- કવર સ્ટોરી – હેતલ ભટ્ટ
વાઇરસ નામ પડે એટલે થ્રી ઇડિયટ્સ ફિલ્મના પ્રોફેસર સહસ્ત્રબુદ્ધે યાદ આવે, વાઇરસનું એ પાત્ર લોકોને હસાવતું હતું જ્યારે આપણે જે કોરોના વાઇરસની વાત કરવાના છીએ તે લોકોને રડાવી રહ્યા છે. ચીનમાં હાહાકાર મચાવનાર ૨૦૧૯-એનસીઓવી નામે જાણીતા કોરોના વાઇરસને કારણે સરકારી આંકડા મુજબ ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે ત્રણ હજારથી વધુ લોકો આ વાઇરસથી સંક્રમિત છે. ચીનમાં તો સ્થિતિ ગંભીર છે જ, પણ આ વાઇરસ વિશ્વના અગિયાર દેશોમાં પહોંચી ચૂક્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ભારતમાં ભલે અત્યાર સુધી કોરોના વાઇરસનો કોઈ પોઝિટિવ કેસ ન મળ્યો હોય, પણ ભારત માટે પણ આ વાઇરસ ચિંતાનો વિષય છે.
૨૫ જાન્યુઆરીથી ચીનમાં નવા વર્ષની ઉજવણીનો આરંભ થયો. આ ઉજવણી ૮ ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. નવા વર્ષની ઉજવણી આ વર્ષે પ્રમાણમાં ફિક્કી છે એમ કહેવું યોગ્ય રહેશે, કારણ છે -કોરોના વાઇરસ. ચીનનો વુહાન પ્રાંત કોરોના વાઇરસનો જનક છે અથવા એપિસેન્ટર છે, કારણ કે વિશ્વના મોટા ભાગના દેશોમાં હાહાકાર મચાવનાર આ વાઇરસ વુહાનમાંથી આવ્યો છે, જ્યાં એક કરોડથી વધુ લોકો વસે છે અને સાતસોથી વધુ ભારતીયો હાલમાં ત્યાં નિવાસ કરે છે. મહત્ત્વની વાત એ છે કે ડિસેમ્બર મહિનાની શરૃઆતમાં લોકોને શિકાર બનાવનાર આ વાઇરસની ઓળખ ચીને નહીં, પણ જર્મનીએ કરી હોવાનું કહેવાય છે. ચીનના ડૉક્ટરોએ નોંધ્યું કે ડિસેમ્બર મહિનામાં જેટલા પણ લોકો બીમાર પડ્યા તેઓ તાવ, ખાંસી અને ફેફસાંની તકલીફથી પીડાતા હતા. તેમછતાં તેમને ખ્યાલ નહોતો આવ્યો કે આ કોરોના વાઇરસનો આતંક છે, પણ ચીનથી બે વ્યક્તિઓ જર્મની ગઇ ત્યારે એ વ્યક્તિઓમાં પણ આ લક્ષણો જોવા મળ્યાં. તપાસમાં માલૂમ પડ્યું કે આ વ્યક્તિઓ કોરોના વાઇરસનો શિકાર બન્યા છે. ટૂંકમાં જર્મનીએ શોધ્યું કે ચીનમાં કોરોના વાઇરસે લોકોને બાનમાં લીધા છે. ત્યાર બાદ ચીને સ્વીકાર્યું કે કોરોના વાઇરસ ચીનની દેન છે.
કોરોના વાઇરસ કોઈ એક વાઇરસ નથી, પણ ઘણા બધા વાઇરસનો સમૂહ છે. આમ તો કોરોના વાઇરસના બસોથી વધુ પ્રકારો છે, પણ અત્યાર સુધી તેમાંથી છ વાઇરસ હાનિકારક હોવાની ઓળખ થઈ હતી. હવે તેમાં સાતમા કોરોના વાઇરસનો ઉમેરો થયો છે. અન્ય કેટલાક કોરોના વાઇરસ એવા છે જે દરેક જીવોને સંક્રમિત નથી કરતાં. તેઓ પશુ-પ્રાણીઓને જ નુકસાન કરે છે. મહત્ત્વની વાત એ છે કે વાઇરસ એક હોય કે ઘણા, તેની આક્રમકતા કેટલી હદે તીવ્ર હોય છે તેનો અંદાજ કાઢવો સરળ નથી હોતો. ભૂતકાળમાં આપણે જુદા જુદા વાઇરસને કારણે થયેલી જાનહાનિ અને માલહાનિના સાક્ષી રહ્યા જ છીએ. સ્વાઇન ફ્લુનો કહેર અને ડર આજે પણ લોકોને સતાવે છે, જ્યારે બર્ડ ફ્લુ, ઇબોલા, સાર્સ, મર્સ જેવા વાઇરસના ચેપને કારણે વિશ્વમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા છે. કોરોના વાઇરસ એવો ત્રીજો વાઇરસ છે જે ચીનથી આવ્યો છે. અગાઉ બર્ડ ફ્લુ પણ વર્ષ ૧૯૯૬માં ચીનથી જ ફેલાયો હતો. અત્યાર સુધીમાં બર્ડ ફ્લુને કારણે સમગ્ર વિશ્વમાંથી ૪૫૦ કરતાં પણ વધુ લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે સૌથી ભયાનક આતંક મચાવનાર સાર્સ વાઇરસ પણ ચીનની જ દેન છે. વર્ષ ૨૦૦૩માં દક્ષિણ ચીનમાંથી આવેલા આ વાઇરસે વિશ્વના ૨૬ દેશોને બાનમાં લીધા હતા. આ વાઇરસને કારણે ૭૭૪થી પણ વધુ લોકો મોતને ભેટ્યાં હતાં. કોરોના વાઇરસે જે આતંક મચાવ્યો છે તેની વાત તો આગળ આપણે કરીશું જ પણ આ વાઇરસના કારણે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકો
મૃત્યુ પામ્યાં છે. આ વાઇરસે ચીનમાં ચોવીસ કલાકમાં ૧૫૦૦થી પણ વધુ લોકોને શિકાર બનાવ્યા હોવાના આંકડા ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા છે અને હજુ તો દિવસો જશે તેમ આ સંખ્યામાં પણ વધારો નોંધાશે એ વાત સહેજે સ્વીકારવી રહી.
