- કવર સ્ટોરી – વિનોદ પંડ્યા
કમ્પાઉન્ડની વૉલમાં હરિયાળી વચ્ચે જીવતા વિદ્યાર્થીઓ યુવાન હોવાથી પોતાની ઓળખ પામી શકતા નથી, બતાવી શકતા નથી. તેઓના અસ્તિત્વની કોઈ કિંમત નથી એવું યુવાન હોવાથી સમજવા માંડે છે. પોતાનું અસ્તિત્વ જણાવવા એ મશાલ જુલૂસમાં તો ભાગ લે છે, પણ પ્રચંડ સત્તા ધરાવતી સરકાર સામે સૂત્રો પોકારીને તેનો આનંદ અનુભવે છે. પોતે પણ કંઈક છે એવું ફીલ કરે છે. પોતાને ઇન્કલાબી અથવા ક્રાંતિકારી ગણાવે છે. આમ કરવાથી તેઓને તેમના ડલ અને કંટાળાજનક રૃટિનમાંથી ડાયવર્જન મળે છે. તેઓના મગજમાં ઘૂસાડવામાં આવે છે કે સરકારો દમનકારી અને શોષણખોર હોય છે.
સામ્યવાદ અથવા માર્ક્સવાદની ફિલોસોફીના પિતા કાર્લ હેનરીક માર્ક્સના જન્મની દ્વિશતાબ્દી ૨૦૧૮ની પાંચ મેના રોજ ઊજવાઈ. ૨૦૧ વરસ પૂર્વે જન્મેલા માર્ક્સ ઓગણીસમી સદીમાં, માર્ચ ૧૮૮૩માં જ મરણ પામ્યા, પરંતુ વીસમી સદીમાં એમના વિચારો પૂરી દુનિયા પર છવાઈ રહ્યા. દુનિયાની અનેક રાજ્યવસ્થાઓ પર તેની અસર રહી. અમેરિકન પ્રમુખ ડવાઈટ ડી. આઇઝનહોવરે ખાસ કાનૂન ઘડી અમેરિકામાં સામ્યવાદી પક્ષ અને તેની વિચારધારા પર પ્રતિબંધ મૂક્યો અને જો તેમાં કોઈ ભાગ લે તો તેને કાનૂની ગુનો ગણાવ્યો. છતાં સોવિયેત સંઘ, ચીન અને બીજા દેશો મળીને દુનિયાની ચાલીસ ટકા જનતા સામ્યવાદી શાસનોમાં જીવતી હતી. રશિયાના લેનિન અને ચીનના માઓ ત્ઝે દોગે તેમાં સશસ્ત્ર ક્રાંતિને જોડી, જે વિચારધારાને આજે ભારતમાં નક્સલવાદ ગણવામાં આવે છે.
કાર્લ માર્ક્સ એક દયાળુ જિનિયસ હતા. એમની ઇચ્છા પૃથ્વીની પ્રજાને સુખી કરવાની હતી. અમુક અંશે એમની ફિલોસોફી સફળ રહી. અનેક દેશોમાં જમીનદારીઓ અને રાજરજવાડાં દૂર થયાં. કામદારોને મહત્ત્વ અપાયું, પણ દરેક માણસ સંત હોતો નથી. હજારોમાં બે-ચાર પરગજુ વૃત્તિ ધરાવતા હોય. બીજાઓને સુખી કરવા, તેમના માટે કામ કરવું, આળસુ અને એદી લોકોને નિભાવવા, એક જ વ્યવસ્થાના વખાણ કરવા, બીજા કોઈ વિચારો કરવા નહીં, શાસન વિરુદ્ધ બોલવું નહીં, ધન-સંપત્તિ એકઠા કરવા નહીં, આવું બધું લગભગ તમામ માણસોની ચિત્તવૃત્તિમાં હોતું નથી. સામ્યવાદી શાસકો ઇચ્છતા હતા કે લોકો આવી મોનોટોનસ, એકાંગી જિંદગી ગુજારે, પરંતુ બીજા માટે કામ કરવાનું લોકો પસંદ કરતા નથી. પરિણામે કોઈ કામ જ ના થાય. રૃશ્વતખોરી અને ગરીબી વધે. સહિયારી ભેંસમાં જીવડા પડે. સૌનું એ કોઈનું નહીં. જેઓ અનુપાલન ના કરે, વિરોધ કરે તેઓને લાખોની સંખ્યામાં જેલમાં પૂરવામાં આવતા, જે ગુલાગ તરીકે નામચીન બની. અનેકને ફાંસીએ લટકાવાયા. કોઈ કેસ નહીં, ન્યાયિક પ્રક્રિયા નહીં, આઝાદીની ખરી કિંમત તે ના હોય ત્યારે સમજાય! ભારતમાં આજે કઈ ચીજની આઝાદી નથી? બલ્કે વધુ પડતી ખોટી આઝાદી છે. તે પણ ત્યારે સમજાય કે પ્રચંડ દરવાજાની જેલમાં લેખકો, વિચારકોને આજીવન પૂરી દેવામાં આવે. જે લોકો મજૂરોના તારણહાર બન્યા તેમની જ પ્રચંડ પ્રતિમાઓ, સોવિયેત સંઘ, ચીન, પૂર્વ જર્મની જેવા દેશોનાં શહેરોના ચોકમાં ગોઠવાઈ ગઈ. તેઓએ કરુણાને બદલે બર્લિન શહેરમાં દમનની ચરમસીમારૃપ દીવાલ રચી. શાસકો સમ્રાટો બની બેઠા. મેક્સિમ ગોર્કી, લેનિન, સ્ટાલિન, નિકિતા ખ્રૂશ્ચોવ, બ્રેઝનેવની તોતિંગ પ્રતિમાઓ એક સમયે પ્રજાને ડરાવવા માંડી. ભલું થજો ગોર્બોચોવનું કે આ ઘનઘોર, વિકરાળ અને વિશાળ બનાવટને તોડી પાડી, જે અમસ્તું પણ વહેલું મોડું થવાનું જ હતું. સોવિયેત સંઘ ગરીબીમાં સડાઈ પડ્યો અને વિખેરી નાખવો પડ્યો. જે સામ્યવાદનું જેરૃસલેમ ગણાતું હતું તે રશિયા અને બીજા પંદર દેશો પાકા મૂડીવાદી બની ગયા છે.
માર્ક્સવાદ વીસમી સદીના પ્રારંભમાં શરૃ થયો અને વીસમી સદીના અંત સાથે સંકેલાઈ ગયો. આજે ચીનમાં સામ્યવાદી વ્યવસ્થાના મહોરા હેઠળ શુદ્ધ મૂડીવાદ ચાલે છે, પણ પ્રજાનું મોઢું બંધ છે. ઊઈઘરના લાખો મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરોમાં પૂરીને એમને નવી શિક્ષાઓ આપવામાં આવી રહી છે અને ઊઈઘરના મુસ્લિમો કે દુનિયાના મુસ્લિમો ચૂં કે ચાં કરી શકતા નથી. ભારતમાં વગર કારણે વાહનો સળગાવો, જાહેર રસ્તાઓ પર મહિનાઓ સુધી બેસી જાઓ છતાં હજી વધુ આઝાદી જોઈએ છે. કઈ પ્રકારની આઝાદી જોઈએ છે? પ્રજાને બાનમાં લેવાની? સામ્યવાદે ફાસીઝમ, ગુલાગ, શીતયુદ્ધો, સામૂહિક કત્લેઆમ અને દમન સિવાય દુનિયાને કશું આપ્યું નથી તે માટે કાર્લ માર્ક્સ જવાબદાર નથી, પણ લોકોનું વર્તન છે. દરેક વાદ સગવડિયા બની ગયા છે. ભારતમાં પશ્ચિમ બંગાળ અને કેરળમાં સામ્યવાદીઓનું પ્રભુત્વ હતું. બંગાળમાં સાફ થઈ ગયો અને જે છે તે ઝઘડા કરવામાં પ્રવૃત્ત છે. માત્ર કેરળમાં સામ્યવાદ અને બીજા પક્ષોના મોરચાની સરકાર છે. બંગાળના પ્રખર સામ્યવાદી નેતાઓ લેનિનને માર્ક્સને પ્યારા થઈ ગયા છે. જે છે તે બીમાર છે. માત્ર પ્રકાશ કરાત, સીતારામ યેચૂરી અને બીજા બે ચાર નર બચ્યા છે. કપાળ પર કેરમના સ્ટ્રાઇકર જેવડા ચાંદલા લગાવતી બે ચાર નારીઓ બચી છે. ત્રિપુરામાંથી માણેક સરકારની સામ્યવાદી સરકાર જતી રહી છે. કેરળ સિવાય દેશમાં સામ્યવાદીઓ માટે બેસવાની ડાળ ખાસ બચી નથી. છતાં દિલ્હીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ), અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને બંગાળની જાધવપુર યુનિવર્સિટીમાં હજી તેઓના જૂના અડ્ડાઓ બચ્યા છે. પચાસ અને સાઠના દશકમાં નહેરુવાદી સમાજવાદી વ્યવસ્થામાં ખેડૂતોની સમૂહ ખેતીઓ શરૃ કરવામાં આવી હતી તે મંડળીઓ પણ વિખેરાઈ ગઈ છે.
