અવગુણ અને અપરાધમાં આડાગાડાનો ભેદ છે…

ગુણવાન લોકોએ બીજાઓને કરેલા નુકસાનનો અલગ ઇતિહાસ હોય છે
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

જીવનસાથીનો અર્થ એ છે જે આપણા તમામ અવગુણને જાણે છે, પરંતુ એની ઉપેક્ષા કરીને પણ આપણને ચાહે છે

એવા અનેક લોકો જોવામાં આવ્યા છે કે જેમનામાં કોઈ ને કોઈ એક કે એકાધિક અવગુણ હોય છે, પરંતુ તેઓ કોઈનાય પ્રત્યે કદી અપરાધ કરતા નથી. એની સામે ગુણવાન લોકોએ બીજાઓને કરેલા નુકસાનનો અલગ ઇતિહાસ હોય છે અને એવું પણ નથી કે અવગુણીજન બીજાને ન નડે, પણ એ એની સ્વાભાવિકતા છે. સર્વગુણસંપન્ન તો કોઈ નથી. એટલે ગુણીજનની ખરી આદર્શ પરિભાષા એ છે કે જેમનામાં અવગુણ હોવા છતાં એ એને પોતાને એકલાને નડે એ રીતના છે. દુનિયામાં એવો તો કોઈ મનુષ્ય નથી કે જેનામાં અવગુણ ન હોય. એટલે કે કોઈ પ્રકારના અવગુણો હોવા એ તો મનુષ્ય તરીકેનું લક્ષણ છે. ધારો કે આપણે આરસની મૂર્તિ હોઈએ તો આપણામાં કોઈ અવગુણ ન હોય, પરંતુ આપણે મનુષ્ય છીએ અને મનુષ્યમાં ગુણ અને અવગુણ બંને એકસાથે વિદ્યમાન હોય છે. એટલે અવગુણ એક સર્વસામાન્ય માનવીય લાક્ષણિકતા છે.

પરંતુ પુરાણો અને શાસ્ત્રોએ આપણા સાવ સામાન્ય અવગુણ માટે પણ એટલા બધા ઘાતક શબ્દ પ્રયોગો કર્યા છે કે મનુષ્ય ક્યારેક એ બધું વાંચી-સાંભળીને ગભરાઈ જાય છે. ખરેખર તો માણસ પોતાના ગુણ અને અવગુણ બંનેના પ્રયોજનથી જીવનને પાર કરે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં તો એવો પણ ઉલ્લેખ છે કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે અથવા તો વિદ્યા દ્વારા જીવનને પાર કરવા માટે વિદ્યા અને અવિદ્યા બંનેનું પ્રયોજન જરૃરી છે. વિદ્યા-અવિદ્યાને પામી લીધા પછી જ અમૃતનો આસ્વાદ અને આહલાદ મળે છે એમ ઉપનિષદ કહે છે.

આપણા અવગુણ બીજાઓને પ્રસંગોપાત નડતા હોય છે, પરંતુ આપણને પોતાને તો પ્રતિક્ષણ એના કંટક વાગતા હોય છે. બીજાઓ જેને આપણી મર્યાદા માનતા હોય એને આપણે વિશેષતા માનીએ તો એવા અવગુણો ટકાઉ નીવડે છે. પૃથ્વી પર પ્રાચીન કાળે પહેલી વાર જ્યારે વિદ્યા પ્રવૃત્તિનો પ્રારંભ થયો હશે તે કંઈક શીખવા માટે અને ભૂલો ઘટાડવા માટે તથા અવગુણ દૂર કરવા માટે હશે. આજે પણ એ તો જોવા મળે જ છે કે વિદ્યા પ્રવૃત્તિમાંથી પસાર થયેલો મનુષ્ય કેટલાક અવગુણમાંથી તો મુક્ત થાય જ છે, પરંતુ આપણા પોતાના કેટલાંક અપલક્ષણ હાડમાં પ્રવેશી ગયા હોય છે અને એ માટે પૂર્વસૂરિઓ કહેતા આવ્યા છે કે એ તો લાકડાં સાથે જ જાય. એની સામે સંતો અને ગુરુજનોએ જુદો મોરચો માંડ્યો છે અને તેમણે કહ્યું કે વાલિયાનું જેમ વાલ્મીકિમાં રૃપાંતર થાય તેમ કોઈ પણ અવગુણનું પરમ સદ્ગુણમાં રૃપાંતર પણ થઈ શકે છે. એ માટે એમણે સત્સંગનો મહિમા કર્યો છે. સત્સંગ એકની એક વાત જુદી-જુદી રીતે મનુષ્યના હૃદયમાં ગુંજતી કરે છે. બહુ લાંબા સમય પછી સત્સંગ એનો રંગ બતાવે છે.

