૨૬ જાન્યુઆરી ૧૯૩0 – જ્યારે દેશે પૂર્ણ સ્વાતંત્ર્યનો સંકલ્પ લીધો

કોંગ્રેસ કાર્ય-સમિતિએ પૂર્ણ સ્વાતંત્રની જાહેરાત કરી હતી
  • પ્રજાસત્તાક પર્વ 

૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. અંગ્રેજોએ ભલે તેને સત્તાંતરણ તરીકે ઓળખાવ્યું હોય પણ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે આપણા દેશભક્તોએ ખૂબ લાંબો ને કઠિન સંઘર્ષ કર્યો હતો. આ સંઘર્ષનો એક મહત્ત્વપૂર્ણ પડાવ હતો ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦નો દિવસ, જ્યારે કોંગ્રેસના લાહોર અધિવેશનના નિર્ણય અનુસાર દેશે પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લીધી.

૨૬ જાન્યુઆરીએ આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ, જે એક મહાન રાષ્ટ્રીય પર્વ છે. રાષ્ટ્રએ ગુલામીમાંથી પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિના લક્ષ્યની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન અને દાંડી યાત્રાનો આરંભ થયો. એ જ અરસામાં મહાત્માજીએ મીઠાના સત્યાગ્રહની ઘોષણા પણ કરી. તેમણે ગુજરાતના સાબરમતી આશ્રમથી દાંડીની પ્રેરણામયી અને પુનિત યાત્રાની શરૃઆત કરી. તેમણે જાહેરાત કરી કે તેઓ દાંડીના સમુદ્રતટ પર જઈને મીઠાના કાયદાનું ઉલ્લંઘન કરશે અને એ સાથે જ નમક સત્યાગ્રહનો આરંભ કરશે.

મહાત્માજી સેંકડો કિલોમીટરની યાત્રા કર્યા બાદ કેટલાય દિવસો પછી દાંડી પહોંચ્યા. તેમની સાથે યાત્રા કરનારા લોકોમાં સાબરમતી આશ્રમના કેટલાક લોકો અને અન્ય કેટલાક સત્યાગ્રહીઓ પણ સામેલ હતા. આ ઐતિહાસિક યાત્રા રાષ્ટ્ર માટે સંજીવની બુટી સમાન સાબિત થઈ. મહાત્માજીનું એક એક ડગલું સમગ્ર રાષ્ટ્રમાં જોમ અને ઉત્સાહ ભરનારું સાબિત થતું રહ્યું. એ દિવસોમાં રાષ્ટ્ર બ્રિટિશ સરકાર સામે સંગ્રામની તૈયારી કરી રહ્યું હતું. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં તેની ચર્ચા થઈ અને એ સમયે ભારતમાં બધો વહીવટ અને કામકાજ સંભાળનારા મિ. હેનરીએ મહાત્માજીની યાત્રાની મજાક ઉડાવી અને કહ્યું કે ગુજરાતના સમુદ્ર કિનારે એક તમાશો થઈ રહ્યો છે. એ સમયે અંગ્રેજ સામ્રાજ્યવાદીઓની મનોદશા આવી હતી.

વર્ષ ૧૯૩૦ની મહાત્માજીની આ યાત્રાનો સંબંધ ૨૬ જાન્યુઆરી સાથે પણ છે. ૨૬ જાન્યુઆરી પાછળ એક લાંબી અને જીવન-પ્રેરણા પ્રદાન કરનારી એક મહત્ત્વપૂર્ણ જ્વલંત કહાણી છે. ૨૬ જાન્યુઆરીનો જન્મ લાહોરની કોંગ્રેસથી થયો જેનું નેતૃત્વ પં.જવાહરલાલ નહેરુએ કર્યું હતું. લાહોર કોંગ્રેસમાં જ પૂર્ણ સ્વાધીનતાનો પ્રસ્તાવ સ્વીકારાયો હતો, જેમાં એવું નક્કી થયું કે ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ સ્વાધીનતાનો પ્રતિજ્ઞા પત્ર વાંચવામાં આવે અને દેશની જનતા આ પ્રતિજ્ઞા પત્રને દોહરાવે. લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિનો પ્રસ્તાવ વર્ષ ૧૯૨૯ની ૩૧મી ડિસેમ્બરની રાત્રે ૧૨ વાગ્યે સ્વીકારવામાં આવ્યો. ૧૨ વાગ્યા બાદ પૂર્ણ સ્વાધીનતાની સ્વીકૃતિ રાવીના તટ પર પ્રસન્નતાપૂર્વક ખીલતી દીઠી. હજારો યુવાનો રાવીના તટ પર નાચતાં-ગાતાં અત્યંત પ્રસન્ન મુદ્રામાં ઉત્સાહપૂર્ણ જોવા મળી રહ્યા હતા. તેમણે તત્કાલીન અધ્યક્ષ પં.જવાહરલાલ નહેરુને પણ રાવીના તટે આમંત્રિત કર્યા. એ સમયે પંડિતજી એક સફેદ ઘોડા પર ચઢીને રાવીના તટે આવ્યા હતા. લાહોરમાં હાડ થીજાવી દેતી ઠંડી પડી રહી હતી. પં. નહેરુ કાળા રંગની શેરવાની પહેરીને સફેદ ઘોડા પર સવાર થઈને આવ્યા હતા.

દેશભક્તોના રક્તથી જન્મી ૨૬ જાન્યુઆરી
કોંગ્રેસ કાર્યસમિતિએ પૂર્ણ સ્વાતંત્ર્યની જે જાહેરાત કરી હતી તે જાહેરાત ૨૬ જાન્યુઆરીએ સાંજે ૪ વાગ્યે સમગ્ર દેશમાં વાંચવામાં આવી. આ ઘોષણા કાશીમાં વાંચવામાં આવી હતી. ત્યાં ડૉ. સંપૂર્ણાનંદ પણ હતા. દશાશ્વમેઘ ઘાટ પર ખૂબ મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંભવતઃ ૫૦ હજારથી પણ વધુ વ્યક્તિઓ હાજર હતા. વચ્ચોવચ મંચ બનાવવામાં આવ્યું હતું. સંપૂર્ણાનંદજી ઊભા થઈને એક એક વાક્ય વાંચી રહ્યા હતા અને બીજા લોકો એ વાક્યનો પુનરોચ્ચાર કરી રહ્યા હતા. ઘોષણાપત્રનું વાંચન જેવું સમાપ્ત થયું કે પોલીસ ત્યાં હાજર રહેલી ભીડ પર તૂટી પડી. આડેધડ લાકડીઓ ચલાવવા લાગી. ત્યાં હાજર લોકોમાં કેટલાય લોકો ઘાયલ થયા, પણ એકત્રિત થયેલો જનસમૂહ સહેજ પણ ડગ્યા વિના ત્યાં જ અડીખમ રહ્યો. આ રીતે ૨૬ જાન્યુઆરી દેશભક્તોના લોહીથી જન્મી છે. અન્ય એક કહાણી પણ છે. વર્ષ ૧૯૨૮માં કોલકાતામાં કોંગ્રેસનું અધિવેશન થયું. કોંગ્રેસની અધ્યક્ષતા પં.મોતીલાલજીએ કરી હતી. એ સમયે કોંગ્રેસની સામે મુખ્ય પ્રશ્ન હતો શાસન-વિધાન બનાવનારી સમિતિની નિયુક્તિ. સમિતિમાં દરેક પ્રકારના વિચારો ધરાવનારા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રશ્ન એ હતો કે ભારત માટે એક સંવિધાનની રચના કરવામાં આવે. આ કમિટીનું નામ મોતીલાલ નહેરુ કમિટી રાખવામાં આવ્યું હતું. આ કમિટીને સર્વદલીય બનાવવાની જરૃર એટલા માટે પડી હતી, કારણ કે કોંગ્રેસ સરકારે પડકાર આપ્યો હતો કે ભારત પોતાના માટે સંવિધાન નહીં બનાવી શકે, કારણ કે પરસ્પર ઘણા મતભેદ છે. તેથી જ અંગ્રેજી સરકારે બાદમાં સાઇમન કમિશનની રચના કરી જેના બધા જ સભ્યો અંગ્રેજ હતા. એવું કહેવામાં આવ્યું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી અંગ્રેજ કમિટીનું એટલા માટે ગઠન કરવામાં આવ્યું કારણ કે હિંદુસ્તાની ક્યારેય એકમત નથી થઈ શકતા અને નહીં થઈ શકે. મોતીલાલ નહેરુ કમિટીમાં કદાચ ગરમ દલ-નરમ દલ, મહમ્મદ અલી જીન્ના વગેરે લોકો સામેલ હતા. નહેરુ કમિટીનો રિપોર્ટ તૈયાર થયો. એમાં જે વિધાન બનાવવામાં આવ્યું એ ઉપનિવેશકા વિધાન હતું. કોલકાતાની કોંગ્રેસમાં મુદ્દો એ હતો કે નહેરુ કમિટીની રિપોર્ટનો સ્વીકાર કરી લેવામાં આવે તેને રાષ્ટ્રીય માગનું સ્વરૃપ આપી દેવામાં આવે.

