કોરોના વાઇરસની ગુજરાત પર આર્થિક અસર

ચીનના કોરોના વાઇરસથી સુરતના વેપાર-ઉદ્યોગ પણ પ્રભાવિત થયા છે
  • કવર સ્ટોરી – નરેશ મકવાણા

ચીનના વુહાન અને હુબેઈથી ધીરેધીરે દુનિયાના અન્ય દેશોમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસે ભારત સહિતના પડોશી દેશોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને વિશ્વપ્રવાસી અને વેપારી એવા ગુજરાતીઓમાં કોરોનાએ ભય પેદા કર્યો છે. એક અંદાજ મુજબ ભારતના ૮૦ ટકા વેપારીઓ ચીન સાથે વ્યાપાર વ્યવહાર ધરાવે છે જેમાં ગુજરાતીઓની સંખ્યા મોટી છે, ત્યારે હાલ તો કોરોના વાઇરસને કારણે બંને દેશોના વ્યાપારને મોટી અસર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલમાં જ કોરોના વાઇરસથી ભયભીત ભારતના ૫૦૦ જેટલા વેપારીઓએ શાંઘાઈમાં યોજાનારા ટ્રેડફેરમાં હાજરી આપવાનું ટાળ્યાના સમાચાર આવ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને જિલ્લા આરોગ્ય તંત્રે ચીનનો પ્રવાસ ટાળવા કહ્યું છે. ફાર્મા સહિતના અન્ય સેક્ટરના વેપારીઓએ પણ હાલ પૂરતું ચીન જવાનું મોકૂફ રાખ્યું છે.

ચીનના કોરોના વાઇરસથી સુરતના વેપાર-ઉદ્યોગ પણ પ્રભાવિત થયા છે. ભવિષ્યમાં જો ચીનમાં કોરોના કટોકટી વધુ ગંભીર બનશે તો સુરતના વેપાર-ઉદ્યોગને માટે મુશ્કેલ સ્થિતિ સર્જાશે. સુરતનો સિલ્ક, પોલિસ્ટર કાપડ ઉદ્યોગ ઘણી બધી બાબતોમાં ચીન પર નિર્ભર છે. પોલિસ્ટર યાર્ન, નાયલોન યાર્ન, સિલ્ક કાપડ, નેટ ફેબ્રિક્સ અને તૈયાર કપડાંમાં વેલ્યુ એડિશન માટે જરૃરી રૉ-મટીરિયલ ચીનથી આવે છે. કોરોના વાઇરસના સંકટને કારણે ચીનમાં અનેક વસ્તુઓના ઉત્પાદનને અસર થઈ છે. સુરતના સાડી અને ડ્રેસ મટીરિયલના વેલ્યુ એડિશનમાં રૉ-મટીરિયલ્સની આયાત અવરોધાવાથી સુરતના વેપારીઓ ચિંતિત બન્યા છે. આયાતના અભાવે કેટલીક ચીજોના ભાવ વધે એવી પણ શક્યતા છે. ચીનથી આયાત થતો માલ સસ્તો હોય છે. જ્યારે ભારતમાં તેમાંની ઘણી ચીજોની પડતર મોંઘી હોય છે. વર્તમાન સંકટને કારણે સુરતના અનેક વેપારીઓએ ચીનનો પ્રવાસ રદ કર્યો છે. લૂમ્સ અને એમ્બ્રોઇડરીની મશીનરી પણ સુરતના વેપારીઓ ચીનથી મગાવે છે. એ જ રીતે હીરાના કારોબારીઓની પણ ચીનમાં અવર-જવર થતી રહે છે.

ગુજરાતમાં ચીનની અનેક કંપનીઓ કાર્યરત છે તેના પર આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. અમદાવાદ ઍરપોર્ટ પર ચીનથી આવતાં પ્રવાસીઓનું ચેકિંગ કરવા સૂચના અપાઈ છે. હાલ ઉચ્ચ શિક્ષણ માટે ચીની યુનિવર્સિટીઓમાં ભણતાં વિદ્યાર્થીઓમાં ગુજરાતીઓની સંખ્યા પણ ઓછી નથી. ત્યારે ચીની યુનિવર્સિટીઓમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓને પરત બોલાવી લેવા કેન્દ્ર સરકારે ચીની તંત્રને વિનંતી કરી હતી. જો વાઇરસનો વ્યાપ વધશે તો આગામી દિવસોમાં વેપાર ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર પર પણ નકારાત્મક અસર પડશે. હમણા મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને રાજસ્થાનમાં વાઇરસના ચાર સંદિગ્ધ કેસો મળી આવ્યા છે. આ ઘટનાને કારણે ગુજરાતનું આરોગ્ય તંત્ર સાબદું થયું છે અને કોરોના સામે લડવા જરૃરી તમામ તૈયારીઓ કરી લીધી છે. ગાંધીનગર સ્થિત જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. પ્રકાશ વાઘેલા કહે છે, ‘કોરોના વાઇરસના ચીનમાં ફેલાયાના સમાચાર મળતાં જ રાજ્ય આરોગ્ય વિભાગે તુરંત પગલાં લેવા શરૃ કરી દીધા હતા. આરોગ્ય વિભાગ વતી અમે જાન્યુઆરી ૨૨, ૨૦૨૦ના રોજ તમામ મેડિકલ કૉલેજોના ડીન, તમામ સિવિલ હૉસ્પિટલોના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ, તમામ જનરલ હૉસ્પિટલોના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીઓ અને મહાનગરપાલિકાઓના આરોગ્ય અધિકારીઓને કોરોના વાઇરસ અન્વયે તકેદારીનાં પગલાં લેવા પરિપત્ર જારી કર્યો હતો. જેમાં ઓપીડીમાં એઆરઆઈ-આઈએલઆઈના કેસોનું સર્વેલન્સ સઘન કરવા કહેવાયું છે.

