પંગા લેતી કંગના  રીલ હો યા રિયલ

રિયલ લાઇફમાં પણ અનેક બિગ સ્ટાર્સ સાથે લઈ ચૂકી છે
  • મૂવીટીવી –  હેતલ રાવ

પંગા ફિલ્મમાં એક એવા પરિવારની વાતને દર્શાવવામાં આવી છે જે સાથે હસે છે, રડે છે અને અનેક સપનાં પણ જુએ છે. ફિલ્મમાં કબડ્ડીની એવી પ્લેયર જોવા મળશે જે અનેક સંઘર્ષનો સામનો કરે છે. કબડ્ડી પ્લેયરના રોલમાં બોલિવૂડ ક્વીન કંગના રનૌત માતા, પત્ની અને એક એવી મહિલાની ભૂમિકા નિભાવી રહી છે, જે પોતાનાં સપનાંઓને જીવવા માગે છે. લાગણીના ઉતાર-ચઢાવને દર્શાવતી આ ફિલ્મમાં જીવનની તાસીર જોવા મળશે.

આલિયા ભટ્ટને બોલિવૂડમાં લોકો યંગ અભિનેત્રી કહે છે, પરંતુ તે લોકોને મારે કહેવું છે કે જે ઉંમરમાં આલિયા છે તે ઉંમરમાં મારી માતાને ત્રણ બાળકો હતાં અને તે બાળકોની સાથે ઘર પરિવાર સંભાળતી હતી. તમને કહેવાની જરૃર નથી કે આલિયાને એક જ મિનિટમાં યંગમાંથી ઉંમરલાયક બનાવનાર અને તેની સાથે પંગો લેનાર આ અભિનેત્રી કોણ છે. જી હા, આ બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌત છે, જે પોતાની ફિલ્મ પંગાને લઈને ચર્ચામાં છે, કારણ કે રીલ લાઇફમાં જેમ કબડ્ડીની પ્લેયર સાથે તે પંગા લેતી જોવા મળે છે, તેવા જ પંગા તે રિયલ લાઇફમાં પણ અનેક બિગ સ્ટાર્સ સાથે લઈ ચૂકી છે. એમ પણ કહી શકાય કે કંગનાનું બીજું નામ જ પંગા છે.

બાળપણથી જ બાગીનંુ ઉપનામ મેળવી ચૂકી છે
નાની-નાની વાતોમાં પણ લોકો સાથે લડાઈ કરતી કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની રિયલ લાઇફની ચર્ચા કરતા કહ્યું હતંુ કે, બાળપણથી જ હું બાગી હતી. મને હંમેશાં એમ જ લાગતંુ કે મારી વાત કોઈ સાંભળતું નથી. સાયન્સ વિષય મારે પલ્લે પણ નહોતો પડતો, છતાં મારા પપ્પાએ પરાણે મને તેમાં જ ધકેલી. જેના કારણે ક્લાસમાં હું અન્ય વિદ્યાર્થીઓ માટે હાસ્યનો વિષય બનતી. શિક્ષકો મને બોલતા અને પપ્પાને પણ મારા અભ્યાસને લઈને ઘણુ સંભળાવતા. મારી બહેન ભણવામાં કાયમ અવલ્લ રહેતી અને મને પરાણે પાસ કરવામાં આવતી. જ્યારે શિક્ષકો પપ્પાને બોલી રહ્યા હોય ત્યારે હું તેમને પાઠ ભણાવવાનું પ્લાનિંગ કરતી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને સાથે પંગા લેતી.