પણ તેનો અર્થ એ નથી કે સામ્યવાદનો દેશને કોઈ ફાયદો જ થયો નથી. જમીન માલિકીને લગતા કાનૂનો, કામદારોના હિતોના કાનૂનોમાં સુધારાઓ સામ્યવાદના દબાણથી કે અસરથી થયા છે. જોકે જ્યાં સુધી સમાજવાદની દેશે માળા પહેરી હતી (અને હજી તેના અમુક મણકા ગળામાં લટકી રહ્યા છે) ત્યાં સુધી દેશનો વિકાસ દર બેથી અઢી ટકા જ રહ્યો. તે પણ પાંચ પાંચ દાયકા સુધી. જેમાં દેશનો થવો જોઈતો હતો એટલો વિકાસ ના થયો અને ભ્રષ્ટાચારે ઊંડા મૂળ નાખ્યા, પરંતુ મૂડીવાદ એ કોઈ શ્રેષ્ઠ અને ઉત્તમ વિકલ્પ નથી તો તે સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
લોકશાહીય ઢાંચામાં સામ્યવાદી સરકારો મહદ્અંશે સમાજવાદી સરકારો બનીને રહી જાય, પરંતુ જો કેન્દ્રમાં સામ્યવાદી સરકાર રચાય તો તે દેશનું બંધારણ જ બદલી નાખે, ફરીવાર લોકશાહી ઢબે ચૂંટાણીઓ જ ના યોજાય. એ લોકો આજે દેશમાં બંધારણ બચાવવા માટે નીકળી પડ્યા છે. વાસ્તવમાં હાલનું બંધારણ તેઓની વિચારધારા માફકનું છે જ નહીં અને સીઆઈએના નાણા વડે જેણે અગાઉ બંધારણનો ભંગ કર્યો છે, બબ્બે વખત, ઇમરજન્સી લાદીને ત્રીજી વખત, શાહબાનો કેસમાં ચોથી વખત બંધારણનો સરેઆમ ભંગ કર્યો છે તે કોંગ્રેસ હવે બંધારણ બચાવવા નીકળી છે.
કશી સત્તા કે ઔચિત્ય વગર કોંગ્રેસની સરકારો જાહેર કરે છે કે સિટિઝનશિપ અમેન્ડમૅન્ટ એક્ટ એમના રાજ્યમાં લાગુ નહીં પાડવામાં આવે. આ પણ બંધારણનું હનન છે. જે સત્તા એમને બંધારણે આપી નથી તે વાપરવાની વાત કરે છે, પણ આવું થાય તો કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રપતિશાસન લાદવાની સત્તા છે. જે-તે રાજ્ય સરકારને બરખાસ્ત કરવાની સત્તા છે, જેનો ખોટો ઉપયોગ નહેરુએ કર્યો હતો તો શું સાચો ઉપયોગ નહીં થઈ શકે? વાસ્તવમાં આ રાજ્ય સરકારોનો વિષય જ નથી, પણ અમરિન્દર સિંહ જેવા ઠરેલ બુદ્ધિના વિચારવાન કોંગ્રેસી નેતા આવી વાત કરે ત્યારે બંધારણને ક્યાંથી ખતરો છે તે સમજી શકાય છે. હવે કોંગ્રેસની પૂરેપૂરી ફજેતી કરાવ્યા પછી કપિલ સિબલ અને સલમાન ખુરશીદ જેવા કોંગ્રેસી વડીલોને અચાનક યાદ આવે છે કે આ તો રાજ્યોનો વિષય જ નથી.
ઘણાને યાદ હશે કે યુપીએ શાસનની બીજી ટર્મમાં મા-દીકરાએ એવો કાનૂનનો ડ્રાફ્ટ તૈયાર કરાવી રાખ્યો હતો કે મુસ્લિમ અને હિન્દુ નાગરિક વચ્ચે ઝઘડો થાય તો હિન્દુ નાગરિકને જ કસૂરવાર ઠરાવી હિન્દુની જ ધરપકડ કરવી. મુસ્લિમની નહીં. કોંગ્રેસમાં પણ કેટલાક ડાહ્યા તત્ત્વો છે જેમણે આ કાનૂનમાં આગળ નહીં વધવાની સોનિયાને સલાહ આપી હતી. શું આ બંધારણની ભાવનાને રફેદફે કરવાની વાત ન હતી? ત્યારે ક્યાં હતા બંધારણની રક્ષક મુસ્લિમ સંસ્થાઓ અને સામ્યવાદીઓ? બલ્કે તેઓમાંથી અનેક સોનિયાની સાથે હતા. વાત ઘણી આગળ વધી ચૂકી હતી અને અખબારોમાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. તે ખરડાને અથવા પ્રસ્તાવિત કાનૂનને ‘કોમ્યુનલ વાયોલન્સ બિલ’ નામ અપાયું હતું અને વધુ તો મીડિયાએ તેનો વિરોધ કર્યો ત્યારે તે પડતો મૂકવો પડ્યો હતો, પણ કોંગ્રેસ અને સોનિયાની આ અદમ્ય ઇચ્છા હતી કે મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે મોટી ફાચર મારો. વિવેચકોએ તો આ સૂચિત કાયદો ખુદ કોમ્યુનલ છે તેવું લખ્યું હતું. એ વખતે હિન્દુઓ રસ્તા પર નહોતા ઊતરી આવ્યા, કારણ કે એમને ખબર છે કે ચૂંટણી નામનું શસ્ત્ર એમની પાસે છે.
બિહારના નામચીન બદમાશ મોહમ્મદ શાહબુદ્દીન નાસતો ફરતો હતો (શાહી ઠાઠમાઠ સાથે. લાલુ પ્રસાદની કૃપાથી) ત્યારે તેને સોએ સો ટકા પકડી લેવાની વ્યવસ્થા દિલ્હીના પોલીસ કમિશનર નીરજ કુમારે કરી હતી ત્યારે સોનિયા ગાંધીએ એ ધરપકડ થવા ન દીધી અને નીરજ કુમારના સચોટ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું હતું. બંધારણમાં એવું ક્યાં લખ્યું છે કે કોઈ પક્ષની પ્રમુખ પોલીસના કામમાં રોડા નાખી શકે છે?