કોરોના વાઇરસનું આખું નામ નોવેલ કોરોના વાઇરસ છે. વાયરોલોજિસ્ટ(વિષાણુશાસ્ત્રી)ના મતે સાપમાંથી આ વાઇરસ ફેલાયો છે જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ વાઇરસ ચામાચીડિયામાંથી આવ્યો છે. ચીનના વુહાન પ્રાંતમાં હુઆનાન નામનું એક માર્કેટ છે, જે સી-ફૂડ માર્કેટ તરીકે ઓળખાય છે. માછલી, કેકડા સહિતના જાણીતાં જળચર પ્રાણીઓ ઉપરાંત ત્યાં સાપ, મગર, બિલાડી, ઊંટ, મોર, ઉંદર વગેરે પ્રાણીઓનાં માંસ પણ મળે છે. શરૃઆતમાં જેટલા પણ લોકો કોરોના વાઇરસથી ગ્રસિત થયા હતા, તેઓ આ માર્કેટમાં કામ કરતા હતા અથવા તેમણે આ માર્કેટનું માંસ આરોગ્યું હતું. જોકે, તે સમયે તેઓ કોરોના વાઇરસનો શિકાર બન્યા છે એ વાત સામે નહોતી આવી, પણ ડૉક્ટરોએ જ્યારે દરેક દર્દીમાં તાવ, ખાંસી, ફેફસાંમાં ઇન્ફેક્શન જેવાં કેટલાંક સામાન્ય લક્ષણો જોયા અને રેડિયોગ્રાફી તપાસ કરી ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે આ લોકો સી-ફૂડ માર્કેટમાં કામ કરતા હતા અથવા તેમણે આ માર્કેટનું ફૂડ આરોગ્યું હતું. આમ કોરોના વાઇરસ આ માર્કેટના જંગલી જાનવરના માંસમાંથી લોકોમાં પ્રવેશ્યો અને પછી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ સુધી પહોંચ્યો. કોરોના વાઇરસની જેમ સાર્સ વાઇરસ પણ બિલાડીમાંથી જ આવ્યો હતો અને પછી તેણે વિશ્વના મોટા ભાગના દેશોને બાનમાં લીધા હતા.
વિશ્વ આરોગ્ય સંગઠને ભલે હજુ કોરોના વાઇરસના આતંકને મહામારી જાહેર ન કરી હોય, પણ હાલમાં ચીનમાં સ્થિતિ ઘણી ગંભીર છે. ચીન સહિત ઘણા દેશો કોરોના વાઇરસને કારણે એલર્ટ થઈ ગયા છે અને પોતપોતાના દેશોેમાં સાવચેતીનાં પગલાં લઈ રહ્યાં છે. ચીનમાં એ હદે સ્થિતિ વણસી છે કે વુહાન પ્રાંતને સરકારે લૉક-ડાઉન કરી દીધો છે. ત્યાં સાર્વજનિક વ્યવહાર ઠપ છે, વાહન વ્યવહાર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. બજારો બંધ છે. લોકો પાસે ખાવાનું ખૂટી પડ્યું છે, તેઓ એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાવેલ પણ નથી કરી શકતા. વુહાનની જેમ જ બીજિંગ સહિતના સોળ પ્રાંતોમાં પણ લોકોના મળવા પર અને સાર્વજનિક વ્યવહાર તેમજ વાહનવ્યવહાર પર પણ હાલમાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ચીનમાં કોરોના વાઇરસને કારણે ૧૦૦થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે ત્રણ હજારથી પણ વધુ લોકો કોરોના વાઇરસનો શિકાર બન્યા છે. કોેરોના વાઇરસ વ્યક્તિનાં ફેફસાંને નુકસાન પહોંચાડે છે. તેના શ્વસનતંત્રને બાનમાં લે છે. જેમણે સંક્રમિત ખોરાક આરોગ્યો હશે તેમના શરીરમાં આ વાઇરસ પ્રવેશ્યો અને પછી આ વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ સુધી પહોંચ્યો. આ વાઇરસ ખાંસી, છીંક અથવા દૂષિત હાથને કારણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. સમગ્ર વુહાન પ્રાંતમાં એક જ એવી લેબોરેટરી છે જ્યાં કોરોના વાઇરસનું પરીક્ષણ શક્ય છે. આ વુહાન નેશનલ બાયોસેફ્ટી લેબમાં જ કોરોના વાઇરસથી ગ્રસિત લોકોના રિપોર્ટ કરવામાં આવે છે. ચીન સહિત અન્ય દેશોએ તકેદારીના ભાગરૃપે હવે તાત્કાલિક આરોગ્યલક્ષી પગલાંઓ લેવા માંડ્યા છે. કરમની કઠણાઈ એ છે કે હાલમાં