ઈરાનમાં આસમાની સુલેમાની

યુદ્ધ થાય તો અમેરિકા અને ઈરાનની લશ્કરી શક્તિની તુલના થઈ રહી છે
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

ઈરાનની અને દુનિયાની પ્રજાને ખબર કરી દેવાઈ છે કે ઈરાન યુદ્ધના મોડમાં પ્રવેશ્યું છે. ગયા શુક્રવારે ઈરાનના મિલિટરી કમાન્ડર કાસમ સુલેમાની બગદાદ ઍરપોર્ટ પર વિમાનમાંથી ઊતર્યા. એ સિરિયા ગયા હતા અને ત્યાંથી ઈરાક આવ્યા હતા. ઈરાકના હશ્દ અલ-શાબી નામના એક મિલિશિયા ગ્રૂપના ડેપ્યુટરી કમાન્ડર અબુ મહદી અલ-મહાંદીસ એમને લેવા ઍરપોર્ટ પર આવ્યા હતા. અબુ મહદીની ટોયોટા કાર જેવી ઍરપોર્ટમાંથી બહાર નીકળી કે આસમાનમાંથી મિસાઇલરૃપે મોત ત્રાટક્યું. અત્યંત ચોકસાઈપૂર્વક કામ કરતા અમેરિકી સેનાના ડ્રોન વિમાનમાંથી એક મિસાઇલ પલકઝપટમાં ત્રાટકી હતી

અમેરિકા અને ઈરાન વચ્ચેનું લશ્કરી ઘર્ષણ આમ તો સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં શરૃ થયું હતું જ્યારે આયાતોલ્લાહ ખોમૈનીની આગેવાનીમાં ઈરાનના ક્રાન્તિ દળોએ ઈરાનના શાહ (રાજા) મોહમ્મદ રેઝા પહેલવીને ૧૯૭૯માં ઈરાનમાંથી ભગાડી મૂક્યા હતા. ઈરાન અને અમેરિકા વચ્ચે ક્યારેય સારા સંબંધો રહ્યા નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી એમણે ઈરાન પ્રત્યે અતિ કડક વલણ અપનાવ્યું. છેલ્લાં અઢાર વરસમાં પડોશના ઈરાકની ધરતી પર અમેરિકા સદ્દામ હુસૈન અને અન્ય મિલિશિયા જૂથો સામે અમેરિકા સતત નાનાં-મોટાં યુદ્ધો લડ્યું, પણ ઈરાન તેમાં જાહેર અને સત્તાવારપણે સામેલ થયું ન હતું. પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એમના આઠ વરસના શાસનમાં ઈરાન સાથે નરમાઈ દાખવી હતી. ટ્રમ્પે તે સ્થિતિ પલટાવી નાખી. અમેરિકા અને ઈરાનની લશ્કરી તાકાતની સરખામણી કરીએ તો અમેરિકા સામે ઈરાન સાવ મગતરું ગણાય. છતાં આ સંભવિત યુદ્ધ દુનિયાને ડરામણુ લાગે છે, કારણ કે ઈરાન પાસે સંભવતઃ અણુ બોમ્બ છે. મિસાઇલને લગતી કેટલીક મહત્ત્વની ટૅક્નોલોજી ઈરાને વિકસાવી છે, કારણ કે ઈરાનની પડખે લડાયક મિજાજના વ્લાદીમિર પુતિન અને એમનું રશિયા છે. માટે આ યુદ્ધ ભયાનક બનશે, વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે જેમાં અમેરિકા સીધી રીતે લડશે અને રશિયા પ્રોક્સી યુદ્ધ લડશે. હાલમાં નાટો દેશો વચ્ચેનો સંપ મજબૂત રહ્યો નથી, તેમ છતાં રશિયા યુદ્ધમાં પ્રત્યક્ષપણે ઝૂકાવે તો નાટો દેશોનો અને યુક્રેઈનનો રશિયનોએ સામનો કરવો પડે. આ ખૂબ દૂરની શક્યતા છે, પણ છે.  કાસમ સુલેમાનીનો દેહ ઈરાનના તહેરાનમાં આવ્યો ત્યારે હજારો અને લાખો લોકો પીળા વાવટા સાથે એકઠા થયા. ઈરાને જાહેર કર્યું છે કે કાસમની હત્યા કરીને અમેરિકાએ ગંભીર ભૂલ કરી છે. કેટલાકના હાથમાં ઈરાની ત્રિરંગા હતા. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ પત્રકારોને જણાવ્યું કે, ઈરાન દ્વારા તુરંતમાં જ કાતિલ હુમલો થવાનું જોખમ ઝળૂંબી રહ્યું હતું તેને નિરસ્ત કરવા કાસમને મારી નખાયા છે. પોમ્પીઓએ કહ્યું કે આ એટેક યુદ્ધ ભડકાવવા માટે નહીં, પરંતુ યુદ્ધ અટકાવવા માટે થયો છે. અમેરિકા ઈરાન પાસેથી હવે શી અપેક્ષા રાખે છે તે ઈરાનને જણાવી દેવાયું છે, પરંતુ ઈરાન-ઈરાકમાં ગલીઓમાં હજારો લોકો ડેથ ટુ અમેરિકાના નારા લગાવી રહ્યા છે. હસન રૃહાનીએ કાસમ સુલેમાનીની પુત્રીઓ સમક્ષ જાહેરમાં જીભ કચડી છે તેથી કંઈક અજુગતું ઘટશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. સામે પક્ષે પ્રમુખ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે, ‘અમારી પાસે એકથી બઢકર એક શસ્ત્રો છે. જો ઈરાન અમેરિકાનાં હિતો પર હુમલો કરશે તો અમે ખૂબ ઝડપથી અને ખૂબ સખત જવાબ આપીશું જેનો ઈરાને અગાઉ ક્યારેય અનુભવ નહીં કર્યો હોય.’ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના સંરક્ષણ બાબતોના સલાહકાર હોસેન દેઘાને બયાન આપ્યું છે કે યુદ્ધની શરૃઆત અમેરિકા દ્વારા થઈ છે અને હવે અમેરિકનોએ વળતો પ્રહાર ભોગવવો પડશે. યુદ્ધ અગાઉ ઈજા પહોંચાડવાના મસમોટા દાવા અને ધમકીઓ વહેતાં થતાં હોય છે. મિડલ ઈસ્ટમાં લગભગ દસ થાણામાં અમેરિકી સૈનિકોની સંખ્યા એક લાખથી ઉપર હશે તેવો અંદાજ છે, કારણ કે સિરિયા અને ઈરાકમાં હાજર અમેરિકનોની સંખ્યાનો આંકડો ગુપ્ત રાખવામાં આવ્યો છે, પરંતુ ઈરાનની ધમકીના પગલે વધુ ત્રણ હજાર સૈનિકોની કુમક અમેરિકાએ મિડલ ઈસ્ટમાં મોકલી છે. કંઈક આસમાની સુલતાની (અથવા સુલેમાની) જરૃર થશે.

યુદ્ધ થાય તો અમેરિકા અને ઈરાનની લશ્કરી શક્તિની તુલના થઈ રહી છે. અમેરિકા પોતાની ધરતીથી હજારો કિલોમીટર દૂર આ યુદ્ધ લડશે, પણ પોતાની સમગ્ર તાકાતને લઈને ઈરાનની નજીક નહીં આવી જાય. એમ કરે તો ખુદ અમેરિકા બીજાઓ હુમલો કરી શકે તે માટે રેઢું પડી જાય. ખાડીની ઉત્તર બાજુએ ઈરાન, ઈરાક, સિરિયા વગેરે છે. દક્ષિણ બાજુએ સાઉદી અરેબિયા, યેમેન, કતાર, યુએઈ વગેરે છે. આમાં કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ પાસે નાણાની પ્રચંડ તાકાત છે. સુન્ની મુસ્લિમો અથવા આરબોના આ દેશો શિયા ઈરાનથી ડરે છે. ઈરાન શસ્ત્રોમાં ભલે અમેરિકા સામે વામન હોય, પણ દસ કરોડની આબાદીનો આ બિન-આરબ દેશ સાવ હળવાશથી લેવા જેવો પણ નથી. ઈરાનની આજુબાજુમાં દસ કરતાં વધુ લશ્કરી થાણા ધમધમતાં રાખીને અમેરિકા આરબ દેશોને ઈરાનથી સલામત રાખવાની ખાતરી આપે છે. આજે યુદ્ધની કગાર પર તમામ આરબ શેખો, સુલતાનો અને અમીરો ઘણા નર્વસ હશે. અમેરિકા ભલે આખેને આખું લશ્કર ગલ્ફમાં ના લઈ આવે, પણ યુદ્ધ થાય તો – પ્રથમ તો લગભગ તમામ ગલ્ફ અને મિડલ ઈસ્ટના દેશો તબાહ થઈ જાય. ઈરાન સાથે વેપારી અને રાજદ્વારી સંબંધો જાળવવા પર આખી દુનિયા પર પ્રતિબંધો લાદીને અમેરિકાએ ઈરાનનું અર્થતંત્ર ભાંગી નાખ્યું છે. ખાનગીમાં રશિયા, ચીન જેવા દેશો ઈરાનની સાથે છે છતાં જાહેરમાં તેઓ ઈરાન માટે મદદરૃપ બની શકે નહીં. એવું કરવા જાય તો અમેરિકા સાથેના વેપારી સંબંધો તૂટી જાય. ખોટનો ધંધો કરવા કોઈ દેશ માગતો નથી. ગલ્ફમાં સાઉદી અરેબિયા અમેરિકાનો ગાઢ મિત્ર છે. તે ઉપરાંત નજીકમાં ઇઝરાયલ છે. આ ઘટનાથી તેના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ખુશ થતા હશે, પરંતુ સાઉદીના રાજકુમાર ખાસ નર્વસ હશે.

એ ખરું કે ટ્રમ્પે ઈરાન પર કડક થવું પડે એવું કોઈ કામ ઈરાને કર્યું ન હતું. છતાં ટ્રમ્પે ધોંસ જમાવવાની શરૃઆત કરી હતી. ૨૦૧૫ના અગાઉનાં વરસોથી ઈરાન પર આર્થિક પ્રતિબંધો લદાયા હતા તે ૨૦૧૫ના કરાર અનુસંધાને હટાવી લેવાયા હતા, પરંતુ ૨૦૧૬માં ઓબામા ગયા અને ટ્રમ્પ આવ્યા. ચૂંટણી પ્રચારમાં પણ એ ઓબામાએ ઈરાન સાથે કરેલા કરારોમાંથી ભૂલો કાઢતા હતા. પ્રમુખ બન્યા પછી એમણે કરાર અમેરિકા માટે અન્યાયકર્તા છે એવું કારણ આપી રદ કર્યો હતો. ઈરાને ધમકી આપી કે એ પરમાણુ શસ્ત્ર કાર્યક્રમમાં આગળ વધશે તો દુનિયાના દેશોને એકઠા કરી ઈરાન પર પ્રતિબંધો મૂકાવી દીધા. હા, એટલું ખરું કે અખાતની આસપાસના વિસ્તારોમાં લાંગરેલા ઓઇલ ટેન્કર શિપો પર હુમલા થયા અને સાઉદીની અરામકો કંપનીની રિફાઇનરી પર ડ્રોન વિમાન વડે આગ લગાડવામાં આવી તે કૃત્યો માટે ઈરાન પર શંકા ગઈ હતી. આ ઘટના ગયા સપ્ટેમ્બરના મધ્યમાં ઘટી હતી જ્યારે સાઉદી સરકારની માલિકીની આ ગંજાવર ઓઇલ કંપની પબ્લિક ઈસ્યુ (જાહેર ભરણુ) લાવવાની હતી. ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ અરામકો લગભગ વીસ ટકા જેટલું મૂડીરોકાણ કરવાની છે. તે અગાઉ જૂન મહિનામાં એક અમેરિકન ડ્રોન વિમાનને ઈરાનના આકાશમાં ઈરાનીઓએ તોડી પાડ્યું હતું. તેઓનો આક્ષેપ છે કે તે વિમાન અમેરિકાએ જાસૂસી માટે મોકલ્યું હતું. જોકે અમેરિકાએ ઈરાન, ઈરાક, પાકિસ્તાન અને બીજા ઘણા દેશોમાં જાસૂસોની જાળ એટલી ફેલાવી રાખી છે કે તે જાણવા માગતું હોય તે માહિતી તેને મળી રહે છે. જાસૂસોના અહેવાલ પ્રમાણે, ઇઝરાયલની પ્રતિષ્ઠિત મોસાદે અમેરિકાને આપેલી માહિતી પ્રમાણે ઈરાન પરમાણુ બોમ્બના કાર્યક્રમમાં આગળ વધી રહ્યું ન હતું. જોકે તેના નેતાઓ અને અધિકારીઓ અમેરિકાને ડરાવવા ખોટાં બણગાં ફૂંકી રહ્યા હતા અને ઈરાનના એ ગલત અંદાજનો ફાયદો ઉઠાવવાની ટ્રમ્પની ઇચ્છા પહેલેથી જ હતી તે ઉઠાવી રહ્યા છે. એમણે એમના મતદારોને વચન આપ્યું હતું કે, ‘અમેરિકા ફર્સ્ટ’.