વાસ્તવમાં બંધારણ સામે કોઈ સંકટ નથી. સંકટ સામ્યવાદીઓ પર, કોંગ્રેસીઓ અને સમાજવાદીઓ પર અને કેટલાક મુસ્લિમ નેતાઓ પર આવ્યું છે. ભીમ આર્મીના કેટલાક નેતાઓ પર આવ્યું છે, જેઓ જેલમાંથી છૂટીને સીધા જામા મસ્જિદ દોડી જાય છે. આ બધાને વૈચારિક વાહ વાહ અને લડવાનું ખોટું ઝનૂન જેએનયુમાં વસેલી સામ્યવાદી વિધુરો અને વિધવાઓની મંડળીઓ તરફથી અપાય છે. આ તમામની વિચારધારાઓ અલગ-અલગ છે, પણ દુશ્મનનો દુશ્મન એટલે શ્રેષ્ઠ દોસ્ત માનીને એકઠા થયા છે. એમને સાચી રીતે લાગી રહ્યું છે કે આવી રીતે ચાલશે તો મોદી સરકાર કાયમ માટે ટકી જશે. એમની ધીરજનો અને આશાનો અંત આવ્યો છે. મોદીના પ્રખર વિરોધી ઇતિહાસલેખક રામચંદ્ર ગુહા પણ કેરળમાં બોલ્યા કે પાંચમી પેઢીના ગાંધી રાહુલ કર્મશીલ નરેન્દ્ર મોદીનો સામનો નહીં કરી શકે. એમણે તો વાયનાડના લોકોને અપીલ કરી કે રાહુલને હવે સંસદમાં મોકલશો તો તમારું જ નુકસાન છે. એ તો સંસદમાં ફોનમાં વ્યસ્ત રહેતા રાહુલને જોઈને લોકો સમજતા પણ હશે. જેમના બોલવામાં, વિચારવામાં, વિરોધ કરવામાં કોઈ ઠેકાણા નથી એમના માટે પણ છેલ્લો ઓટલો જેએનયુનો બાકી રહ્યો હતો. સામ્યવાદીઓની સાથે નક્સલીઓના પણ વળતા પાણી થઈ રહ્યા છે, તેઓને પણ જેએનયુનો ખૂણો મળી રહે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ૨૦૧૭ના આંકડા પ્રમાણે દેશમાં ૮૨૬ યુનિવર્સિટીઓ છે. તેમાં કેન્દ્રીય, રાજ્ય, ખાનગી અને ડિમ્ડ યુનિવર્સિટીઓ આવી જાય. આ સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નોલોજી, ઓફ મૅનેજમૅન્ટ, ઓફ સાયન્સ અને વગેરે છે જેનાં કેમ્પસો યુનિવર્સિટીનાં કેમ્પસો કરતાં મોટાં છે. સંપૂર્ણ ભારતમાં લગભગ બે કરોડ નેવું લાખ વિદ્યાર્થીઓ કૉલેજમાં ભણે છે જેમાં કન્યાઓનું પ્રમાણ લગભગ ૪૫ ટકા જેટલું છે. આમાંથી સાત હજાર ત્રણસો ચાર વિદ્યાર્થીઓ જેએનયુમાં છે જેમાંના ચાર હજારથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અભ્યાસ કરે છે. દુનિયાના ચાલીસ દેશોમાંથી વિદ્યાર્થીઓ જેએનયુમાં ભણવા આવે છે. જામિયા મિલિયા ઇસ્લામિયામાં ૭૮૭૩ વિદ્યાર્થીઓ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ૭૮૬૫ વિદ્યાર્થીઓ છે. દેશના લગભગ બે કરોડ ૯૦ લાખ વિદ્યાર્થીઓમાંથી લગભગ ૨૫ હજાર વિદ્યાર્થીઓ સરકારનો અને સરકાર દ્વારા પાસ કરાયેલા સિટિઝનશિપ અમેન્ડમૅન્ટ એક્ટ (સીએએ)નો વિરોધ કરે છે. તેમનો વધુ વિરોધ સંભવિત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) સામે છે. સરકારે વારંવાર ખાતરી આપવા છતાં મુસ્લિમો, સામ્યવાદીઓ, ભીમ આર્મી, અને કોંગ્રેસ વિરોધ પડતો મૂકવા તૈયાર નથી. સરકારે ખાતરી આપી છે કે કોઈની નાગરિકતા છીનવાશે નહીં, પરંતુ ભવિષ્યની ઘૂસણખોરીને અટકાવવા માટે હાલમાં જે નાગરિકો છે તેનું રજિસ્ટ્રેશન અનિવાર્ય બને છે. એ પણ ત્યારે જ્યારે એ કાયદો ઘડાય, પણ સરકાર એવો કોઈ કાનૂન હાલ તુરત લાવવા માગતી નથી એવી જાહેરાત વડાપ્રધાને કરી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક કારણોસર પ્રતાડિત થયેલા અને ભારતમાં ઘૂસેલા બિન-મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાની વાત છે. મુસ્લિમો, કોંગ્રેસીઓ, સામ્યવાદીઓ અને જેએનયુનો સામ્યવાદી ગણ માગણી કરે છે કે અન્ય દેશોના મુસ્લિમોને પણ ભારતમાં નાગરિકતા આપો, પણ ત્યાં તો તેઓ જ બીજા ધર્મના લોકોને પ્રતાડિત કરે છે તે ઇમરાન ખાન કબૂલ કરે છે .જે શિકાર બને છે તેઓની સાથે શિકારીઓને, પીડિતાની સાથે બળાત્કારીઓને ભારતના નાગરિકો બનાવો એવી જીદ લઈને રાહુલ, સોનિયા વગેરે બેઠાં છે.
આટલી બધી યુનિવર્સિટીઓમાંથી માત્ર ત્રણ-ચારને જ વાંધો શા માટે છે? કરોડોમાંથી માત્ર ત્રીસ હજાર વિદ્યાર્થીઓને વાંધો શા માટે છે? કારણ કે તેઓ ધર્મના, સામ્યવાદના અને સ્વાર્થી રાજકારણના પ્રભાવમાં છે. ત્રીસ હજારમાં બધા જ વિદ્યાર્થીઓને વાંધો છે તેમ પણ ન કહી શકાય. વિદ્યાર્થીઓ પીઅર પ્રેશરના કારણે પ્રદર્શનોમાં ભાગ લેતા હોય છે. અલગ ના પડી જવાય એટલે જોડાતાં હોય છે. બીજા દબાણો પણ કામ કરતા હોય છે. મોદી સરકારે પ્રદર્શનો સામે સંયમથી કામ લીધું છે. આજે સવા મહિનાથી વિરોધ, અડચણો ચાલી રહ્યા છે અને પોલીસ શાહીન બાગના પ્રદર્શનકારોને સમજાવી રહી છે. આ લખનારને યાદ છે કે ૧૯૯૦ની આસપાસ મુંબઈમાં મોહમ્મદઅલી રોડ પર મુસ્લિમ યુવાનોએ પ્રદર્શનો યોજ્યાં હતાં. કોઈક આંતરરાષ્ટ્રીય મુદ્દાના સંદર્ભમાં એ વિરોધ થયો હતો. કદાચ સલમાન રશ્દીના ‘સેતાનિક વર્સિસ’નો વિરોધ હશે. આ લખનારે ત્યારે તેનું રિપોર્ટિંગ કર્યું હતું જે ‘અભિયાન’માં છપાયું છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારની પોલીસે અરધા કલાકમાં ૧૪ યુવાનોને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. મોદી સરકાર આવું કરે તો આંતરરાષ્ટ્રીય માછલાં ધોવાય. કોંગ્રેસ કરે તો પ્રેમથી કરેલું ગણાય. આ કારણથી પોલીસ જબરદસ્તી કરતી નથી. બીજું કારણ એ કે આંદોલનો ચાલતાં રહે તો કોંગ્રેસ, મુસ્લિમ લીડરો વધુ બદનામ થાય. હવે સવા મહિને કોંગ્રેસે સૂર બદલ્યો છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ છે. ત્રણેય પક્ષો પોતપોતાની રીતે મુદ્દો વેચી રહ્યા છે જેમાં મુસ્લિમો નાહકનો હાથો બને છે. મુસ્લિમોની પડખે એ સામ્યવાદીઓ પણ ચડી ગયા છે જે ઈશ્વરના અસ્તિત્વમાં કે અલ્લાહમાં માનતા નથી. મુસ્લિમો અને કોંગ્રેસીઓ બંધારણ બચાવવા માટે એવા સામ્યવાદીઓની સાથે જોડાયા છે જે ભારતના બંધારણમાં માનતા નથી. તેઓનું ચાલે તો દેશમાં સશસ્ત્ર બળવો કરીને માઓને શ્રદ્ધાંજલિ આપે. આ એ જ લોકો છે જેમણે વિદેશી વિમાનને વગર પરમિશને ભારતમાં ઘૂસાડી પુરુલિયામાં શસ્ત્રો વરસાવ્યાં હતાં. આ કોઈ બહુ જૂની વાત નથી. મુસ્લિમોમાં પણ અમુક ભારતને સ્વીકારતાં નથી. ભારતને સ્વીકારે છે તો મોદીને સ્વીકારતાં નથી. કોંગ્રેસ આ રાષ્ટ્રવિરોધી ઉત્તમ ભેળસેળનો એક હિસ્સો બની છે.
