જેએનયુનો અસલી ચહેરોઃ કરોડોનું વિદેશી ફન્ડિંગ અને દોરીસંચાર

જેએનયુમાં ચાલતી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, ડાબેરી વિદ્યાર્થીઓનો અસલી ચહેરો અને જેએનયુ કાંડ પાછળ જવાબદાર લોકોનો ચોંકાવનારો ખુલાસો
  • કવર સ્ટોરી – પ્રજ્ઞેશ શુક્લ

આમ તો દિલ્હીની પ્રખ્યાત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જાન્યુઆરી મહિનાની શરૃઆતથી જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ૧ જાન્યુઆરીથી વિન્ટર સેમેસ્ટરનું રજિસ્ટ્રેશન શરૃ થવાનું હતું, પરંતુ ફી વધારાનો ઉગ્ર વિરોધ કરી રહેલા ડાબેરી વિદ્યાર્થીઓએ બળજબરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા રોકી રાખી હતી. બસ, આ મુદ્દે એબીવીપી અને લેફ્ટ વિંગના વિદ્યાર્થી જૂથો આમનેસામને આવી ગયાં હતાં. ૩ જાન્યુઆરીએ લેફ્ટ સમર્થક વિદ્યાર્થીઓએ બળજબરીપૂર્વક કમ્પ્યુટર સર્વર બંધ કરાવી દીધું. રજિસ્ટ્રેશનનો વિરોધ કરી રહેલા જૂથે કેટલાક વિભાગોમાં તાળાબંધી પણ કરી અને વિદ્યાર્થીઓ હેરાન થયા. ૪ જાન્યુઆરીએ સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના તાળા ખોલાવવામાં આવ્યા અને રજિસ્ટ્રેશન પુનઃ શરૃ કરાયું. આ દિવસ સુધીમાં ૧૫૦૦ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ૫ જાન્યુઆરી સુધીમાં ૮૦૦૦ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. સર્વર બંધ કરવાની કોશિશ બાદ બંને જૂથ વચ્ચે પહેલાં બોલાચાલી અને બાદમાં ઉગ્ર ઝઘડો થયો. બંને જૂથોએ તેમના સમર્થકોને રવિવારે ૫ જાન્યુઆરીએ સવારે ૧૦.. વાગ્યે એકઠા થવાનું એલાન આપ્યું.

રવિવાર સાંજ સુધીમાં તો જેએનયુ કેમ્પસ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું અને મોટાપાયે મારપીટ-તોડફોડ કરવામાં આવી. કેટલાક બુકાનીધારી શખ્સોએ કેમ્પસમાં ઘૂસીને તોડફોડ કરી, વિદ્યાર્થીઓને ઢોર માર પણ માર્યો. જેએનયુના લગભગ ૩૦થી વધુ વિદ્યાર્થીઓને ઈજા થઈ અને તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાક્રમ સંબંધે ઘણુબધું જાણતા દેશની જાસૂસી સંસ્થા રૉ (ઇછઉ)ના પૂર્વ ઓફિસર એન.કે. સૂદની બહુચર્ચિત મુલાકાતનો આલેખ.

દેશની અગ્રણી ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના અધિકારી રહી ચૂકેલા અને દિલ્હીમાં જેએનયુ કેમ્પસની સાવ નજીક રહેતા એન.કે. સૂદે એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં જેએનયુમાં ચાલતી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, ડાબેરી વિદ્યાર્થીઓનો અસલી ચહેરો અને જેએનયુ કાંડ પાછળ જવાબદાર લોકોનો ચોંકાવનારો ખુલાસો કર્યો. બાહોશ અધિકારી તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂકેલા સૂદે જેએનયુમાં ચાલતી વિધ્વંસક પ્રવૃત્તિઓનો જે ચિતાર આપ્યો છે તે હચમચાવી દેનારો છે.

* * *

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં જે બબાલ અને મારામારી થઈ હતી તેના વિશે વાત કરતા એન.કે. સૂદ કહે છે કે, જેએનયુમાં ઘણા વર્ષોથી દેશવિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઇન્દિરા ગાંધી જ્યારે સત્તામાં હતાં ત્યારે તેમણે જેએનયુને ઘણી કાબૂમાં રાખી હતી. તેમણે જેએનયુની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પણ ઊભા રાખ્યા હતા. એબીવીપી પણ પ્રયત્નો કરી રહી હતી, પરંતુ અહીં કમ્યુનિસ્ટ (ડાબેરીઓ) ઘણા અંદર સુધી ઘૂસી ગયા છે, કેમ કે રશિયન જાસૂસી સંસ્થા કેજીબી પહેલેથી જ ત્યાં કામ કરી રહી હતી. તેમને પૈસા પૂરા પાડવામાં આવ્યા હતા. તેમને એવી એવી સુવિધાઓ આપવામાં આવી કે, તેઓ ૨૦-૩૦ વર્ષ સુધી જેએનયુમાં જ અડ્ડો જમાવીને બેસે છે. જેએનયુના પ્રોફેસરો પણ ડાબેરી વિચારધારાવાળા જ છે. તેમના દ્વારા આપવામાં આવતું ડાબેરી શિક્ષણ ભારત વિરોધી, હિન્દુ વિરોધી જ રહ્યું છે. તે પાકિસ્તાન તરફી હોય કે ચીન તરફી પણ તેમની પ્રવૃત્તિઓ હંમેશાં ભારત વિરોધી જ રહી છે. તેમની આ દેશવિરોધી પ્રવૃત્તિઓ જેએનયુમાં ઘણા લાંબા સમયથી નિયમિત રીતે ચાલી રહી છે. હાલમાં આ પ્રવૃત્તિઓ થોડી પ્રકાશમાં આવી છે. આગળની સરકારોએ આ દિશામાં ક્યારેય કોઈ કામ કર્યું નથી. મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી તેમણે રાષ્ટ્રવાદના મુદ્દાઓ પર કામ કરવાનું શરૃ કર્યું, જેનાથી આ લોકો વિચલિત થઈ ગયા અને તેમને મરચાં લાગવાના શરૃ થઈ ગયા. જેના કારણે તેમણે ‘ટુકડે ટુકડે ગેંગ’ બનાવીને આતંકી અફઝલ ગુરુને ફાંસી કેમ આપી જેવા મુદ્દાઓ ઉઠાવવાનું શરૃ કર્યું. તમામ ડાબેરી નેતાઓ નિયમિત રીતે જેએનયુની મુલાકાતે આવે છે. તેમનાં બાળકો પણ અહીં જ અભ્યાસ કરે છે. જેમ કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઈ)ના મહાસચિવ ડી. રાજાની પુત્રી છેલ્લાં ઘણા વર્ષોથી જેએનયુમાં અભ્યાસ કરી રહી છે.

જેએનયુમાં વર્ષોથી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના કારણે રાષ્ટ્રવાદી લોકોને ગુસ્સો આવી રહ્યો છે. આ કારણે જ એબીવીપી પણ જેએનયુમાં ઘણી મજબૂત બની છે. આસપાસના લોકો પણ સાથ આપી રહ્યા છે. લોકો ગુસ્સામાં વિચારે છે કે, આખરે જેએનયુમાં અડ્ડો જમાવીને બેઠેલા આ લોકો પર કાબૂ કઈ રીતે મેળવવો? પોલીસ અને સરકારની કેટલીક મર્યાદાઓ હોય છે. આથી આખરે લોકોએ જ મેદાનમાં ઊતરવું પડ્યું અને તેમાં કેટલાક એબીવીપીના કાર્યકરો પણ હતા. ડાબેરી વિચારધારાને વરેલા જેએનયુના વિદ્યાર્થીઓ હંમેશાં તેમના સમર્થન માટે બહારથી લોકોને બોલાવે છે. જામિયા મિલિયામાંથી લોકો આવી જાય છે, કાશ્મીરમાંથી લોકો આવી જાય છે. હવે આ બધાના કારણે સ્થિતિ એવા મુકામે આવીને ઊભી છે કે, જેએનયુ બંધ કરવામાં આવે તેવી માગણી પણ ઊઠવા લાગી છે.

જેએનયુમાં વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલી કથિત દમનકારી કાર્યવાહીના વિરોધમાં મોટાભાગના વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું છે. ખાસ કરીને ડી. રાજા, સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તીખાં નિવેદનો આપીને સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સોનિયા ગાંધીએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, મોદી સરકાર જેએનયુમાં ગુંડાઓને મોકલી રહી છે અને તેમણે ગુંડાઓને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે મારામારી-તોડફોડ કરવા માટે ઉશ્કેર્યા છે. આ નિવેદન અંગે સૂદ જણાવે છે કે, પીએમ મોદીએ કોઈ ગુંડાને ઉશ્કેર્યા નથી. મોદી સરકારની રાષ્ટ્રવાદી કાર્યવાહીથી તો જેએનયુના ડાબેરીઓ ઉશ્કેરાયા છે. હું સોનિયા ગાંધીની બહુ ઇજ્જત કરું છું. આ એ જ સોનિયા ગાંધી છે, જેમણે દિલ્હીના જામિયા નગરમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું હતું અને તેમાં આતંકીઓનો સામનો કરતા દિલ્હી પોલીસના બહાદુર ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા શહીદ થયા હતા, એ વખતે સોનિયા ગાંધીએ આતંકીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું હતું કે, ‘મારા આંસુ અટકતા જ નથી.’ આ છે સોનિયા ગાંધીનું કેરેક્ટર. એ વખતે તો કોંગ્રેસ સત્તામાં હતી. સોનિયા ગાંધી માટે દેશનો કોઈ મતલબ જ નથી. દેશના વિરોધી દુશ્મનો માટે તેમના આંસુ અટકતા નથી. આ ચક્કરમાં જ તેમણે એક આતંકીને મારવાના કેસમાં એક ગૃહ પ્રધાનને જેલભેગા કર્યા હતા. સોનિયા ગાંધી જે મરજીમાં આવે તે બોલે, તેમની વાત હવે કોઈ સાંભળવાનું નથી. તેઓ બોલી બોલીને થાકી ગયા છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ જેએનયુની કથિત બર્બરતા માટે દિલ્હી પોલીસ પર કટાક્ષ કર્યાં હતાં. આ અંગે એન. કે. સૂદનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધીએ એક વાત સમજી લેવી જોઈએ કે તેમણે પોલીસ પર આડાઅવળી કોમેન્ટ્સ કરવી જોઈએ નહીં. તેઓએ પહેલાં પણ પોલીસ પર આ પ્રકારનાં નિવેદનો આપ્યાં છે. આ વાત યોગ્ય નથી. આ પોલીસ જ તેમને સુરક્ષા પ્રદાન કરે છે. પોલીસ સતત તેમની સિક્યૉરિટીમાં તહેનાત રહે છે. દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં થયેલા ઉગ્ર પ્રદર્શનોમાં પણ ઘણા પોલીસકર્મીઓએ પ્રદર્શનકારીઓનો માર ખાધો છે. પોલીસે એક વ્યક્તિ પર પણ ગોળી ચલાવી નથી. તેમના પર પથ્થરમારો થયો ત્યારે જ તેમણે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ આ હુમલા માટે તૈયાર પણ નહોતી. પ્રિયંકા ગાંધીએ સમજી-વિચારીને બોલવું જોઈએ. તેમણે યાદ રાખવું જોઈએ કે, તેમના પિતા રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા અને તેઓ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા ત્યારે શ્રીલંકામાં ભારતીય સેના મોકલીને કરવામાં આવેલી કાર્યવાહીથી નારાજ એક શ્રીલંકન સૈનિકે તેમના પર પાછળથી હુમલો કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ એક બીજી વાત પણ સમજવી જોઈએ કે, આ પોલીસવાળા હોય છે તે એક જ ટ્રેક પર ચાલનારા હોય છે. તેઓ ચાર ટ્રેક પર એકસાથે નથી વિચારી શકતા. કેમ કે તેમની માનસિકતા એ રીતે જ ઘડવામાં આવી હોય છે. પોલીસની ટીકા જ કરવી હોય તો યોગ્ય વાતોના આધારે કરે, અયોગ્ય વાતોના આધારે નહીં. એ એમના માટે પણ સારું રહેશે અને દેશ માટે પણ.

