- ધર્મ – દેવેન્દ્ર જાની
‘અભિયાન’નો સંકેત સાચો પડ્યોઃ વડતાલ સ્વામિનારાયણ ગાદીના આચાર્યને લઈને છેલ્લાં ૧૭ વર્ષથી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. કરોડો હરિભક્તોની આસ્થા આ ગાદી સાથે જોડાયેલી હોઈ હરિભક્તો અને સંપ્રદાયના બહુમતી સંતોની લાગણીને ધ્યાનમાં લઈ વિવાદનો નહીં, પણ સંવાદનો સૂર સંભળાઈ રહ્યો હોઈ બંને જૂથો સમાધાનના માર્ગે આગળ વધી રહ્યા છે. તે અંગે તા. ર૧ સપ્ટેમ્બરના ‘અભિયાન’ની કવર સ્ટોરીમાં શુભ સંકેત આપ્યો હતો તે સાચો ઠરી રહ્યો છે. વડતાલ સંપ્રદાયમાં વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી અને પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદજીના જૂથ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. એવા સંજોગોમાં તા. ૮ જાન્યુઆરી, ર૦ર૦ના રોજ વડતાલમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના બની હતી. જેને લઈને સંપ્રદાયમાં ખુશી છવાઈ છે.
વડતાલ સંપ્રદાયમાં રાજકોટ નજીક આવેલા સરધાર મંદિરનું વિશેષ મહત્ત્વ છે. સરધાર હેઠળ આશરે ૬પ મંદિરોનંુ સંચાલન થાય છે. સરધાર મંદિરના વડા નિત્યસ્વરૃપ સ્વામી અજેન્દ્રપ્રસાદજીના સમર્થક મનાતા હતા. તેમણે લાંબા સમય બાદ અંતે રાકેશપ્રસાદજીને આચાર્ય તરીકે સ્વીકારી લીધા હતા. વડતાલમાં યોજાયેલા એક સમારોહમાં નિત્યસ્વરૃપ સ્વામીએ રાકેશપ્રસાદજીને ભેટ્યા ત્યારે તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજીએ પણ નિત્યસ્વરૃપદાસજી અને તેમના સહયોગીઓને હારતોરા કરીને આવકાર્યા હતા. સંપ્રદાય માટે આ એક મોટી ઘટના હતી. નિત્યસ્વરૃપદાસજી એક પ્રખર વક્તા-કથાકાર તરીકે જાણીતા છે. તેઓએ રાકેશપ્રસાદજીને આચાર્ય તરીકે સ્વીકારી લેતા સરધાર મંદિરમાં હવે ટૂંક સમયમાં પાર્ષદોની દીક્ષાનો સમારોહ યોજાશે અને લાંબા સમયથી તૈયાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. નિત્યસ્વરૃપદાસજીએ રાકેશપ્રસાદજીની સાથે આવતા હવે સમાધાનનો માર્ગ સરળ બની રહ્યો છે. ગઢડા અને અન્ય મંદિરોના સંતો પણ હવે એક થવા આગળ આવી રહ્યા હોવાના સંકેત હરિભક્તો અને સંતો આપી રહ્યા છે.
આશરે બસ્સો વર્ષ જૂનો વડતાલ સંપ્રદાયનો ઇતિહાસ છે. અમદાવાદ દેશ અને વડતાળ દેશ સંપ્રદાયમાં કાળ ક્રમે વિચાર ભેદ ઉભરાતા ગયા. ગાદી કે સંચાલનને લઈને વિવાદો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. વડતાળ સંપ્રદાયના આચાર્ય પદનો વિવાદ છેલ્લાં ૧૭ વર્ષથી ચાલતો આવે છે. આચાર્ય પદને લઈને વિવાદની એક રેખા અંકાઈ ગઈ છે. વિવાદના આ વાવેતરમાં કશું જ નહીં પાકે તેવું કડવું સત્ય હવે જાણે સંપ્રદાયમાં ક્યાંક ને ક્યાંક સમજાઈ રહ્યું હોય સંપ્રદાયમાં હવે સંવાદનો સૂર રેલાયો છે.
—————————-