ભવિષ્યમાં કચ્છમાં જંગલ ટૂરિઝમ પણ ખીલશે

આ વર્ષે તેણે મિની જંગલમાં વૃક્ષો વાવ્યાં છે
  • ટૂરિઝમ – સુચિતા બોઘાણી કનર

રાપરનો એક યુવાન ખેતીની સાથે એક એકરમાં મિની જંગલનું સર્જન કરી રહ્યો છે, પોતાના મિત્રોને પણ થોડી જમીનમાં જંગલનું નિર્માણ કરવા પ્રેરણા આપે છે. ચાર-પાંચ વર્ષે જ્યારે વૃક્ષો મોટા થશે ત્યારે ટ્રી હાઉસ અને ઓક્સિજન પાર્ક બનાવીને પ્રવાસીઓ માટે એક નવું જ આકર્ષણ ઊભું કરવાની તેની ઇચ્છા છે.

ગ્લોબલ વૉર્મિંગના કારણે ઋતુચક્રમાં બદલાવ આવી રહ્યો છે. માનવે સાધેલી પ્રગતિના કારણે પર્યાવરણ પર ખરાબ અસર થઈ રહી છે. જંગલો નષ્ટ થયા છે, પાણીના તળ ઊંડે ઊતરી ગયા છે. વનસ્પતિ, પશુ, પક્ષીઓની અનેક પ્રજાતિઓ નામશેષ થઈ રહી છે. પર્યાવરણ બચાવવાની માત્ર વાતો થાય છે. આવી સ્થિતિમાં કચ્છના નાનકડા નગર રાપરના ખેડૂત યુવાને અનોખી પહેલ કરી છે. તે એક એકર જમીનમાં જંગલ તૈયાર કરી રહ્યો છે. અહીં તે વનસ્પતિઓ તો ઉછેરશે જ, પરંતુ સાથે-સાથે પક્ષીઓ માટે સુંદર અને સુરક્ષિત આવાસો પણ બનાવશે. મિની જંગલમાં તે જંગલ ટૂરિઝમ પણ શરૃ કરીને પોતાની આવકનો સ્ત્રોત ઊભો કરીને પ્રવાસીઓ માટે ટૂરિઝમ સ્પોટ પણ બનાવશે. આ વર્ષે તેણે મિની જંગલમાં વૃક્ષો વાવ્યાં છે, જે મોટા થતાં થોડો સમય લાગશે. ત્યાં સુધી તે ઓળખીતાઓને પણ આવું જંંગલ ઊભું કરવા સમજાવે છે. મૂળ રાપરના પરંતુ વર્ષોથી મુંબઈમાં રહેતા પરિવારના દીકરા ઋષભ તારાચંદ ચરલાની વિચારસરણી અન્ય યુવાનો કરતાં અલગ છે. તે પોતાના સ્વાર્થની સાથે સાથે પરમાર્થ કરવામાં માને છે. મુંબઈમાં બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો આ યુવાન પરિવારનો વ્યવસાય છોડીને ખેતી કરવા વતન આવ્યો છે.