જેએનયુ આજે દેશમાં ધિક્કારનું પાત્ર બની છે, પણ તે કોઈ સામાન્ય સંસ્થા ન હતી. દિલ્હીના પાદરમાં એક હજાર ઓગણીસ એકર અર્થાત્ ૪.૧૨ ચોરસ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૬૯માં થઈ હતી અને તેને નહેરુનું નામ અપાયું હતું. દેશની બીજી ૨૦ ખ્યાતનામ સંસ્થાઓ જેએનયુ સાથે સંકળાયેલી અથવા માન્યતાપ્રાપ્ત છે.
જેએનયુ શરૃઆતથી જ વિદ્યાર્થીઓ માટે રાજકારણની પાઠશાળા રહી છે. રાત્રિના ભોજન બાદ આડે પડખે પડીને વિદ્યાર્થીઓ મોડે સુધી રાજકારણની ચર્ચા કરે એ તેની ખાસિયત છે. કહે છે કે જે વિદ્યાર્થી કેમ્પસ છોડીને વિદાય થાય ત્યારે એનો જીવનનો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ ગયો હોય છે. જેએનયુમાં વિદ્યાર્થીઓ ખાસ ખર્ચ કર્યા વગર અભ્યાસ કરી શકે. દસ જેટલી ઉચ્ચ ફેકલ્ટીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકે. લાઇફ સાયન્સીઝના ક્ષેત્રે જેએનયુ દેશમાં અગ્રેસર છે. અહીં સામાજિક અને આર્થિક ન્યાય, લઘુમતીના અધિકારો, વાણી સ્વતંત્રતા, સ્ત્રી સ્વાતંત્ર્ય જેવા વિષયોની દિવસ-રાત નુક્તેચીની થતી રહે. દેશના અને વિદેશના પ્રવક્તાઓ અને વિદ્વાનોને તેડાવી દર સપ્તાહે પ્રવચનો, ડિબેટો યોજાય. એક હોસ્ટેલથી બીજી દૂરની હોસ્ટેલ (જેમ કે ચન્દ્રભાગા, સાબરમતી હોસ્ટેલ વગેરે) સુધી સપ્તાહમાં એક વખત રાત્રિના સમયે મશાલ માર્ચ કાઢવામાં આવે તેમાં વિદ્યાર્થીઓ સૂત્રો પોકારે. જે-તે સાંપ્રત સમસ્યા પર વક્તવ્યો અપાય. કાર્લ માર્ક્સે કહ્યું હતું કે લડો, લડો, લડો. સંઘર્ષ કરો. અહીંના મોટા ભાગના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સામ્યવાદીઓ છે અને તેનો એકરાર ગર્વથી કરે છે. યુનિવર્સિટીની ચૂંટણીઓમાં સામ્યવાદી પક્ષોની પેટા શાખા સમાન વિદ્યાર્થી જૂથોની જ જીત થાય છે. ચૂંટણીઓમાં હૂંસાતૂંસી, ડિબેટો ખૂબ થાય. બસ લડો. ચારે બાજુ દીવાલ ધરાવતા આ કેમ્પસમાં વારંવાર એક સૂત્રની યાદ અપાવવામાં આવે છે કે, ‘જો તમે ૧૮ વરસની ઉંમરે સમાજવાદી ઊર્ફ સામ્યવાદી ન હો તો તમારી પાસે હૃદય નથી. કરુણા નથી અને જો તમે ૩૫ વરસ પછી પણ સમાજવાદી હો તો તમારી પાસે મગજ નથી.’ આવા તર્કહીન સૂત્રો વિન્સ્ટન ચર્લિલના નામે ખોટી રીતે ચડાવાય છે, જેનો પૂરો અર્થ કરવો મુશ્કેલ છે, પણ ટૂંકમાં વિદ્યાર્થી અવસ્થામાં તમે સામ્યવાદી હોવા જોઈએ એવો ભ્રામક પ્રચાર થાય છે. માઓના સામ્યવાદમાં સરકાર સામે જૂઠ ઘડવાની અને તેનો ખોટો પ્રચાર કરવાની યુક્તિને પણ વ્યૂહરચના ગણવામાં આવી છે.
વિચારોનું મહામંથન અને ઘમસાણ જામે એ વચ્ચે સિગારેટના ધુમાડા અને ઠૂંઠા પણ સર્વત્ર છવાયેલા મળે. મોટા ભાગના વિદ્યાર્થીઓ એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઈસિસ (અસ્તિત્વ સામેનું સંકટ) અનુભવે. ના અનુભવતા હોય તો પણ આવો એકરાર કરે, કારણ કે આ પીડા, તકલીફ કે બીમારી ફેશનેબલ છે. કહેતા ફરે કે ક્યાં રસ્તે જવું તે સંકટ પેદા થયું છે.! આવા યુવાનોને છત્રછાયામાં લેવા સામ્યવાદી રંગના પ્રોફેસરો અને અન્ય વિદ્યાર્થીઓ તૈયાર જ હોય છે. આવી ક્રાઇસિસ એ લોકો ખાસ અનુભવે છે જે સુખી ઘરમાંથી આવે છે, જેમને ભવિષ્યની ચિંતા હોતી નથી. બીજા વિદ્યાર્થીઓ એવા હોય છે જે નોકરી અને કરિયરની તલાશમાં હોય છે. તેઓ ‘ક્રાંતિકારી’ માર્ગે કેમ્પસમાં રહેવાનું કોઈ કારણ કે હેતુ શોધી લેતા હોય છે. યુનિવર્સિટીનું બંધારણ પ્રકાશ કરાત અને સીતારામ યેચૂરીએ, જ્યારે તેઓ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતાઓ હતા ત્યારે ઘડ્યું હતું. પ્રવેશ માટે એવા લોકોને લાયક ગણવામાં આવતા કે જેઓ ગરીબ વર્ગમાંથી અને ગરીબ પ્રદેશમાંથી આવતા હોય. પ. બંગાળ, કેરળ, બિહાર તેમજ આદિવાસી ક્ષેત્રોના વિદ્યાર્થીઓ વધુ ભરતી કરાયા, જેઓ પહેલેથી સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા અથવા તો જેમને તે તરફ લઈ જવાનું સહેલું હતું. એ જ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના જરૃરી અભ્યાસક્રમો પૂરા કરી અહીં જ પ્રોફેસરો, લેક્ચરરો બની ગયા. કેટલાક નક્સલીઓના સહાનુભૂત બન્યા. હોસ્ટેલોમાં રહેવાની અને ભણવાની ફી નગણ્ય હતી. તેથી ઘણા વિદ્યાર્થીઓ આધેડ થાય તો પણ કોઈક કોર્સ પકડીને કાયમ માટે હોસ્ટેલોમાં ધામા નાખીને પડી રહેવા લાગ્યા. તેઓને દૂર કરવાનું યુનિવર્સિટીના પ્રશાસન માટે મુશ્કેલ બનવા માંડ્યું. હોસ્ટેલોમાં નક્સલીઓને, રાષ્ટ્રવિરોધી તત્ત્વો અને ગુંડાઓને છુપાઈ રહેવા માટે આશરો અપાવા લાગ્યો. વિદ્યાર્થીઓને નક્સલવાદીનું, જરૃર પડે તો સરકાર સામે સશસ્ત્ર બળવો કરવાનું શિક્ષણ અપાવા લાગ્યું. મહારાષ્ટ્ર પોલીસના સીઆઈડી વિભાગના આઈજી રવિન્દ્ર કદમના જણાવવા પ્રમાણે જેએનયુ તેમજ દિલ્હી યુનિવર્સિટીમાં નક્સલવાદની પ્રવૃત્તિઓ ભયજનક હદે વધી હતી. ૨૦૧૭માં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જી.