હોસ્ટેલના પડકારે આત્મવિશ્વાસ વધાર્યો
અભિનય શીખી રહી હતી તે વખતે પોતાના અનુભવને વાગોળતા કંગનાએ કહ્યું હતંુ કે, તે સમયે હું હોસ્ટેલમાં રહેતી હતી અને મારી રૃમ પાર્ટનર ધનિક વર્ગની એક યુવતી હતી. તેને જોતી ત્યારે મને લાગતંુ કે આ કેમ અહીં આવી હશે. તે પ્રશ્નનો જવાબ તો મને અત્યારે સમજાઈ જ ગયો છે, પણ હોસ્ટેલ લાઇફમાં એ મને ફિલ્મો જોવા લઈ જતી, ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર કરાવતી. મને યાદ છે કે એક દિવસે અમે બ્લેક ફિલ્મ જોઈને બહાર આવ્યા ત્યારે તેણે મને કહ્યું કે, આપણે ક્યારેય રાની મુખર્જી જેવી એક્ટિંગ કરી શકીશું. મેં ફટ કરી જવાબ આપ્યો, તેમાં શું મોટી વાત છે. મારી વાત સાંભળી તેને મને પડકારી કે, તું રાનીના ડાયલોગ બોલી બતાવ. મેં કહ્યું ડિનર પછી. પણ જમ્યા પછી તે ભૂલી ગઈ અને અમે હોસ્ટેલ પહોંચી ગયા. પછી જ્યારે હું બાથરૃમમાં ગઈ ત્યારે મને તેનો પડકાર યાદ આવ્યો અને હું ફટાફટ રાની મુખર્જીના ડાયલોગ બોલવા લાગી. ત્યારે મારામાં જુદા જ પ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો, સાથે જ હું સમજી ગઈ કે બોલિવૂડમાં હું રાની અને અન્ય અભિનેત્રીઓની જેમ જ કામ કરી શકું છું.

ફિલ્મ કરતાં ન્યૂઝ જોવાનું પસંદ કરીશ
મોટા ભાગે બોલિવૂડ કલાકારો ફિલ્મો જોઈને એકબીજાને અભિનંદન આપતા હોય છે. ત્યારે પંગા ગર્લ કંગના ફિલ્મો જોવાની જગ્યાએ ઓનલાઇન શૉ અને ન્યૂઝ જોવાનું પસંદ કરે છે. તે માને છે કે કોઈ ફિલ્મ જોઈ બેથી અઢી ક્લાક વ્યર્થ કરવા કરતાં, તેની જગ્યાએ ન્યૂઝ જોઈને દેશમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી મેળવવી મને વધુ સારી લાગે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવી કે ઓનલાઇન કોઈ શૉ જોવા પણ પસંદ કરું છું. હા, કોઈ કહે કે આ ફિલ્મ સારી છે તે જોવા જેવી છે, તો હું તેવી ફિલ્મો જોવાનું પસંદ કરીશ. બાકી ફિલ્મ જોઈને સમયને વેસ્ટ કરવાનું મને ગમતું નથી. ફિલ્મના પ્રિમિયરમાં પણ કંગનાને જવાનું પસંદ નથી. તેના મતે પ્રિમિયરમાં જવાથી સમય બરબાદ થાય છે.

મનગમતંુ કામ જ કરું છું
કંગના કહે છે, ઘણીવાર એવું બને છે કે કોઈ કાર્ય કર્યા પછી મને લાગે કે મારે આ કામ ના કરવું જોઈએ ત્યારે વધારે વિચાર્યા વિના હું એ કામને કાયમ માટે અલવિદા કહું છું. એક ફોટોશૂટ દરમિયાન મને લાગ્યું કે, મારે તેને આગળ નથી વધારવું. બસ પછી શું, હું ત્યાંથી પરત ફરી. એટલંુ જ નહીં, મારો ફોન નંબર પણ બદલી નાંખ્યો, જેના કારણે તે લોકો મારો સંપર્ક ના કરી શકે. જે કામ માટે મારું મન ના માને તે હું ક્યારેય કરતી નથી.

