હાસ્ય સાહિત્ય વંદનાનો અનોખો આનંદોત્સવ

વિનોદ ભટ્ટ આપણી વચ્ચે હાસ્યસ્થ છે જ. શબ્દદેહે વિરાજે જ છે.
  • સાહિત્ય – પરીક્ષિત જોશી

વિનોદ-રસિકો જેમને સ્વર્ગસ્થ નહીં, હાસ્યસ્થ માને છે એવા વિનોદ ભટ્ટને હાસ્ય સાહિત્યના કાર્યક્રમનું અધ્યક્ષપદ અપાય અને યક્ષની પરવાનગી લઈ અધ્યક્ષીય પ્રવચન પણ વંચાય એ સમગ્ર અવધારણા જ અદ્ભુત છે. એવા એક ખરેખર આનંદોત્સવ બનેલા કાર્યક્રમની વાત.

૧૯મી જાન્યુઆરી, ૨૦૨૦. એએમએનું જે.બી. ઓડિટોરિયમ. શિયાળાની સાંજે, શહેરમાં ઘણી મોટી માત્રામાં લગ્ન-રિસેપ્શન હોવા છતાં હૉલ હાસ્યસાહિત્યના રસિયાઓથી ઊભરાતો હતો. સ્ટેજની આગળની પહેલી પંક્તિથી પણ આગળ નવી બે ઝીરો લાઈન ફર્શ પર રચાઈ ગઈ હતી. સ્ટેજ ઉપર અને સીડીમાં પણ વગર ખુરશીએ પલાંઠી જમાવીને બેસી જનારાઓનો કમી નહોતી. જેને જ્યાં જગ્યા મળી ગઈ ત્યાં પોતાની રીતે ગોઠવાઈ ગયા હતા. શ્રોતા-દર્શકો એટલી મોટી માત્રામાં એકત્રિત થઈ ગયા હતા કે કાર્યક્રમમાં પોતાની રજૂઆત માટે સમયસર આવેલા સંગીતકાર-ગાયકો અને જેમના હસ્તે પુસ્તકનું વિમોચન થવાનું હતું એ મહાનુભાવોને બૅકસ્ટેજથી પ્રવેશ કરાવવો પડ્યો હતો.

પ્રસંગ હતો ગુજરાતી હાસ્યસાહિત્યને મળેલા અનેરા ગૌરવ પોંખવાનો અને એની સાથે સમગ્ર ગુજરાતી હાસ્યસાહિત્યની વંદના કરવાનો. છેક ૧૯૫૪થી અપાતા સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકોમાં, ૧૯૫૫માં જ્યારે પહેલા ગુજરાતી પુસ્તક ‘મહાદેવભાઈની ડાયરી’ને આ પારિતોષિક મળ્યું, ત્યારથી અત્યાર સુધી કોઈ પણ હાસ્યલેખકને આ સન્માન મળ્યું નહોતું. ગુજરાતી ભાષાના હાસ્યસાહિત્યમાં રહેલું આ મેણુ ભાંગતા આપણી ભાષાના પ્રસિદ્ધ હાસ્યલેખક રતિલાલ બોરીસાગરનું પુસ્તક ‘મોજમાં રે’વું રે’ આ સન્માન મેળવનારું પહેલું ગુજરાતી હાસ્યસાહિત્યનું પુસ્તક બન્યું છે. ગુજરાતી ભાષાના હાસ્યસાહિત્યમાં જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ જેવા સમર્થ હાસ્યલેખકો થઈ ગયા અને આ દરેકનું હાસ્યસર્જન આ પારિતોષિકનો ભાર ઝીલી શકે એવું બળકટ હોવા છતાં સાડા છ દાયકા પછી આ ધન્ય ક્ષણ આવી અને ડૉ. રતિલાલ બોરીસાગરને એમના હાસ્યલેખન માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું.