કોંગ્રેસની વિષય સમિતિમાં જ્યારે આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે નહેરુ કમિટીની સિફારિશોને મંજૂર કરવામાં આવે તો પં. જવાહરલાલ નહેરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. તેમના વિરોધ છતાં સમિતિમાં આ પ્રસ્તાવનો સ્વીકાર થયો. પંડિત જવાહરલાલ નહેરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ બંનેએ ભેગા મળીને એક સંસ્થા બનાવી. આ સંસ્થાનું નામ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા લીગ રાખવામાં આવ્યું. આ સંસ્થા તરફથી એવી નોટિસ પણ આપવામાં આવી કે જ્યારે કોંગ્રેસ પાસે નહેરુ કમિટીની રિપોર્ટનો સ્વીકાર કરવાનો પ્રસ્તાવ આવશે ત્યારે ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા લીગ તરફથી પં.જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ આ પ્રસ્તાવનો વિરોધ કરશે. કોંગ્રેસના અધિવેશન માટે એકત્રિત થયેલા બધા જ પ્રાંતીય પ્રતિનિધિઓની શિબિરમાં ઊહાપોહ થઈ ગયો અને આખો દિવસ-રાત પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થતી જોવા મળી. ઉત્તર પ્રદેશના પ્રતિનિધિઓના શિખરમાં રાત્રે ૧૨ વાગ્યે પં. નહેરુ આવ્યા હતા. બધા જ પ્રતિનિધિઓ એકત્રિત થઈ ગયા. પંડિતજીએ જાહેરાત કરી કે તેઓ નહેરુ કમિટીના રિપોર્ટનો વિરોધ કરશે અને પૂર્ણ સ્વાધીનતા માટે કોંગ્રેસના લક્ષ્યની જાહેરાત કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂકશે. તેમણે એવી માગણી કરી હતી કે ઉત્તર પ્રદેશના પ્રતિનિધિઓ તેમનું સમર્થન કરે. વયસ્ક અને વૃદ્ધ લોકો તો ગંભીરતાપૂર્વક બેસી રહ્યા હતા, પણ પ્રતિનિધિઓમાં જે નવયુવાન હતા તેમણે ઊંચા અવાજે નહેરુજીને સમર્થન આપવાનો હુંકાર કર્યો. એવું જોવા મળ્યું કે બીજા દિવસે યોજાનારા અધિવેશનમાં પિતા-પુત્ર બંને અલગ-અલગ માર્ગ ગ્રહણ કરશે અને તેના ફળસ્વરૃપ જોરદાર સંઘર્ષ જોવા મળશે.

હવે આ સ્થિતિમાં ગાંધીજીએ હસ્તક્ષેપ કરવો પડ્યો. તેમને પિતા-પુત્ર વચ્ચે સંઘર્ષ થાય તે ઉચિત ન લાગ્યું. તેમને એવું લાગ્યું કે કોંગ્રેસમાં પં.મોતીલાલ નહેરુ સમિતિની રિપોર્ટનો અસ્વીકાર કરવાનો પ્રસ્તાવ પાસ થવો અને તેના પર સંઘર્ષ થવો કોંગ્રેસ માટે બરાબર નહીં હોય અને નહેરુ કમિટીનો રિપોર્ટ અસ્વીકાર થઈ જાય તે પણ યોગ્ય નહીં લાગે, કારણ કે કોંગ્રેસના અધ્યક્ષ પં. મોતીલાલજી વિરુદ્ધ અવિશ્વાસનું પ્રદર્શન થયું હોય એવું જણાશે. ગાંધીજીએ તેથી હસ્તક્ષેપ કર્યો અને પોતે એક પ્રસ્તાવ બનાવ્યો. એ પ્રસ્તાવમાં એમ કહેવામાં આવ્યું કે નહેરુ કમિટીનો રિપોર્ટ એક જ શરતે સ્વીકારવામાં આવે કે અંગ્રેજ સરકાર એક વર્ષની અંદર સ્વીકારી લે અને ઉપનિવેશવાદ સરકારનો દરજ્જો મળી જાય. જો એક વર્ષની અંદર અંગ્રેજ સરકાર પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે તો પછીથી યોજાનારા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વતંત્રતાના લક્ષ્યની જાહેરાત કરી દેવામાં આવે. આ પ્રસ્તાવ કોંગ્રેસના અધિવેશનમાં  રજૂ કરવામાં આવ્યો. સંભવતઃ આ પહેલાં ગાંધીજી પં. મોતીલાલ નહેરુ અને પં. જવાહરલાલ નહેરુ સાથે વાત કરી ચૂક્યા હતા. દરેકને એવો વિશ્વાસ બેસી ગયો હતો કે ગાંધીજીના પ્રસ્તાવને કારણે કોઈ પણ પ્રકારના સંઘર્ષની નોબત નહીં આવે અને પ્રસ્તાવ સર્વસંમત્તિથી સ્વીકૃત થશે. પ્રસ્તાવ કોંગ્રેસમાં રજૂ થયો. પં. જવાહરલાલ નહેરુએ ગાંધીજીના પ્રસ્તાવનું સમર્થન કર્યું. તેમણે પોતાના ભાષણમાં આ પ્રસ્તાવના સમર્થનની વાત કરી અને કહ્યું કે તેઓ પ્રસ્તાવનો સ્વીકાર કરી રહ્યા છે, કારણ કે વિશ્વના સૌથી મોટા ક્રાંતિકારીએ આ પ્રસ્તાવ બનાવ્યો છે, પણ સુભાષ બાબુએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો કોંગ્રેસ અધિવેશનમાં ખૂબ મોટા બહુમત સાથે આ પ્રસ્તાવનો સ્વીકાર થયો.

