આઉટડોર ગેમ ક્રિકેટનું નવું સ્વરૃપ ઇન્ડોર ક્રિકેટ

૨૦૧૪માં સુરતમાં પ્રથમ ઇન્ડોર ક્રિકેટની શરૃઆત
  • સ્પોટ્ર્સ – હરીશ ગુર્જર

ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે. અંગ્રેજોના સમયથી દેશમાં ક્રિકેટ રમાવાની શરૃઆત થઈ હતી. આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી તવંગર ક્રિકેટ બોર્ડ છે. આઈપીએલના કારણે ક્રિકેટ વધુ રોમાંચક બની છે, ત્યારે દેશનાં વ્યસ્ત શહેરોમાં ક્રિકેટનું એક નવું સ્વરૃપ આકાર લઈ રહ્યું છે અને લોકપ્રિય પણ થઈ રહ્યું છે. બોક્સ ક્રિકેટ કે ઇન્ડોર ક્રિકેટ નામથી જાણીતી આ રમતને હવે ક્રિકેટ રમતા દેશોએ ગંભીરતાથી લેવાની શરૃઆત કરી છે.

ભારતના ક્રિકેટ ઇતિહાસની સાથે સુરતનો નાતો વર્ષો જૂનો છે. ઔદ્યોગિક શહેર સુરત હવે દેશને ક્રિકેટની એક નવી ઓળખ આપવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સમયની સાથે ઓછા થતાં જતાં મેદાનોએ ક્રિકેટના નવા સ્વરૃપ ઇન્ડોર ક્રિકેટને જન્મ આપ્યો છે. જેને બોક્સ ક્રિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારત સિવાયના અન્ય દેશોમાં ઇન્ડોર એક્શન ક્રિકેટ કહેવામાં આવે છે. દેશમાં સૌ પ્રથમ મુંબઈ અને બેંગ્લુરુમાં ઇન્ડોર ક્રિકેટ રમાવાની શરૃઆત થઈ હતી અને હવે સુરત જ નહીં, પણ દેશનાં તમામ વ્યસ્ત શહેરોમાં ક્રિકેટના આ નવા સ્વરૃપે સ્થાન બનાવ્યું છે.

૨૦૧૪માં સુરતમાં પ્રથમ ઇન્ડોર ક્રિકેટની શરૃઆત કરનાર સુપર પ્લેયર્સ સ્પોટ્ર્સ ક્લબના સંચાલક નયન દેસાઈ આ રમતને નવા જમાનાની ક્રિકેટ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે, ‘મોબાઇલ ગેમ્સના જમાનામાં યુવાનોને ગેજેટ્સથી દૂર રાખવામાં ક્રિકેટનું આ નવું સ્વરૃપ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત મહિલાઓ અને ઉંમરલાયક દરેક માટે અહીં દિલ ખોલીને ક્રિકેટ રમવાની છૂટ મળે છે. ૬૦ ફૂટ બાય ૧૦૦ ફૂટ કે ૮૦ ફૂટ બાય ૧૨૦ ફૂટના ટર્ફ ગ્રીન કાર્પેટથી સજ્જ ઇન્ડોર ગ્રાઉન્ડમાં ઈજા થવાની શક્યતા પણ નહિવત્ છે. વધુમાં, અહીં ખેલાડીઓ પોતાની ફુરસતે રમવા આવી શકે છે.’

સુરતમાં આજે નાનાં-મોટાં ૨૦ ઇન્ડોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખૂલી ગયા છે. શરૃઆતમાં આપણે ત્યાં તેને ગલી ક્રિકેટના વિકલ્પ તરીકે સ્થાન મળ્યું. ગલીઓમાં રમતી વખતે બારીના કાચ અને પાર્કિંગમાં મૂકેલાં વાહનોને નુકસાનની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત ગલી ક્રિકેટ કે કોમન પ્લોટમાં રમાતી ક્રિકેટમાં ઈજા થવાની શક્યતાઓ પણ વધુ રહે છે. ટેન્શન નેટથી કવર કરેલા બોક્સમાં રમવામાં આવતી ક્રિકેટનો બીજો એક ફાયદો એ પણ છે કે ઓછા ખેલાડીઓ હોય તો પણ ક્રિકેટની પૂરેપૂરી મજા માણી શકાય છે. આમ અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવતી ઇન્ડોર ક્રિકેટની લોકપ્રિયતા પાછળનું આજનું મુખ્ય કારણ ઓછો સમય અને મેદાનોની અછત છે.

૧૯૭૦માં ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમવાર ઇન્ડોર બોક્સ ક્રિકેટની શરૃઆત થઈ હતી. દરેક ઉંમરનો ક્રિકેટપ્રેમી પણ ક્રિકેટ રમી શકે તે ઉદ્દેશ સાથે ક્રિકેટના આ નવા સ્વરૃપની શોધ થઈ હતી. જે સમયની સાથે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડમાં પણ લોકપ્રિય બની. વિશ્વમાં ક્રિકેટના આયોજન અને નિયમન માટે જે રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) છે, એ જ રીતે ઇન્ડોર ક્રિકેટનું નિયમન વર્લ્ડ ઇન્ડોર ક્રિકેટ ફેડરેશન (ડબ્લ્યુઆઈસીએફ) કરે છે. ભારતમાં પણ હવે ઇન્ડિયન ઇન્ડોર સ્પોટ્ર્સ ફાઉન્ડેશન નામની સંસ્થા તેનું સંચાલન અને નિયમન કરે છે અને વૈશ્વિક સંસ્થા સાથે તેનું જોડાણ છે. ૨૦૧૦થી ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડમાં ઇન્ડોર ક્રિકેટનો વર્લ્ડકપ પણ રમાય છે.