એન. સાઈબાબા અને જેએનયુના વિદ્યાર્થી હેમ મિશ્રાને, તેમજ બીજાઓને મહારાષ્ટ્રની અદાલતે જેલની સજા ફરમાવી હતી. આ સાઈબાબા એક સમયે જેએનયુના સ્ટુડન્ટ્સ યુનિયનનો પ્રમુખ ચૂંટાયો હતો. કદમના કહેવા મુજબ, “દિલ્હી યુનિવર્સિટીનું ‘ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયન (ડીએસયુ) નક્સલી પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે.” આ બધાનો આધારસ્તંભ અથવા વિદ્યાર્થીઓને નક્સલવાદનો રંગ ચડાવનાર સાઈબાબા છે. એના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને નક્સલવાદી બનાવવાના એના પર આરોપ હતો તે પુરવાર થયો છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી કેટલાક નક્સલીઓ પકડાયા. તેઓની પૂછપરછ બાદ પગેરું દિલ્હીમાં સાઈબાબા સુધી પહોંચ્યું હતું. એના રહેઠાણ પર રેડ પડાઈ ત્યારે સાઈબાબાને કસૂરવાર ઠરાવે તેવા ડિજિટલ રેકર્ડ પ્રાપ્ત થયા હતા જે અદાલતને સોંપવામાં આવ્યા હતા અને જેના આધારે અદાલતે એને સજા ફરમાવી હતી. ત્યારથી દિલ્હી પોલીસ પણ આ સંપૂર્ણ છદ્મવેશી નેટવર્કની ગતિવિધિઓ પર નજર રાખે છે. બંને યુનિવર્સિટીના પ્રોફેસરો પર પણ ખાસ નજર રખાય છે. જ્યારે છત્તીસગઢમાં નક્સલીઓએ ઘાત (એમ્બુશ) લગાવીને ૫૭ જણ સાથે કેટલાક કોંગ્રેસીઓને હણી નાખ્યા હતા ત્યારે દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ તેનો ખાસ જશ્ન મનાવ્યો હતો. અફઝલ ગુરુનો જન્મ દિવસ મનાવ્યો હતો અને ‘ભારત તેરે ટુકડે હોંગે’ના નારા લગાવ્યા હતા. ત્યારથી આ લોકો ટુકડે ટુકડે ગેંગના તરીકે ઓળખાતા થયા. તેમાં એક કનૈયા કુમાર પણ હતો અને રાહુલ ગાંધી એ સંમેલનમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. વરસ ૨૦૦૯માં માઓવાદી-સામ્યવાદી પક્ષ અને તેની વિચારધારા પર પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો છે. છતાં આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા બદલ સાઈબાબા અને બીજા ચારને આજીવન કેદની સજા થઈ છે. ડીએસયુના મેમ્બરોમાં એક ઉમર ખાલીદ પણ હતો જેણે અફઝલ ગુરુની વરસી ઉજવી હતી. ત્યારથી એ પણ પોલીસના રડાર પર રહે જ છે. હવે જો એની ધરપકડ થાય તો રાહુલ બ્રિગેડ બુમરાણ મચાવશે કે લઘુમતી ખૌફમાં છે. લઘુમતી પર વેર રાખવામાં આવે છે વગેરે, પરંતુ જેએનયુમાં પડ્યા પાથર્યા રહેતા નકસલીઓ સાથે કેટલાક મુસ્લિમ ત્રાસવાદીઓ પણ ભળી ગયા હતા. ભણવાના ઇરાદા વગર કોઈક કોર્સ જોઈન કરે અને જેએનયુના વહીવટદારો પણ તેઓને સાથ આપે. દરેક જાતના વાઇસીસ હોસ્ટેલોમાં લઈ આવે, જેના તરફ આંખ આડા કાન થાય, પણ દેશ વિરોધી પ્રવૃત્તિઓની બાબતમાં આડા કાન કેમ કરાય? તે પણ વી.સી.થી માંડીને તમામ વહીવટકારો કરે. બલ્કે ત્રાસવાદીઓને ઘણી સવલતો કરી આપે. નક્સલવાદને સમર્થન ના આપે, વિરોધ કરે તેવા વિદ્યાર્થીઓને ડરાવવા, ધમકાવવા અને મારવા. તેઓનો ડર પૂરી યુનિવર્સિટીમાં ફેલાયો હતો, જે ચુંગાલમાંથી આજે પણ યુનિવર્સિટી બહાર નીકળી શકી નથી.
રાષ્ટ્રવિરોધી તત્ત્વો વિદેશોમાંથી પણ નાણા મેળવતા હતા. હોસ્ટેલમાં મફતમાં ખાવા પીવાનું અને મોજમાં રહેવાનું. જેએનયુમાં માસ્ટર ઓફ સાયન્સ માટેનાં બે વરસના કોર્સની શિક્ષણ ફી રૃપિયા ૭૨૮ છે. એમ.એ.ના બે વરસની ફી રૃપિયા ૭૩૩ છે. બી.એ.ના ત્રણ વરસ માટે ૧૦૯૭ રૃપિયા અને કોઈ પણ એક વરસના ડિપ્લોમા કોર્સની શિક્ષણ ફી માત્ર ૨૩૪ રૃપિયા છે. હમણા સુધી હોસ્ટેલ ફી મહિનાની દસ રૃપિયા હતી તે રૃપિયા ૩૦૦ કરવામાં આવી છે. ગરીબ ઘરના વિદ્યાર્થીઓ માટે રૃપિયા ૧૫૦ રાખી છે. કેમ્પસમાં ૧૮ હોસ્ટેલ છે અને આમાંના એક હોસ્ટેલ કોમ્પ્લેક્સમાં પરણેલાં વિદ્યાર્થીઓને પણ રહેવા મળે છે. દરેક કોમ્પલેક્સનાં નામ દેશની નદીઓ પરથી રાખવામાં આવ્યાં છે. હોસ્ટેલ એટલે લોખંડના ખાટલાવાળી માત્ર ખોલીઓ જ નહીં, પરંતુ ટીવી છે. ઇનડોર ગેઈમ્સની વ્યવસ્થા છે. આરોગ્યપ્રદ ભોજન પણ પીરસવામાં આવે. કોમ્પ્લેક્સમાં હેલ્થ ક્લબ હોય, ફોન કરવાની સુવિધા હોય છે. દરેક હોસ્ટલેમાં રાતદિવસ ત્યાં જ રહેતા એક વૉર્ડન હોય છે. આ બધું માત્ર રૃપિયા ત્રણસો કે દોઢસોમાં મળે. હમણા સુધી માત્ર દસ રૃપિયામાં મળતું હતું. સરકાર તરફથી તમામ ખર્ચ ઉઠાવવામાં આવે. ગયા વરસે યુનિવર્સિટીએ રૃપિયા ૪૮ કરોડની ખોટ કરી હતી. દિલ્હી શહેર સિવાયના તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને હોસ્ટેલની સગવડતા પૂરી પડાય છે અને પછી તેઓ સરકાર વિરોધી સૂત્રો પોકારે છે. સાઈબાબા ચાર વિદ્યાર્થીઓને નક્સલવાદી બનાવીને ગઢચિરોલીના જંગલમાં મુકી આવ્યો હતો. એવું નથી કે તમામ લોકો જૂઠા છે. મુંબઈના ધનાઢ્ય પારસી પરિવારમાં જન્મેલો કોબાદ ગાંધી બાળપણથી જ ગરીબો પ્રત્યે અનુકંપા ધરાવતો હતો. ઘરમાં સંપૂર્ણ સોનાની બનેલી એક કાંડા ઘડિયાળ હતી તે એણે ઘરના લોકોને પૂછ્યા વગર નોકરને આપી દીધી હતી. એ લંડનમાં કેમ્બ્રિજમાં ભણવા ગયો, પણ અભ્યાસ અધૂરો મુકી પત્ની અનુરાધા શાનબાગ સાથે છત્તીસગઢનાં જંગલોમાં રહેવા જતો