- સ્મૃતિ – હેતલ રાવ
વડોદરાના શિલ્પકારોએ ગાંધીજીનું શિલ્પ બનાવીને એક અનોખો મેસેજ આપ્યો છે. માત્ર રાષ્ટ્રપિતા જ નહીં, પરંતુ તેમના શ્રમરૃપી ચરખાનું પણ સુંદર શિલ્પ તૈયાર કર્યું છે. સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલાં આ શિલ્પો મધ્યપ્રદેશના રજવાડી શહેર ગ્વાલિયરમાં મુકાશે. ગાંધીનિર્વાણ દિવસે આ શિલ્પોનું અનાવરણ કરવાનું આયોજન છે.
સારા આર્ટિસ્ટ માટે કોઈ પણ શિલ્પ બનાવવા તે સામાન્ય વાત છે એવી માન્યતા સૌ કોઈની હોય છે, પરંતુ સારા શિલ્પની સાથે સમાજને ઉપયોગી બની રહે તેવા મેસેજ આપવાની કલા કદાચ દરેક શિલ્પકારોમાં નથી અને જ્યારે આવા શિલ્પકારોની વાત કરવાની હોય તો તેમને બિરદાવવા રહ્યા. દેશભરમાં અનેક શિલ્પકારો હશે, જે જુદા-જુદા પ્રકારના શિલ્પ બનાવતા હશે અને તેનું વેચાણ કરતા હશે, પરંતુ આજે અહીં વાત કરવી છે એવા શિલ્પકારોની જેમણે ગાંધીજીની સુંદર પ્રતિમા તૈયાર કરી ઉમદા મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. મહાત્મા ગાંધીની સાથે અન્ય ૨૦ પ્રકારનાં શિલ્પો તૈયાર થઈ રહ્યાં છે. સ્માર્ટ-સિટી અંતર્ગત આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપિતાની ૧૫૦મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે, ત્યારે બાપુનું આ શિલ્પ ખરેખર લોકો માટે પ્રેરણાત્મક બની રહેશે.
વડોદરાના શિલ્પકારોએ લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્ક્રેપમાંથી શિલ્પ બનાવ્યાં હતાં. હવે ફરી એકવાર ૧૦ શિલ્પકારો સાથે મળીને ૨૦ શિલ્પો તૈયાર કરી રહ્યાં છે. ૧૫ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ શિલ્પો ગ્વાલિયરના બગીચા, સર્કલ અને ચાર રસ્તા પર મૂકવામાં આવશે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્માર્ટ-સિટીએ જુદી રીતે આ પ્રોજેક્ટ પસંદ કર્યો છે. તેમની પાસે જે વેસ્ટ છે તેને બદલી નાંખવા માટેનો આ પ્રયોગ છે. સૌથી મહત્ત્વની વાત છે, ગાંધીજીના શિલ્પની. કર્મા પ્રોજેક્ટના નામથી ગાંધીજીનું શિલ્પ તૈયાર કરવામાં આવ્યું છે. તમે સારા કર્મ કરો છો તો ગાંધી પણ બની શકો છો. એ વાત લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયત્ન છે. જેની વિશેષતા જુદી જ તરી આવે છે. ગાંધીજીનું શિલ્પ બનાવવા માટે પાછળના ભાગમાં પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છેે કે તમે જે પણ કર્મ કરો તે પ્રમાણે તમને ફળ મળે છે. સારા કર્મ કરવાથી સારું ફળ મળે અને ખોટા કર્મ તમને નુકસાન પહોંચાડે છે. ગાંધીજીના શિલ્પની પાછળ જે પાઇપ લગાવવામાં આવ્યા છે તે કર્મના પ્રતીક છે જે દરેક મનુષ્યની પાછળ રહેલા છે. આ શિલ્પ દ્વારા બીજી એક વાત પણ સમજાવવામાં આવી છે કે ગાંધીજી સારા કર્મનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમે તેમના જેવા સારા કામ કરશો તો તમારું કર્મ પણ સારું રહેશે અને ફળ પણ સારા મળશે. જ્યારે શિલ્પના આગળના ભાગમાં કર્મોથી સર્જાતી તેમની મહાનતા જોવા મળે છે. આ શિલ્પની સાથે તેના કન્સૅપ્ટ વિશે એક થિયરી લખવામાં આવશે, જે ગાંધીજીનાં શિલ્પ પાછળનો મુખ્ય હેતુ અને તેમના જીવનને સમજાવવાનો પ્રયાસ કરશે. ૧૫ ફૂટ ઊંચું અને ૧૦ ફૂટ પહોળું આ શિલ્પનુંં વજન ૨,૫૦૦ કિલો છે, જેમાં ૧૨૦૦ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ૯૮ લાખ જેટલો છે.
