- કવર સ્ટોરી – સુચિતા બોઘાણી કનર
મોરચંગ (ચંગ)
હથેળીના કદનું આ વાદ્ય મોરના આકારનું હોય છે. તે મુખ્યત્વે લોખંડમાંથી બનાવાયેલું હોય છે. ક્યારેક તે ભેંસનાં શિંગડાંમાંથી, હાથીદાંતમાંથી, પિત્તળ, બામ્બુ, વાંસમાંથી બનાવાય છે. આજના જમાનામાં કલાકારો તો તેને સ્ટીલ, એટીએમ કે સિમકાર્ડમાંથી પણ બનાવે છે. ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં પણ આ વાદ્ય અલગ-અલગ નામે વગાડાય છે. તેવી જ રીતે યુરોપ, રશિયામાં પણ તે લોકપ્રિય છે. સાઇબેરિયાનું તો તે રાષ્ટ્રીય વાદ્ય છે. આ ફૂંકવાદ્ય છે. કચ્છમાં તે બનાવનારા કારીગરો નથી. ખાસ કરીને માલધારી લોકો પોતાનાં પશુઓને વગડામાં ચરાવવા લઈ જાય ત્યારે વગાડતાં હોય છે. તે અંદાજે રૃ.૫૦થી ૨૫૦૦ની કિંમતમાં મળે છે. અનેક હિન્દી ફિલ્મોમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આ વાદ્યનો સુપેરે ઉપયોગ કરાયો છે.
સુરંધો
આ વાદ્ય સારંગી જેવું ૬ તારનું ખૂબ સંુદર રીતે સજાવાયેલું હોય છે. તે લાકડાનું બનાવાય છે. માલધારીઓ તેને વગાડતા હતા. આજે તો માત્ર એક જ કલાકાર આ વાદ્ય વગાડી જાણે છે. ઓસમાણ જત નામના આ કલાકાર આજીવિકા રળવા માટે ટ્રક ચલાવે છે. તેમના સંતાનો પણ આ વાદ્ય સારી રીતે વગાડી શકતા નથી. આ વાદ્ય વગાડનારા ઘટી ગયા છે. જે વ્યક્તિના ઘરમાં આ વાદ્ય હોય કે જે વ્યક્તિ તે વગાડતા હોય તે ૬૦ વર્ષથી વધુ જીવી શકતા નથી, તેવી માન્યતાના કારણે આ વાદ્ય વગાડનારા કલાકારો ઘટી ગયા છે.
શરણાઈ
સિંધુ સંસ્કૃતિનું આ વાદ્ય કચ્છમાં લંઘા કોમના લોકો દ્વારા વગાડાય છે. મંગલ પ્રસંગે શરણાઈ વગાડવાનું ચલણ હજુ પણ હોવાથી આ કલાકારોને નિયમિત રીતે કામ મળતું રહે છે.
જોડિયા પાવા
બે વાંસળી જેવું આ વાદ્ય મુખ્યત્વે બામ્બુમાંથી બનાવાય છે. આ પણ એક ફૂંકવાદ્ય છે. માલધારીઓનું માનીતું છે. ૨૦-૨૨ ઇંચની બે વાંસળીથી આ વાદ્ય બનેલું હોય છે. એક વાંસળી નર હોય અને બીજી માદા હોય છે. બંને વાંસળી એક સાથે વગાડાય છે. તેમાંથી જે મીઠાશ ભર્યો સૂર નિકળે તે ભલભલાને ડોલાવી દે છે. મુસા ગુલામ જત નામના કલાકારે આ વાદ્ય વગાડવામાં એવી મહારત હાંસલ કરી હતી કે ગ્રેટ બ્રિટન અને જર્મનીમાં યોજાયેલા ભારત ઉત્સવમાં તેમની ભારે વાહવાહ થઈ હતી. આ વાદ્ય બનાવનારા કારીગરો પણ કચ્છમાં નથી. તેની અંદાજિત કિંમત રૃ.૧૦થી ૧૨ હજાર હોય છે.
કાની (નરકાની)
આ પણ કચ્છનું એક પારંપરિક વાદ્ય છે. સુખ, દુઃખ, પ્રેમ અને વિયોગની કથાઓ સંભળાવતી વખતે આ વાજિંત્ર વગાડવાનું ચલણ છે. જ્યાં પૂરતું પાણી ઉપલબ્ધ હોય તેવા નદી કિનારે ઊગતી વનસ્પતિના લાકડામાંથી કાની બને છે. બલુચિસ્તાનના મકરાન જિલ્લામાં તે થાય છે. ઈરાન અને ટર્કીનું પણ આ લોકપ્રિય વાદ્ય છે. આ એક ફૂંકવાદ્ય છે. તે વગાડવું બહુ અઘરું હોય છે. એક જાતની બેથી ૩ ફૂટ લાંબી વાંસળી જેવું આ વાદ્ય દેખાય છે. કચ્છમાં આ વાદ્ય વગાડનારા કલાકારો બહુ ઓછા છે.
નગારાં
નગારાં મૂળભૂત રીતે માટીના બનાવાતાં હતાં. તેને પ્રાણીઓની ચામડીથી મઢી લેવાતાં હતાં. નગારાં હંમેશાં જોડીમાં જ વગાડાય છે. બે નગારાંની વચમાં બેસીને વાદક તેને બે નાનકડી લાકડી વડે વગાડે છે. રાજાશાહી જમાનામાં રાજાનો ઢંઢેરો લોકોને સંભળાવવા માટે, લોકોને ભેગા કરવા માટે કે લડાઈ વખતે શૂરાતન ચડાવવા માટે નગારાં વગાડાતાં. આજે શુભ પ્રસંગોએ ક્યારેક નગારાં વગાડાય છે.
ઢોલક
ગાયન અને નૃત્ય વખતે આજે પણ ઢોલક વાગતું સાંભળવા મળે છે. શુભ પ્રસંગોએ શરણાઈની સાથે ઢોલક વગાડાય છે. લાકડામાંથી બનતાં આ વાદ્ય બેસીને કે ઊભા રહીને વગાડી શકાય છે. ઢોલક ઢોલ જેવું પણ તેનાથી થોડું જુદું હોય છે. ઢોલ નાનકડી દાંડીથી વગાડાય છે જ્યારે ઢોલક હાથથી.
ભોરીંદો
આ વાજિંત્ર ખૂબ જૂનું છે. માટીમાંના નાનકડા દડા જેવું આ વાજિંત્ર હોય છે. તેમાં ૩-૪ કાણા હોય છે. સિંધુ સભ્યતાના સમયે પણ આ વાદ્ય વગાડાતું હતું. નાનું વાદ્ય બાળકો વગાડતા જ્યારે મોટાઓ મોટું, પકવેલું અને તેના પર સુંદર નકશીકામ કરેલું વાદ્ય વગાડતાં. કોઈ કોઈ તેને લાકડામાંથી પણ બનાવે છે. આ વાદ્ય વગાડનારા તેમાંથી અલગ-અલગ પક્ષીઓના અવાજ પણ કાઢી શકે છે.
ગડો-ઘમેલું
માટીનો ગડો (ઘડો) અને તગારું – ઘમેલું પણ સંગીતનું એક સાજ હોઈ શકે તેવી કલ્પના પણ ન આવે, પરંતુ કચ્છના કલાકારો માટીનાં માટલાં અને પતરાંનાં તગારાંમાંથી ખૂબ મીઠું સંગીત ઉત્પન્ન કરી જાણે છે. તે હાથેથી વગાડાય છે. પરંપરાગત રીતે આ વાદ્યને સુરંદોનો સાથ હોય છે.
———————-