ગાંધી વસે ગુજરાતીના ઘર ઘરમાં

સરકીટ હાઉસમાં ગાંધીજીની સામે 'રાજદ્રોહ'નો મુકદ્દમો ૧૮મી માર્ચ, ૧૯૨૨ના રોજ ચાલ્યો હતો
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

હમણા રાજકોટના સાહિત્યોત્સવમાં, ‘ગાંધી-રાસ’ પણ નિહાળવા મળ્યો. ગાંધી અને રાસ? દુલા ભાયા કાગના કવિત પર આ રાસ હતો. આમ તો ‘મોહન’ નામ છે એટલે રાસ થઈ શકે, પણ ગાંધીની જીવનદૃષ્ટિ-આપણને ન સમજાય એવી-હતી. ફિલમ-નાટકચેટક તેમને પસંદ નહોતા. બચપણમાં એકવાર હરિશ્ચંદ્ર નાટક જોયું હતું. ‘રામ રાજ્ય’ ફિલ્મ જોવા નિર્માતાએ માંડ તેમને સમજાવ્યા હતા. ગોળમેજી પરિષદમાં લંડન ગયા તો ‘ચાર્લી ચેપ્લિન’ કોણ છે એવો સવાલ સાહસપૂર્વક ગાંધી જ પૂછી શક્યા. કલાના તે શત્રુ નહોતા, પણ તેમના ‘હિન્દ સ્વરાજ’ લક્ષમાં એમનો માર્ગ અલગ હતો. દાંડીકૂચમાં કરાડી સ્થાને તરુણ કૃષ્ણલાલ શ્રીધરાણીએ ‘સપૂત’ કાવ્ય ગાંધીજીને ઉત્સાહપૂર્વક આપ્યું તો તેમણે કહ્યું ઃ આટલો સમય વ્યય કરવાને બદલે કાંતણકામમાં ગાળ્યો હોત તો?

જાન્યુઆરીની ત્રીસમી તો તેમના દેહાવસાન સાથે જોડાયેલી છે. ગાંધી અને ગોડસે અને સાવરકરને એ દિવસે જુદી-જુદી રીતે દેશ યાદ ન કરે તો જ નવાઈ. આજે ગાંધી-સ્થાન-વિશેષની વાતો કરીશું; જે ગુજરાતમાં છે. પોરબંંદરની આસપાસનો મુલક કેવાં-કેટલાં પાત્રોની કહાણીથી સભર છે? અહીં કૃષ્ણમિત્ર સુદામા, ત્યાં દ્વારિકામાં રાજવી કૃષ્ણ, વેરાવળમાં આક્રમણો સામે અણનમ ભવ્ય સોમનાથ અને ભાલકામાં કૃષ્ણવિદાય, જૂનાગઢમાં ‘ગિરી તળેટી ને કુંડ દામોદર’નો સંગાથી ભક્તકવિ નરસિંહ મહેતા, એવી જ ભક્તિની ગંગા મીરાબાઈ દ્વારકામાં, પોરબંદરની નજીક સૂતેલો સાવજ મૂળુ માણેક, ગીરનાં જંગલોમાં વનરાજ અને કનડાના ડુંગરે વીંધાયેલા મહિયા રાજપૂતો, ગિરનારની ભગિની, તેજસ્વિની રાણકદેવી અને…

અહીં, મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મભૂમિ, પોરબંદર. ૧૮૬૯ની બીજી ઑક્ટોબરે રાજ્યના દીવાન કરમચંદ ગાંધીને ત્યાં, પૂતળીબાઈની કૂખે મોહનદાસ જન્મ્યા. પૂતળીબાઈ ચોથા પત્ની હતાં. કબા ગાંધી (કરમચંદ ગાંધી) ૪૮મા વર્ષે પૂતળીબાઈને પરણ્યા તેનાથી ચાર સંતાન થયાં, રળિયાત, લક્ષ્મીદાસ, કરસનદાસ અને ચોથા મોહનદાસ.

ગાંધી જ્યાં જન્મ્યા તે મકાન વડદાદા હરજીવન ગાંધીએ ખરીદેલું. દાદા ઉત્તમચંદ (ઓતા ગાંધી)ને બે પત્નીથી છ સંતાનો થયાં હતાં. તેમાંના પાંચમા પુત્ર કરમચંદ ગાંધી એ ગાંધીજીના પિતા. નીચલા માળે તે રહેતા, તેની એક ઓરડીમાં બાળ-મોહનનો જન્મ થયો હતો.

