, દૂધી, ગલકા, મરચાં, બીટ, ગાજર અને પાલક જેવાં દરેક શાકભાજીનું વાવેતર કરે છે. સાત્ત્વિક રીતે ઉગાડવામાં આવેલા શાકભાજીનું વેચાણ વડોદરામાં જ કરવામાં આવે છે. આજના બિઝી શિડ્યુલમાં લોકોના ખોરાકમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે. આવા સમયે શુદ્ધ શાકભાજી ખાવા મળે તેવા આશય સાથે તેણે પોતાના આર્કિટેકના વ્યવસાયને છોડી ખેતી કરવાનું વિચાર્યું.

આ વિશે વાત કરતાં વડોદરાનાં અવની જૈન કહે છે, ‘બાળપણથી જ મારા નાનાજીને મેં ખેતી કરતા જોયા હતા. એમ કહી શકું કે હું ખેડૂત પુત્રી છું. માટે ખેતીમાં મને પહેલેથી જ રસ હતો, પરંતુ સમયની સાથે બદલાવ આવતા ગયા અને મારો અભ્યાસ પૂર્ણ કરી હું આર્કિટેક બની. તે દરમિયાન પણ હું સતત ખેતી કરવા માટે વિચારતી રહેતી. તેને શક્ય બનાવવા માટે પ્રયત્ન કરવો જરૃરી હતો. જમીન તો મારી પાસે હતી, પરંતુ જમીન હોવાથી કોઈ ખેડૂત નથી બની જતું અને ઉપરાંત મારે પરંપરાગત ખેતી પણ નહોતી કરવી. હું આવક કરું પરંતુ કોઈને હેલ્પફુલ બનીને. બસ, આ જ વાતે મને ઓર્ગેનિક ખેતીની પ્રેરણા આપી. હવે તેના વિશે માહિતી મેળવવાનો સમય હતો. ઘણા બધાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. ઉપરાંત આ સંદર્ભે જે વ્યક્તિઓ પાસે જાણકારી હતી તેમની પણ મદદ લીધી. સફર ઘણી મુશ્કેલી ભરેલી હતી, પરંતુ પ્રયાસ સફળ રહ્યા. આજે હું ઓર્ગેનિક શાકભાજીની સફળ ખેતી કરું છું. એટલું જ નહીં પરંતુ જે પણ લોકોને આ વિશેની જાણકારી જોઈએ તેમને આપું પણ છું. જેમની પાસે જમીન નથી અને તે ખેતી કરવા ઇચ્છતા હોય તે લોકોને મારા જ ખેતરમાં રેન્ટ પર પ્લોટ આપું છું. જેમાં તે લોકો સાત્ત્વિક ખેતી કરે છે.  ખેતી દ્વારા ઉગાડવામાં આવેલાં શાકભાજીનો પોતાની રીતે જ વપરાશ પણ કરે છે.’

ખેતરમાં જ ઓર્ગેનિક ખેતી શીખવવાની શિબિર ચલાવવામાં આવે છે. ખાસ કરીને આ શિબિરમાં એવી વ્યક્તિઓ આવે છે જેમનું પોતાનું ફાર્મ છે, કે ગાર્ડન છે, એને ખેતીમાં રસ પણ છે. બસ, તેમને ખેતી વિશેનું જ્ઞાન નથી. ઉપજ નામથી શરૃ કરવામાં આવેલી આ સાત્ત્વિક ખેતી ફાર્મમાં શાળાના વિદ્યર્થીઓ પણ જૈવિક ખેતી સંદર્ભે માહિતી મેળવે છે. સાત એકર જમીનમાં જુદા-જુદા પ્લોટ પાડવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ પંદર દિવસ માટે આ પ્લોટ રેન્ટ પર લઈને તેમાં ઓર્ગેનિક ખેતી શીખી શકે છે અને પોતાની ઇચ્છા પ્રમાણે સિઝનેબલ શાકભાજીનું વાવેતર પણ કરી શકે છે.

અવની વધુમાં વાત કરતાં કહે છે, ‘હંમેશાં કહેવામાં આવે છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ એક સફળ સ્ત્રી પાછળ પુરા પરિવારનો હાથ હોય છે.  માતા-પિતા તો પહેલેથી જ મારા દરેક કાર્યને પ્રોત્સાહન આપતાં હતાં. પતિ પણ મારા પીઠબળ બની સતત મારી સાથે રહે છે. બાળકો પણ મારા કામને જોઈને ખુશ છે, પરંતુ જ્યારે સાસુ-સસરાની વાત આવે ત્યારે એમ લાગે કે તેમને સમજાવવું અઘરું છે. સામાન્ય રીતે સસરા તો સમજી જાય, પણ સાસુમાનું શું..

