સોળ કરોડ વર્ષેય, જય ગિરનાર!

. 'શિવરાતનો મેળો' કુંભમેળા પછી મોટા ક્રમે સાધુ મેળો છે.
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

હમણા મહા મહિના પૂર્વે ગિરનારની ગોદમાં નાગાસાધુઓ ઊમટી પડશે. કાન માંડોને રણકદેવડીનો નરવો અવાજ સંભળાય ઃ સરવો સોરઠ દેશ, સાવજડા સેંજળ પીએ! એક બીજી સ્વાભિમાની પંક્તિ કે લોકોક્તિ પણ અહીં, ગિરનાર પર્વત પરથી, જનસમુદાયમાં વિસ્તરેલી છે. સાચું સોરઠિયો ભણે!

આની પાછળ કોઈ ઐતિહાસિક-સાંસ્કૃતિક ભૂમિકા ખરી? શોધવા જેવો રસ્તો છે, ને તેનો અ-વિચલ બનીને સ્વયમ ગિરનાર સાક્ષાત્કાર કરાવે છે. ૧૬ કરોડ વર્ષ પ્રાચીન તપસ્વી. લગભગ ૪૫થી ૫૦ તેનાં સ્થાનોનો પોતાનો અતીત અને આસ્થા. અડાની વાવ, જટાશંકર મહાદેવ, ત્રિપુરાસુંદરી, ભરથરી ગુફા, માળી પરબ, પંચેશ્વર મહાદેવ, સાચાકાકાની જગા, રાખેંગારનો મહેલ, ભીમકુંડ, ગૌમુખી ગંગા, સેવાદાસ મહંતની જગ્યા, ભૈરવ જય, પથ્થરચટીની જગા, સાતપુડા, અંબાજી, ગોરખનાથની ટૂક, કમંડલ કુંડ, દત્તાત્રેયની ટૂક, દત્તાત્રેયના ચરણ, કાલિકા ટૂક, શેષાવન, ભરતવન, પોલો આંબો, હનુમાન ધારા, ૧૩ જેટલી ગુફાઓ, મહાકાલ – આનંદ – પાંડવ ગુફાઓ, જમિયલશા પીર દાતાર, નીચલા દાતાર… ગિરનાર તળેટીની આસપાસ પણ ભવનાથ-મૃગીકુંડ, વસ્ત્રાપથક્ષેત્ર, દામોદર કુંડ, રેવતી કુંડ, મુચકુંદેશ્વર મહાદેવ, નારાયણ ધરો, મહાપ્રભુજીની બેઠક, સોનાપુર, વાઘેશ્વરી મંદિર, ઇન્દ્રેશ્વર મહાદેવ, આત્મેશ્વર મહાદેવ, ઈંટવાળા જોગણેશ્વર અને વિહાર, બોરદેવી સ્તૂપ, સૂરજકુંડ, સરકડિયા હનુમાન, માળવેલા આવ્યા છે.

ગિરિ શિખરો છે અંબાજી (૩૩૦૦ ફૂટ) ગોરખનાથ (૩૬૬૬ ફૂટ) ઓઘડ (૩૨૯૫ ફૂટ) દત્તાત્રેય (૩૨૯૫ ફૂટ) અને કાલિકા ટૂક (૩૧૧૨ ફૂટ).

ત્રણ મોટા મેળા સમયે લોકો ઊમટે છે, કાર્તિકી પૂર્ણિમા, મહાશિવરાત્રિ અને ભાદ્રપદ અમાસે. ‘શિવરાતનો મેળો’ કુંભમેળા પછી મોટા ક્રમે સાધુ મેળો છે. પાંચ દિવસના આ મેળે દૂરસુદૂરના નાગાબાવાઓ ઊમટે. મહા મહિનાની નોમથી ધજાથી શરૃ થાય. દશનામી પંચ અખાડાથી નાગાબાવાઓનું સરઘસ નીકળે. તેની ‘રવેડી’નું નેતૃત્વ સ્વયં મહાદેવ લે છે એવી માન્યતા છે. ગુરુ દત્તાત્રેય પણ સામેલ થાય છે. અશ્વત્થામા, રાજા

ભર્તૃહરિ અને ગોપીચંદ ક્યાંક મળી આવે! નાગાબાવાઓનું ઐતિહાસિક મૂલ્ય એ પણ છે કે ભૂચર મોરી જેવી નેક અને ટેકની લડાઈમાં હથિયારો સાથે લડ્યા! ‘રવેડી’ પછી ભવનાથ મંદિરે પહોંચે અને મૃગીકુંડમાં કડકડતી ઠંડી હોય તો યે સ્નાન કરે, એ જ ‘શાહી સ્નાન’!