રહ્યો હતો. ૨૦૧૦માં એની ધરપકડ થઈ હતી અને જેલમાં છે. કૅન્સરગ્રસ્ત છે, પરંતુ ગરીબો માટે સશસ્ત્ર ક્રાંતિ આણવા સુખમય જીવન છોડી આખી જિંદગી જંગલમાં વિતાવી દીધી. એનો માર્ગ સાચો હતો કે ખોટો એ ડિબેટનો વિષય છે, પણ નક્સલવાદમાં એની આસ્થા સો ટકા શુદ્ધ હતી. કહે છે કે તમે સમાજવાદી નથી તો તમારી પાસે હૃદય નથી, પરંતુ સમાજવાદ માટે સાવ નિર્દોષ લોકોના જીવન મિટાવી દેવા તે કેવું હૃદય? મરનારા પણ સામાન્ય કુટુંબમાંથી આવેલા હવાલદારો, ડ્રાઇવરો, રસ્તો બાંધનારા મજૂરો હોય. હજી દેશના કોઈ ભ્રષ્ટ નેતાને ઉડાડી દો તો સમજાય. કોઈ શોષણખોરને મારી નાખો તો પણ બરાબર છે, પરંતુ તેઓ તો સલામતી વ્યવસ્થાની આડમાં રહીને પકડમાં આવતા નથી તો શું સામાન્ય માણસોને મારી નાખવાના? સામ્યવાદી વ્યવસ્થામાં સમગ્ર દુનિયામાં આવું બન્યું. જે આમ પ્રજા (પ્રોલિટેરિયર) માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી તેમાં પ્રજાનું જ નિકંદન નીકળી ગયું. લેટિન અમેરિકામાં ડ્રગ્સ કાર્ટેલો, જંગલના માફિયાઓ અનેક દેશોમાં સામ્યવાદને નામે સરકારો ચલાવે છે. પ્રજાને મળે છે, દરેક સારી ચીજોનો અભાવ. વેનેઝુએલા, કોલંબિયા, એલ સાલ્વાડોર જેવા દેશોમાં ભૂખ્યા લોકો હજારો કિલોમીટર પગપાળા ચાલીને અમેરિકા તરફ પ્રયાણ કરે છે. તેઓને ભાગવા દેવાતા નથી. બહારની દુનિયા અન્નપાણી મોકલે તે સ્વીકારવામાં આવતું નથી. છતાં જે છટકી જાય તેઓને મેક્સિકોમાં રોકી દેવામાં આવે છે. આ એક મોટી ક્રાઇસિસ બની ગઈ છે, જેને આજે પણ રશિયનોના નાણાથી ઉત્તેજન મળે છે. નક્સલવાદી પ્રકારના જુંટાઓ ત્યાં પણ સામાજિક તબાહી મચાવે છે. ભારતના નક્સલવાદીઓ અમુક ઔદ્યોગિક ઘરાનાઓ પાસેથી પણ ડોનેશન મેળવે છે તે હકીકત પણ બહાર આવી છે. ગરીબો પ્રત્યેની દયા અને તે વ્યવસ્થાનાં ખરાં પરિણામો વચ્ચે મોટો દ્વંદ્વ જોવા મળે છે. જેએનયુની હાલત પણ દક્ષિણ અમેરિકાના કોઈ દેશ જેવી બનાવી દીધી છે. સામ્યવાદીઓએ નક્સલીઓને સરકારી ખર્ચે હોસ્ટેલોમાં પડ્યા પાથર્યા રહેવાની વ્યવસ્થા કરી આપી. દરેકને પાસ અને કાર્ડ અપાય છે, પરંતુ ચોકીદારની મજાલ નથી કે તે જોવા માટે માગી શકે. ગંગા ધાબા તરીકે ઓળખાતી જગ્યા પર આવા લોકોના મેળાવડા જામે છે. જ્યારે આવા અસામાજિક તત્ત્વોને દૂર કરવાની વાત આવી ત્યારે તેઓએ બબાલ મચાવી દીધી. સરકાર યુનિવર્સિટીમાં પોતાનો એજન્ડા ઘૂસાડવા માગે છે તેવા આક્ષેપો થયા.
કમ્પાઉન્ડની વૉલમાં હરિયાળી વચ્ચે જીવતા વિદ્યાર્થીઓ યુવાન હોવાથી પોતાની ઓળખ પામી શકતા નથી, બતાવી શકતા નથી. તેઓના અસ્તિત્વની કોઈ કિંમત નથી એવું યુવાન હોવાથી સમજવા માંડે છે. પોતાનું અસ્તિત્વ જણાવવા એ મશાલ જુલૂસમાં તો ભાગ લે છે, પણ પ્રચંડ સત્તા ધરાવતી સરકાર સામે સૂત્રો પોકારીને તેનો આનંદ અનુભવે છે. પોતે પણ કંઈક છે એવું ફીલ કરે છે. પોતાને ઇન્કલાબી અથવા ક્રાંતિકારી ગણાવે છે. આમ કરવાથી તેઓને તેમના ડલ અને કંટાળાજનક રૃટિનમાંથી ડાયવર્જન મળે છે. તેઓના મગજમાં ઘૂસાડવામાં આવે છે કે સરકારો દમનકારી અને શોષણખોર હોય છે. આવી સત્તાઓને મનમાં અને મનમાં પડકારીને તેઓ પોતાના ઇગોને પંપાળે છે. તેનો અર્થ એ નહીં કે તેઓ નક્સલવાદી અને ક્રાંતિકારી બની ગયા. માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ યુવાનોની આ પ્રકૃતિ જાણતા હોય છે. દર વરસે જેએનયુમાંથી સાતથી આઠ હજાર વિદ્યાર્થીઓ બહાર પડે તેમાંથી મહામહેનતે માત્ર ત્રણથી ચાર પાકા નક્સલીઓ બનાવી શકાય છે તે આપણે જોયું. બાકીના નિર્મલા સિતારામન, નોબેલ પારિતોષિક વિજેતા અભિજિત બેનરજી, પ્રકાશ કરાત, સિતારામ યેચૂરી ભારતના વિદેશ સચિવ અને હવે વિદેશ મંત્રી એસ.જયશંકર, ભારતના ડેપ્યુટી નેશનલ સિક્યૉરિટી એડવાઇઝર અરવિંદ ગુપ્તા, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર હારૃન રશીદ ખાન, રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી વેણુ રાજાપણિ, ત્રાસવાદ નાથવા બાબતમાં વડાપ્રધાનના સલાહકાર સૈયદ આસીફ ઇબ્રાહીમ, મહારાષ્ટ્રના પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી અમિતાભ રાજન, નીતિ આયોગના વડા અમિતાભ કાન્ત, જાણીતા લેખક અને મનમોહન સિંહના મીડિયા એડવાઇઝર સંજય બારૃ, (ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના લેખક) રેમન મેગસાયસાય ઍવૉર્ડના વિજેતા ફાલ્ગુની સાઈનાથ, વિશ્વ બેન્કના રણજિત નાયક, પત્રકાર વિનીત નારાયણ બને છે. એ સિવાયના અનેક લોકો જેએનયુમાં ભણીને ઉચ્ચ આસને બિરાજ્યા છે. જેએનયુ સાવ હસી કાઢવા જેવી સંસ્થા નથી, પણ આ લોકો ભણતા હતા ત્યારે તેનું સ્ટાન્ડર્ડ ખૂબ ઊંચું હતું. જેમ જેમ સામ્યવાદીઓનો પ્રભાવ વધતો ગયો અને તેને કાઉન્ટર કરવા ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાનમાં ઊતરી છે ત્યારથી સામ્યવાદીઓને જોઈતાં હતાં તેવાં ઘર્ષણો વધી ગયા છે અને તેના પરિપાકરૃપે ગયા મહિને કેમ્પસમાં મોટા પાયે હિંસા થઈ.