જોકે મારી સાથે થોડી જુદી વાત બની. સસરાની સાથે સાસુમાએ ઘણો સહકાર આપ્યો. એમ કહી શકું કે પ્રોત્સાહન આપ્યંુ. એક સ્ત્રીને એક સ્ત્રી જ સમજી શકે. મારાં સપનાં, મારા કામ અને મારા ઉત્સાહને પરિવારનો સપોર્ટ મળ્યો ત્યારે જ હું આ કામમાં સફળ નિવડી. આજે  જ્યારે આસપાસની મહિલાઓ મારે ત્યાં ખેતરમાં આવે છે ત્યારે મને ઘણી ખુશી મળે છે. ઘણીવાર વડીલ મહિલાઓ હોય છે, જેમની પાસે શીખવા પણ મળે છે. ખેતી કરવાના મારા કાર્યને આજે ધીમે-ધીમે નવી ઓળખ મળી રહી છે.’

સાત્ત્વિક ખેતીની વાત આવે એટલે તેને સહજ પ્રોત્સાહિત કરવાનું મન થઈ જ આવે. જોકે ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા શાકભાજીનો ભાવ સામાન્ય કરતાં થોડો વધારે હોય છે. જે તમામ વ્યક્તિને પોસાય નહીં, પણ જે લોકો આ શાકભાજી ખરીદી શકે અને ખાઈ શકે તેમની માટે આ પૌષ્ટિક બની રહે તેમાં કોઈ બેમત નથી. ધીમે-ધીમે પણ બદલાવ આવી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાએ જૈવિક ખેતી શરૃ થઈ છે. આ રીતે કરવામાં આવતી ખેતીને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો દરેક વ્યક્તિ રસાયણમુક્ત અને સ્વાસ્થવર્ધક શાકભાજીનો ઉપયોગ કરી શકે….
——-.

મહિલાઓ ખેતી કરે..?
ડૉક્ટરની જોબ છોડી યુવકે ખેતી કરવાની શરૃ કરી, વકીલાતનો ધીકતો ધંધો છોડી પિતાને સાથ આપવા યુવક ગામડે ખેતી કરવા ચાલ્યો ગયો. પરદેશના મોટા પેકેજને છોડી આજના યુગમાં નવયુવાન ખેતી કરી રહ્યો છે. આવા સમાચાર ઘણા સાંભળવા મળે છે, પરંતુ કોઈ યુવતીએ સારી નોકરી છોડીને ખેતીને અપનાવે ‘ને તે પણ ઓર્ગેનિક ખેતી, તેવા ન્યૂઝ જવલ્લે જ સાંભળવા કે જાણવા મળે છે, કારણ કે મહિલાઓ વળી શું ખેતી કરે. તે પોતાના પરિવારને ખેતીમાં હેલ્પ કરી શકે, પરંતુ ખેતી કરવા માટે ઉચ્ચ લેવલની જોબ છોડે તે વાતમાં દમ નથી. આવું તે કંઈ બનતું હોય, જેવા અનેક સવાલો થવા સામાન્ય છે, પરંતુ હકીકત જુદી છે. આંકડાકીય માહિતી પણ કહે છે કે મહિલા ખેડૂતની સંખ્યા વધારે છે. હા, એ વાત જુદી છે કે મહિલાઓને ખેડૂત સમજવામાં સમાજ હજુ પણ તૈયાર નથી. જોકે અવની જેવી મહિલા ખેડૂત આ બાબતે નવી પહેલ કરી રહી છે અને લોકો તેને આવકારી પણ રહ્યા છે.
——-.

ઉપજ ફાર્મમાં વરસાદી પાણીનો સંગ્રહ
સાત એકર જમીનમાં સફળ રીતે સાત્ત્વિક શાકભાજીની વાવણી અને લણણી કરવામાં આવે છે. જેના માટે જરૃરિયાત પ્રમાણે પાણીની પણ જરૃર રહે છે. ઉપજમાં પાણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક છે. આ ફાર્મમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે એક તળાવ બનાવવામાં આવ્યું છે, જે ખેતરને તો સુશોભિત કરે જ છે સાથે જ તેમાં વરસાદી પાણી પણ એકઠું થાય છે. આ તળાવને સ્વચ્છ રાખવામાં આવે છે અને તે પાણીનો ઉપયોગ ઓર્ગેનિક શાકભાજી માટે પણ કરવામાં આવે છે. અહીં ખેતી શીખવા માટે આવતા લોકો પણ વરસાદી પાણીના સંગ્રહ માટેનો નિર્ણય કરે છે.
———————————

ઓર્ગેનિક ખેતીહેતલ રાવ.
Comments (0)
Add Comment