લોકો પડછાયામાં પણ રાજકારણ જોતાં થઈ ગયા છે!

શ્રી રામકૃષ્ણ મિશન અને મઠ સાથે નરેન્દ્ર મોદીનો નાતો બહુ જૂનો છે
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

કોલકાતાથી બેલુર મઠ જલમાર્ગે લોન્ચમાં જવાનો અનોખો આનંદ છે. હુગલીમાં જ્યારે ઓટનો સમય હોય ત્યારે લોન્ચ વર્તુળ આકારે આગળ વધતી હોય છે. કિનારે લાંગરેલી હોડીને સાહસની ખબર નથી હોતી. આવું જ દૃશ્ય હુગલીના કાંઠે લોકોએ જોયું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદ જયંતી ઉજવવા બેલુર મઠ લોન્ચ દ્વારા પસાર થઈ રહ્યા હતા. તે પહેલાં તેમણે કોલકાતા પોર્ટ ટ્રસ્ટની ૧૫૦ વર્ષની ઉજવણીમાં ભાગ લીધો. આ અવસરે કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામકરણ શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ કરવામાં આવ્યું.

શ્રી રામકૃષ્ણ મિશન અને મઠ સાથે નરેન્દ્ર મોદીનો નાતો બહુ જૂનો છે. આ વખતની બેલુર મઠની મુલાકાત એક રાત્રિનું રોકાણ વિશેષ અધ્યાય બની. શ્રી રામકૃષ્ણ મિશનના ઇતિહાસમાં નોંધાઈ ગયું. મિશનના વર્તમાન અધ્યક્ષ સ્વામી  સ્મરણાનંદજી અને સંન્યાસીઓ વચ્ચે અપૂર્વ મિલન યોજાયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામકૃષ્ણ પરમહંસ, મા શારદા અને સ્વામી વિવેકાનંદની સમાધિ પર અંજલિ અર્પી. દર્શન અને આરતીમાં ભાગ લીધો.

બેલુર મઠમાં એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ પ્રધાનમંત્રી કહી સંબોધન થયું. ત્યાર બાદ પ્રત્યુત્તરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા રાષ્ટ્ર ચિંતનની કડીઓ ગણાવી. તાજેતરમાં સંસદમાં પસાર થયેલ અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ અમલમાં આવેલ સંશોધિત નાગરિક કાયદાનો ઉલ્લેખ કર્યો. ત્યાં ઉપસ્થિત મેદનીએ તાળીઓ વગાડી અભિવાદન કર્યું!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અને મઠમાં શિષ્ટાચાર એક પ્રણાલિકા મુજબ રહી, પણ આપણા દેશમાં એક વર્ગ એવો ઊભો થઈ ગયો છે જે દ્વેષ ભાવનાથી તરબતર છે, તે કોઈ પણ દ્વારે કોઈ પણ વિષય રાજકારણના કાદવમાં ઉછાળ્યા વગર રહેતા નથી. રામકૃષ્ણ મિશનની ગાઇડ લાઇનને બરોબર જાણતા હોવા છતાં તકરાર થાય તેવું વલણ સોશિયલ મીડિયાના માધ્યમથી ચગાવ્યું.

૧૧૫ વરસનો ઇતિહાસ છે, આ વેદ-ઉપનિષદના માર્ગે ચાલતી સંસ્થાનો! દુનિયાનાં અલગ અલગ શહેરોમાં ૨૧૪ કેન્દ્રો છે. કુલ ૭૪૮ શિક્ષણ સંસ્થાઓનું સંચાલન થાય છે. ૧૨ કૉલેજો છે, હોસ્ટેલ છે, અનાથ આશ્રમો છે, સેવા સંસ્થાન છે, હૉસ્પિટલ છે, વેદાંત સોસાયટીઓ ચાલે છે, દુનિયાના બુદ્ધિજીવીઓ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના ચીંધ્યા માર્ગે પરમ શાંતિ અને સમાધિ મેળવે છે. આપણે ત્યાં જે સનાતન સાધનાની ટીકા કરે તેને બુદ્ધિજીવી કહેવાય છે!

નરેન્દ્ર મોદી જ્યારે સેવા અને સમર્પણ ભાવે મિશનના રાજકોટ કેન્દ્રમાં સેવક હતા. ત્યારે ત્યાંના સચિવ સ્વામી આત્મસ્થાનંદજી હતા. નરેન્દ્ર મોદી મિશનમાં સંન્યાસ લઈ જોડાવા ઇચ્છતા હતા. સ્વામીનો પત્ર લઈ બેલુર મઠ પહોંચ્યા હતા. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે જનસેવા માટે તમારા માટે સંન્યાસ માર્ગ નથી, તમે રાજયોગના કર્મી છો!

રામકૃષ્ણ મિશનના સાધુ-સંન્યાસી વનમાં તપ કરવા જતાં નથી. અહીં સંન્યાસ એટલે ભગવા પહેરી સંસારનો ત્યાગ કરી જીવન જનસેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ છે. જે લોકો દીક્ષિતો છે તેમાં ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ અને પારસી છે. કોઈને હિંદુ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવતું નથી. કોઈ ભેદભાવ નથી.

અત્રે ઉલ્લેખનીય છે અંગ્રેજો સામે ચળવળમાં રામકૃષ્ણ મિશનના સાધુ-સંન્યાસીઓએ ક્રાંતિકારીઓનું સમર્થન કર્યું હતું ત્યારે અંગ્રેજોએ પ્રતિબંધ લાદવાની હિલચાલ કરી હતી. સ્વામી વિવેકાનંદ એક ગુપ્ત પત્ર અનુયાયીઓને લખી ગયા હતા કે મિશનનું સંચાલન કદાપી સહેલું નહોતું. અનેક અડચણો, હતાશાનો સામનો કરવો પડ્યો છે. ભવિષ્યમાં પણ કષ્ટો આવશે, હરિનો માર્ગ છે શૂરાનો…

ડાબેરી મોરચાના નાણા પ્રધાન અશોક મિત્રાએ રામકૃષ્ણ મિશનનું સરકારી અનુદાન બંધ કર્યું હતું. અનેક શિક્ષણ કેન્દ્રો બંધ કરવા પડ્યાં હતાં. જનસંપર્ક અને જન સહયોગ એટલે જરૃરી બન્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સૌજન્યમુલક વ્યવહાર આટલા મોટા સંચાલન માટે અનિવાર્ય છે.

જ્યાં સુધી નરેન્દ્ર મોદી અને બેલુર મઠનો સંબંધ છે જ્યારે પહેલીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમના ખિસ્સામાં મઠના પ્રસાદી ફૂલ હતાં. આ વખતે જ્યારે પ્રસન્નચિત્તે સહુને મળ્યા ત્યારે પણ ખિસ્સામાં પ્રસાદી ફૂલ હતાં.

બેલુર મઠના પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં દરેક સવાલોના જવાબો આપ્યા. પ્રણાલિકા અને નિર્દેશ પાલન થવાની જાણ કરી. જેમના પેટમાં દુઃખતું હોય અને કૂટતા માથું હોય તેમને કારણ જાણવામાં ક્યાં રસ છે..!
———————–

કોલકાતા કોલિંગબેલુર મઠમુકેશ ઠક્કર
Comments (0)
Add Comment