- વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ
કાયમ રહેવા માટે જવું હોય તો ‘ઇમિગ્રન્ટ’ વિઝા અને ટૂંક સમય માટે જવું હોય તો ‘નોન-ઇમિગ્રન્ટ’ વિઝા જોઈએ. આની આપણને સૌને જાણ છે, પણ ટૂંક સમય માટે અમેરિકા જવું હોય તો કયા કારણસર જવું છે એ માટે જે જુદા જુદા નૉન-ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે એની અનેકોને જાણ નથી. અમુક દેશના લોકોને તેમ જ અમુક હોદ્દો ધરાવતી વ્યક્તિઓને અમેરિકામાં ટૂંક સમય માટે પ્રવેશવા વિઝાની જરૃરિયાત નથી હોતી એની પણ અનેકોને જાણ નથી.
જો તમારે બિઝનેસને લગતાં કાર્ય માટે, અમેરિકામાં બિઝનેસ કરવા માટે નહીં, અમેરિકામાં જવું હોય તો ‘બી-૧’ સંજ્ઞા ધરાવતા બિઝનેસ વિઝા મેળવવાની જરૃરિયાત રહે છે. જો ત્યાં ફરવા જવું હોય, ત્યાં રહેતાં તમારાં સગાંવહાલાંને મળવા જવું હોય, મેડિકલ ટ્રીટમેન્ટ લેવા જવું હોય તો ‘બી-૨’ સંજ્ઞા ધરાવતા વિઝિટર્સ વિઝા મેળવવાની જરૃરિયાત રહે છે.
અમેરિકામાં આવેલ યુનિવર્સિટી, કૉલેજ, સ્કૂલ યા શૈક્ષણિક સંસ્થામાં ભણવા જવું હોય, ટ્રેનિંગ લેવા જવું હોય તો ‘એફ’, ‘એમ’, ‘જે’, ‘એચ-૩’ વિઝા મેળવવાની જરૃરિયાત રહે છે.
અમેરિકન કંપનીમાં ટૂંક સમય માટે એટલે કે વધુમાં વધુ છ વર્ષ માટે કામ કરવા જવું હોય તો ‘એચ-૧બી’ વિઝા મેળવવાની જરૃરિયાત રહે છે. તમારા દેશમાં તમે બિઝનેસ કરતા હો, અને એ ધંધાની અમેરિકામાં શાખા ખોલો, ત્યાં સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની ખોલો કે અમેરિકાની કંપની જોડે પાર્ટનરશિપમાં જોડાવ અને પછી તમે કે તમારા બિઝનેસમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ મૅનેજર, એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે અમેરિકામાં વધુમાં વધુ સાત યા પાંચ વર્ષ એ કંપનીમાં મૅનેજર, એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કરવા જવું હોય તો આંતરકંપની ટ્રાન્સફરી ‘એલ’ વિઝા મેળવવાની જરૃરિયાત રહે છે.
નર્સ તરીકે અમેરિકામાં કામગીરી કરવી હોય તો ‘એચ-૧એ’ યા ‘એચ-૧સી’ કે ‘એચ-૩’ વિઝા મેળવવાની જરૃરિયાત રહે છે. ત્યાંનાં ખેતરોમાં કામ કરવું હોય તો ‘એચ-૨એ’ વિઝા મેળવવાના રહે છે. જો તમે અસાધારણ આવડત ધરાવતા હો, તમે જે વિષયમાં જે ફીલ્ડમાં કાર્ય કરતા હો એમાં તમે એક્સ્ટ્રા ઑર્ડિનરી ગણાતા હો તો તમે અમેરિકાના ‘ઓ-૧’ વિઝા મેળવવાને લાયક બનો છો. એથ્લિટ હો, રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેતા હો અને એ માટે અમેરિકા જવા ઇચ્છતા હો તો ‘પી-૧’ અને એક્સચેન્જ પ્રોગ્રામ જતા હો તો ‘પી-૨’ અને સાંસ્કૃતિક કાર્યક્રમો એટલે નાટકો, નૃત્યો, વાદ્ય વગાડવા આ સર્વે માટે જવા ઇચ્છતા હો તો ‘પી-૩’ વિઝા મેળવવાના રહે છે. અમેરિકાએ જે દેશો જોડે ટ્રીટી કરી હોય છે એ દેશના નાગરિકો જો અમેરિકામાં બિઝનેસ કરવા ઇચ્છતા હોય તો તેઓએ ‘ઈ-૧’ યા ‘ઈ-૨’ વિઝા મેળવવાના રહે છે.
