નાગરિકતા કાનૂનનું ભાવિ સુપ્રીમના નિર્ણય પર નિર્ભર

જમ્મુ-કાશ્મીર-લદ્દાખ માટે સરકાર વિલંબથી જાગી
  • રાજકાજ – ચાણક્ય

નાગરિકતા સંશોધન કાનૂનના (સીએએ) વિરોધમાં કેરળ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને રાજસ્થાનની વિધાનસભાઓમાં ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે જાહેર કર્યું છે કે તેમના શાસન હેઠળનાં બધાં રાજ્યોની વિધાનસભામાં આવા ઠરાવ પસાર કરાશે. તેની જવાબદારી રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને આપવામાં આવી છે. નાગરિકતા એ વિશુદ્ધપણે કેન્દ્રનો વિષય હોવાથી રાજ્ય વિધાનસભાઓના આવા ઠરાવની કોઈ અસર આ કાનૂન પર પડવાની નથી. બલ્કે કોંગ્રેસ અગ્રણી અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું છે તેમ કેન્દ્રના કાનૂનના પાલન માટે રાજ્યો બંધાયેલાં છે. સુભાષ કશ્યપ સહિત અન્ય કેટલાક બંધારણીય નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે કેન્દ્રના કાયદા વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કરવો એ ખોટી પરંપરાની શરૃઆત છે. તેને પ્રોત્સાહન આપવાનું યોગ્ય નથી. અમેરિકા જેવા દેશની શાસન પ્રણાલી સંપૂર્ણ સંધીય પ્રકારની છે. એટલે ત્યાં રાજ્યો કેન્દ્રના કાનૂનના અમલનો ઇનકાર કરી શકે છે. ભારતની શાસન પ્રણાલીનું સ્વરૃપ ક્વોસી ફેડરલ એટલે કે અર્ધ સંધીય પ્રકારનું છે. તેમાં કેન્દ્ર અને રાજ્યોના અલગ-અલગ વિષય નક્કી કરાયેલા છે. રાષ્ટ્રીયતાનો વિષય કેન્દ્રની સત્તા અંતર્ગત આવે છે. એ સંજોગોમાં સીએએ વિરુદ્ધના રાજ્ય વિધાનસભાઓના ઠરાવ માત્ર અભિપ્રાય બની રહેશે. આ ઠરાવોમાં ક્યાંય રાજ્ય આ કાનૂનનું પાલન નહીં કરે એવું કહેવામાં આવ્યું નથી. એટલે આ ઠરાવોને વાંધાજનક ગણી શકાય તેમ નથી.

– અને જ્યારે નાગરિકતા સંશોધન કાનૂન સામે સર્વોચ્ચ અદાલતમાં ૧૪૪ જેટલી અરજીઓ કરવામાં આવી છે તેમજ અદાલત આ અરજીઓ બંધારણી બેંચને સુપરત કરે એવી શક્યતા છે ત્યારે સર્વોચ્ચ અદાલત કાનૂનની બંધારણીયતાને બહાલ કરે એ પછી જ આ કાનૂન અમલમાં આવી શકશે. સર્વોચ્ચ અદાલતે હાલ કેન્દ્ર સરકારને આ કાયદા અંગે તેનો અભિપ્રાય રજૂ કરવા ચાર સપ્તાહનો સમય આપ્યો છે. સાથોસાથ કાયદાના અમલને હંગામી ધોરણે સ્થગિત કરવાનો પણ ઇનકાર કર્યો છે. એક અર્થમાં આ કાયદાનું ભવિષ્ય સર્વોચ્ચ અદાલતના નિર્ણય પર નિર્ભર છે.
——–.

