સંપદા અને સ્થાપત્ય સંરક્ષણ માટે ગ્રામીણ પ્રજાનો અનોખો સંકલ્પ!

પશ્ચિમ બંગાળના ઝારગ્રામના ગરીબી રેખા નીચે જીવતાં ગ્રામીણ લોકો માટે તે અમૂલ્ય સંપત્તિ છે
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

સંસ્કૃતિ અને સંપદા આધુનિક ગણાતાં લોકોને જુનવાણી લાગે છે, પણ પશ્ચિમ બંગાળના ઝારગ્રામના ગરીબી રેખા નીચે જીવતાં ગ્રામીણ લોકો માટે તે અમૂલ્ય સંપત્તિ છે. કોલકાતાથી આશરે ૨૦૦ કિલોમીટરના અંતરે ગોપીવલ્લભપુર ગામમાં મદનમોહન મંદિર જીર્ણ-જર્જરિત અવસ્થામાં ધીમે ધીમે ખરી રહ્યું હતું. ગોપીવલ્લભપુર માટે કહેવાય છે કે શ્રીકૃષ્ણના નામ પર આ ગામનું નામ પડ્યું છે. મદનમોહન પણ શ્રીકૃષ્ણનું જ નામ છે. એટલે શ્રી ચૈતન્ય મહાપ્રભુના ભક્તોને આ પ્રાચીન મંદિરના પુનરોદ્ધાર કરવાના કોડ સૂઝે તે સ્વાભાવિક છે.

મદનમોહન મંદિર આશરે ૬૦૦ વર્ષ જૂનું છે. તેની ઊંચાઈ ૭૫ ફૂટ અને પહોળાઈ ૬ ફૂટની છે. આ મંદિર જગન્નાથ પુરીની જેમ કલિંગ સ્થાપત્ય શૈલીનું છે. જેની દીવાલો પર પુરાતન શિલ્પ કોતરેલું છે. ચૈતન્ય ચરિત ગ્રંથમાં આ મંદિરનો ઉલ્લેખ છે. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ પુરી યાત્રા પર આ માર્ગે જતાં ત્યારે આ મંદિરમાં મદનમોહનનાં દર્શન માટે રોકાણ કરતા. મંદિરમાં રાધા અને કૃષ્ણની મૂર્તિઓ હતી જે વર્ષો પહેલાં ચોરાઈ ગઈ છે, એવું ગામના પૂર્વજો પાસે લોકોએ સાંભળ્યું છે. ચૈતન્ય મહાપ્રભુ અને વૈષ્ણવ સંપ્રદાય પર સંશોધન કરતા સ્થાનિક વિદ્વાનોનું માનવું છે કે તે સમયે સાત સંપ્રદાય હતા, જેમાંના એક શ્યામાનંદ-રસિકાનંદના પુરાવા ગોપીવલ્લભપુરમાં જોવા મળે છે.

મદનમોહન મંદિરનો પુનરોદ્ધાર થાય તે માટે આસપાસનાં દશ ગામના લોકોએ બીડું ઉપાડ્યું છે. આ લોકોમાંથી મોટા ભાગના ગરીબી રેખાથી નીચે જીવતાં લોકો છે, જેઓ બાબુઈ ઘાસ જે દોરી બનાવવાના કામમાં આવે છે કે સૂકી લાકડીઓ ભેગી કરવા જેવું કામ કરે છે. અન્ન સંસ્થામાંથી બે રૃપિયા કિલો ચોખા મેળવી યેનકેન પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને ચિંતા છે કે તેમના પ્રાંતની સંપદા, સંસ્કૃતિ વગર તેમની ઓળખ નહીં રહે. તેઓ આ સ્થાપત્ય સંપત્તિ નષ્ટ થાય એવું ઇચ્છતા નથી એટલે દશ રૃપિયાથી સો રૃપિયા સુધીનો ફાળો ભેગો કરીને પ્રાચીન મંદિરની દિવ્યતાને ફરી તેજસ્વી બનાવવા સંકલ્પ લીધો છે. ફાળો આપવા ઉપરાંત શ્રમ સેવા પણ આપી રહ્યા છે. જેમને ચણતરનું કામ આવડે છે તે તૂટેલો ભાગ જોડવાનું કામ કરે છે. કેટલાક રાધાકૃષ્ણની મૂર્તિઓ ઘડી રહ્યા છે. મદનમોહન મંદિરમાં રાધાકૃષ્ણ ફરીથી બિરાજમાન થશે. કલાકારો, શિલ્પીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે, જેમને કંઈ નથી આવડતું તેમણે સફાઈ અને પાણી ભરવાનું કામ માથે ઉપાડ્યું છે. ઝાઝા હાથ રળિયામણાના ધોરણે તેમણે કણ-કણ જોડી ગોપીવલ્લભપુરની વૈષ્ણવ સંસ્કૃતિ દીપાવવાનું કામ સ્વાવલંબન શ્રેણી અપનાવી આગળ ધપાવ્યંુ છે. આજીવિકા માટે સુકાઈ ગયેલી લાકડીઓ બજારમાં વેચી કે બાબુઈ ઘાસ ઉખાડી, ભેગું કરી દોરીઓ વણી કે શાલપત્તાં ભેગાં કરી તેની છાબડીઓ બનાવતી પ્રજા અનોખો ઉદ્યમ કરી રહી છે. સાથે રાજ્ય સરકારને આ મંદિરને હેરિટેજ કક્ષામાં મૂકવા અરજી પણ કરી ચૂકી છે.

પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારનો હેરિટેજ વિભાગ રાજ્યની પુરાતન અને પ્રાચીન સ્થાપત્ય પર સંશોધન કરતો રહ્યો છે. તેમણે તાજેતરમાં બહાર પાડેલ સૂચિ પ્રમાણે ૧૦૯ સ્થાપત્ય સ્મારકોની સાચવણ અને શિલ્પ સંરક્ષણની જવાબદારી ઉપાડી છે. ત્યાં જરૃરી નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. તે સાથે આ વિભાગને પણ સમજાયું છે કે અનેક સંસ્થાપન, સ્મારકો, સ્મૃતિ સ્તંભો ગુપ્ત અવસ્થામાં જ છે. મોટી સંખ્યામાં તે પણ પ્રકાશમાં આવશે. ગોપીવલ્લભપુર અને આસપાસ ગામના લોકોની જેમ અન્ય વિસ્તારોમાં લોકો પોતાની સંસ્કૃતિ અને સ્થાપત્ય પ્રત્યે જાગૃતિ દેખાડશે તો તેમને પણ જરૃર જર્જરિત દશામાં પડેલી સંપદા મળી જશે. હાલ મદનમોહન મંદિર નવરૃપ અને કલરવ સાથે ખીલી ઊઠવા માટે તૈયાર થઈ રહ્યું છે. અહીં પર્યટન વિકાસની પણ અનેકગણી શક્યતા છે. સ્થાનિક લોકોને નવા રોજગારની તક મળશે. ફરી ચૈતન્ય પગલે મદનમોહન મંદિરમાં રાધાકૃષ્ણનાં દર્શન થશે. વૈષ્ણવ સંસ્કૃતિનાં ઊંડા મૂળિયાં ફરી ઝારગ્રામમાં પરચો દેખાડશે!
——————————-

કોલકાતા કોલિંગમુકેશ ઠક્કર
Comments (0)
Add Comment