મિત્રો વસંતના અને મિત્રો પાનખરના!

લોકો મિત્રાચારી વિશે ચતુરાઈભર્યા શબ્દો બોલતા નથી
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

કોઈ કહે છે કે સરખેસરખી સ્થિતિના મિત્રો વચ્ચે મિત્રાચારી સંભવિત બને અને લાંબું ચાલે! બાકી અમીર અને ગરીબ વચ્ચે દોસ્તી બંધાય તોય લાંબું ના ચાલે! પણ આ વાત સાચી માની શકાય તેવી નથી. કેમ કે અમીર-ગરીબ વચ્ચેની સાચી દોસ્તીની ઘણી દાસ્તાનો છે. આમાં સવાલ અમીર-ગરીબ સ્થિતિનો નહીં, પણ મનોવૃત્તિનો હોય છે. ઓસ્કર વાઇલ્ડની એક વાર્તા છે જેમાં એક વાડીવાળા અને એક ઘંટીવાળાની વાત છે. વાડીવાળો ગરીબ છે, ઘંટીવાળો – લોટ દળવાની ઘંટીવાળો શ્રીમંત છે. ઘંટીવાળો દોસ્તીના નાતે વાડીવાળાની વાડીમાંથી જોઈએ તે બધાં ફૂલ અને ફળ લઈ જાય છે! જ્યારે ફળ-ફૂલની મોસમ ના હોય ત્યારે તે વાડીવાળાને યાદ પણ ના કરે!

રાત્રે ઘંટીવાળાની પત્નીએ ઘંટીવાળાને કાતિલ શિયાળાની એક રાત્રે કહ્યું ઃ ‘તમારા દોસ્ત વાડીવાળાની ખબર તો કાઢો!’

ઘંટીવાળાએ કહ્યું ઃ ‘તું કેવી વાત કરે છે! બરફ પડવાનું ચાલુ રહે ત્યાં સુધી વાડીવાળાને મળવાનો કોઈ અર્થ નથી. અત્યારે એ બિચારો તકલીફમાં હશે અને ડાહ્યા માણસોએ કહ્યું છે કે કોઈ તકલીફમાં હોય ત્યારે તેને એકલો છોડી દેવો જોઈએ! મિત્ર તકલીફમાં હોય ત્યારે તેને મળીને શું કામ તેને ક્ષોભ-શરમમાં નાખવો! મિત્રાચારી વિશેના મારા ખ્યાલો આવા છે અને હું માનું છું કે તે સાચા છે! એટલે હું હમણા વાડીવાળાને નહીં મળું – હા, જેવી વસંતઋતુ આવશે કે તરત હું તેને મળવા જઈશ! ત્યારે એ બિચારો મને જરૃર જાતજાતનાં ફૂલો આપી શકશે! મને એ બધાં રંગબેરંગી ફૂલો આપીને એટલો બધો ખુશ થશે!’

પત્નીએ કહ્યું ઃ ‘તમે બહુ જ સમજદાર છો – મિત્રની કાળજી લેતાં તમને આવડે છે!’

પત્ની તો સ્વાર્થી પતિની ચતુર વાણીમાં ભરમાઈ ગઈ, પણ ઘંટીવાળાનો નાનકડો પુત્ર ભલો હતો. તેણે સીધો જ પ્રશ્ન કર્યો ઃ ‘પણ એ ગરીબ વાડીવાળાને આપણે આપણા ઘેર તેડી લાવીએ તો? હું તો તેને મારું અડધું ભોજન આપી દઈશ!’

ઘંટીવાળાએ પુત્રને કહ્યું ઃ ‘તું ખરેખર એક મૂરખ છોકરો છે. તને નિશાળે મોકલવાનો અર્થ પણ શું? તું કંઈ શીખતો હોય તેવું લાગતું નથી. તને એટલી અક્કલ નથી કે વાડીવાળાને અહીં લઈ આવીએ તો તે આપણુ ઘર જુએ, ગરમાગરમ સગડી જુએ, ભોજનનો થાળ જુએ, શરાબના શીશા જુએ અને આ બધું જોઈને તેને આપણી ઈર્ષા થયા વગર રહે ખરી? ઈર્ષા બહુ જ ખરાબ વસ્તુ છે અને તેનાથી તેનો સ્વભાવ પણ બગડી જવાનો એ નક્કી! હું એનો શ્રેષ્ઠ મિત્ર છું અને હું તેની બરાબર કાળજી રાખવા માગું છું કે એ કદી ખોટાં પ્રલોભનોમાં ના પડી જાય! વળી વાડીવાળો અત્યારે તકલીફમાં છે અને તેને અહીં બોલાવું તો એ ચોક્કસ મારી પાસે ઉધાર લોટ માગે! પણ હું એવું કરી શકું નહીં! લોટ એક વસ્તુ છે, દોસ્તી જુદી ચીજ છે! હું એ બંનેની ભેળસેળ કરવા માગતો નથી!’

ઘંટીવાળાની પત્નીએ કહ્યું ઃ ‘તમે કેવી સરસ રીતે બધું બોલો છો! મને તો ઊંઘ આવે છે! એવું લાગે છે કે હું દેવળમાં છું!’

‘ધી ડિવોટેડ ફ્રેન્ડ’- જિગરી દોસ્ત – નામની આ વાર્તામાં ઇંગ્લેન્ડના એક મહાન કટાક્ષ-લેખક ઓસ્કર વાઇલ્ડે વાર્તાના અંતમાં ઘંટીવાળાના મોંમાં જ એવા શબ્દો મૂક્યા છે કે આપણે દાદ દેવી પડે!

ઘંટીવાળો કહે છે કે, ‘ઘણા લોકો સારી રીતે વર્તે છે, પણ બહુ થોડા લોકો સારી રીતે બોલી કરી શકે છે! એનો અર્થ એ જ કે સારી રીતે બોલવું એ સારી રીતે વર્તવા કરતાં કંઈક વધુ અઘરું છે અને તેથી જ વધુ સુંદર ગણાય!’

લેખકે કેટલો ગજબનો કટાક્ષ કર્યો છે! ઘણાબધા સામાન્ય લોકો મિત્રાચારી વિશે ચતુરાઈભર્યા શબ્દો બોલતા નથી. મોટી મોટી વાત કરતા નથી – સાચા સારા મિત્ર તરીકે સ્વાભાવિકતાથી વર્તે છે, પણ એક એવો વર્ગ છે કે દોસ્તી વિશે મોટી મોટી વાતો કરશે, પણ તે ‘દોસ્ત’ હોવાનો દેખાવ કરીને બીજા માણસોનો લાભ ઉઠાવશે, પણ પેલા માણસની મુશ્કેલીમાં કશી જ મદદ કરવા આગળ નહીં આવે!
———————-

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment