દિવ્યાંગોની કારકિર્દી સાથે રમત કરતું જીપીએસસી

કેન્દ્રના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
  • સંઘર્ષ – નરેશ મકવાણા

ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતાં ગોટાળાઓને લઈને વગોવાયેલું છે. સરકારી ભરતીઓનાં પેપર ફૂટી જવા કે ગેરરીતિ થવી આપણને એટલી કોઠે પડી ગઈ છે કે આવું કશુંક ન બને તો નવાઈ લાગે. ખતરનાક આ ખેલના કારણે ગુજરાતના યુવાનોનું મનોબળ તૂટ્યું છે. અત્યાર સુધી એવું લાગતું હતું કે માત્ર સામાન્ય યુવાનો જ આનો ભોગ બની રહ્યા છે, પણ જીપીએસસી દ્વારા લેવાયેલી છેલ્લી ૫૫ પરીક્ષાઓ પર નજર કરતા ખ્યાલ આવે છે કે દિવ્યાંગો પણ આ વિષચક્રમાંથી બાકાત નથી.

બપોરના ચારેક વાગ્યાનો સમય છે. ચા-પાણીની ઔપચારિકતા બતાવ્યા બાદ ત્રણ યુવાનો અભિયાનની ઑફિસમાં બેસીને આપવીતી રજૂ કરી રહ્યા છે. ત્રણ પૈકી એક ઉમંગ જોષી અમદાવાદના વાસણા વિસ્તારમાં રહે છે. પહેલી નજરે તદ્દન સામાન્ય લાગતો ઉમંગ જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી કોઈને ખ્યાલ પણ ન આવે કે તે માત્ર સામેની વ્યક્તિની આંખો અને કપાળ જ જોઈ શકે, એટલી જ દ્રષ્ટિ ધરાવે છે. બાજુમાં ઊભેલી કોઈ વ્યક્તિને પણ તે જોઈ શકતો ન હોવાથી ફરજિયાત ઑટોરિક્ષામાં મુસાફરી કરવા મજબૂર છે. માત્ર સામેની તરફનું દ્રશ્ય, એ પણ માત્ર ૧૦ ટકા જ તે જોઈ શકે છે. તેની સાથે રહેલા હિતેશ પટેલ મોરબીના વતની છે અને પગની ખામી ધરાવે છે, પણ તેમના જીવનમાં સમસ્યા જ એવી ઊભી થઈ હતી કે તેઓ અહીં સુધી આવ્યા હતા. ત્રીજો કાર્તિક પટોળિયા મૂળ ધારીનો વતની છે, પણ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે. તેનો એક હાથ કામ નથી કરતો. તે  પણ ઉમંગની જેમ બાઈક ન ચલાવી શકવાને કારણે કાયમ ઑટોરિક્ષામાં મુસાફરી કરવા મજબૂર છે.

ટૂંકમાં, ત્રણેય યુવાનો કોઈ ને કોઈ દિવ્યાંગતાનો શિકાર હોવા છતાં અગવડતાઓ વેઠીને પણ અભિયાનની ઑફિસે આવ્યા હતા. કેમ કે સવાલ તેમની કારકિર્દીનો હતો અને તંત્ર કાયદાની ઐસીતૈસી કરીને તેમને હકોથી વંચિત રાખી રહ્યું હતું. વાત છે જીપીએસસી દ્વારા છેલ્લાં સાત વર્ષથી રાજ્યના દિવ્યાંગ યુવાનોની કારકિર્દી સાથે થઈ રહેલી રમતની.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના યુવાનોમાં સરકારી ભરતીઓમાં થઈ રહેલી ગેરરીતિઓને લઈને ભારે રોષ છે. એક પછી એક સરકારી ભરતી પરીક્ષાઓમાં જે રીતે ચોરી, પેપર ફૂટી જવું જેવી ઘટનાઓ સામે આવી છે તેણે ગુજરાતના યુવાનોનું મનોબળ તોડ્યું છે. અત્યાર સુધી મામલો માત્ર સામાન્ય યુવાનો સુધી જ મર્યાદિત હોય તેમ લાગતું હતંુ, પણ હવે તે છેક દિવ્યાંગોનાં ભવિષ્ય સાથે ચેડાં કરવા સુધી પહોંચી ગયો છે. સરકારી બાબુઓ વાતાનુકૂલિત ચેમ્બરોમાં બેસીને ગુજરાતના છેવાડાનાં ગામડાંઓમાં, અનેક સમસ્યાઓનો સામનો કરીને કંઈક બનવાનાં સપનાં સેવતાં દિવ્યાંગોની કારકિર્દી રોળવા તત્પર બન્યા હોય તેમ લાગે છે. મળતી વિગતો મુજબ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ઉર્ફે જીપીએસસી દ્વારા છેલ્લાં ૭ વર્ષથી દિવ્યાંગો માટે કાયદેસર રીતે નક્કી કરાયેલો ૩ ટકા ક્વોટા ભરવામાં આવતો નથી. જેને લઈને ગુજરાતના દિવ્યાંગો રોષે ભરાયા છે. હવે અન્ય યુવાનો, યુવતીઓની સાથે તેઓ પણ આ સરકારી એજન્સી સામે જંગે ચડ્યા છે, પણ આખો મામલો શું છે, તે સમજવા માટે તેની સામાન્ય સમજણ મેળવી લેવી જરૃરી લાગે છે. માટે ચર્ચા કરતાં પહેલાં તેની કેટલીક સામાન્ય અને ટૅક્નિકલ  બાબતો સમજી લઈએ.