ગુજરાતી સર્જકો વિશે પોતાની નાગરી શૈલીમાં કાવ્યપંક્તિઓ લખનારા શ્રી હરિકૃષ્ણ પાઠકે શ્રી રતિલાલ બોરીસાગર માટે લખ્યું છે કે,

બોરી તો સાકરની પાછી, મધ સાગરમાં બોળે,
નથી વિરોધી એકેય જન્મ્યો
, નાહકનો ક્યાં ખોળે.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન આયોજિત મરક મરક કાર્યક્રમ નિમિત્તે ખરા અર્થમાં ગુજરાતી હાસ્યસાહિત્યની વંદના કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૃઆતમાં સાંઈ મકરંદ દવેની કવિતા દ્વારા જાણીતા લોકગાયક અરવિંદ બારોટે પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ શ્રી ર.બો. લિખિત બે હાસ્યગીતો-પેરોડીની રજૂઆતમાં આરતી મુનશીએ ‘જાગને જાદવા, કૃષ્ણ નિશાળિયા’ અને સૌમિલ મુનશીએ ‘મંગલ મંદિર ખોલો, દયામયી’ની રજૂઆત કરી હતી. કવિશ્વર દલપતરામની દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તને ધ્યાનમાં રાખીને શ્રી શ્યામલ મુનશીએ થોડાક ‘મનહર છંદ’ ગાઈને વાતાવરણને સંગીતમય કરી દીધું હતું.

સૌ આમંત્રિતોનું સ્વાગત પ્રવચન કરતાં ગૂર્જર પ્રકાશનના મોભી મનુભાઈ શાહે ગુજરાતી હાસ્યસાહિત્ય વંદના કાર્યક્રમ વિશે પણ વાત કરી હતી. ત્યાર બાદ સાવરકુંડલા ખાતે ૧૦૦ પ્રતિશત નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની પરિચય ફિલ્મની પ્રસ્તુતિ થઈ હતી. આ પ્રસંગે શ્રી ર.બો. લિખિત પુસ્તક ‘ત્રણ અઠવાડિયાં અમેરિકામાં’નું શ્રી નટવર ગાંધી અને સુશ્રી પન્ના નાયકના હસ્તે વિમોચન થયું હતું.

હર્ષદ ત્રિવેદીએ પોતાના વ્યાખ્યાન ‘ભદ્રંભદ્રથી મોજમાં રે’વું રે’ સુધીના ગુજરાતી હાસ્યસાહિત્ય લેખનના ૨૦૦ વર્ષના ઇતિહાસને આજના ટી-ટ્વેન્ટીના જમાનામાં માત્ર ૨૦ મિનિટમાં ફાસ્ટફોર્વર્ડ કરી ‘વાંચી’ વર્ણવ્યો હતો. એમણે પોતાના મતે, ગુજરાતી હાસ્ય સાહિત્યના સાડા પાંચ સર્જકોમાં, પહેલા પાંચમાં જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, શાહબુદ્દીન રાઠોડ અને રતિલાલ બોરીસાગરનો ઉલ્લેખ કરી, છેલ્લા અડધામાં કોણ, એ મુદ્દો સમય ઉપર છોડી દીધો હતો.

પોતાના વક્તવ્યમાં ર.બો.એ ‘મારી હાસ્યરચનાઓ અને હું’ વિષયને વફાદાર રહીને વાત કરી હતી. ટેસ્ટમેચના ખેલાડીને ટી-ટ્વેન્ટી રમવા ઉતાર્યો હોય ત્યારે એ જે મૂંઝવણ અનુભવે એવી પોતાની પરિસ્થિતિ છે એમ કહીને ર.બો.એ પોતાની ‘બેટિંગ’ શરૃ કરી હતી. પોતાના જમાનાના પ્રખ્યાત બોલર ત્રિપુટી બેદી, પ્રસન્ના અને ચંદ્રશેખરને યાદ કરી, એક ‘ખોડ’ની કેવી રીતે કોઈ ‘જોડ’ મળતી નથી અને જબરજસ્ત સફળતા મળી જાય છે, એ જણાવ્યું હતું. પોતાના મગજમાં પણ આવો જ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોવાને લીધે પોતે આ ૧૩મું પુસ્તક આપવા સુધી પહોંચી શક્યા છે, એવો દૃઢ વિશ્વાસ પણ એમણે વ્યક્ત કર્યો હતો. પોતાને વરદાનરૃપે મળેલા ભૂલકણાપણા સંદર્ભે એમણે થોડાક પ્રસંગો પુનઃ યાદ કર્યા હતા.