હવે વાત કરીએ ગાંધીજીના પ્રિય ચરખાની. સ્વાવલંબનના પ્રતીક ગણાતાં ચરખાના શિલ્પની લંબાઈ ૧૮ ફૂટ અને ઘેરાવો ૧૦ ફૂટનો છે. લોકોને યુનિટીમાં બાંધવા માટે અને સ્વદેશી મૂવમેન્ટ ચલાવવા માટે ગાંધીજીએ ચરખાનો ઉપયોગ કર્યો હતો. ચરખાના ચક્રનું વજન ઓછું રાખવામાં આવ્યું છે જેથી તે સહેલાઈથી ફરી શકે. સાથે જ ચરખામાં ચેઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એકબીજા સાથે જોડાયેલી છે. ચરખામાં લગાવવામાં આવેલી ચેઇન આપણને સાથે રહેવાનું શીખવે છે. આજે આપણે આઝાદ દેશમાં જીવી રહ્યા છીએ. વૈચારિક સ્વતંત્ર્યતા અને વાણી સ્વાતંત્ર્ય ધરાવીએ છીએ અને દરેક નિર્ણય પણ લઈ શકીએ છીએ. તેની માટે દરેક વ્યક્તિ ગાંધીજીના ઋણી છે. આ ફ્રીડમના સ્વરૃપને દર્શાવવા માટે પંખી મૂકવામાં આવશે.
આ વિશે ‘અભિયાન’ સાથે વાત કરતા પ્રોજેક્ટના ક્યૂરેટર સચિન કાલુસ્કરે કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે ગ્વાલિયર શહેરને પસંદ કરવામાં આવ્યંુ છે. ગાંધીજીનું શિલ્પ તૈયાર કરવું તે અમારા માટે ગર્વની વાત છે. માત્ર શિલ્પ તૈયાર કરીને મૂકવાની જગ્યાએ એવી ડિઝાઇન તૈયાર કરી જે દરેક વ્યક્તિને જીવન ઘડવાનો મેસેજ આપે. ગાંધીજીની એવી વાત જે બધા જ માટે મહત્ત્વની છે. ગાંધીજીની પ્રતિમા, ચરખો ઉપરાંત, ગ્વાલિયરની નષ્ટપ્રાય થતી
મૃણશિલ્પની કલા અને આ જ વિસ્તારમાં જોવા મળતી સોનચિડિયાના નામે જાણીતી ચકલીનાં શિલ્પ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં માત્ર ૧૫૦ સોનચિડિયા છે અને તે પણ લુપ્ત થવાના આરે છે. ગ્વાલિયરમાં આ સોનચિડિયાનું ધ્યાન રાખવા માટે એક અભયારણ્ય બનાવવામાં આવ્યંુ છે. ૧૨ ફૂટની સોનચિડિયા બનાવવામાં આવી છે અને તેની સાથે ૧૫૦ નાનાં-નાનાં પક્ષીઓ બનાવાયા છે જે તેની સાથે રાખવામાં આવશે. મહાત્મા ગાંધી અને ચરખાની સાથે સરોદની કૃતિઓ પણ તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સ્ત્રીઓની સ્વતંત્રતા દર્શાવતા શિલ્પો અને દુષ્કર્મ સામે જાગૃતિનાં શિલ્પો પણ મૂકવામાં આવશે.’