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમિનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારનું ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ જેએનયુમાં બહારના ગુંડાઓ ઘૂસ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડતા સૂદે જણાવ્યું કે, ઓવૈસીએ પહેલા તો તેમના ભાઈ (અકબરુદ્દીન ઓવૈસી)ને સમજાવવા જોઈએ, જેમણે બફાટ કર્યો હતો કે, અમને ૧૫ મિનિટ આપો, અમે બધાને કાપી નાખશું. (ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩માં અકબરુદ્દીને કહ્યું હતું કે, અમે (મુસલમાન) ૨૫ કરોડ છીએ અને તમે (હિન્દુ) ૧૦૦ કરોડ છો. ફક્ત ૧૫ મિનિટ માટે પોલીસ હટાવી દો, જોઈ લઈશું કે કોનામાં કેટલો દમ છે.) એમને સમજાવો કે, જે દિવસે સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું ત્યારે છૂપાવા માટે જગ્યા પણ નહીં મળે. તમને અને તમારા સગાં-સંબંધીઓને તિહાર જેલ મળશે. સરકારનો કે પોલીસનો આમાં કોઈ હાથ નથી. અહીં લોકો જેએનયુના વિદ્યાર્થીઓની ગુંડાગીરીથી, તેમના દેશવિરોધી વલણના કારણે ભડકેલા છે. હું પણ જેએનયુની નજીક જ રહું છું. મને ખબર છે જેએનયુમાંથી કેટલો ઘોંઘાટ બહાર આવે છે, તેમણે કેટલી ગંદકી ફેલાવી છે. ઓવૈસીને વિનંતી છે કે, તમે આવા નિવેદનો પર કાબૂ રાખો. હૈદરાબાદમાં રહીને ત્યાંના પ્રશ્નો પર ધ્યાન આપો, જેએનયુમાં ન આવો.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ જેએનયુમાં થયેલી હિંસાના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ઠાકરેએ કહ્યું હતું કે, જેએનયુની ઘટના મને મુંબઈના ૨૬/૧૧ના આતંકી હુમલાની યાદ અપાવે છે. આ નિવેદન અંગે સૂદ કહે છે કે, ઠાકરે સાહેબના નિવેદનથી મને ઘણો ઉત્સાહ મળ્યો છે. આવા આવા લોકો આપણા દેશમાં મુખ્યપ્રધાન બની ગયા છે. આ જોઈને બીજા લોકો પણ મેદાનમાં આવી જશે. મુંબઈમાં શું થયું હતું? દાઉદ ઇબ્રાહિમે દેશવિરોધી ષડ્યંત્ર રચીને બોમ્બ વરસાવ્યા હતા. હજારો લોકોને અસર થઈ હતી અને ૧૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એ આતંકી હુમલો હતો. અહીં તો બે જૂથ વચ્ચે લડાઈ અને પથ્થરમારો જ થયો છે. ઠાકરે સાહેબ તમે મુંબઈ સંભાળો. એવું ના વિચારતા કે તમે જિંદગીભર માટે સીએમ બન્યા છો. થોડા દિવસની જ વાત છે. સારા નિવેદનો આપો. તમને લાગે છે કે આવા નિવેદનો આપવાથી આગામી ચૂંટણીમાં તમને ડાબેરીઓનો સાથ મળી જશે કે મુસ્લિમો તમારું સમર્થન કરશે તો એ તમારી ભૂલ છે. તમને એ લોકોનું સમર્થન ક્યારેય નહીં મળે. સપોર્ટ તો તમારે હિન્દુઓનો જ લેવો પડશે. સરકાર વિરુદ્ધ બોલવા માટે તમે ભારત વિરોધી વાત કરશો એ પ્રકારનો જે નવો ટ્રેન્ડ તમે બનાવી લીધો છે તે લોકોને બિલકુલ પસંદ પડ્યો નથી. આ વાત બધાએ યાદ રાખવી જોઈએ.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન (જેએનયુએસયુ)ની અધ્યક્ષ આઈશી ઘોષ પર પણ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. પેરિયાર હૉસ્ટેલમાં થયેલી હિંસા દરમિયાન આઈશીને માથાના ભાગે ઈજા થઈ હતી. આઈશીના પિતાએ હુમલાની આશંકા વ્યક્ત કરતા એવું નિવેદન આપ્યું છે કે, હાલ સમગ્ર દેશ અસ્થિર છે. અમને ડર છે કે, આજે મારી દીકરી પર હુમલો થયો છે, કાલે મારા પર પણ હુમલો થઈ શકે છે.

આ અંગે એન.કે. સૂદે આઈશી ઘોષના પિતાને સણસણતો જવાબ આપતા જણાવ્યું કે, તમારી દીકરી જેએનયુમાં અભ્યાસ કરવા માટે આવી છે. તેને અભ્યાસ કરવા દો. તેને કહો કે, અભ્યાસમાં ધ્યાન આપે. જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ બની છે તો ત્યાંના લોકોનું ભલું કરે, જેએનયુના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા દે. તેમને ખલેલ ન પહોંચાડે. આપની વાત એકદમ સાચી છે. આઈશી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરશે તો તમને પણ અસર થશે જ. તમારી મુશ્કેલીઓ પણ વધશે જ. તમારી દીકરીએ જેએનયુમાં જેટલા લોકોને માર ખવડાવ્યો છે તેમની આખી યાદી મારી પાસે છે. અનેક લોકોને આઈશીએ માર ખવડાવ્યો છે અને આજે તમારી દીકરીને એક પથ્થર શું લાગી ગયો તમે ભડકી ગયા? બીજા લોકોને પથ્થર લાગતા હતા ત્યારે તો તમે કશું નહોતા બોલ્યા. ત્યાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, પણ તમે એમના માટે કશું નહોતા બોલ્યા. તમને ફક્ત તમારી દીકરીની જ ચિંતા છે, પણ મને બાકીના એ તમામ દીકરીઓ અને દીકરાઓની ચિંતા છે, જે જેએનયુમાં અભ્યાસ કરે છે. તમારી દીકરીને સમજાવો કે, દેશવિરોધી પ્રવૃત્તિઓ બંધ કરે, રાષ્ટ્રવાદ તરફ પરત ફરે. અભ્યાસમાં ધ્યાન આપે. જેએનયુ અને સમાજના ભલા માટે કામ કરે. જો તે આવું નહીં કરે તો પછી હવે રાષ્ટ્રવાદી લોકોનું લોહી આવી પ્રવૃત્તિઓ જોઈને ઊકળી ઊઠે છે. તમારા જેવા લોકો આવા નિવેદનો આપે ત્યારે ઘણી રાષ્ટ્રવાદી મહિલાઓ પણ ટ્વિટર પર રોષ ઠાલવતી હોય  છે. તમારી જાત પર કાબૂ રાખો, તમારી દીકરીને સલામત રાખો અને તમે પણ સલામત રહો.

સ્વરાજ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ પણ જેએનયુના વિદ્યાર્થીઓને મળવા માટે કેમ્પસમાં પહોંચી ગયા હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેઓ જ્યારે જેએનયુના પ્રોફેસરો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવી, તેમને ધક્કા આપીને પાડી દેવામાં આવ્યા હતા.

યાદવના આ આરોપો અંગે એન.કે. સૂદે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, યોગેન્દ્ર યાદવ પહેલાં અરવિંદ કેજરીવાલ સાથે હતા. તેઓ પણ ડાબેરી વિચારધારા ધરાવે છે. તેમની એનજીઓને પણ ફોર્ડ ફાઉન્ડેશન તરફથી નાણા મળ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે તેમ ફોર્ડ ફાઉન્ડેશન અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)નું ‘ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન’ છે. યોગેન્દ્ર યાદવ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પણ પહોંચી ગયા હતા. તેઓ જેએનયુમાં પણ પહોંચી ગયા. તમારો રાજકીય પક્ષ તો ચાલ્યો નહીં અને તમને પબ્લિક સપોર્ટ પણ નથી. આથી તમે યેનકેન પ્રકારે લાઇમલાઇટમાં આવવા માટે, ડાબેરીઓના સમર્થન માટે આવા ગતકડાંઓ કરો છો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. તમે પણ તમારી ચૂંટણી જીતવા પર ધ્યાન આપો અને આ પ્રકારના બિનજરૃરી પ્રોપેગન્ડા ન ચલાવો કે આવી ઉલટીસીધી વાતોમાં સામેલ ન થાઓ. રાજકારણમાં છો તો રાજકારણ રમો બસ.

દિલ્હીમાં મોટા ભાગે જોવા મળ્યું છે કે, જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે ત્યારે વિદ્યાર્થી સંઘ પોલીસ હેડક્વાર્ટરનો ઘેરાવ કરે છે, તેની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરે છે. તમામ જનતાને ખલેલ પહોંચે અને લોકો પરેશાન થાય તે રીતે દેખાવો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની આ પ્રકારની રણનીતિની ટીકા કરતા સૂદે જણાવ્યું કે, ડાબેરીઓ ઇચ્છે છે કે દેશની સિસ્ટમ પડી ભાંગે. તેમની આ એક જ પૉલિસી છે. ચીનમાં સામ્યવાદ ચાલે છે, પણ તેમની વિચારધારા સાવ અલગ છે. ચીન આવી હરકત ચલાવતું નથી. રશિયામાં તો સામ્યવાદ સદંતર નિષ્ફળ ગયો છે. ચીન પણ હવે સામ્યવાદના મુદ્દે સ્પષ્ટપણે કહે છે કે, તમારી મરજીમાં આવે તે કરો, પણ કોઈને કામ કરતા અટકાવો નહીં. તેઓ ફક્ત એટલું કહે છે કે, રાજકીય કે ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ ન થાઓ. ડાબેરીઓના ઇશારે વિદ્યાર્થીઓ પોલીસને એટલા માટે ટાર્ગેટ કરે છે કે, પોલીસ તેમના પર એટેક કરે, પણ પોલીસ ધીરજ ધારણ કરીને આવું કરતી નથી. મીડિયા વારંવાર તેમની તસવીરો-દ્રશ્યો ચલાવે છે એટલે આ વિદ્યાર્થીઓ લાઇમલાઇટમાં આવવા જ આવી હરકતો કરે છે. મીડિયા એક વખત કવરેજ કરવાનું બંધ કરી દે તો આ લોકો પણ પોલીસ હેડક્વાર્ટર પર જઈને તમાશા કરવાનું બંધ કરી દેશે. વિદ્યાર્થીઓ પણ પોલીસને હળવાશથી લેવાનું બંધ કરી દે. પોલીસ જે દિવસે એક્શનમાં આવશે ત્યારે બધાને મુશ્કેલી થશે. પોલીસની ધીરજની કસોટી ન કરો. મેં તો સરકારને અગાઉ પણ વિનંતી કરી હતી કે, ઈજાગ્રસ્ત થયેલા તમામ પોલીસકર્મીઓને પાંચ-પાંચ લાખ રૃપિયા ચૂકવવામાં આવે અને જેમને ગંભીર ઈજા થઈ છે તેવા પોલીસકર્મીઓને ૧૦-૧૦ લાખ રૃપિયા આપવામાં આવે. સરકારે આ કરવું જ જોઈએ કેમ કે પોલીસ વિદ્યાર્થીઓનો માર ખાવા માટે નથી આવતી. પોલીસ પણ આખરે માણસ જ છે. હું એક ઇન્ટેલિજન્સ ઓફિસર રહી ચૂક્યો છું અને મારે અવારનવાર પોલીસકર્મીઓ સાથે વાત થતી હોય છે આથી હું તેમની હાલત સારી રીતે સમજી શકું છું. પોલીસ હાલ તેમના હાથ બાંધીને બેઠી છે, પણ દેશની જનતાના હાથ બંધાયેલા નથી. તમે જો તમારી મર્યાદા ઓળંગશો તો ક્યારેક ને ક્યારેક તમને તેનો આકરો જવાબ મળશે.

જેએનયુમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે અને વિદ્યાર્થીઓ જે રીતે ‘ઍન્ટિ નેશનલ’ બનીને મેદાનમાં ઊતરી રહ્યા છે, આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યમાં ન થાય તે માટે સરકારે શું કરવું જોઈએ તે અંગે વાત કરતા સૂદે જણાવ્યું કે, કેટલાક લોકોનું તો સ્પષ્ટ કહેવું છે કે જેએનયુ કે જામિયા મિલિયા જેવી સંસ્થાઓ બંધ જ કરી દેવી જોઈએ. અહીં અભ્યાસ નથી થતો. અહીં તો ગુંડાગીરી શીખવવામાં આવે છે. અહીં ફી વધારવામાં આવે તો પણ વિદ્યાર્થીઓ આતંક મચાવવાનું શરૃ કરી દે છે. મને લાગે છે કે, સરકાર વહેલા મોડા આ દિશામાં કડક કાર્યવાહી કરીને આકરાં પગલાં ભરશે જ. વિદ્યાર્થી સંઘના આ કથિત નેતાઓ પણ જે દિવસે જેએનયુ કેમ્પસની બહાર નીકળશે અને તેમની ઓળખ થશે ત્યારે લોકો તેમને રસ્તા ઉપર મારશે. આ વાતની હું ગેરંટી આપું છું. આ લોકોને જોઈને મારું લોહી ઊકળી ઊઠે છે. તેમને અભ્યાસ સાથે કંઈ લાગતું વળગતું નથી. તેઓ ફક્ત રમખાણો કરવા, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે જ જેએનયુમાં અડ્ડો જમાવીને બેઠા છે. સરકાર તેમને કાબૂમાં લેશે જ.

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં જેએનયુના જે વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે તેમનો કોઈ રેકોર્ડ કે ડેટા કેન્દ્ર સરકાર પાસે છે કે કેમ અને તેમની સામે કડક હાથે કામ લેવાની શું યોજના હોઈ શકે તે અંગે પ્રકાશ પાડતા એન. કે. સૂદે કહ્યું કે, સરકાર પાસે બધા રેકોર્ડ છે. જેએનયુમાં જે કાંડ થયો તેની પાછળ વિદેશી તાકાતોનો હાથ છે તે વાત સ્પષ્ટ રીતે સામે આવી છે. એક હંગેરિયન નાગરિક જ્યોર્જ બોરસ જેએનયુમાં થયેલી મારામારી ‘ને તોડફોડમાં પૂરેપૂરો સંડોવાયેલો છે. તેણે જ આ ઘટનાનું ફાયનાન્સ કર્યું હતું. જ્યોર્જનું કામ જ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાંને અંજામ આપવાનું છે. તે આ પ્રકારની અનેક ઘટનાઓમાં સંડોવાયેલો છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે તેનું જોડાણ છે. તે આવા કામ પાછળ અબજો ડૉલર ખર્ચે છે. આઈએસઆઈને જ્યોર્જ જેવા માણસોની જ જરૃર હોય છે. તેના ઇશારે જ આ બધી હિંસા ‘ને તોડફોડ કરવામાં આવી છે. આ વખતની હિંસામાં એક વસ્તુ વખાણવાલાયક હતી કે, આ વખતે ફક્ત સીપીઆઈ સમર્થક વિદ્યાર્થીઓએ માર નથી માર્યો, તેમને પણ માર પડ્યો છે અને આ મને બહુ સારું લાગ્યું.

જેએનયુમાં જે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચાલે છે તેને પ્રોત્સાહન આપવા માટે બહારથી (વિદેશોથી) ફન્ડિંગ કરવામાં આવે છે અને બધો દોરીસંચાર પણ ત્યાં બેઠેલા લોકો જ કરતા હોય છે. શું આ વાત કેન્દ્ર સરકારની નજર બહાર હોઈ શકે ખરી? એવા સવાલનો જવાબ આપતા એન.કે. સૂદ જણાવે છે કે, આ દેશમાં સરકાર સામે અનેક સમસ્યાઓ છે. આપણને ચીનથી, પાકિસ્તાન, તુર્કીથી ધમકીઓ મળતી રહે છે. સરકાર પાસે ઑપરેટર્સ છે અને તેની સંખ્યામાં ઘણો વધારો પણ કરવામાં આવ્યો છે. આમ છતાં હજુ આ ઑપરેટર્સની સંખ્યા ઘણી ઓછી છે. તેમાં વધારો કરવાની જરૃર છે. બીજી સૌથી મોટી સમસ્યા આપણી લીગલ સિસ્ટમની પણ છે. આપણી કાયદા વ્યવસ્થા પ્રમાણે સરકાર એકદમ આ લોકો સામે એક્શન લઈ શકતી નથી. આ પ્રક્રિયામાં સમય લાગતો હોય છે. કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવામાં વર્ષો લાગી ગયા. હવે તમામ અલગાવવાદી નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા જ છે. કનૈયા કુમાર જેવા આ જે તમામ લોકો છે તેમને પણ વહેલા-મોડા જેલભેગા જ કરવામાં આવશે તે નક્કી છે.
——————————

એલ.કે. સૂદકવરસ્ટોરીજેએનયુ વિવાદ.પ્રજ્ઞેશ શુક્લ
Comments (0)
Add Comment