આ સિવાય હૉસ્પિટલમાં આવતાં શંકાસ્પદ કેસોની છેલ્લા ૧૪ દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી જો ચીનની મુલાકાત લીધાનું જણાય તો તાત્કાલિક માર્ગદર્શિકા મુજબ પગલાં લઈ જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવા સૂચના છે. ઉચ્ચ અધિકારીઓએ પોતાના તાબા હેઠળના તબીબી અધિકારીઓ, ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ, માઇક્રોબાયોલોજિસ્ટ, લેબ ટૅક્નિશિયન સહિત સ્ટાફને કોરોના વાઇરસ, તેનાં લક્ષણો અને સારવાર વિશે માહિતગાર કરવા પણ આદેશ કરાયો છે. હજુ સુધી તો ગુજરાતમાં કોરોનાનો એકેય કેસ સામે આવ્યો નથી, પણ જો એવું કશુંક મળી આવે છે તો પણ આરોગ્ય વિભાગ તેના માટે સજ્જ છે. અમદાવાદની સિવિલ, એલજી, શારદાબહેન અને વીએસ સહિતની સરકારી હૉસ્પિટલોના ડૉક્ટરો અને સ્ટાફને કોરોનાના દર્દીની કેવી રીતે સારવાર કરવી તેની તાલીમ અપાઈ છે. આ સિવાય ખુદ ડૉક્ટરોએ કેવી સાવચેતી રાખવી તે પણ જણાવ્યું છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ઉપરાંત દરેક જિલ્લાની મુખ્ય સિવિલ હૉસ્પિટલોમાં કોરોના માટે આઇસોલેશન વૉર્ડ તૈયાર કરી દેવાયા છે. જ્યાં શંકાસ્પદ કેસ જણાય તો તરત તેની સારવાર આપી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે.’

ગુજરાત ભલે અત્યાર સુધી કોરોનાની અસરથી દૂર રહ્યું હોય, પણ ચીનની હુબેઈ સહિતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે ગયેલા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોરોનાને કારણે ફસાયા છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓને વતન પરત લાવવા વિદેશ મંત્રાલયને વિનંતી કરી હતી. દરમિયાન એકલા વડોદરા શહેરના જ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની સૌથી વધુ અસર ધરાવતાં વુહાન શહેરમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કૉલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પૂર્વ અધ્યક્ષ પીયૂષભાઈ પંડ્યા કોરોના વાઇરસની આવી જ કેટલીક સ્થિતિ, તેની ઉત્પત્તિ અને લક્ષણો અંગે વિસ્તૃત છણાવટ કરતાં કહે છે, ‘દરેક વાઇરસનું પોતાનું એક પ્રાથમિક કક્ષાનું બંધારણ હોય છે. છતાં દરેકના ઘડતરના જે તફાવતો હોય તે તો રહેવાના જ. એટલે કોરોના બહુ વિશિષ્ટ વાઇરસ છે અને પહેલાં આવું કશું જોવા જ મળ્યું નથી એમ કહેવું યોગ્ય નથી. વાઇરસના હજારો પ્રકારો છે તે પૈકીનો જ કોરોના છે. શક્ય છે અગાઉ તે માણસના સંપર્કમાં પણ આવ્યો હોય, પરંતુ તેની અસરથી અજાણ લોકોએ તેને ગંભીરતાથી ન લીધો હોય. હવે જ્યારે તેની અસર વ્યાપક બની છે ત્યારે તેના પર સંશોધન શરૃ થઈ ચૂક્યું છે. સજીવોના સૌથી મૂળભૂત બંધારણોમાં કોષ કેન્દ્રીય એસિડ મુખ્ય છે. દરેક સજીવમાં ડીએનએ અને આરએનએ એમ બે પ્રકારના કોષ કેન્દ્રીય એસિડ હોવા અનિવાર્ય છે. વાઇરસ સજીવ સૃષ્ટિના એકમાત્ર એવા સભ્યો છે જે કદી એકસાથે નથી હોતા, કાં તો ડીએનએ હોય અથવા આરએનએ. બંને એકસાથે હોય એવો એક પણ વાઇરસ આપણે જાણતા નથી. આ તેની મોટી વિશેષતા છે. વાઇરસની બીજી આગવી વિશેષતા એ છે કે તેને જીવતા રહેવા માટે કોઈ સજીવ યજમાન જોઈએ. પછી તે પ્રાણી હોય, વનસ્પતિ હોય કે બેક્ટેરિયા. તેમની ગેરહાજરીમાં તે એક રાસાયણિક અણુની જેમ વર્તે અને કોઈ પણ પ્રકારની જૈવિક ક્રિયાઓ કરી શકતાં નથી. એ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેને સજીવ યજમાનના શરીરમાં આશરો મળે છે. ટૂંકમાં, વાઇરસ સંપૂર્ણપણે પરોપજીવી હોય છે અને તેના સ્વતંત્ર અસ્તિત્વ જેવું કશું હોતું નથી. એટલે જ વૈજ્ઞાનિકો વાઇરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે. સજીવોના શરીરમાં વાઇરસનું રહેવું કોઈ નવી વાત નથી. લાખો વર્ષોથી તે ચાલ્યું આવે છે.

માણસના ખુદના શરીરમાં પણ હજારો પ્રકારના બેક્ટેરિયા હોય છે જે તમામ વિશે આપણે જાણતા પણ નથી. દરેક સજીવને જીવતા રહેવા માટે અમુક જૈવરાસાયણિક ક્રિયાઓ કરવી પડતી હોય છે. એ માટે ચોક્કસ કાર્યપદ્ધતિ અને સાધનો પણ હોય. જો વાઇરસ શરીરમાં દાખલ થાય અને વધારે પડતો વૃદ્ધિ પામે તો શરીરનો કબજો લઈ લે છે. અગાઉ જણાવ્યું તેમ તેને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્યોનાં શરીર પર આધાર રાખવાનો હોઈ, પોતે ટકી રહે તે માટે કાર્ય કરતો રહે છે અને એના કારણે માનવ શરીરમાં અસંતુલન ઊભું થતાં તે બીમાર પડે છે. શરદી, ઓરી, અછબડા, મોટી ઉધરસ,  ચિકનગુનિયા વગેરે બીમારીઓ વાઇરસને કારણે જ થાય છે. અન્ય કેટલાય વાઇરસની જેમ કોરોના પણ હવાથી ફેલાય છે. શ્વાસમાં સીધી હવા ન જાય તે માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ચીનના વુહાનમાં સ્થાનિકો સાપ અને ચામાચીડિયાનો સૂપ પીતા હોવાના કારણે કોરોના તેમનામાં પ્રવેશ્યો હોવાનું કહેવાય છે, પણ હું તેની સાથે સહમત નથી. કેમ કે સૂપ માટે તેમને ઉકાળવા પડે અને ગરમ થતાં જ વાઇરસનું બંધારણ ખતમ થઈ જતું હોય છે. માટે એવી શક્યતા વધુ લાગે છે કે સૂપ બનાવતી વ્યક્તિઓએ હાથ બરાબર સાફ કર્યા નહીં હોય અને ત્યાં કેટલાક વાઇરસ જીવિત અવસ્થામાં રહી ગયા હશે. જે હવામાં તરતા રહીને બીજા લોકોના શરીરમાં શ્વાસ દ્વારા પ્રવેશીને વૃદ્ધિ પામ્યા હોય. વાઇરસના રોગો થઈ ગયા પછી મટાડવાના વધારે ઉપાયો નથી હોતા. સામાન્ય રીતે ત્રણથી સાત દિવસમાં તેની અસર ઓછી થઈ જતી હોય છે. એટલે સૌથી મોટો ઉપાય દર્દીને આરામ આપવાનો અને પોષક ખોરાક લેવાનો છે. બહારથી આવ્યા બાદ પહેલાં હાથ-મોં-નાક બરાબર સાફ કરી દેવા જોઈએ. અત્યારના સંજોગોમાં ભારતીયોએ કોરોનાથી બહુ ભડકી જવાની જરૃર નથી. બસ, સામાન્ય તકેદારી રાખીશું તો પણ તેનાથી બચી જવાશે.’

છેલ્લે એટલું જ કહેવાનું કે કોરોના વાયરસ હવાથી ફેલાતો હોવાથી બને ત્યાં સુધી ભીડભાડવાળાં વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. પોષક આહાર લેવો અને જો તેનાં લક્ષણો હોવાની શંકા જાય તો નજીકનાં આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.
——————-

કવરસ્ટોરીકોરોના વાયરસગુજરાત પર અસરનરેન્દ્ર મકવાણા
Comments (0)
Add Comment