આ તમામ શિલ્પો વિઝ્યુલ આર્ટિસ્ટ જિતેન્દ્ર સોલંકીના નેજા હેઠળ સ્ક્રેપમાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. આ વિશે ‘અભિયાન’ સાથે વાત કરતા તેઓ કહે છે, ‘સામાન્ય રીતે સ્ક્રેપમાં કામ કરવુ ઘણુ ડિફિકલ્ટ હોય છે. તેમાં પણ જ્યારે ગાંધીજીની વાત કરીએ તો તે ઘણો ઇમોશનલ સબજેક્ટ છે. કર્મા વિષય પર અમે કામ કર્યું છે. વેસ્ટમાંથી ડેવલોપ થવંુ તે વાત પણ અહીં બતાવવામાં આવી છે, કારણ કે સ્ક્રેપમાંથી તૈયાર કરવામાં આવેલા શિલ્પ એ સમાજ માટે સારું ઉદાહરણ બની રહેશે. આ તમામ શિલ્પોને ડિકો ઑટોમોબાઇલ કલર કરવામાં આવશે. લાંબા સમય સુધી ગરમી અને વરસાદની અસર ન થાય તે માટે આ કલરનો ઉપયોગ થશે. ઉપરાંત શિલ્પોના ફરતે એલઇડી લાઇટ્સ પણ ફિટ કરવામાં આવશે.’
ગ્વાલિયર શહેરના ગાંધી પાર્કમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવશે. જ્યારે ત્યાંના ચાર રસ્તા પર ચરખાનું શિલ્પ મૂકાશે. જ્યારે અન્ય શિલ્પ શહેરના ડીબી મૉડેલ ત્રણ રસ્તા, આકાશવાણી ચાર રસ્તા, ગોલે મંદિર, જીવાજી યુનિવર્સિટી, ફૂલબાગ ચાર રસ્તા અને ઇન્દ્રગંજ વિસ્તારમાં મૂકવામાં આવશે.
મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે શિલ્પકારોની વિશેષ ભાવના જોડાયેલી છે. પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવ્યું છે છતાં પણ સમાજ માટે ઉપયોગી બની રહે તેવો સંદેશ આપતાં શિલ્પ તૈયાર કરવાની લાગણી અને ખાસ રાષ્ટ્રપિતાની જન્મ જયંતી સમયે તેમને યાદ કરવાની આ એક અકલ્પ્ય અનુભૂતિ હશે. ગાંધીજીના કાર્યને કર્મ સ્વરૃપે સમજાવતી પ્રતિમા રાષ્ટ્ર માટે ગરિમાપૂર્ણ હશે.
——.
આજની જનરેશન માટે શ્રવણકુમાર
સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ બની રહ્યાં છે. તો બીજી બાજુ વૃદ્ધાશ્રમની સંખ્યા પણ વધી રહી છે. આ એવી સમસ્યા છે જેના નિવારણ માટે મક્કમતાથી વિચારવાની જરૃર છે. માટે જ ગ્વાલિયર શહેરમાં શ્રવણકુમારનું શિલ્પ પણ મૂકવામાં આવશે. આજની પેઢી શ્રવણ વિશે જાણતી જ નથી. દાદા-દાદી સાથે રહેતા ન હોવાના કારણે બાળકોને એવી કોઈ વાર્તા પણ સાંભળવા મળતી નથી. માતા-પિતાને સંતાનોને સમજાવવાનો સમય જ નથી કે શ્રવણ કોણ હતા. માટે ખાસ આજની પેઢીને તેમના વિશે સમજ પડે, યુવાનો પરિવારની કદર કરે, વડીલોને માન આપે સાથે જ આ પ્રયત્નથી આજના યુગમાં પણ શ્રવણ જેવાં સંતાનો થાય તેવા વિચાર સાથે શ્રવણકુમારનું શિલ્પ ગ્વાલિયરમાં મુકાશે અને તેની સંપૂર્ણ માહિતી આપતી થિયરી પણ લખવામાં આવશે.
———————