કેન્દ્રના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૧૯૯૫માં સંસદમાં વિકલાંગતા ધારો પસાર કરવામાં આવેલો. જેમાં સેક્શન ૩૩ અંતર્ગત દિવ્યાંગો માટે ૩ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. આ ત્રણ ટકા પૈકી ૧ ટકા જગ્યા હલનચલનની ખામી ધરાવતા દિવ્યાંગો માટે, ૧ ટકા કાનની ખામી ધરાવનારાઓ માટે અને ૧ ટકો અંધજનો માટે અનામત રખાઈ હતી. કેન્દ્રે ઘડેલા આ વિકલાંગતા ધારાનું પાલન કરવા માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની જી-૨ બ્રાન્ચ દ્વારા ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.(ઠરાવ નંબર જીએસ-૨૦૦૦-૪-સીઆરઆર-૧૦૯૪-જી-૨). જીપીએસસીનું કાર્ય આ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી કરાયેલા ઠરાવ મુજબ ભરતી કરવાનું છે. એટલે કે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ભરતી નિયમોનું પાલન કરીને તે ૩ ટકા દિવ્યાંગોની જગ્યા ભરવા માટે બાધ્ય છે, પણ છેલ્લાં સાત વર્ષથી તે ઠરાવનું પાલન કરવાને બદલે મનસ્વી રીતે વર્તી રહ્યું છે. ભરતી માટે નિયમો નક્કી કરવાનું કાર્ય રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગનું છે, પણ તેના ઠરાવને અવગણીને જીપીએસસી ૩ ટકા દિવ્યાંગોની જગ્યા છેલ્લાં ૭ વર્ષથી ભરતી નથી. આ એક પ્રકારની ખુલ્લી ગેરરીતિ છે, પણ કોઈ તેની સામે પગલાં લેતું નથી. એક, બે નહીં, પણ જીપીએસસીએ છેલ્લી ૫૪ ભરતીઓમાં આ રીતે દિવ્યાંગોના હક પર તરાપ મારીને સરકારી ઠરાવ અને દિવ્યાંગોના માટે ઘડાયેલા કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. આ સ્ટોરીમાં આપેલા આંકડાઓના કોષ્ટક પર નજર કરશો તો ખ્યાલ આવશે કે છેલ્લી ૫૪ ભરતીઓમાં ૩ ટકા નિયત અનામત મુજબ દિવ્યાંગોની ૪૦૭ જગ્યાઓ ભરવાની જોગવાઈ હતી, પણ જીપીએસસી દ્વારા માત્ર ૪૯ દિવ્યાંગોની જ ભરતી કરવામાં આવી હતી. કમિશનની આ જોહુકમી સામે દિવ્યાંગો દ્વારા અત્યાર સુધીમાં સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવથી લઈને વડાપ્રધાન, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વિપક્ષના નેતા, કેન્દ્રીય તકેદારી પંચ, રાજ્યપાલ સહિતના બંધારણીય હોદ્દેદારો, અધિકારીઓ અને વિભાગીય વડાઓને ૧૮થી વધુ અરજીઓ કરવામાં આવી છે. છતાં આ મામલે એકેય વિભાગ તરફથી આશ્વાસન પત્ર પણ મળ્યો નથી.