પોતાની કલ્પના અંગે વાત કરતા તે જણાવે છે કે, ‘મારી પાસે જે જમીન છે તેમાંથી માત્ર એક એકર જમીન અલગ કાઢી છે. આ જમીનમાં મેં અહીંં થતાં વૃક્ષો, કોઈ પણ આયોજન વગર વાવ્યા છે. જે મોટા થયે એક જંગલનું સ્વરૃપ ધારણ કરશે. મારા પિતાની ખેતી કરવાની તીવ્ર ઇચ્છા હતી, તેમની પ્રેરણાથી હું પરિવારનો કાપડનો વ્યવસાય છોડીને વતન ખેતી કરવા પહોંચ્યો છું. મને અહીં આવ્યાને પાંચેક વર્ષ થયા છે. મેં આવીને તરત જ મારી નાનકડી ગૌશાળા શરૃ કરી હતી, જેથી મને ઓર્ગેનિક ખેતી માટે જરૃરી એવું જીવામૃત સહેલાઈથી મળી શકે. જો ખેતીને નફાકારક બનાવવી હોય તો ગાય આધારિત જ કરવી જોઈએ. રસાયણ આધારિત ખેતી ટૂંક સમયમાં તેના ખરાબ પરિણામો દેખાડવા લાગે છે. મેં પૂરતું વળતર આપે તેવી પામરોઝા (સુગંધિત ઘાસ)ની ખેતી શરૃ કરી છે. સાથે-સાથે ઓર્ગેનિક ઘઉં અને થોડા શાકભાજી ઉગાડું છું. મેં ઘાસમાંથી તેલ કાઢવા માટે ડિસ્ટિલેશન પ્લાન્ટ નાખ્યો છે. આ તેલનો ઉપયોગ પરફ્યુમ, અગરબત્તી અને સાબુ બનાવવા માટે થાય છે. આ ઘાસ ઉપરાંત મેં લેમન ગ્રાસ (ટી) અને પરફ્યુમ બનાવવા વપરાતું વેટીવર ગ્રાસ પણ વાવ્યું છે. આ ઘાસ અને ઘઉં મને આવક રળી આપે છે. માણસોએ પ્રકૃતિનું ખૂબ નુકસાન કર્યું છે. જંગલો ઘટતા જાય છે. આવી જ સ્થિતિ રહી તો ભાવિ પેઢી જંગલ અને પ્રાણી- પક્ષીઓ માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે. હું ખેડૂત છું, સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની મારી જવાબદારી છે. આથી મેં પ્રકૃતિનાં નાનાં ફેફસાંરૃપી જંગલ વિકસાવવાનું વિચાર્યું છે. આ વર્ષે મેં લીમડો, મીઠો બાવળ, સીતાફળ, ગુલમહોર, જામફળ, ગુંદા, જાંબુ, બોર, પીલુ, રેનટ્રી જેવા ૪ હજાર રોપા વાવ્યા છે. થોડાં વર્ષો પછી જ્યારે વૃક્ષો મોટા થશે ત્યારે ઓક્સિજન તો મળશે જ, પક્ષીઓ માટે કુદરતી આવાસ પણ પૂરા પાડશે. થોડાં વર્ષો પછી મોટા વૃક્ષોમાં હું ટ્રી હાઉસ બનાવીશ. જંગલ ટૂરિઝમની સંકલ્પના કચ્છમાં નવી છે, અહીં આવનારા પ્રવાસીઓને તે જરૃર આકર્ષી શકશે. મને આવક થશે અને કુદરતને પણ હું કંઈક આપી શકીશ.’ ઋષભ જંગલ માટે વાવેલા રોપાઓને પણ જીવામૃત (ગૌમૂત્ર, છાણ, ચણાનો લોટ, ગોળ અને પાણીનું મિશ્રણ) આપે છે. અત્યારે તેમની ગૌશાળામાં ૩૨ ગાયો છે. તેઓ સારી બ્રીડ તૈયાર કરવા પણ પ્રયત્નશીલ છે. તેઓ વૉટર જળસંગ્રહ કરવા પણ આયોજન કરી રહ્યા છે. ખેતરના સેઢાની બાજુમાં લાંબી ગટર જેવી નીક ખોદી છે. ચોમાસામાં તેમાં ભરાયેલું પાણી ધીરે ધીરે જમીનની નીચે ઊતરશે અને ભૂગર્ભ જળમાં વધારો કરશે. બોર રિચાર્જ પણ તેઓ કરાવે છે.

પોતાના પરિવાર વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, ‘હું અને મારા પત્ની વતનમાં ખેતી કરીને જીવન જીવીને ખૂબ સંતોષ અનુભવીએ છીએ. અમારા સંતાનને પ્રાથમિક અભ્યાસ સ્થાનિક શાળામાં જ કરાવશું અને પછી તેને ગોખણિયું જ્ઞાન આપવાના બદલે તેની રુચિ હશે તે ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરશું.’

જો આ યુવાનનો મિની જંગલનો પ્રયોગ સફળ થાય, પ્રકૃતિને આપવાની સાથે તેને પણ જંગલ ટૂરિઝમ થકી આવક મળવા લાગે તો અનેક યુવાનો આ દિશામાં આગળ વધશે, તે નક્કી છે.

——————————-

કચ્છટુરિઝમસુચિતા બોઘાણી
Comments (0)
Add Comment