ગાંધીનગર જતાં બસમાંથી ઊતરતા પાસે બેઠેલા કોઈ અજાણ્યા વ્યક્તિનું પાકીટ લઈને ઊતરી ગયા પછી એ પાછું આપીને પોતાનું પાકીટ પાછું મેળવવામાં સ્ટાફના મિત્રો, બસના ડ્રાઇવર-કંડક્ટર અને અન્ય પાત્રોની ‘સંડોવણી’ તથા આખરે પાકીટ મળી જતાં જેની સાઇકલ લઈને ગયેલા એને એ શુકનિયાળ સાઇકલ માટે સ્ટાફના એક મિત્રને અભિનંદન આપતા મળેલો જવાબ ઃ છો પાકીટ તમારું હશે, પણ આ સાઇકલ મારી નથી, એ પ્રસંગ એમણે પોતાની આગવી શૈલીમાં કહી બતાવ્યો હતો. એકવાર તો તેઓ પોતાના બે વર્ષના દીકરાને પાનના ગલ્લે ભૂલી આવ્યા હતા. એમના ચશ્માં, આમ તો રોજેરોજ ખોવાઈ જતાં અને એેને લીધે દર અઠવાડિયે ત્રણ વાર શોધવાનું ઇનામ પણ સેવકરામ મેળવી જતો. બકોર પટેલની વાર્તાઓ વાંચી જ છે એવું નથી, એ પોતે જીવી છે એનું ઉદાહરણ આપતાં ર.બો.એ કહ્યું કે, ચશ્માં મોબાઇલ લાકડી પેન ચાવીમાંથી કંઈ પણ ક્યાંક પણ ભૂલી ન જવાય એ માટે ‘ચમોલાપેચા’ જેવું સૂત્ર બનાવવાની પ્રેરણા બકોર પટેલની વાર્તામાંથી જ મળી હતી.

કાર્યક્રમનું એક વિશેષ પાસું હતું, અધ્યક્ષીય વક્તવ્ય, જે હાસ્યસ્થ વિનોદ ભટ્ટે આપ્યું હતું. વિનોદ ભટ્ટને સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધે થોડોક સમય વીત્યો છે, પરંતુ એમના હાસ્યરસના રસિયાઓ આજે પણ એમ માને છે કે વિનોદ ભટ્ટ આપણી વચ્ચે હાસ્યસ્થ છે જ. શબ્દદેહે વિરાજે જ છે. એટલે કાર્યક્રમમાં અધ્યક્ષપદે તેઓની છબિ રાખવાની એક પરંપરા ઊભી કરાઈ છે અને જાળવી રાખી છે. હાસ્યનો પ્રસંગ હોય અને વિનોદ ભટ્ટ હાજર ન થાય, એવું તો કેમ બને. યક્ષની પરવાનગી લઈને અધ્યક્ષીય પ્રવચન આપવા આવેલા વિનોદ ભટ્ટે પોતાની માર્મિક શૈલીમાં શ્રી રતિલાલ બોરીસાગર સાથેના પોતાના સંબંધોનાં સંસ્મરણો વાગોળ્યા હતા. પછી આગળનું અધ્યક્ષીય વાંચવાની જવાબદારી હાસ્યસેતુ રઈશ મણિયારે અદા કરી હતી. ઋણસ્વીકાર વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ડૉ. માનસેતાએ કર્યો હતો. આજની શિક્ષણપ્રણાલિ વિશે એક રેડિયો મુલાકાતનું હાસ્ય મંચન જિગિષા-અર્ચન ત્રિવેદી તથા બિન્દુ ઉપાધ્યાય કડવેએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાસ્યસેતુનું કાર્ય રઈશ મણિયારે બખૂબી નિભાવ્યું હતું.
———————-

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયપરિક્ષિત જોષીરતિલાલ બોરીસાગરવિદ્યાગુરુ ફાઉન્ડેશન
Comments (0)
Add Comment