ભિક્ષુકોને સન્માનજનક નોકરી અપાઈ…

રાજકોટ જિલ્લામાં તંત્રએ આવું માનવતાભર્યું પગલું ભરીને ભિક્ષુકોને નોકરી અપાવવાનો કરેલો પ્રયોગ
  • પ્રેરણા – દેવેન્દ્ર જાની

દરેકનો સમય એક સરખો નથી હોતો. વ્યક્તિ માટે જ્યારે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી હાલત બને ત્યારે પેટનો ખાડો પૂરવા માટે રસ્તા પર ભટકવંુ પડે છે. ફૂટપાથ પર રહીને જિંદગીના કપરા દિવસો પસાર કરનાર ભિક્ષુકને જ્યારે કોઈ નોકરી મળી જાય અને એ પણ સરકારી કચેરીમાં તો તેના માટે તો જિંદગી બદલાઈ જાય છે. રાજકોટ જિલ્લામાં તંત્રએ આવું માનવતાભર્યું પગલું ભરીને ભિક્ષુકોને નોકરી અપાવવાનો કરેલો પ્રયોગ અન્ય જિલ્લા માટે પ્રેરણાદાયક બન્યો છે.

રાજકોટના પછાત એવા થોરાળા – માંડા ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાં દારૃ જાણે ગૃહ ઉદ્યોગ બની ગયો હોય તેવી સ્થિતિ છે. વર્ષોથી આ વિસ્તાર દારૃના વેચાણ માટે કુખ્યાત બનેલો છે. દારૃના કારણે કેટલાય વ્યક્તિઓની જિંદગી રોળાઈ ગઈ છે. એક પરિવારના પાંચ ભાઈઓ હતા. હર્યો-ભર્યો પરિવાર હતો, પણ તમામ ભાઈઓને દારૃની લત લાગી અને એક પછી એક ભાઈઓની જિંદગી આ લતમાં ભરખાતી જતી હતી. પરિવારમાં હવે એક જ નાનો ભાઈ બચ્યો હતો તે પણ દારૃની લતે ચડી ગયો હતો. કોઈ કામ ધંધો કરતો ન હોય દારૃ પીને રસ્તા પર પડ્યો રહેતો હતો. આ યુવાનને પણ દારૃનું વ્યસન ભરખી જશે તેવું આસપાસના જ લોકો જ કહેતા હતા. અરે, તબીબોએ પણ કહી દીધંુ હતું કે હવે આ છોકરો કોઈનંુ નહીં માને અને દારૃમાં જ પતી જવાનો છે, પણ એક દિવસ રસ્તા પર દારૃ પીને આ યુવાન પડ્યો હતો.

એક પોલીસ વાન તેની બાજુમાં આવીને ઊભી રહી. શરૃઆતમાં તો આ દ્રશ્ય જોનારાને એમ લાગ્યંુ કે પોલીસવાળા રોજની જેમ આ દારૃડિયાને મારીને જતા રહેશે, પણ એવું ન બન્યંુ અને પોલીસવાળા આ યુવાનને લઈ ગયા બાદ રાજકોટના સમાજ સુરક્ષા વિભાગના ભિક્ષુક ગૃહમાં મોકલી આપ્યો. આ યુવાનને કોઈ કામ મળી જાય તો તેની જિંદગી બની જશે તેવંુ લાગતા અધિકારીઓએ તેને એેક સરકારી કેન્દ્રમાં નોકરી અપાવી દીધી. આજે તેના જીવનમાં એવો સુધાર આવ્યો છે કે તેની દારૃની લત છૂટી ગઈ છે અને તેની કમાણીમાંથી પાંચેક હજાર રૃપિયા તેની માતાને મોકલી રહ્યો છે. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ એક યુવાને ‘અભિયાન’ સમક્ષ વર્ણવેલી તેના જીવનની દાસ્તાન છે. શહેરોમાં અનેક ભિક્ષુકો રસ્તાઓ પર રખડતા – ભટકતા જોવા મળે છે, પણ ભાગ્યે જ તેના તરફ કોઈ માનવતાની નજરે જુએ છે. આ ભિક્ષુકોને દયાની ભીખ નહીં, પણ સમાજના હૂંફની જરૃર હોય છે. સામાન્ય રીતે કોઈ સંસ્થાઓ આવા લોકો માટે કામ કરવા આગળ આવતી હોય છે, પણ સરકારી કચેરીઓ આગળ આવે તો સ્વાભાવિક અચરજ થયા વિના ન રહે. મોટા ભાગે અધિકારીઓની ઇમેજ  જાડી ચામડીના તરીકેની હોય છે, પણ આવંુ દરેક અધિકારીઓ માટે માની લેવંુ જોઈએ નહીં. ખારા રણમાં મીઠી વીરડી સમાન અધિકારીઓ પણ હોય છે. ભિક્ષુકો સાથે સંવેદનાથી કામ લઈ એક નવો પ્રયોગ કરી તેના જીવનમાં મોટો બદલાવ લાવી શકાતો હોય છે. તેનંુ આ ઉત્તમ ઉદાહરણ રાજકોટના ભિક્ષુક ગૃહમાં જોવા મળ્યંુ છે.