ઇન્ડોર ક્રિકેટના આ ફોરમેટમાં ૮ ખેલાડીઓની ટીમ રાખવામાં આવે છે અને એક દાવ ૬ ઓવરનો હોય છે. બંને ટીમની રમત પુરી થતાં ૨૫ મિનિટનો સમય લાગે છે. આમ રોજિંદા રૃટિનમાંથી માત્ર ૨૫ મિનિટ કાઢીને ક્રિકેટનો રોમાંચ આ ફોરમેટમાં મળતો હોવાથી કૉલેજિયન યુવક-યુવતીઓમાં તેનો ક્રેઝ વધ્યો છે. ૬ ઓવરના એક દાવને રોમાંચક બનાવવા પહેલી ઓવર પાવર પ્લે રાખવામાં આવે છે અને ચોથી ઓવરને સુપર રાખવામાં આવે છે. આ ઓવરમાં બેટ્સમેન જેટલા રન કરે એના ડબલ રન ગણવામાં આવે છે.

ઇન્ડોર ક્રિકેટની ટૂર્નામેન્ટનું આયોજન કરતાં રોહન પ્રજાપતિનું કહેવું છે, ‘મેદાનમાં ન જઈ શકતાં ક્રિકેટપ્રેમીઓ માટે આ ફોરમેટ ખૂબ જ ઉપયોગી છે. કોર્પોરેટ કંપનીઓ હવે પોતાના કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે, કિટી પાર્ટી કરતી મહિલાઓ અને બર્થ-ડે પાર્ટીમાં ભેગા થતાં મિત્રો પણ એક-એક કલાકનું બુકિંગ કરાવીને ઇન્ડોર ક્રિકેટની મજા માણે છે. આ રમતમાં દોડવાનું ઓછું અને મજા ડબલ છે, એટલે ફેમિલી ગેટ ટ ુગેધર પણ હવે ઇન્ડોર ક્રિકેટ ગ્રાઉન્ડ પર થઈ રહ્યાં છે.’

નયન દેસાઈ ઇન્ડોર ક્રિકેટના વિવિધ ઉપયોગો વિશે જણાવતાં કહે છે, ‘ભારતીય લોકો જુગાડમાં હોશિયાર હોય છે અને તેથી આ મેદાન પર ક્રિકેટ ઉપરાંત હવે ફૂટબોલની મેચ પણ રમાય છે. ૬ કે ૮ ખેલાડીઓની ટીમ ૧૦-૧૫ મિનિટના બે હાફમાં ફૂટબોલની મજા માણે છે. ક્રિકેટ તેમ જ ફૂટબોલ બંનેના સ્કોર અમારે ત્યાં ઓનલાઇન પણ દર્શાવાતા હોવાથી ખેલાડીઓ એને પોતાના રેકોર્ડ તરીકે પણ દર્શાવે છે. આ ઉપરાંત ઇન્ડોર ક્રિકેટના મેદાનનો ઉપયોગ ક્રિકેટરો કોચિંગ માટે પણ કરે છે.’

એક સમયે ૬૦ ઓવરની વન-ડે મેચનું ફોરમેટ હવે ડે-નાઇટ ૨૦-૨૦ સુધી આવ્યું હતું ત્યારે, ક્રિકેટપ્રેમીઓએ શરૃઆતમાં તેની ટીકા કરી હતી, પણ આજે આ ફોરમેટનો વર્લ્ડ કપ પણ રમાય છે, ત્યારે આવનારા દિવસોમાં ઇન્ડોર ક્રિકેટનું ફોરમેટ પણ લોકપ્રિય થશે એવા સંકેત મળી રહ્યા છે. હાલમાં ક્રિકેટ નહીં રમતા સિંગાપોર અને દુબઈ જેવા દેશો પણ ઇન્ડોર ક્રિકેટ સ્વીકારી રહ્યા છે ત્યારે ઇન્ડોર ક્રિકેટ નવા જમાનાની ક્રિકેટ બનશે તે નક્કી છે.
—.

આ રમતમાં ૧ જ અમ્પાયર
ક્રિકેટના અત્યાર સુધીના દરેક ફોરમેટમાં બે અમ્પાયર હોય છે. છેલ્લા કેટલાક સમયથી તેમાં વધુ એક અમ્પાયર થર્ડ અમ્પાયર અને રેફરીનો ઉમેરો થયો છે. તો બીજી તરફ ઈન્ડોર ક્રિકેટના ફોરમેટમાં માત્ર ૧ જ અમ્પાયર હોય છે, કારણ કે, મેદાન નાનું હોવાથી બેટિંગ પીચ પર ઓવર બદલાયા બાદ ખેલાડીઓ જ સાઈડ બદલી લેતાં હોય છે અને બેટિંગ કરનાર બેટ્સમેનની પાછળ કિપરની પાછળ માત્ર ૫ ફૂટનું જ અંતર રહે છે. તેથી ૧ અમ્પાયર આખા મેદાનમાં નજર રાખી શકે છે.
————————-

ઇનડોર ક્રિકેટસુરતહરિશ ગૂર્જર
Comments (0)
Add Comment