આજે તો આ કીર્તિમંદિર નામે સ્મારકમાં પલટાયેલી ઇમારત છે. ગાંધીજીને પ્રિય રચનાત્મક પ્રવૃત્તિ ત્યાં ચાલે છે અને રોજેરોજ પ્રવાસીઓ અહીં દર્શનાર્થે આવે છે.

અને જ્યાંથી દાંડીની ઐતિહાસિક યાત્રા શરૃ થઈ તે સલામ શહેરે અમદાવાદમાં સાબરમતીના કિનારે આશ્રમથી આરંભાઈ હતી, તેનું મૂળ નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ હતું. પહેલા કોચરબ  (૨૫ મે, ૧૯૧૫) પછી આ સ્થાન પસંદ કરાયું. તે દિવસ ૧ જુલાઈ, ૧૯૧૭નો હતો ઃ આ આશ્રમે ઇતિહાસના અનેક ઉતાર-ચઢાવ નિહાળ્યા, તેના કેન્દ્રમાં ગાંધીજી હતા, પછી તેનું વિસર્જન કરાયું, પણ હજુ આશ્રમ છે અને ગાંધી-વંશમાં તુષાર ગાંધીએ વિરોધ કર્યો કે તેને વધુ સુઘડ, સજ્જ અને સગવડભર્યું બનાવવું જોઈએ નહીં. એવું જ સ્થાન છે દાંડી. હમણા મિત્ર આસિફ બારડોલીવાલા સાથે ત્યાં ગયો, સાવ અનાયાસે થઈ આ દાંડીદર્શના. રાષ્ટ્ર આખું જ્યારે હતાશ અને વિમૂઢ દશામાં નાસીપાસ થઈને બેઠું હતું ત્યારે ગાંધીજીએ ૧૯૩૦માં અહીં ચપટી મીઠાને પ્રતીક બનાવ્યું અને ત્યાં લાહોરમાં સરદાર ભગતસિંહ-રાજગુરુ-સુખદેવે ‘રંગ દે બસંતી ચોલા’ની અગ્નિકથાથી.

આ દાંડી ઐતિહાસિક ઘટના તો હતી જ, પ્રજાસમૂહની માનસિકતાનો રસપ્રદ અધ્યાય પણ બની ગઈ; દાંડી જઈને મીઠું પકવવાથી કઈ સ્વતંત્રતા આવશે? સવાલ ઘણા મોટા ગજાના નેતાઓએ કર્યો પણ ખરો.

પણ તેમ થયું. લોકોની પીડા અને પુણ્યપ્રકોપ નિમિત્ત બન્યું – દાંડી અને ચપટી મીઠું! કાનૂનભંગ કરીને મીઠું પકવી લીધા પછી છેક મોડેથી ગાંધીની ધરપકડ થઈ ત્યાં સુધીમાં તો દેશભરમાં અવાજ ગૂંજતો થઈ ગયો – નમક કા કાયદા તોડ દિયા!

દાંડી જતા પહેલાં કરાડી આવે છે. અમે પહેલીવાર ગયા ત્યારે રાઉતજી ગાંધીસ્મૃતિ સ્મારકને સંભાળતા હતા, આશાવાદી અને નિખાલસ મનુષ્ય. ઉત્તર પ્રદેશના રાઉતજી ‘ગાંધીના ગુજરાતી’ થઈ ગયા હતા. દોઢ દિવસ અમે ત્યાં રોકાયા, ‘અભિનવ ભારત’ના ઉપક્રમે લાલજીભાઈ વેકરિયા યુવાનોના સમૂહને ખેંચી લાવ્યા હતા. તેમની સાથે આજ અને આવતીકાલની ચર્ચા અને ચિંતન થયાં. સ્થળકાળ ભૂલીને સંધાન રચાયું. એના સિવાય બીજો વિકલ્પ પણ ક્યાંં?

બીજીવાર ગયા ત્યારે નિરાશા જન્મી. કોઈ ખાસ સંભાળ નહીં, સ્મારકનું મહત્ત્વ નહીં. જ્યાં ગાંધી એક નાનકડી ઝૂંપડી બાંધીને બેઠા હતા અને વાઇસરૉયને પેલો વિસ્ફોટક પત્ર લખ્યો, જેમાં ધારાસણાની ધાડનો ય સંકેત હતો.