ધર્મગુરુઓ તેમ જ ધાર્મિક સંસ્થાઓમાં કામ કરતી વ્યક્તિઓ એ જ કામ માટે અમેરિકા જવા ઇચ્છતા હોય તો એમણે ‘આર’ વિઝાની જરૃરિયાત રહે છે. જ્યારે અખબારના પ્રતિનિધિઓ એ જ કાર્ય માટે અમેરિકા જતા હોય તો એમને ‘આઈ’ વિઝાની જરૃરિયાત રહે છે. અમેરિકન સિટીઝનને રૃબરૃ મળ્યા હો અને એની જોડે અમેરિકામાં લગ્ન કરવા ઇચ્છતા હો તો ‘કે-૧’ વિઝા મેળવવા પડે છે.
ખલાસીઓ યા વિમાનના કર્મચારીઓ, જેઓ અમેરિકાના કોઈ બંદર યા ઍરપોર્ટ ઉપરથી પસાર થવાના હો અને ત્યાં બે-ચાર દિવસ રહેવાના હો તો એમણે ટ્રાન્ઝિટ વિઝા, જેની સંજ્ઞા ‘સી’ અને ‘ડી’ છે એ મેળવવાના રહે છે. ડિપ્લોમેટ્સ તેમ જ રાજદ્વારી વ્યક્તિઓ, ગવર્નમેન્ટ સર્વન્ટ આ સર્વે માટે ‘એ’, ‘સી-૨’, ‘સી-૩’ તેમ જ ‘જી’ વિઝા ઘડવામાં આવ્યા છે.
અમેરિકાની સરકારને કોઈ ગુનેગારને પકડવા યા સજા કરવા માટે માહિતી આપવા કે કોર્ટમાં જુબાની આપવા જવું હોય તો એવી વ્યક્તિઓને ‘એસ’ વિઝા આપવામાં આવે છે. જે વ્યક્તિઓ ટ્રાફિકિંગમાં સપડાયેલી હોય છે અને એમાંથી છૂટવા ઇચ્છતી હોય છે એમને ‘ટી’ વિઝા આપવામાં આવે છે અને ગુનાનો ભોગ બનેલ વ્યક્તિઓને ‘યુ’ વિઝા આપવામાં આવે છે.
આમ જુદાં જુદાં કાર્યો, જે માટે અમેરિકામાં કાયમ નહીં, પણ થોડા સમય માટે જવાની જરૃરિયાત હો એ માટે જુદા જુદા પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. આમાંના અમુક પ્રકાના નોન-ઇમિગ્રન્ટ વિઝા વાર્ષિક ક્વોટાની સંખ્યાથી સીમિત હોય છે. અમુક પ્રકારના વિઝા મેળવવા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે છે. એ એપ્રૂવ્ડ થાય ત્યાર બાદ જે વ્યક્તિના લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવી હોય એણે પોતાના દેશમાં આવેલ અમેરિકન એમ્બેસી યા કૉન્સ્યુલેટમાં અરજી કરવી, ઇન્ટરવ્યૂ આપી તેઓ જે વિઝા માટે અરજી કરી રહ્યા છે એ મેળવવા માટે જે-જે લાયકાતો હોવી જોઈએ એ સર્વે એમનામાં છે એની કૉન્સ્યુલર ઑફિસરને ખાતરી કરાવી આપીને વિઝા મેળવવાના રહે છે. દરેક પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટેનો સમય જુદો જુદો હોય છે. વિઝા આપવામાં આવ્યા હોય એટલે અમેરિકામાં પ્રવેશ મળશે જ એવી ગૅરન્ટી નથી હોતી. અનેક વાર વિઝા આપ્યા બાદ જો કૉન્સ્યુલર ઓફિસરને અથવા તો અમેરિકાના ઇમિગ્રેશન ઓફિસરને એવું જણાય કે એ વ્યક્તિએ વિઝા જૂઠાણુ આચરીને મેળવ્યા છે, એ વ્યક્તિનો ઇરાદો એણે જે જણાવ્યો એ નથી, એક પ્રકારના વિઝા મેળવીને, અમેરિકામાં પ્રવેશીને એ વ્યક્તિ બીજા પ્રકારના વિઝા ઉપર જે કાર્ય કરી શકાય એ કરવા ઇચ્છે છે અથવા તો વિઝા મેળવવાની અરજી સમયે એના જે સંજોગો હતા એ બદલાઈ ગયા છે તો તેઓ તમારા વિઝા કૅન્સલ કરી શકે છે અને તમને અમેરિકામાં પ્રવેશ આપવાની ના પાડી શકે છે.
ઘણી વાર દસ વર્ષના મલ્ટિ-એન્ટ્રી ‘બી-૧/બી-૨’ વિઝા મેળવ્યા હોય, એ વિઝા ઉપર બે-ત્રણ વાર અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હોય આમ છતાં ચોથી વાર જ્યારે અમેરિકામાં પ્રવેશવા જાવ ત્યારે તમને પ્રવેશ આપવાની ના પાડવામાં આવે છે અને તમારા ‘બી-૧/બી-૨’ વિઝા કૅન્સલ કરવામાં આવે છે.
—————————