ટ્રમ્પને ઈમ્પીચ કરાય તેવી શક્યતા ઘણી ઓછી છે છતાં ઘણા માને છે કે ઈમ્પીચમેન્ટની કાર્યવાહી પર અસર પાડવા અને પોતાની પોપ્યુલર રેટિંગ સુધારવા ટ્રમ્પે આ કામ કર્યું છે, પરંતુ તેના કેટલાક અવળાં પરિણામો પણ અમેરિકાએ ભોગાવવા પડશે તેમ ટ્રમ્પના ટીકાકારો કહે છે. એક એવી સંકલ્પના ચાલી રહી છે કે વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો વિશ્વની બે છાવણીઓમાં કયો દેશ કોની સાથે હશે? પ્રથમ આપણે એ જોઈએ કે હાલમાં મિત્રતાની રીતે દુનિયામાં કેવી રીતે પહેંચાયેલી છે? અમેરિકાના ગલ્ફના દેશોમાં બે મહત્ત્વના સાથીઓમાં એક સાઉદી અરેબિયા અને બીજું ઇઝરાયલ છે. ઈરાક પર અમેરિકાનું શુક્રવાર સુધી વર્ચસ હતું, પણ શુક્રવારની ઘટના ઈરાકની ધરતી પર ઘટી તેથી ઈરાકને માઠું લાગી ગયું છે. ઈરાકમાંના અમેરિકી સૈનિકોને વિદાય આપી દેવા ઈરાકની સંસદે રવિવારે ઠરાવ પસાર કરીને ઈરાકની સરકારને જણાવ્યું છે. ઈરાક, ઈરાન, સિરિયા, રશિયા, ચીન હાલમાં મિત્ર રાષ્ટ્રો છે. બીજી તરફ અમેરિકા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમિરાત્સ વગેરે મિત્ર દેશોની બીજી છાવણી બને છે, પણ આ છાવણીમાંના અમુક દેશોને બીજી છાવણીમાંના અમુક દેશ સાથે ઘનિષ્ટ સંબંધો હોઈ શકે છે. જેમ કે કતાર અમેરિકાની સાથે હોય તો પણ ઈરાન સાથે પણ સંબંધો જાળવે છે. વળી, બીજું વિશ્વયુદ્ધ ૬૫ વરસ અગાઉ પૂરું થયું પછી દુનિયા ખૂબ બદલાઈ ગઈ છે. ટૅક્નોલોજીના અભૂતપૂર્વ વિકાસે સામાન્ય લોકોના હાથમાં ખૂબ સત્તા આપી છે. અગાઉ કોઈ ખૂબ મોટી ઘટના મીડિયાથી અજાણ રહી જતી હતી. છુપાવી શકાતી હતી. લોકોની ઇચ્છા કોઈ પ્રસંગમાં મહત્ત્વની ગણાતી ન હતી. આજે પણ એવું બને છે છતાં પ્રજાની વિરુદ્ધ જઈને શાસકો જલ્દી નિર્ણય લેતા નથી અને પ્રજાનો પ્રતિભાવ તુરંત મળી જાય છે. વિશ્વયુદ્ધ માટે દુનિયા બે ભાગમાં વહેંચાયેલી હોવી જોઈએ, પણ દુનિયાના દેશો આજે બે ભાગમાં વહેંચાયેલા છે તેમ માનવું ભૂલભરેલું છે. યુદ્ધમાં તમામ દેશો રાજીખુશીથી ઝુકાવી દે તેવું બનવાનું નથી. આધુનિક વિકાસના યુગમાં દરેક દેશ પોતાના સ્વાર્થનો વિચાર પ્રથમ કરશે. ધારો કે ચીન અમેરિકાનો પ્રથમ ક્રમનો હરીફ અને વિરોધી દેશ છે, પણ તે યુદ્ધમાં ઝૂકાવે તો તેની ચાર દાયકાની અભૂતપૂર્વ વિકાસયાત્રા પર પાણી ફરી વળે. રશિયા દૂરથી છબછબિયાં કરશે. પુતિને અમેરિકાનાં પગલાંની નિંદા કરી છે, પણ યુદ્ધમાં ખાબકે તો પુતિન સ્થાનિક પ્રજા અને દુનિયામાં વિલન જાહેર થાય. ફ્રાન્સ, બ્રિટન વગેરે પણ કોશિશ કરશે કે શાંતિ જળવાઈ રહે. ખાડીના દક્ષિણના આરબ રાષ્ટ્રોએ પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. આરબ ધાઉ (હોડી) અને ઊંટોની જીવનશૈલી બીજા વિશ્વયુદ્ધ સમયે હતી, હવે નથી. તેઓ પણ શાંતિ જળવાઈ રહે તેની વિશેષ કોશિશો કરશે અને કરવા પણ માંડ્યા છે. કતાર, બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, રશિયા, ચીન વગેરે પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે ઉભય પક્ષોને અપીલ કરી રહ્યા છે. માટે વિશ્વયુદ્ધ ફાટે તેવી કોઈ ખાસ શક્યતા નથી. વિશ્વ આજે અનેક ધરીઓમાં વહેંચાયેલું છે. યુદ્ધ મોટું થાય તો પણ ખાડીની આસપાસ સીમિત રહે તે શક્યતા વધુ છે. દુનિયાના લોકોમાં શિક્ષણ વધ્યું છે. અગાઉ હતી તેના કરતાં આજે ખૂબ વધુ સમજદારી છે. ખાડીના બીજા રાષ્ટ્રો તે પ્રદેશમાં છે તેથી સામેલ થવું પડે અન્યથા તેઓ પણ અલિપ્ત રહેવાનું જ પસંદ કરે. ઈરાન સાથે ભારતના સંબંધો અનાદિ કાળથી છે. બંને દેશોની ભાષા ઈન્ડો-યુરોપિયન કુળની છે. સ્વતંત્ર ભારતે રાજદ્વારી રીતે પણ ઈરાન સાથે દોસ્તી જાળવી રાખી છે. જ્યારે ઈરાન પર આર્થિક પ્રતિબંધો હતા ત્યારે રૃપિયાના ચલણમાં પેમેન્ટ સ્વીકારીને ઈરાને ભારતને તેલ પૂરું પાડ્યું હતું. હમણા ફરીથી પ્રતિબંધો લદાયા ત્યારે ભારતે ઈરાનનું તેલ આયાત કરવાની છ મહિના માટે વિશેષ રજા મેળવી હતી. બીજી બાજુ અમેરિકા પણ ભારતનું મિત્ર છે. ઇઝરાયલ પણ વિશેષ મિત્ર છે તો રશિયા પણ જૂનું અને વર્તમાન મિત્ર જ છે. આ સ્થિતિમાં ભારત કોઈ પણ છાવણીમાં એટલું નહીં ઢળે કે દુશ્મનો વધી જાય. સમાધાન માટે ભારતના પ્રયત્નો હશે. તાલિબાનો હજી અમેરિકાને હંફાવે છે. ઉત્તર કોરિયાનો પાગલ તાનાશાહ કિમ જોંગ હજી નમતું આપતો નથી છતાં છેલ્લાં વીસ વરસમાં જે મોટા મીર માર્યા તે એકલા અમેરિકાએ જ માર્યા છે. સદ્દામ હુસૈન, લાદેન, આઈએસનો અબુ બક્ર બગદાદી અને હમણા કાસીમ સુલેમાની. બીજા રેન્કના અનેક મુસ્લિમ લીડરો માર્યા ગયા. બગદાદીના સ્થાને નવો નેતા નિમાયો તેનું નામ દુનિયાની જીભે ચડે તે પહેલાં જ, ત્રીજા દિવસે ઊડાડી દેવાયો. નવી ટૅક્નોલોજીઓ પણ અમેરિકાની મદદે આવી છે, પણ તે શોધવી પડે. એમ જ આકાશમાંથી ઊતરી ના પડે.