આજે આ સ્મૃતિ વિખરાતી ચાલી છે. એક ભાઈએ દાવો કર્યો કે પોતે બધું સંભાળે છે, બીજું કોઈ આવતું નથી. બોલકો અસંતોષ તેની જીભ પર હતો.

કરાડીથી દાંડી. હવે તે ભવ્ય, આકર્ષક સ્મારકમાં બદલાયું છે.

અહીં એપ્રિલ, ૧૯૩૦ના રોજ મીઠું પકવીને, ગાંધીજીએ બ્રિટિશ સરકારને પડકારી હતી. સ્મારકનું લખાણ વાંચતા ૧૯૩૦નો પ્રચંડ ઇતિહાસ આંખ સામે દેખાયો. દાંડી કંઈ મોટું ગામ નથી. માંડ દોઢ-બે હજારની વસતી હશે. પ્રયોગશીલ ખેડૂત સોમભાઈ મળ્યા. સરકાર અહીં સહેલાણી માટે રિસોર્ટ કરવા માગે છે, એ તેમની પાસે સાંભળેલું. તે પછી ૧૭ વર્ષે પાછા અમે ગયા ત્યારે એ વાત પણ રહી નહોતી. સ્મારકની નજીક જ છે – સૈફી મંઝિલ. અહીં પ્રદર્શની છે.

ગાંધી પકડાયા હતા ૪ મેની મધરાતે. આપણા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી દાંડીકૂચમાં તરુણવયે સૈનિક તરીકે ગયેલા – તેમણે ધરપકડ વિષે લખ્યુંં ઃ અમારા આખા રાષ્ટ્રના પ્રાણને હમણા જ વળાવીને લખવા બેઠો છું. અત્યારે દોઢ વાગ્યો છે. મધરાત છે, પણ જાણે ધોળો દિવસ ઊગી નીકળ્યો હોય એવો ભાસ થાય છે.

દાંડીકૂચના દિવસોમાં દેશભરમાં નવો પ્રાણ ફૂંકાયો. હજારો લોકો પોતાના પ્રિય નેતાઓની સાથે જેલોમાં ગયા.

દાંડીના સમુદ્રે આ કથા જાળવી રાખી છે. અને અમદાવાદમાં?

અમદાવાદમાં શાહીબાગ તરફ જાઓ અને આંતર્-પુલ પાર કરીને લીલાંછમ વૃક્ષોથી શોભતાં જૂનાં બંગલાઓ પછી તુરત ખૂણા પર રાજ્ય સરકારનું અતિથિગૃહ આવે; તેની સામે જ, ભૂતકાલીન રાજ્યપાલ-નિવાસ હવે સરદાર પટેલ સ્મારક ભવનમાં ફેરવાયું છે, તે નજરે પડે. આ સરકીટ હાઉસમાં ગાંધીજીની સામે ‘રાજદ્રોહ’નો મુકદ્દમો ૧૮મી માર્ચ, ૧૯૨૨ના રોજ ચાલ્યો હતો તે ખંડ હજુ યથાવત્ છે અને ખ્યાત ચિત્રકાર રવિશંકર મ. રાવળની સિદ્ધહસ્ત પીંછીથી તે મુકદ્દમાનું મોટું ચિત્ર પણ દોરાયેલું છે. ગાંધીજી પરનો મુકદ્દમો જ્વલંત પત્રકાર સામેનો ય હતો! કેમ કે ‘યંગ ઇન્ડિયા’માં તેમણે ચાર લેખ લખ્યા તે આ મુકદ્દમાનું નિમિત્ત! આઈપીસી કલમ ૧૨૪-છ, પછી એક લેખ અને એક આરોપ – શહેનશાહ વિરોધી અંગત અપ્રીતિ ફેલાવવાનો – પાછો ખેંચી લેવાયો.

મુકદ્દમામાં ન્યાયાધીશ મિ. બ્રૂમફીલ્ડ હતા. એટોર્ની જનરલ જે.ટી. સ્ટ્રીંગમેન. સરકારી વકીલ શ્રી ઠાકોરે લેખો વાંચી સંભળાવ્યા. બ્રૂમફીલ્ડે પૂછ્યું ઃ તમે તહોમત કબૂલ કરો છો? કે મુકદ્દમો ચલાવવા માંગો છો?