એકસાથે અનેક અવગુણોનું ચમત્કારિક રીતે સદ્ગુણ સંપુટમાં રૃપાંતરણ થવાનું પણ શક્ય છે. આપણી લોકકથાઓ અને ઇતિહાસમાં એના પારાવાર દ્રષ્ટાંતો છે. જેસલ જગનો ચોરટો… એને પળમાં કીધો પીર…. એક જ ક્ષણમાં સદેહે નવા અવતારની સંભાવના તરફ આ ઘટનાઓ આપણુ ધ્યાન દોરે છે. આપણે એને હૃદય પરિવર્તન પણ કહીએ છીએ. અવગુણ પારેવાં જેવા હોય છે. આપણે એને બહુ સંભાળપૂર્વક પાળી રાખ્યા હોય છે. આપણા અભિમાનની ગહન ગુફાઓમાં કંઈ કેટલાય અવગુણો ઉછરતા રહેતા હોય છે. આપણે સ્વભાવ દ્વારા અને વર્તન દ્વારા સતત એનું પરિપોષણ કરતા હોઈએ છીએ. કોઈ એકાદ અવગુણ બહુ ઘટાટોપ થઈને વિકસી જાય તો એ મનુષ્ય, સમાજમાં બદનામ થાય છે.

પરંતુ અવિકસિત અને નાના-નાના અનેક અવગુણો ધરાવનારી વ્યક્તિઓ આ સમાજમાં લાખો છે. જેઓ સર્વગુણસંપન્ન હોવાના મહોરા પહેરીને જુદી-જુદી જગ્યાએ ગોઠવાયા છે, એમણે પોતાના અવગુણોને અમુક હદથી વધારે ઊંચા થવા દીધા હોતા નથી. એકાદ અવગુણ પર પણ જો ધ્યાન આપવાનું ચુકાઈ જાય અને એ એટલો વિકરાળ થાય કે સમાજનું ધ્યાન જાય તો ત્યાંથી જીવન અંત તરફ ગતિ કરવા લાગે છે. સમાજનો અર્થ એ છે કે જે આપણા થોડા અવગુણ સહી લે છે. કુટુંબનો અર્થ એ છે જે આપણા મોટા ભાગના અવગુણોને પૂર્ણતઃ સહી લે છે અને જીવનસાથીનો અર્થ એ છે જે આપણા તમામ અવગુણને જાણે છે, પરંતુ એની ઉપેક્ષા કરીને પણ આપણને ચાહે છે. જેને આટલી ખબર હોય એમણે દરરોજ નિત્ય પોતાના અવગુણો ઓછા કરવા તરફ પ્રવૃત્ત રહેવું જોઈએ. એ એક જ ઉપાય છે કે તમને સહન કરનારા લોકો તરફ તમે સદ્ભાવ ધરાવો છો એની તેઓને ખાતરી થાય.

રિમાર્ક – ન ય વિત્તાસએ પરમ્… બીજાઓનો આત્મા હણાય એવું વર્તન ન કરો (પ્રાકૃત ઉક્તિ)
——————

દીલિપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment