- ન્યાય – દેવેન્દ્ર જાની
દિલ્હીમાં નિર્ભયા પર સામૂહિક બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં ચાર આરોપીઓને એકસાથે ફાંસી આપવા ડેથ વૉરંટ જારી કરવામાં આવ્યા બાદ ફાંસીનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચારેય આરોપીઓને ફાંસી આપવા તિહાર જેલમાં તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતની ફાંંસીની ઘટનાની યાદ પણ તાજી થઈ રહી છે. રાજ્યમાં છેલ્લે રાજકોટમાં ૧૯૮૯માં એક આરોપીને ફાંસી અપાઈ હતી.
ભારતમા ફાંસીની સજાના કેસો હંમેશાં ચર્ચામા રહ્યા છે. રાજીવ ગાંધીના હત્યારાને ફાંસી, સંસદ પરના હુમલા કેસના આરોપી અફઝલ ગુરુ, મુંબઈ બોમ્બ ધડાકાના કેસના આરોપી કસાબ કે ગોધરા કાંડના આરોપીઓને ફાંસી આપવાનો કેસ હોય. લાંબી કાનૂની કાર્યવાહી બાદ અંતે આરોપીને ફાંસીને લટકાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પણ છેલ્લે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાની તક આરોપીને અપાતી હોય છે. દિલ્હીના ચકચારી નિર્ભયા હત્યા કેસના ચાર આરોપીને ફાંસી આપવા ડેથ વૉરંટ જારી કરવામાં આવ્યંુ છે. ફાંંસીની નવી તારીખ ૧લી ફેબ્રઆરીએ નક્કી કરવામાં આવી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં ફાંસીના હુકમો થયા હોય તે આંકડો તો મોટો છે, પણ ખરેખર ફાંસીના માંચડે અત્યાર સુધીમાં પ૭ આરોપીઓને લટકાવવામાં આવ્યા છે. વાત કરીએ ગુજરાતની તો રાજ્યમાં છેલ્લે રાજકોટમાં ૧૯૮૯માં વેરાવળના શશિકાંત માળીને રાજકોટની જેલમાં ફાંસી અપાઈ હતી. આ એક થ્રિલર કેસ હતો. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, રાજ્યભરમાં આ કેસ વર્ષો સુધી ચર્ચામાં રહ્યો હતો.
શશિકાંત માળી પર ત્રિપલ મર્ડરનો આરોપ હતો. રાજકોટના મઝદૂર સંઘના જાણીતા વકીલ હસુભાઈ દવેના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક મહત્ત્વનો કાનૂની મુદ્દો એ હતો કે જેમની હત્યા કરવામાં આવી હતી તે ત્રણેય હુમલાનો પ્રતિકાર કરવા સક્ષમ ન હતા. ૭ર વર્ષીય ગૌરીશંકર દવે, આશાબહેન નિરંજનભાઈ દવે અને માત્ર બે વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. તા. ૧૭ ઑક્ટોબર, ૧૯૮૦ના દિવસે બનેલી આ ઘટના બાદ ૧૯૮૧માં અદાલતે શશિકાંત માળીને ફાંસી આપવાનો ચુકાદો આપ્યો હતો. ફાંસીના હુકમ સામે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવામાં આવી હતી. આઠેક વર્ષ સુધી આ કેસ જુદા-જુદા સ્તરે ચાલતો રહ્યો હતો. અંતે શશિકાંત માળીનું ડેથ વૉરંટ નીકળ્યું હતંુ. શશિકાંત માળીને રાજકોટ જેલમાં રખાયો હતો. રાજકોટ જેલમાં ખાસ બનાવાયેલી ફાંસી ખોલી ઊભી કરવામાં આવી હતી. રાજકોટની જેલમાં ડિસેમ્બર ૧૯૮૯માં શશિકાંતને અંતે ફાંસી અપાઈ હતી.
રાજકોટમાં ફાંસીની ઘટનાના સંદર્ભમાં જે પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી તે પરિવારના હસુભાઈ દવે કહે છે, ‘જ્યારે પણ દેશમાં કોઈને ફાંસી આપવાની ઘટના બને છે અથવા ફાંસી માટે ચર્ચા થાય છે ત્યારે અમારા એ જખમ તાજા થાય છે. એક સાથે પરિવારના ત્રણ સભ્યો ગુમાવવા પડ્યા હતા. ત્યાર બાદ લાંબો કાનૂની જંગ ખેલાયો હતો. અંતે આરોપીને ફાંસી આપવામાં આવી હતી. ત્રણ દાયકા જેવો સમય વીતી ગયો છતાં ભૂતકાળના એ કપરા દિવસો ભૂલાયા નથી. હાલ નિર્ભયા કેસના આરોપીને ફાંસી આપવાની ચર્ચા સાંભળીએ છીએ ત્યારે અમને અમારા પરિવારમાં બનેલી એ દુખદ ઘટનાની યાદ તાજી થાય છે.’
જેલ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં છેલ્લે રાજકોટમાં ફાંસી અપાઈ હતી. ત્યાર બાદ કોઈ જેલમાં કોઈ આરોપીને ફાંસી અપાઈ નથી. મતલબ કે છેલ્લાં ૩૧ વર્ષમાં ગુજરાતમાં કોઈને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા નથી. ગુજરાત રાજ્યમાં ૧૯પ૩થી અત્યાર સુધીમાં આઠ આરોપીઓને ફાંસી અપાઈ છે. ૧૯પ૩માં બે, ૧૯૬રમાં એક, ૧૯૬૩માં એક, ૧૯૬૪માં એક અને ૧૯૬પમાં બે આરોપી અને છેલ્લે ૧૯૮૯માં એક આરોપીને ફાંસી અપાઈ હતી. ગુજરાતમાં જલ્લાદ નથી. રાજકોટમાં આ ફાંસી આપવા માટે મહારાષ્ટ્રમાંથી ખાસ જલ્લાદને લાવવામાં આવ્યો હતો. રાજકોટમાં છેલ્લી ફાંસી અપાઈ તેને ૩૧ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. ગુજરાત રાજ્યના જેલ વિભાગ પાસે જલ્લાદ નથી, જ્યારે પણ ગુજરાતની કોઈ જેલમાં ફાંંસી આપવાની નોબત આવે ત્યારે અન્ય રાજ્યમાંથી જલ્લાદને લાવવામાં આવે છે. સાબરમતી અને રાજકોટની જિલ્લા જેલમાં ફાંસી ખોલી છે. રાજકોટ જિલ્લા જેલમાં ફાંસી ખોલી છે. ભલે વર્ષોથી આ ખોલીમાં કોઈને ફાંસી આપવામાં આવી ન હોય, પણ ફાંસી ખોલી અને માંચડાનું નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવે છે.
ફાંસી માટે જેલ મેન્યુઅલમાં કેટલાક ખાસ નિયમો છે. અધિકારીઓના કહેવા મુજબ જે કોઈ આરોપી સામે ડેથ વૉરંટ જારી કરવામાં આવે ત્યાર બાદ તેને અલગ ખોલીમાં રાખવામાં આવે છે. આરોપીનાં વજન અને ઊંચાઈ મુજબનંુ એક પૂતળંુ બનાવીને તેને પહેલાં ફાંસીએ લટકાવીને એક ટ્રાયલ કરવામાં આવે છે. જેથી છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન આવે. સામાન્ય રીતે એક કોથળામાં આરોપીના વજન જેટલી રેતી ભરીને પૂતળંુ તૈયાર કરાય છે. જલ્લાદને લગભગ બે – ત્રણ દિવસ અગાઉ બોલાવી લેવામાં આવે છે. જલ્લાદ આરોપીને ફાંસીના માંચડે લટકાવવા ખાસ પ્રકારના વણેલા દોરડાનો ઉપયોગ કરે છે. આ દોરડાને માખણ કે તૈલી પદાર્થ લગાવે છે જેથી ગળામાં દોરડું બરોબર ફિટ બેસી જાય અને છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ઊભી ન થાય. ફાંસી આપવા માટે એક માંચડો ઊભો કરવામાં આવે છે. એક માહિતી મુજબ નીચેના રૃમમાંથી ઉપર જવાય તે રીતના બે રૃમ હોય છે. ફાંસી વખતે ઉપરના રૃમમાં અપરાધીને ઉપર લઈ જવામાં આવે છે અને ત્યાં પાટિયા પર આરોપીને ઊભો રાખવા માંચડો તૈયાર હોય છે. ફાંસીના સમય વખતે આરોપીને મોઢા પર કાળું કપડંુ ઓઢાડીને ઊભો રાખવામાં આવે છે. પછી જ્યારે હુકમ મળે એટલે સેકન્ડોમાં ધડામ જેવા અવાજ સાથે જલ્લાદ દોરડું ખેંચે છે. આરોપીના પગ નીચેથી પાટિયું ખૂલી જાય છે અને તે લટકતી હાલતમાં નીચેના રૃમમાં પડે છે. ફાંસી જ્યારે આપવામાં આવે ત્યારે જેલર, મેડિકલ ઓફિસર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રોટોકોલ મુજબના જ અધિકારી હાજર રહી શકે છે.
———————-