જીપીએસસી દ્વારા કહેવામાં આવે છે કે દિવ્યાંગોના માર્ક્સ અને એફિશિયન્સી મેરિટમાં ન આવતા હોવાથી તેમને નિમણૂક આપવામાં આવતી નથી. જોકે દિવ્યાંગ પરીક્ષાર્થીઓએ સાબિત કરી આપ્યું હતું કે જીપીએસસીની ભરતીમાં છેલ્લા ઉમેદવારને ૧૨૪ માર્ક્સ સાથે નિમણૂક આપી હતી, પણ દિવ્યાંગ ઉમેદવાર ૧૬૯ માર્ક્સ લાવે તો પણ તેની પસંદગી થતી નથી. વર્ષ ૨૦૧૪-૧૫ની ભરતીમાં દિવ્યાંગોની કુલ ૨૮ જગ્યાઓ હતી, પણ માત્ર ૧૦ને જ લેવામાં આવ્યા હતા. ભરતીનો નિયમ તો કહે છે કે દિવ્યાંગોને ફાઇનલ પરિણામ મુજબ ટોપ ટુ બોટમ માર્ક્સ મુજબ પસંદગી કરવી, પણ જીપીએસસી તેનું પાલન કરતું નથી. ભરતીની આ પ્રક્રિયા મામલે ખુદ સુપ્રીમ કોર્ટ વિવિધ ચાર કેસોમાં દિવ્યાંગોની તરફેણમાં ચુકાદો આપી ચૂકી છે. મહેશકુમાર વિ. યશવંતકુમાર આહીરવરના ૩૦ -૦૮-૨૦૦૭ના ચુકાદામાં સુપ્રીમે સ્પષ્ટ કહ્યું હતું કે દિવ્યાંગોનું કટ ઓફ માર્ક્સ જનરલ, ઓબીસી, એસસી, એસટી એમ દરેકમાં શારીરિક વિકલાંગ એ રીતે ન બનાવવું. વર્ષ ૨૦૧૬ના રાજીવકુમાર ગુપ્તા વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમે કહ્યું હતું કે, દિવ્યાંગો તેનું કાર્ય કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હોઈ સીધી કે આડકતરી ભરતીમાં તેમની ૩ ટકા જગ્યાઓ ફરજિયાત ભરવી. ૨૦૧૩ના નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં કોર્ટે કડકાઈ દાખવતાં કહ્યું હતું કે, જો દિવ્યાંગોને ફાળવેલી ૩ ટકા જગ્યાઓ કાયદેસર રીતે ભરવામાં નહીં આવે તો જે-તે ખાતાના સંલગ્ન અધિકારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. મે, ૨૦૧૯ના બી. કે. પવિત્રા અને અન્યો વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમે કહ્યું હતું કે, એ એક મીથ છે કે અનામત ક્વૉટમાંથી પસંદ થયેલ ઉમેદવાર નબળો હોય છે અને પોતાને સોંપવામાં આવેલ કામ યોગ્ય રીતે નિભાવી શકતો નથી.

જીપીએસસી દ્વારા એવું બહાનું આગળ ધરવામાં આવે છે કે ૧૦ ટકાના નિયમનો મત ઍડ્વોકેટ જનરલ દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ આરટીઆઈ હેઠળ આ મામલે માગવામાં આવેલી માહિતી અનુસાર તે મત મહિલા અનામત માટે આપવામાં આવ્યો હતો. આથી ગુજરાતના દિવ્યાંગોની માગ છે કે ૧૦ ટકાનો મનસ્વી નિયમ હટાવીને ૩ ટકા વિકલાંગોની જગ્યા જીપીએસસી દ્વારા ભરવામાં આવે. યુપીએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નિયમનું પાલન થાય જ છે. વળી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યો પણ આ રીતે જ દિવ્યાંગોને નોકરી આપે છે. ત્યારે જીપીએસસી પોતાનું મનસ્વીપણુ છોડીને કાયદેસર રીતે દિવ્યાંગોને તેમનો હક આપે તેવી તેમની માગણી છે.

જીપીએસસીની મનમાની સામે પરીક્ષાર્થીઓના તર્ક
વર્ષ ૧૯૯૫ના વિકલાંગતા ધારાનો સેક્શન ૩૩ કહે છે કે કોઈ પણ ભરતીમાં દિવ્યાંગો માટે ૩ ટકા જગ્યા અનામત હોવી જોઈએ. જેમાં દ્રષ્ટિ, હાથ-પગ અને બહેરા-મૂંગા એમ ત્રણેય પ્રકારની દિવ્યાંગતા માટે એક-એક ટકો જગ્યા ફાળવવામાં આવેલી છે. પણ જીપીએસસીએ આ નિયમને નેવે મૂકી દીધો છે.

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતો અને માત્ર ૫ ટકા દ્રષ્ટિ ધરાવતો ઉમંગ જોષી કહે છે, ‘અસલ અનામતનું માળખું જનરલ, ઓબીસી, એસસી, એસટી અને શારીરિક અપંગ એમ વહેંચાયેલું હતું, પણ જીપીએસસીએ ફિઝિકલી હૅન્ડિકૅપને અલગ અનામત ન આપી. એની જગ્યાએ કૅટેગરી પ્રમાણે કટ ઓફ માર્ક્સમાં ૧૦ ટકા રાહત આપીને નિમણૂકો આપવી ચાલુ કરી દીધું હતું. એમાં પણ જનરલ પી.એચ.(ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ), ઓબીસી પી.એચ., એસસી પી.એચ. અને એસટી પી.એચ. એવી કૅટેગરી બનાવી દીધી. જેના કારણે ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ એક અલગ જ કૅટેગરી છે, એમાં ભાગલા ન હોય એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ થતો નથી. આ મનમાની પદ્ધતિને કારણે છેલ્લાં ૭ વર્ષમાં જીપીએસસીની કુલ ૫૫ જેટલી મુખ્ય ભરતીઓમાં દિવ્યાંગો માટેની ૨૪૬ જગ્યાઓમાંથી માત્ર ૪૮ ભરવામાં આવી છે. ગુજરાતના અન્ય ભરતી બોર્ડ જીએસએસબી, પંચાયત બોર્ડ, યુપીએસસી ઉપરાંત અન્ય રાજ્યોનાં પરીક્ષા બોર્ડ પણ નિયમ મુજબ જ દિવ્યાંંગોની ભરતી કરે છે, માત્ર જીપીએસસીમાં જ બેવડાં ધોરણો પ્રવર્તે છે.

મૂળ અમરેલીના ધારી તાલુકાનો પણ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો કાર્તિક પટોળિયા કહે છે, ‘સામાન્ય રીતે ભરતી પરીક્ષાઓમાં કુલ જગ્યાઓ કરતાં છ ગણા વધુ પરીક્ષાર્થીઓને પાસ કરવામાં આવે છે. દા.ત. ૧૦૦ જગ્યાઓ ભરવાની હોય તો તેના માટે ૬૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે. જેથી કરીને સર્વોત્તમ ઉમેદવાર મળી રહે. આ નિયમ અન્ય તમામ પરીક્ષાઓમાં પાળવામાં આવે છે, પણ દિવ્યાંગોની વાત આવે ત્યારે ફગાવી દેવાય છે. ૬ ગણા ઉમેદવારોના નિયમ મુજબ જોઈએ તો ૧૦૦ ઉમેદવારો પર ત્રણ ટકા લેખે પ્રિલિમિનરીમાં ૧૮ ઉમેદવારો પસંદગી પામવા જોઈએ, પણ મોટા ભાગની ભરતીમાં તેટલા દિવ્યાંગોની પણ પસંદગી કરવામાં આવતી નથી. જીપીએસસીએ મુખ્યમંત્રીના હાથ નીચે કામ કરતા સામાન્ય વહીવટ વિભાગે નિયત કરેલા નિયમો મુજબ કામ કરવાનું હોય છે. એના નિયમો બહુ સ્પષ્ટ છે છતાં અવગણવામાં આવે છે. દિવ્યાંગોને કટ ઓફના ૧૦ ટકા રાહત આપીને ભરતી કરવી એવો કોઈ ઠરાવ સામાન્ય વહીવટ વિભાગે કદી કર્યો નથી. તો પણ જીપીએસસી મનસ્વી રીતે આ નિયમ લઈ આવ્યું છે.

મોરબીનો દિવ્યાંગ પરીક્ષાર્થી હિતેશ પટેલ સમગ્ર મામલે પોતાનો મત વ્યક્ત કરવા છેક મોરબીથી બસમાં મુસાફરી કરીને અભિયાનની અમદાવાદ ઑફિસે આવ્યો હતો. જ્યાં પત્રકાર સમક્ષ તેણે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યુંઃ છેલ્લાં પાંચ વર્ષથી અમે આ મામલે દરેક લાગતાં વળગતાં અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરી રહ્યા છીએ, પણ દરેક વખતે અમને જોઈશુંએવો જવાબ આપીને રવાના કરી દેવામાં આવે છે. જીપીએસસીના અધિકારીઓનું કહેવું છે કે, આ નિયમ અમારી સત્તાની બહાર લાગુ કરી દેવાયો છે. સામે સામાન્ય વહીવટ વિભાગ કહે છે કે અમે આવો કોઈ નિયમ બનાવ્યો જ નથી. ત્યારે સવાલ એ થાય કે ખરેખર કોના ઇશારે આ થઈ રહ્યું છે. શું સરકાર ઇચ્છતી નથી કે અમને કામ મળે? અમે દિવ્યાંગો સામાન્ય યુવાનોની જેમ એક જગ્યાએ ભેગા થઈને તંત્ર સામે લડત આપી શકતા નથી. કેમ કે દરેકને કોઈ ને કોઈ શારીરિક સમસ્યા છે. એ સિવાય આર્થિક સમસ્યા પણ ખરી. એટલે તંત્ર સામે મોરચો માંડવો અમારા માટે બહુ મોટો પડકાર છે. દિવ્યાંગોના હકોની તરફેણ કરતો કાયદો ૧૯૯૫માં આવ્યો, તેમાં ૨૦૧૬માં સુધારો થઈને હવે દેશભરમાં ત્રણને બદલે ચાર ટકા અનામત લાગુ કરી દેવામાં આવી છે, પણ ગુજરાતમાં ત્રણ ટકા અનામતનો પણ યોગ્ય રીતે અમલ થતો નથી. જીપીએસસીની આ મનમાનીને કારણે ત્રણ વર્ષ બાદ દિવ્યાંગોની ખાલી પડેલી જગ્યાઓ સામાન્યમાં તબદીલ થઈ જાય છે. એ જોતાં અમને તો શંકા જાય છે કે, ક્યાંક અમારી સરકારી જગ્યાઓ જનરલમાં તબદિલ કરી દેવાનું આ કાવતરું તો નથી ને?’

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અભિયાનના પત્રકાર દ્વારા જીપીએસસીના ચૅરમેન દિનેશ દાસાનો સંપર્ક કરવા એકથી વધુ વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પણ તેમની ઑફિસમાંથી કોઈ ને કોઈ બહાનું કાઢીને સંપર્ક ટાળવામાં આવ્યો હતો. એ જ રીતે સામાન્ય વહીવટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કમલ દાયાણીની ઑફિસમાંથી પણ અલગ અલગ નંબર આપીને પત્રકારને ગોળ-ગોળ ફેરવવામાં આવ્યા. આમ જવાબદાર અધિકારીઓનું આ રીતે મોં ફેરવી લેવું દાળમાં કંઈક કાળું હોવા તરફ ઇશારો ચોક્કસ કરે છે. જોવાનું એ રહેશે કે જાહેર ભાષણો અને હોર્ડિંગ્સમાં પોતાને સંવેદનશીલતરીકે પ્રોજેક્ટ કરતી ગુજરાત સરકાર આ મામલે કોઈ પગલાં લે છે કે નહીં.
——————————–

દિવ્યાંગોની ભરતીમાં નિયમોનું ઉલ્લંઘનનરેશ મકવાણા
Comments (0)
Add Comment