જમ્મુ-કાશ્મીર-લદ્દાખ માટે સરકાર વિલંબથી જાગી
જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ રદ કર્યાને લગભગ છ મહિના થવા આવ્યા છે ત્યારે વડાપ્રધાનના નિર્દેશથી કેન્દ્રના ૩૬ પ્રધાનોએ ત્યાં દોટ લગાવીને લોકો સાથે સંવાદ કરવાની કવાયત કરી. આ  કામ ખરેખર ઘણુ વહેલું થવું જોઈતું હતું. બલ્કે કહેવું જોઈએ કે કલમ રદ થયાના એકાદ માસમાં જ સરકારે ત્યાં પહોંચવું જોઈતું હતું અને જો વિલંબ જ થયો તો પણ ઑક્ટોબરની ૩૧ તારીખે કે જ્યારથી આ સુધારાનો અમલ થયો અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી જ કેન્દ્ર સરકારનાં મિશનો ત્યાં પહોંચવા જોઈતાં હતાં. અનેકવિધ નિયંત્રણો વચ્ચે પણ મહદ્અંશે શાંત રહેલા અને નવી પરિસ્થિતિને સ્વીકારવાનું માનસ બનાવી ચૂકેલા લોકો વચ્ચે જવામાં વિલંબ એ કેન્દ્ર સરકારની થોડી લાપરવાહી દર્શાવે છે. કલમ રદ કરવા સાથે રાજ્યના વિકાસની વિવિધ યોજનાઓ, પ્રકલ્પો અને રોજગારી માટેના વિકલ્પો તેમજ પ્રવાસનને પ્રોત્સાહન માટેની રૃપરેખા તૈયાર થઈ જવી જોઈતી હતી. જમ્મુ-કાશ્મીરમાં નવાં રોકાણો માટે ઉદ્યોગ-વ્યવસાય ગૃહોની સમીટ યોજવાનું કેન્દ્રએ જાહેર કરેલું છે, તેને વિશે પણ હજુ કોઈ ચોક્કસ એજન્ડા કે રૃપરેખા તૈયાર હોય તેમ જણાતું નથી. જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાની જાહેરાતો ભલે થતી રહી હોય, પણ વાસ્તવમાં ખુદ કેન્દ્ર સરકાર પરિસ્થિતિ એકદમ સામાન્ય થાય તેની રાહ જોતી હોય એવું જણાયું છે. વડાપ્રધાનના નિર્દેશથી એકાએક પ્રધાનો ત્યાં ધસી ગયા ત્યારે તેમની પાસે અગાઉથી જ જમ્મુ-કાશ્મીર-લદ્દાખ માટેની યોજનાઓ તૈયાર હતી કે પછી રાતોરાત તૈયાર કરી એ નક્કી કરવું મુશ્કેલ છે. ઇન્ટરનેટ સેવાઓ તત્કાલ શરૃ કરવાના સર્વોચ્ચ અદાલતના નિર્દેશને પગલે સરકાર સફાળી જાગી હોય એવો માહોલ જોવા મળ્યો છે. હવે જ્યારે વિલંબથી સરકાર પ્રદેશમાં સંવાદ રચી રહી છે ત્યારે વિકાસ કાર્યોના અમલીકરણમાં વિલંબ ન થાય અને લોકો જોઈ-અનુભવી શકે એ પ્રકારે કામગીરી થવી જોઈએ.
——–.