કેમ્પસમાં પીઅર પ્રેશર અર્થાત સમોવડિયા જૂથોનું દબાણ અને પોલિટિક્સ ખૂબ પ્રભાવ પાડે છે. કેમ્પસમાં સતત એ જ મંત્રો રટાતા હોય છે કે યુવાનો બળવાખોર હોવા જોઈએ, સત્તાને પડકારતા હોવા જોઈએ, ડાહ્યા ડમરા વિદ્યાર્થીઓ રૃડા ના લાગે. વિદ્યાર્થીઓ સમજતાં થાય છે કે વડાપ્રધાન કે સરકાર સામે સૂત્રો પોકારવાથી પોતાએ કશું ગુમાવવાનું નથી, પરંતુ નહીં પોકારે તો ડિપાર્ટમેન્ટના વડા, પ્રોફેસરો અને બીજાનો ખોફ વહોરી લેશે. લોકો જે રીતે સ્મશાનયાત્રામાં જોડાતા હોય છે એવા કારણથી વિદ્યાર્થીઓ સૂત્રો પોકારવા લાગે છે. મશાલ જુલૂસમાં ઇન્કલાબી તરીકે જોડાઈ જાય છે. વાસ્તવમાં એ એવો હોતો નથી. ભણ્યા પછી તો એ ઉપર લખેલા સારા નામોની યાદીમાં જોડાવા માગતો હોય છે, તેથી તેવાં નામોની યાદી મોટી છે.
જેએનયુમાં માઓવાદી વિદ્યાર્થીઓનો સમૂહ મોટો નથી. તમામ સામ્યવાદીઓ માઓવાદી (નક્સલવાદી) હોતા નથી, પરંતુ આ નાનકડા જૂથનો પ્રભાવ મીડિયા, રાજકારણ અને વહીવટીતંત્ર પર મોટો છે. મીડિયામાં જે લોકો સરકાર સામે સતત લવારો કરતા રહે. તેમને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ્સ મળે, જે ન કરે તેને રાષ્ટ્રીય ઍવૉર્ડ મળે. એનડીટીવીના રવિશ તિવારી માનવ અધિકારોની વાતો રાતદિવસ ખાંડણિયામાં કૂટકા રહે છે. એમને કશું સારું નજરે ચડતું નથી. વડાપ્રધાન ગંગા નદીના ઊંડા પાણી પર પગે ચાલીને સામે કાંઠે જશે તો રવિશ કહેશે વડાપ્રધાનને તરતા આવડતું નથી. આ જણને હમણા ફિલિપિન્સનો રેમન મેગ્સાસાય ઍવૉર્ડ મળ્યો. ઍવૉર્ડ લેવા ગયો, લીધો, ખૂબ મજા આવી, પણ એ ફિલિપિન્સમાં ડ્યુઅર્ટની સરકારે ચાર હજારથી વધુ નાગરિકોને બે વરસમાં સીધા પોલીસ એન્કાઉન્ટરમાં ઉડાવી દીધા છે. તેઓ ડ્રગ્સના ધંધામાં છે તેવી માત્ર શંકા હોય કે ન હોય. ઠાર મારો. યોગી સરકારમાં એક એન્કાઉન્ટર થાય તો રવિશ તિવારીથી સહન ના થાય, પણ મનીલામાં મેગ્સાયસાય ઍવૉર્ડ લેતી વખતે પ્રમુખ રોબર્ટો ડ્યુઅર્ટ સામે એક પણ શબ્દ ના બોલ્યા. બોલે તો પાછા ફરવા ના મળે. આ રવિશ અને એનડીટીવી જેએનયુમાં સામ્યવાદી કલરના છાત્ર સંગઠનોની પેરવી કરે પણ ભાજપના યુનિયનની અચૂક ટીકા કરે. શું તેઓ કોઈ ગેરકાનૂની કામ કરી રહ્યા છે? એનડીટીવી કહે છે, સચ બતાતે હૈ હમ, પણ એ સચ પ્રણોય રોય દ્વારા સિલેક્ટેડ સચ હોય છે. જો કેમ્પસમાં નક્સલવાદી સંગઠન હોય તો ભાજપના સંગઠનનો વિરોધ શા માટે? નક્સલવાદીઓ અને સામ્યવાદીઓ જ્ઞાતિના આધારે વિદ્યાર્થીઓને અલગ તારવે છે જેને તેઓ સ્ટ્રેટેજી કહે છે. દબાયેલા, ઉપેક્ષિત લોકોને ઉચ્ચ વર્ણોના લોકો સામે ઉશ્કેરવાનું આસાન છે. હિન્દુ સમાજના ઉચ્ચ વર્ણો પણ તે માટે જવાબદાર છે. આજે પણ તેઓ દલિતોને અપનાવવા તૈયાર નથી અને બીજી તરફ મોહન ભાગવત બોલતા રહે છે કે હિન્દુસ્તાનમાં જે કોઈ વસે તે હિન્દુ જ છે. આવા નિવેદનો અકારણ અસમંજસ ફેલાવે છે. સમાજ સાઈબાબાના જન્મસ્થળ બાબતે ઝઘડે, એમના મૂળ ધર્મ બાબતે ઝઘડે. અરે, સાઈબાબાને દોઢસોથી પોણા બસો વરસ થયાં. શું તે પહેલાં આ દેશ ન હતો? લોકો રાત દિવસ નવા નવા ભગવાનો શોધતા ફરે છે અને ભવિષ્યમાં શું કરવાનું છે તે ખબર નથી. ભલા માણસો, નોકરી, પાણી, વીજળીની સગવડતા કરો તો સમાજમાં ફૂટ ઓછી પડશે. પણ તો પછી ચૂંટણી જીતાય કેમ?
નક્સલીઓના હુમલામાં ગરીબ નિર્દોષ આદિવાસીઓ માર્યા જાય, હવાલદારો માર્યા જાય ત્યારે કનૈયા કુમાર જેવા નેતા જે દલીલ કરે તેને ટીવી ચેનલો ચગાવે. કનૈયા કુમારે દેશમાં એવો કોઈ મીર માર્યો નથી, તો પણ એનડીટીવીની પોતાની હાઉસ એડમાં એ મસ્કોટની માફક મહિનાઓ સુધી રહ્યો, હજી પણ છે.
જેએનયુમાં અને દિલ્હી યુનિવર્સિટીમાં માઓવાદી અને સામ્યવાદી વિચારધારાના પ્રતિનિધિ સમાન બે મુખ્ય સ્ટુડન્ટ્સ યુનિયન છે. એક ઐસા (એઆઈએસએ) છે જેનું પૂરું નામ ‘ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન’ છે. બીજું, ડેમોક્રેટિક સ્ટુડન્ટ એસોસિયેશન્સ (ડીએસયુ) છે. ઐસાનો મંત્ર છે, ‘નક્સલબારી લાલ સલામ’, જ્યારે ડીએસયુનો મંત્ર છે ‘નક્સલબારી એક હી રાસ્તા.’ આ બંને જૂથો ભેગા મળીને ‘યૂથ ફોર ઇક્વૉલિટી’ (વાયઈએફ), અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઈ) જેવા રાષ્ટ્રવાદી વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ કરે. આપસમાં તેઓ ઝઘડી પડે. મારામારી કરે. સીઆરપીએફના ૭૬ જવાનોને નક્સલીઓએ ક્રૂર રીતે મારી નાખ્યા ત્યારે વાયઈએફ, એબીવીપી અને એનએસયુઆઈ શોક પાળી રહ્યા હતા, પણ ડીએસયુ અને ઐસાએ વિદ્યાર્થીઓ માટે મફતમાં ફિલ્મ શૉનું આયોજન કરીને આનંદોત્સવ મનાવ્યો હતો. આ નક્સલી વિદ્યાર્થી સંગઠનો ઇસ્લામિક ત્રાસવાદી નેતાઓને પ્રવચન આપવા કેમ્પસમાં તેડાવે અને વહીવટકારો તેમાં મૂક સંમતિ આપે. એસએઆર ગિલાનીને તેઓએ ખાસ સપોર્ટ કર્યો હતો જે કાશ્મીરને ભારતથી અલગ કરવા માગે છે. ડીએસયુ અને ઐસાએ બાટલા હાઉસ એન્કાઉન્ટરને બનાવટી ગણાવ્યો હતો જેને કોંગ્રેસના દિગ્વિજય વારંવાર સમર્થન આપી રહ્યા છે અને ચાર હજાર શીખોની હત્યા પ્રત્યે મૌન રહેનાર સોનિયા ગાંધી એ એન્કાઉન્ટર પર જાહેરમાં રડી પડ્યાં હતાં. જાહેરમાં રડે તો જ તેનો ફાયદો મળે. બાકી તો જંગલ મંે મોર નાચા કિસને દેખા?