કંગનાની બહેન રંગોલી જે તેનું દરેક કામ સંભાળે છે અને  એમ પણ કહી શકાય કે કામની સાથે કોઈની પણ સાથે પંગો લેવાનું થોડંુ ઘણુ કામ પણ તે સંભાળી લે છે. રંગોલીની વાત કરવાનો આશય પણ એ જ છે કે તેના વગર આજની કંગનાને આલેખવી શક્ય ના બની શકે. ભલે તે બોલિવૂડનો હિસ્સો નથી, પરંતુ બહેનની સાથે રહીને લોકો સાથે ફાઇટ કરવાનું અને વગરવાંકે માથાકૂટ કરવાની તેની આદતના કારણે કંગના પણ લાઇમ લાઇટમાં રહ્યા કરે છે. હવે રંગોલીને સાઇડ પર રાખી માત્ર કંગનાની વાત કરીએ તો બોલિવૂડમાં પોતાના દમ પર ફિલ્મો કરવી અને તેને સફળતા મળે ત્યાં સુધી મહેનત કરતા રહેવાનું કામ ઘણી ઓછી અભિનેત્રીઓ કરી શકે છે. આવી અભિનેત્રીઓમાં કંગનાનું નામ મોખરે છે. જેના નામ પર ફિલ્મો ચાલી જાય છે. કોઈ પણ મુદ્દા પર ખૂલીને વાત કરવાની હિંમત પણ તેની પાસે છે. કોઈના પણ પેંગડામાં પગ ભીડાવતા તે ડરતી નથી. પછી તે કરણ જોહર જેવા મોટા ફિલ્મકાર હોય, સૈફ અલી ખાન જેવો મોટો અભિનેતા હોય, રિતિક રોશન, દીપિકા પાદુકોણ કે પછી કોઈ પણ હોય, તે પંગા લેવામાં માહીર છે. છતાં પ્રેક્ષકો તેની ફિલ્મો અને અભિનયને પસંદ કરે છે.
——.

કૉલેજોમાં ગેંગવોર કોમન છેઃ કંગના…
દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના વિરોધમાં ઘણા સેલિબ્રિટીએ પોતાના વિચારો રજૂ કર્યા છે. દીપિકા પાદુકોણ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા માટે જેએનયુમાં પહોંચી ગઈ હતી. હવે આ મુદ્દાને લઈને કંગનાએ પણ પોતાના વાતને સ્પષ્ટ કરી છે. ફિલ્મ પંગાના પ્રમોશન માટે એક કાર્યક્રમમાં પહોંચેલી કંગનાએ જેએનયુ વિશે વાત કરતાં કહ્યું હતું કે, આ સંદર્ભે હજુ તપાસ ચાલી રહી છે. મારા દ્રષ્ટિકોણની વાત કરું તો ત્યાં બે પ્રકારના લોકો છે, બે પ્રકારનું યુનિયન છે. કૉલેજમાં ગેંગવોર સ્વાભાવિક વાત છે. કૉલેજના સમયમાં જ્યારે હું ચંડીગઢની હોસ્ટેલમાં હતી ત્યારે મારી પાસે આવેલા બોય્ઝ હોસ્ટેલના યુવકો બીજા યુવકો પર નજર રાખતા અને ખુલ્લેઆમ તેમની હત્યા પણ કરતા. એકવાર અમારી હોસ્ટેલના ગેટની અંદર યુવક આવી ગયો હતો. જો તે અમારી હોસ્ટેલનો ગેટ કૂદીને અંદર ના આવ્યો હોત તો તેની હત્યા કરવામાં આવત. આવા ગેંગવોર ઘણા આક્રમક હોય છે, જેમાં બંને તરફના લોકોને ઈજા થાય છે. આવા મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવાની કોઈ જરૃર નથી. આવા લોકોને પોલીસ કસ્ટડીમાં લઈને બે-ચાર થપ્પડ મારવી જોઈએ, જેના કારણે તેમની સાન ઠેકાણે આવે. આવા ગુંડા દરેક ગલી, મહોલ્લા અને કૉલેજોમાં હોય છે. માટે આવી વાતોને નેશનલ ઇસ્યુ બનાવવાની જરૃર નથી, તેવી વાતો રાષ્ટ્રીય મુદ્દો બનવાને લાયક નથી.
—————————-

કંગનાપંગા.મૂવીટીવી - હેતલ રાવ
Comments (0)
Add Comment