‘પરકમ્મા’ શબ્દ વિના ગિરનારની વાત અધૂરી જ રહી જાય. કાર્તિકમાં તે યોજાય – શુક્લ પક્ષની અગિયારસથી પૂનમ સુધી. ૩૬ કિલોમીટરના રસ્તે ઝીણાબાવાની મઢી, ચરખડિયા હનુમાન, સૂરજ કુંડ, માળવેલા, શ્રવણ વડલો, કરકોલિયા નાગ થઈને બોરદેવી પહોંચે. યમરાજે આ જગદંબા બોરદેવીની સ્થાપના કરી હતી.

ગિરનાર પરનાં જૈન તીર્થો વિશે ઠીકઠીક વિવાદ પહેલેથી રહ્યો, પરંતુ નેમિનાથ (બાવીસમા તીર્થંકર), અમીઝરા પાર્શ્વનાથ (ત્રેવીસમા તીર્થંકર) મેલકવસી (ખરતરવાસી)ની ટૂક, સગરામ સોનીની ટૂંક (કલ્યાણત્રય ચૈત), કુમારપાળની ટૂક, વસ્તુપાલની ટૂક, સમ્પ્રતિ રાજા (ઉજ્જૈનવાસી, ૨૨૨૦ વર્ષ પૂર્વેના રાજા અને પછી જૈન બન્યા), કેટલાકના મતે તે રાજવી અશોકના પુત્ર કુણાલનો પુત્ર સંપ્રતિ છે, માનસંગ ભોજરાજની ટૂક, રાજુલ ગુફા, જાણીતાં જૈનાસ્થાનાં સ્થાનો છે. ગૌમુખી જગ્યામાં ૨૪ તીર્થંકરોનાં ચરણ પડ્યાં હતાં, તેવી માન્યતા છે.

ગિરનાર તો ‘દત્તથી દાતાર’ની પૂણ્યભૂમિ-તપભૂમિ. કોઈ ચારણ-બારોટને પૂછો તો પવનવેગી અવાજમાં વર્ણન કરીને કહેશે. અરે, અહીં તો ૩૩ કરોડ દેવીદેવતાઓ ૯ નાથ, ૬૪ યોગિની (જોગણી), ૮૪ સિદ્ધનો નિવાસ છે! અશ્વત્થામા, ભર્તૃહરિ, બાબા ધૂંધળીનાથ, મહાસિદ્ધ લક્કડભારતી, કાવડગિરિ, દાદા મેકરણ (કચ્છના કબીર) વેલાબાવા, ઝીણાબાવા, બ્રહ્માનંદ મૂંડિયા સ્વામી, અઘોરી લાલબાવા, સહજાનંદ સ્વામી, શ્રીમન્નથુરામ શર્મા પવહારી બાબા… અને ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ ઃ સૌની તપભૂમિ ગિરનાર અને ગિરનારની આસપાસ જ રહી છે. વિવેકાનંદ જૂનાગઢમાં દીવાન હરિદાસને ત્યાં રહ્યા, જે આ-જન્મ મિત્ર બની ગયા. તેમણે ગિરનારની યાત્રા કરી, જયશંકર મહાદેવમાં આરાધના કરી.

ગિરનારનાં નામ વૈવિધ્ય છે, રૈવત, રૈવતાચળ, કુમુદ, ઉજ્જયંત, રૈવતગિરિ, રૈવતક, ઉર્જયત, ઉજ્જયંતગિરિ અને હવે ગરવો ગિરનાર..!
————————-

ગિરનારપૂર્વાપરવિષ્ણુ પંડ્યા
Comments (0)
Add Comment