હવે બાકીના વિદ્યાર્થીઓ આવા નક્સલીઓ સામે કેમ્પસમાં એક થઈ રહ્યા છે. ‘સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ નક્સલિઝમ’ નામની સંસ્થા રચી ગઈ ૧૨ એપ્રિલના રોજ એક મોટો મોરચો યુનિવર્સિટીના વહીવટીતંત્ર વિરુદ્ધ કાઢવામાં આવ્યો હતો. કોઈક વિદ્યાર્થીઓએ પ્રતિશોધમાં વિવેકાનંદની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.
સામ્યવાદનો રંગ ધરાવતું બીજું એક સ્ટુડન્ટ યુનિયન નામે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઈ) છે. જેએનયુમાં ૧૯૭૭થી ૨૦૦૮ અને ૨૦૧૨થી ૨૦૧૭ સુધી યોજાયેલી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખની ચૂંટણીમાં બાવીસ વખત એસએફઆઇનો વિજય થયો છે, જ્યારે ૧૧ વખત ઐસાનો વિજય થયો છે. માત્ર ૨૦૦૧માં એબીવીપી એક વખત આ ચૂંટણી જીતી હતી. સિતારામ યેચૂરી ૧૯૭૭-૭૮માં સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ રહ્યા હતા. હાલમાં જાણીતી બનેલી આઈશી ઘોષ એસએફઆઈની પ્રમુખ છે અને સ્ટુન્ડસ યુનિયનની પણ પ્રમુખ છે. હમણા તે બુરખો પહેરીને કેમ્પસમાં તોફાન કરાવતા પકડાઈ ગઈ. અગાઉની એક ઘટનામાં એને માથા પર ચોટ વાગી હતી. પોલીસે તેનો વીડિયો જાહેર કર્યો તો આઈશીએ પત્રકારોને જણાવ્યું કે પોતે નિર્દોષ છે. તો પછી એ બુરખો પહેરીને શા માટે બીજા વિદ્યાર્થીઓ સાથે કેમ્પસમાં આવી હતી, તેવો સવાલ થયો તો આઈશી ઘોષ પાસે તેનો કોઈ જવાબ ન હતો. એઆઈએસએફનો કનૈયા કુમાર ૨૦૧૬થી ૨૦૧૭ના વરસમાં પ્રમુખ ચૂંટાયો હતો. ૨૦૦૧થી ૨૦૦૨ના વરસમાં એબીવીપીના સંદીપ મહાપાત્ર યુનિયનનો પ્રમુખ રહ્યો હતો. યુનિવર્સિટીમાં નાનાં મોટાં મળીને કુલ બાવીસ યુનિયનો છે તેમાં એક મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફેડરેશન પણ છે.
ગયા મહિને કેટલાક બુકાનીધારી ગુંડાઓએ હોસ્ટેલોમાં ઘૂસી, વિદ્યાર્થીઓને માર માર્યો. ત્રણથી ચાર કલાક તાંડવ ચાલ્યું. સામ્યવાદી કલરના યુનિયનો કહે છે કે, ભાજપ સરકારની દિલ્હી પોલીસે ગુંડાઓ મોકલ્યા હતા. વિદ્યાર્થીઓ સીએએ અને એનઆરસીનો વિરોધ કરતા હતા, તેથી મેથીપાક ચખાડવા પોલીસે મોકલ્યા હતા. પોલીસે તસવીરો જાહેર કરી તેમાં સામ્યવાદી વિદ્યાર્થી નેતાઓને બતાવવામાં આવ્યા હતા. રહસ્ય હજી ઉકેલાયું નથી, પરંતુ તેનો વિરોધ કરવા માટે કનૈયા કુમારે પ્રદર્શન યોજ્યાં તેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ત્યાં ઢીંગલીની માફક જઈને ઊભી રહી ગઈ. સોશિયલ મીડિયાએ પાદુકોણની ખરી વલે કરી. સર્વત્ર એની રિલીઝ થનારી ફિલ્મનો બહિષ્કાર કરવાની સલાહો અને અપીલો વહેતી થઈ. દીપિકાની ફિલ્મ ‘છપાક’ ચાલી નહીં તેમાં આ ઘટના કેટલી જવાબદાર છે તેનો તાગ કાઢવો અશક્ય છે, પરંતુ દીપિકાને હવે ભવિષ્યમાં નવી ફિલ્મો બાબતે સમાધાન કરવું પડશે.
નિર્દેશક નિર્માતા અનુરાગ કશ્યપ વગેરેએ દીપિકાને સાથ આપ્યો. ઉત્તર પ્રદેશની સરકારે જાહેર કર્યું કે સરકારે અનુરાગને અગાઉ સબસિડી આપી હતી, સમાજવાદી અખિલેશની સરકારમાં એ સબસિડી મેળવતો હતો. હવે યોગી સરકાર આપતી નથી તેથી વિરોધી બની ગયો છે. આ બધામાં મોખરે મૉડેલ અને અભિનેત્રી સ્વરા ભાસ્કર છે. તેની માતા જેએનયુ કેમ્પસમાં પ્રોફેસર હતી અને નિવૃત્તિ બાદ મોસ્કોને બદલે મૂડીવાદના ગઢ સમાન ન્યૂયૉર્કમાં રહેવાનું પસંદ કરતી હતી, પણ એની વફાદારી સામ્યવાદી પક્ષ પ્રત્યે હતી. સ્વરા પોતે સામ્યવાદી છે અને કનૈયા કુમારના ચૂંટણી પ્રચારમાં બેગુસરાઈ ગઈ હતી. જ્યાં કનૈયાની બૂરી હાર થઈ. સ્વરાના ટીકાકારો કહે છે કે, મૉડેલિંગની પ્રવૃત્તિ મૂડીવાદની નીપજ છે. સ્વરા તેમાં શા માટે પડે છે? એણે હમણા આવેલી એક હિન્દી ફિલ્મ ‘વીરા દી વેડિંગ’માં હસ્તમૈથૂનનો લાંબો સીન આપ્યો છે. દેશના સામ્યવાદમાં સ્વરાનું આ એક માત્ર નેગેટિવ પ્રદાન ગણવામાં આવે છે. સ્વરાના આ હસ્તમૈથુનના દૃશ્યની વીડિયો કોઈકે સ્વરાના વૃદ્ધ પિતાને મોકલી હતી ત્યારે સ્વરા રોષે ભરાઈ હતી. પાયલ રોહતગી નામની એક અભિનેત્રી સ્વરાને દેશદ્રોહીઓની ચીઅરલીડર ગણાવે છે. કદાચ દીપિકા પાદુકોણ સ્વરાની અસરમાં આવી ગઈ હશે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ સ્વરાના ઢોંગ વિષે, તેના હિન્દુઓ પ્રત્યેના દ્વેષ વિષે ઘણું લખ્યું હતું. સ્વરા હિન્દુ ધર્મનાં દૂષણો વિશે જાહેરમાં ટીકા કરે છે, પણ મુસ્લિમો વિશે જાહેરમાં કશું બોલતી નથી. પાયલ રોહતગી સ્વરાને બૌદ્ધિક આતંકવાદી ગણાવે છે. કનૈયા કુમાર જેએનયુએસયુનો પ્રમુખ હતો ત્યારે ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવ્યા હતા. આ કનૈયા કુમારના ટેકામાં એ ઊભી રહે ત્યારે દેશમાં વિરોધ જાગવાનો જ છે. ફિલ્મી જગત બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેમાં બીજી તરફ અનુપમ ખેર અને અશોક પંડિતની મંડળી છે. આ બંને કાશ્મીરી બ્રાહ્મણો છે. બીજી તરફ મુસ્લિમોને નાગરિકતા અપાવવા અમુક કલાકારો મોરચો કાઢે છે અને આઝાદીની માગણી કરે છે. લોકો પૂછે કે કેટલી આઝાદી જોઈએ. ટુકડા કરવાની આઝાદી? ઈન્શા અલ્લાહ, ઈન્શા અલ્લાહ!
————————–