ગાંધીજીએ પોતાનું લેખિત નિવેદન વાંચવા મંજૂરી માગી તે મળી. તેમણે જણાવ્યું ઃ અહિંસા મારો પહેલો ને છેલ્લો ધર્મમંત્ર છે. પછી પોતાના ૧૮૯૩થી શરૃ થયેલા જાહેર જીવનની વાત કરી. બોઅર અને ઝુલુઃ એવાં બે યુદ્ધોમાં બ્રિટિશરોને મદદ કરી હતી કે જણાવ્યું. પછી રૉલેટ એક્ટ, જલિયાંવાલા હત્યાકાંડ વગેરેની વાત કરી અને કહ્યું ઃ ‘બ્રિટિશ હકૂમતે રાજદ્વારી તેમજ આર્થિક બંને દૃષ્ટિએ હિન્દને તે અગાઉ કદી નહોતું એટલું લાચાર કરી મૂક્યું છે. ખુદ કાયદો પણ આ દેશમાં હિન્દને ચૂસી લેનાર પરદેશીઓની સેવાને અર્થે વપરાય છે. હિન્દમાંના રાજદ્વારી મુકદ્દમાઓમાં સજા પામેલા ભારતીયોમાં દરેક દસમાંથી નવ નિર્દોષ હતા. ૧૨૪-અ કલમ હિન્દી નાગરિકોની સ્વતંત્રતા કચડી નાખવા સારુ ઘડાયેલી રાજદ્વારી કલમોમાં સૌથી સર્વોપરી છે. જે સરકારે અગાઉના બીજા કોઈ રાજતંત્ર કરતાં સરવાળે હિન્દુસ્તાનનું અહિત જ વધારે કર્યું છે. તેની સામે અપ્રીતિ થવી એને તો હું સદ્ગુણ સમજું છું.’

ગાંધીજીએ જજને પણ ‘જો કાયદો દુષ્ટ લાગે ને હું નિર્દોષ લાગું’ તો રાજીનામું આપી દેવાની ભલામણ પણ કરી! ગાંધીજી પછી બીજા આરોપી શંકરલાલ બેન્કરે કહ્યું કે ગાંધીજીનાં લખાણ છાપવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. ન્યાયાધીશે આ જ કલમ હેઠળ બાળ ગંગાધર ટિળકને સજા થયેલી તેમની હારમાં બેસાડીને છ વર્ષની સાદી કેદની સજા કરી. બેન્કરને છ-છ મહિનાની સાદી કેદ થઈ. કોર્ટમાં સરોજિની નાયડુ પણ હાજર હતા. નવ દિવસની કાચી જેલ પછી ખટલો ચાલ્યો હતો તે સજા બાદ છ વર્ષની કેદ શરૃ થઈ. સ્થાન સાબરમતી, પછી યરવડા. કેદની મુદત પુરી થાય તે પહેલાં બે વર્ષમાં જ તેમને મુક્ત કરાયા હતા.

સાબરમતી જેલ આમ તો માફિયા, બુટલેગર અને હત્યારાઓ માટે જાણીતી ગણાય, પણ આ જ જેલમાં ‘ગાંધી ખોલી’ ‘સરદાર ખોલી’ ‘ટિળક ખોલી’ પણ છે. ગાંધીજીને અહીં રાખવામાં આવેલા, ભગતસિંહના સાથી વૈશંપાયન પણ આ જેલમાં કેદી હતા. અહીં તોતિંગ સળિયાના બનેલા દરવાજાની ભીતરની એ વાત તાજી થઈ કે ૧૯૭૫-૭૬ની કટોકટી દરમિયાન ભલે મારે ‘મીસા’ હેઠળ જેલવાસ તો ભાવનગરમાં હતો, પણ ડીઆઈઆરના કેસો માટે અમદાવાદ આવવાનું થતું ત્યારે આ જેલમાં બીજા મીસાવાસીઓ મળી જતા અને ટિળક-ગાંધીનો સ્પિરિટ અમને અનુભવાતો.

આવાં કેટલાં બધાં સ્થાનો ગાંધીસ્મૃતિ બની ગયાં છે. રાજકોટનું સ્મારક પણ એવું જ અદ્ભુત છે.
—————————-

ગાંધી સ્મૃતિપૂર્વાપરવિષ્ણુ પંડ્યા
Comments (0)
Add Comment