વિશ્વમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપે એવી કોઈ રસી શોધાઈ નથી. કોરોના વાઇરસની દવા પણ ઉપલબ્ધ નથી. જેવી રીતે ચોરીને અંજામ અપાયા બાદ પોલીસ તંત્ર દોડતું થાય છે એવું જ વાઇરસપ્રેરિત મહામારીના કેસમાં થતું હોય છે. વાઇરસ ભરડો લે ત્યાર બાદ આરોગ્યતંત્ર તેની રસી કે દવા શોધવા માટે કાર્યાન્વિત થાય છે. વિજ્ઞાનીઓ આવનારા ત્રણ મહિનામાં કોરોના વાઇરસની રસી શોધી કાઢશે એવું કહેવાઈ રહ્યું છે. ચીનમાં જંગલી જાનવરોના વેપાર પર અસ્થાયી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તેમને વેચવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અને તેમનું માંસ આરોગવા પર પણ રોક લગાવવામાં આવી છે.
ચીન ઉપરાંત જાપાન, હોંગકોંગ, થાઇલેન્ડ, દ.કોરિયા, તાઇવાન, ઉત્તર અમેરિકા, યુરોપ જેવા દેશોમાં કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા છે. હોંગકોંગે તો ચીનથી આવતાં-જતાં લોકો પર રોક લગાવી દીધી છે. સ્વાભાવિક છે કે કોરોના વાઇરસ નવો છે, તેથી તેની કોઈ સારવાર પણ ઉપલબ્ધ નથી તેથી કોરોના વાઇરસગ્રસિત વ્યક્તિને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. સારવાર એટલી જ કે તેમને અન્ય વ્યક્તિઓથી દૂર રાખવામાં આવે જેથી અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ ન ફેલાય.
કોરોના વાઇરસને લઈને ભારત પણ ચિંતિત છે, કારણ કે વુહાન પ્રાંતમાં સાતસોથી પણ વધુ વિદ્યાર્થીઓ મેડિકલ સાયન્સનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત ઘણા લોકો વ્યાપારિક પ્રવૃત્તિઓને કારણે ચીનનો પ્રવાસ ખેડે છે. ભારતમાં રાજસ્થાન અને બિહારમાં ચીનથી આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેમને તકેદારીના ભાગરૃપે આઇસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ સહિતનાં સાત વિમાનીમથકોએ થર્મલ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ચીનથી આવતાં લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ભારતના વિદેશ મંત્રાલય ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા નિર્દેશો જાહેર કર્યા છે. કોરોના વાઇરસની પરેશાની એ છે કે તેના શરૃઆતી લક્ષણો સામાન્ય તાવ, ખાંસી અને શરદીને મળતા આવે છે. જ્યારે તે ફેફસાંને અસર કરે છે ત્યારે તેનાં લક્ષણો ન્યુમોનિયા અથવા બ્રોન્કાઇટિસ જેવા લાગે છે, પરિણામે પહેલી નજરે દર્દી કોરોના વાઇરસનો શિકાર બન્યો છે તે કળી નથી શકાતું. પ્રયોગશાળામાં પરીક્ષણ બાદ તેની ઓળખ થાય છે.
છેલ્લા બે મહિનામાં ચીનથી આવેલા અને જવા માંગતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. ભારતમાં પુણે સ્થિત નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે દસ પ્રયોગશાળાઓમાં કોરોના વાઇરસ પર સંશોધન આદર્યું છે. ચીનમાં કંપનીઓએ પોતાના કર્મચારીઓને ફરજિયાત માસ્ક પહેરવાના નિર્દેશ આપ્યા છે અને કેટલીક કંપનીઓએ તો કર્મચારીઓને માસ્ક વહેંચ્યા છે. કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીનું સ્વરૃપ ધારણ કરે તે પહેલાં સાવચેતી અને સતર્કતા માત્ર સરકાર પૂરતી સીમિત ન રાખતાં વ્યક્તિગત જવાબદારી તરીકે પણ સ્વીકારવા રહ્યા.
———————