ઉદ્ધવ ઠાકરેની અપેક્ષાઓ ઉછાળા મારે છે
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન બન્યાને માંડ બે મહિના થયા છે, પરંતુ પોલિટિક્સમાં આશા અને અપેક્ષાઓ ક્યારે ઉછાળા મારવા લાગે એ નિશ્ચિત હોતું નથી. ચર્ચા એવી છે કે ઉદ્ધવ ઠાકરે હવે એવી અપેક્ષા સેવતા થઈ ગયા છે કે તેઓ ૨૦૨૪માં નરેન્દ્ર મોદી વિરુદ્ધ સંયુક્ત વિરોધ પક્ષનો ચહેરો બની શકે તેમ છે. આવી સંભાવના સાથે જ તેમણે પોતાના બ્રાન્ડિંગ પર ખાસ ધ્યાન આપવાનું શરૃ કર્યું છે. તેમણે ઇમેજ બિલ્ડિંગ માટે કેટલીક કંપનીઓ સાથે આ સંબંંધમાં વાતચીત પણ કરી છે. મોદી વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની સંભાવનાનો આધાર એવી  માન્યતા છે કે રાહુલ ગાંધી ૨૦૨૪માં પણ મોદીના સક્ષમ વિકલ્પ બની શકશે નહીં. અન્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓને લાગેવળગે છે ત્યાં સુધી એ બધા પર લઘુમતીના તરફદારનો સિક્કો લાગેલો છે એટલે મોદી વિરુદ્ધ આવા કોઈ ચહેરાને સ્વીકાર્યતા મળે તેમ નથી. ઉદ્ધવ ઠાકરે હજુ સુધી હાર્ડકોર હિન્દુવાદી ચહેરો ગણાય છે, પરંતુ ૨૦૨૪ સુધી તેઓ તેમની આવી ઇમેજ જાળવી શકશે કે કેમ એ પણ એક સવાલ છે. રાષ્ટ્રીય સ્તરે તેઓને આવી ઓળખ ઊભી કરવામાં મુશ્કેલી પડે તેમ નથી. બિન-ભાજપી મતદારોમાં પોતાની સ્વીકાર્યતા માટે ગઠબંધન સરકારના વડા તરીકે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં તેમની સરકારમાં કોંગ્રેસ સહભાગી હોવાથી વિપક્ષમાં નિષ્ઠા પુરવાર કરવાની તેમને જરૃર નથી. હિન્દુવાદી ઓળખને જાળવી રાખવા સામેનો તેમનો પડકાર ભાજપ નહીં, પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે બની રહેશે. રાજ ઠાકરેએ તેમના પક્ષનો ધ્વજ બદલી નાખ્યો છે અને પક્ષના મહાસંમેલનમાં પોતાના પુત્રને નેતા તરીકે લોન્ચ કર્યો છે. શિવસેનાની હિન્દુત્વની વિરાસત પર રાજ ઠાકરે દાવેદાર બનવા જઈ રહ્યા છે. કદાચ એટલે જ શિવસેનાએ તેમાં બ્રેક મારવા રાજ ઠાકરેના ધ્વજમાં છત્રપતિ શિવાજી  મહારાજની રાજમુદ્રા અંકિત કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.
——–.

દિલ્હીની ચૂંટણી કોંગ્રેસ શીલા દીક્ષિતનાં કાર્યોના આધારે લડે છે
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે ફરી દિવંગત શીલા દીક્ષિતના પંદર વર્ષના કાર્યકાળની સિદ્ધિઓના આધારે મતદારો સમક્ષ જવાની વ્યૂહરચના તૈયાર કરી છે. સતત ત્રણ મુદત સુધીના શાસન બાદ ૨૦૧૩માં લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. આમ આદમી પાર્ટીની એ સરકાર લાંબંુ ચાલી નહીં અને ૨૦૧૫માં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે ફરી શીલા દીક્ષિતના વિકાસ કાર્યોના વારસાને આગળ ધપાવવા માટે દિલ્હીના મતદારોને અપીલ કરી હતી. એ વખતે કોંગ્રેસનું સૂત્ર હતુંં –’ટૂટ ગઈ વિકાસ કી દોર, ચલો ફિર ચલેં કોંગ્રેસ કી ઓર…’ પરંતુ એ વખતે કોંગ્રેસને એક પણ બેઠક મળી નહીં અને આમ આદમી પાર્ટીને જંગી બહુમતી મળી. કોંગ્રેસ ફરી શીલા દીક્ષિતના શાસનકાળના વારસાના આધારે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસની સમગ્ર પ્રચાર ઝુંબેશ ગત વર્ષે અવસાન પામેલાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતની સિદ્ધિઓની આસપાસ તૈયાર થઈ છે. કોંગ્રેસનું આ વખતનું પ્રચારસૂત્ર ‘કોંગ્રેસવાલી દિલ્હી’ શીલા દીક્ષિતના શાસનકાળનો સંકેત આપે છે. કોંગ્રેસે જે પ્રચાર ગીત તૈયાર કર્યું છે તેમાં પણ શીલા દીક્ષિતના કાર્યકાળનાં વિકાસ કાર્યો વર્ણવવામાં આવ્યાં છે. ‘દિલ્હી કો હમને સજાઈ થી, દિલ્હી કો હમનેં બનાઈ થી’ એવા શબ્દોથી ગીતનો આરંભ થાય છે. શીલા દીક્ષિતના કાર્યકાળમાં દિલ્હીમાં અસાધારણ વિકાસ કાર્યો થયાં હતાં એ નિર્વિવાદ હકીકત છે. આ સિદ્ધિઓની સાથેસાથ દિલ્હીવાસીઓ સમક્ષ નવાં કાર્યોનાં વચન, નવાં સપનાં અને નવા નેતૃત્વને કોંગ્રેસ પ્રસ્તુત કરી શકી નથી, એ લોકોને પણ ખટકે છે.
——–.