અદાલતના આદેશના કારણે કોઈ ભિક્ષુકની ઓળખ છતી કરી શકાતી નથી. નિયમોનું પાલન કરવા આ ભિક્ષુકનું નામ કે તેની તસવીર અમે બતાવતા નથી, પણ અન્યોને પ્રેરણા મળે તે માટે આ કિસ્સો રજૂ કર્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા માનસિક ક્ષતિવાળાં બાળકોના કેન્દ્રમાં કામ કરી રહેલો આશરે ત્રીસેક વર્ષનો આ યુવાન પહેલા સમાજ સુરક્ષા વિભાગના રાજકોટ ખાતેના ભિક્ષુક ગૃહમાં હતો. ભિક્ષાવૃત્તિના ગુનામાં એકાદ વર્ષથી અહીં રહેતો હતો. ભિક્ષુક ગૃહમાંથી તેને હવે માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહમાં એક એજન્સી મારફત નોકરીએ રાખવામાં આવ્યો છે.

સાતેક મહિનાથી તે આ કેન્દ્રમાં નોકરી કરી રહ્યો છે. એક ભિક્ષુકમાંથી તે નોકરિયાત બનતા જ તેના વ્યવહારમાં બદલાવ આવી ગયો છે. આવા ત્રણ ભિક્ષુકને સરકારી કચેરીઓમાં નોકરી અપાવીને તેના જીવનમાં ગુણાત્મક સુધાર લાવવાનો પ્રેરણાદાયી પ્રયોગ રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ત્રણ ભિક્ષુકોમાં એક તો મૂંગો – બહેરો યુવાન છે અને એક પરપ્રાંતીય છે. આ ત્રણેય આ કેન્દ્રમાં જ રહે છે. તેના રહેવા – જમવાની વ્યવસ્થા સરકાર તરફથી જ કરવામાં આવે છે. ભિક્ષુક તરીકે જીવન વિતાવતા આ ત્રણ વ્યક્તિઓના જીવનમાં એક નવી સવાર પડી છે. તેમની આ નવી જિંદગી જ છે. જીવનની ઠોકર ખાઈને જીવન જીવનાર આ યુવાનો સરકારી પ્રયાસોથી મહેનત કરતા થયા છે. મેન્ટલી રિટાયર્ડ હોમમાં જ્યારે આ ભિક્ષુકોને સાફ – સફાઈ, રસોઈનાં કે અન્ય કાર્યો કરતાં જોઈએ ત્યારે મન માને નહીં કે આ એક સમયે ભિક્ષુકો તરીકે રહેતા હતા..!

રાજકોટ જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત એવી પહેલ કરવામાં આવી હતી કે ભિક્ષુક ગૃહમાં રહેતા લોકો સન્માનથી જીવી શકે અને તેનંુ પુનઃ સ્થાપન થાય તે હેતુથી ભિક્ષુકોને સરકારી કચેરીઓમાં નોકરીએ રાખવા. રાજકોટ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી કહે છે, ‘છેલ્લાં ત્રણેક વર્ષમાં વીસ જેટલા ભિક્ષુકોને નોકરી અપાવીને તેનું સમાજ જીવનમાં પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. થોડા મહિનાઓ સુધી આ ભિક્ષુકો નોકરી કરે ત્યાર બાદ તેમના વ્યવહારમાં મોટો ફેર પડી જાય છે. તેમનામાં આત્મવિશ્વાસ વધે છે.

સરકારી નિયમોને આધીન રહીને આવા લોકોને ફરી તેમના ઘરે મોકલી આપવામાં આવે છે. એક પરપ્રાંતીયને ૧૭ વર્ષે તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું તેવાં પણ ઉદાહરણો છે. એક ભિક્ષુક જો નોકરી કરતો થાય અને બે પૈસા કમાતો થાય તો તેના જીવનમાં ગુણાત્મક ફેરફાર આવે છે આ પરિવર્તન તેના જીવનમાં એક નવો ઉજાશ પાથરે છે. હાલ ત્રણ ભિક્ષુકો આ પ્રોજેક્ટ હેઠળ નોકરી કરે છે અને તેઓ જ્યાં કામ કરે છે એ મેન્ટલી રિટાયર્ડ હોમના વિશાળ પરિસરમાં કોઈ પ્રવેશ કરે તો તેની ચોખ્ખાઈ અને વૃક્ષોનો ઉછેર સહિતની ચીજો હર કોઈનંુ મન મોહી લે છે. આ વિશાળ પરિસરને સ્વચ્છ રાખવામાં આ ભિક્ષુકોની મહેનત કાબિલેદાદ છે. તેઓ નોકરી માત્ર પૈસા કમાવવાના કોઈ આશયથી નથી કરતા, પણ પોતાની સંસ્થા હોય તેમ દિલ દઈને કામ કરી રહ્યા હોવાથી આટલું સારું પરિણામ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ ભિક્ષુકો માટે કરવામાં આવેલો આ પ્રયોગ સફળ રહેતા હવે વડોદરા સહિતના જિલ્લાઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે.
————————–

દેવેન્દ્ર જાનીભિક્ષુકોને રોજગાર
Comments (0)
Add Comment