આ જ સંદર્ભમાં ૨૯-૩૦-૩૧ ડિસેમ્બરના રોજ લાહોરમાં લાહોર કોંગ્રેસ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. પં.જવાહરલાલ નહેરુ આ અધિવેશનના પ્રમુખ હતા. વર્ષ ૧૯૨૯માં જ્યારે ડિસેમ્બરની ૩૧ તારીખે રાત્રે ૧૨ વાગ્યે જ્યારે એક વર્ષની મુદત પૂરી થઈ ગઈ ત્યાર બાદ નહેરુ કમિટીના રિપોર્ટનો અસ્વીકાર કરવામાં આવ્યો અને ત્યારે પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો કે કોંગ્રેસનું લક્ષ્ય પૂર્ણ સ્વાધીનતા પ્રાપ્ત કરવાનું છે. વર્ષ ૧૯૩૦માં વર્કિંગ કમિટીની મિટિંગમાં આ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું અને નક્કી કરવામાં આવ્યું કે આખા દેશમાં ૨૬ જાન્યુઆરીના રોજ આ પત્રનું વાંચન કરવામાં આવે. જનતા આ ઘોષણાપત્રના વાંચનને દોહરાવશે અને સંકલ્પ લેવામાં આવશે કે અહિંસાના માર્ગે પૂર્ણ સ્વાધીનતા પ્રાપ્ત કરવામાં આવશે. આ જ ૨૬ જાન્યુઆરીને આપણે સૌ આજ દિન સુધી ગણતંત્ર કે પ્રજાસત્તાક દિવસના રૃપમાં ઉજવતા આવ્યા છીએ, જે સ્વાધીનતા સંગ્રામમાં લેવામાં આવેલા અત્યંત ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ સંકલ્પનું પ્રતિફળ છે. એવો કયો ભારતવાસી હશે જે આ મહાન અને પવિત્ર સંકલ્પની પૂર્તિથી પ્રસન્ન નહીં થયો હોય અને એક અત્યંત વિશિષ્ટ મહાન અને પવિત્ર રાષ્ટ્રીય ઉપલબ્ધિ માટે પોતાની સમગ્ર તાકાત અને ભાવનાથી આદર ન કરતો હોય. આ રાષ્ટ્રીય મહાપર્વ છે અને આપણા દરેક પર્વોમાં સૌથી ઊંચો અને પવિત્ર પર્વ છે.

સંવિધાન સંમેલનમાં ભારત માટે સંવિધાનની રચના કરવામાં આવી. વર્ષ ૧૯૫૦માં ભારત ગણતંત્ર જાહેર થયું. સંવિધાન સંમેલનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે દરેક વર્ષે ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસના રૃપમાં ઉજવવામાં આવશે. આ રીતે ગણતંત્ર સંગ્રામની તિથિ જે સ્વાધીનતા સંગ્રામમાં નક્કી કરવામાં આવી હતી તે ૨૬ જાન્યુઆરીની તિથિ માની લેવામાં આવી. એ વાત સ્પષ્ટ છે કે ગણતંત્ર દિવસને સ્વાધીનતા સંગ્રામ સાથે જોડી દેવામાં આવ્યો અને સ્વાધીનતા સંગ્રામ સમયે પૂર્ણ સ્વાતંત્ર્યની માગને ભારતનું લક્ષ્ય જાહેર કરવા ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસનો સ્વીકાર કરવામાં આવ્યો. આ એ જ ભારતીય સમારોહનો પવિત્ર દિવસ છે.

(સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના દિવંગત નેતા કમલાપતિ ત્રિપાઠીના સંસ્મરણોના આધારે)
—————————-

26 જાન્યુઆરીકમલાપતિ ત્રિપાઠીગણતંત્ર દિવસસંપૂર્ણ સ્વરાજ
Comments (0)
Add Comment