કોંગ્રેસે શશી થરૂરને ફરી સક્રિય કર્યા
કોંગ્રેસની નેતાગીરીએ ગત દિવસોમાં એકાએક શશી થરૃરને દિલ્હીમાં સક્રિય કર્યા છે. તેઓ પહેલાં જામિયા યુનિવર્સિટી ગયા અને આંદોલન કરતા વિદ્યાર્થીઓ સમક્ષ જોરદાર ભાષણ કર્યું. દુષ્યંતકુમારની શાયરીઓ સંભળાવી. એ પછી તેઓ જેએનયુ પર પણ ગયા. ત્યાં પણ તેમણે આંદોલનકારી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવામાં કોઈ કસર બાકી રાખી નહીં. દિલ્હીમાં તેમની સક્રિયતાના નિહિતાર્થ તપાસતાં જાણવા મળે છે કે કોંગ્રેસની નેતાગીરી તેમના માધ્યમથી ઘણી બધી સંભાવનાઓનો વિચાર કરી રહી છે. પક્ષના વ્યૂહરચનાકારો માને છે કે શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં મોદી સરકાર અને ભાજપ પ્રત્યે નારાજગી તો છે, પરંંતુ એ નારાજગીને પોતાની તરફેણમાં કેવી રીતે વાળવી તેનો રસ્તો દેખાતો ન હતો. પક્ષને પોતાના એક એવા ચહેરાની તલાશ હતી જેને વિદ્યાર્થીઓમાં સ્વીકાર્યતા પ્રાપ્ત હોય. પક્ષને શશી થરૃરના રૃપમાં એ ચહેરો મળ્યો. પક્ષને લાગે છે કે ચળવળિયા સ્વભાવના વિદ્યાર્થીઓમાં શશી થરૃર સહેલાઈથી ભળી જઈ શકે છે. આ કળા તેમને હસ્તગત છે. આ બાબતને લક્ષમાં રાખીને કોંગ્રેસે દેશની ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓમાં તેમના કાર્યક્રમો યોજવાનો નિર્ણય કર્યો. તેઓ આ સંસ્થાઓમાં જઈને વિદ્યાર્થીઓને આંદોલિત કરવાનો પ્રયાસ કરશે. દિલ્હીની જામિયા યુનિવર્સિટી અને જેએનયુ પછી થરૃરનો હવે પછીનો મુકામ મુંબઈ યુનિવર્સિટી હશે. એ પછી તેઓ ચેન્નાઈ પણ જઈ શકે છે. એક સમય એવો હતો કે પક્ષમાં ઘણા નેતાઓ એવું માનતા હતા કે શશી થરૃરને આગળ રાખવાથી પક્ષને નુકસાન થશે. એ જ નેતાઓને હવે તેમાં નવી આશા દેખાય છે. શશી થરૃર માટે આ સમય તેમની યોગ્યતા પુરવાર કરવાનો છે.
———————–

ચાણક્યરાજકાજ
Comments (0)
Add Comment