ત્રેસઠ વરસના કાસમ સુલેમાની વર્તમાન સમયમાં મેજર જનરલ ન હતા, પરંતુ ૧૯૯૮ પહેલાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના મેજર જનરલ હતા. ત્યાર બાદ ક્વુડ્સ ફોર્સના એ કમાન્ડર હતા. આ એક અર્ધસૈનિક દળ છે અને પાકિસ્તાનમાં આઈએસઆઈ જે રીતના લશ્કરી હેતુ માટેના કપટભર્યા પણ ગુપ્ત ઑપરેશનો ચલાવે છે તેવું કામ આ ક્વુડ્સ ફોર્સ દ્વારા થાય છે. એક દેશનો ગુનેગાર બીજા દેશ માટેનો નાયક હોય છે. ઈરાને મરણોપરાંત એમને ‘અમર શહીદ’ જાહેર કર્યા છે. ભારત માટે કાસમ સુલેમાની કોઈ જોખમરૃપ ન હતા, પરંતુ પાકિસ્તાનને એ વારંવાર ત્રાસવાદી પ્રવૃત્તિઓ પર લગામ મૂકવાનું જણાવતા રહેતા હતા. ઈરાનમાં સત્તા બાબતમાં એ બીજા ક્રમનું બિનસત્તાવાર સ્થાન ધરાવતા હતા.સુન્ની મુસ્લિમોનું બાહુલ્ય ધરાવતા ઈરાકને શાંત અથવા આજ્ઞાંકિત બનાવવામાં આવે તો જ પડોશી શાંતિથી રહેવા દેશે એમ તેમનું માનવું હતું. એ ઈરાકના શિયા ગ્રૂપોને સાથે રાખતા અને સુન્નીઓ સાથે સંબંધો વધારવાના પ્રયત્નો કરતા. કાસમ લેબેનોન સ્થિત હિઝબોલ્લાહ નામક લડાયક જૂથને મદદ કરતા. તે સીધા મોસ્કો જઈને વ્લાદીમિર પુતિનને પણ મળતા. ભારતમાં લોકો એમને મર્યા પછી ઓળખતા થયા, પણ અમેરિકાના પ્રસિદ્ધ સાપ્તાહિક ન્યૂ યૅર્કરે વરસો અગાઉ તેમના પર વિગતવાર લેખ લખ્યો હતો. કોઈ જવાબદારી વગર સત્તા ભોગવતા કાસમને આ કારણથી પશ્ચિમના દેશો ‘રોડો કમાન્ડર’ અર્થાત પરદા પાછળના કમાન્ડર તરીકે ઓળખાવતા હતા. જર્મનીએ આ છેલ્લી ઘટનામાં અમેરિકાની તરફેણમાં સૂર વ્યક્ત કર્યો નથી તેથી અમેરિકા નારાજ છે. માઇક પોમ્પીઓ બોલ્યા કે યુરોપ અને જર્મની પર સુલેમાની દ્વારા થનારા હતા એવા અનેક હુમલાઓ અમેરિકાએ અટકાવ્યા હતા તે જર્મનીએ સમજવું જોઈએ.

અમેરિકા હંમેશાં સસ્પેન્સ જગાવીને ડરાવે છે અને ખરું પણ પડે છે. ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફ અને અન્ય નેતાઓ સમજદાર છે. લોકોને શાંતિ આપવા તેઓએ અમેરિકાને ચેતવણી અને ધમકી આપી હશે. એક સમયે ઈરાનીઓ બુદ્ધિ સાથેનાં સાહસો માટે જાણીતા હતા. આ સમયે પણ બુદ્ધિ વાપરશે, કારણ કે વાસ્તવિકતા તેમની સાથે નથી. એક હકીકત છે કે હમણા કશું નહીં થાય તો પણ સસ્પેન્સ અને ઉચાટ મહિનાઓ અને વરસો સુધી ચાલશે. સિવાય કે સત્તાવાર સમાધાન થાય. આ માર્ગ જ આ પ્રદેશ માટે સર્વોચિત રહેશે.
———————

અમેરિકાઇરાનકવર સ્ટોરીવિનોદ પંડ્યાસુલેમાની
Comments (0)
Add Comment