- પંચામૃત – ભૂપત વડોદરિયા
ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં નેપલ્સના એક જુવાન જીવવિજ્ઞાની હાન્સ ડ્રીસે દેડકાના ઈંડાને તેમ જ બીજા ઈંડાને બે ભાગ કરીને જોયું તો તેને તાજુબી થઈ કે દરેક બીજમાં જ કોઈકે ‘બ્લૂ પ્રિન્ટ’ મૂકી છે. બે અડધા ભાગ છૂટા પડેલા હોય ત્યારે પણ દરેક અલગ-અલગ ભાગ પોતાના પૂરક ભાગ તરીકે જ વિકસે છે. તેની વર્તણૂક માત્ર યાંત્રિકતા પર ગોઠવાયેલી નથી, તે કંઈક ગૂઢ હેતુથી વર્તે છે.
જીવવિજ્ઞાની હાન્સ ડ્રીસ એવા તારણ પર પહોંચ્યો કે દરેક જીવંત કોષ ‘સંપૂર્ણતા’ તરફ આગળ વધે છે. આવું બને ત્યારે તેેને નરી યાંત્રિકતા ગણી શકાય નહીં. આ યુવાન વૈજ્ઞાનિકે જાહેર કર્યું કે કોઈ પણ જીવંત સર્જનમાં આ જ હેતુલક્ષી ભાગ છે, તે તેના સ્થૂળ દેહનાં રસાયણોથી અલગ છે. તરત બીજા વિજ્ઞાનીઓ કૂદી પડ્યા અને તેમણે આ જુવાન વિજ્ઞાની પર પ્રહારો શરૃ કર્યા. તેમની ટીકા એ હતી કે તમે વૈજ્ઞાનિક છો કે ધાર્મિક ધતિંગવાળા? આ તો તમે દેહ અને આત્મા અલગ હોવાની વાત કરી. ધર્મવાળાઓ તો આવી વાતો કર્યા જ કરે છે, પણ તેમને ‘વિજ્ઞાન’ની ખબર નથી. તમે વિજ્ઞાન જાણીને પછી છેવટે આવી વાત પર પહોંચ્યા? વિજ્ઞાનીઓના આઘાત સમજી શકાય છે. તેઓ લાંબી તપશ્ચર્યા પછી કંઈક રહસ્ય પ્રગટ કરે ત્યાં તત્ત્વજ્ઞાનીઓ અને ધર્મધુરંધરો કહેવા માંડે છે – અમે નહોતા કહેતા? આ બધું તો અમારાં શાસ્ત્રોમાં લખેલું જ છે, આ વલણ પણ ખોટું છે. આપણે એવા ત્રિભેટા પર આવીને ઊભા છીએ જ્યાંથી ધર્મ અને વિજ્ઞાને એકબીજાના અંકોડા પકડીને આગળ જવું પડશે. ધર્મ વગર વિજ્ઞાન અણુશસ્ત્રો, દિમાગશૂન્ય યંત્રો અને વિવેકશૂન્ય નરપશુઓના રૃપમાં રચાશે, તે આપણને ભસ્મીભૂત કરશે અને વિજ્ઞાન વગરનો ધર્મ આપણને અંધારા કૂવામાં ગૂંગળાવી મારે તે સંભવિત છે.માર્કોનીએ ‘વાયરલેસ’ની શોધ કરી તે પછી અગિયાર વર્ષ સુધી કોઈએ તેની બરોબર નોંધ લીધી નહોતી.
અમેરિકાનાં અખબારોએ પણ તેની પર ધ્યાન આપ્યું નહોતું. આખી વાત જ માની ના શકાય તેવી હતી. રાઇટ ભાઈઓએ વિમાન ઉડાડ્યું ત્યારે પણ કોઈ તેને ગંભીર ગણવા તૈયાર નહોતા. બુદ્ધિશાળી માણસો કહેતા હતા – આ કેવી વાત! માણસ વિમાન ઉડાડી શકે? અરે, માણસ આકાશમાં ઊડે તેવી ઈશ્વરની ઇચ્છા હોત તો તેણે માણસને જ પાંખો આપી ના હોત? આજે આપણે સગી આંખે નિહાળીએ છીએ કે હજારો માઈલ દૂર સંદેશા પહોંચે છે. માણસનો આબેહૂબ અવાજ અને તેની છબી પણ પહોંચે છે. માણસ ઊડી પણ શકે છે અને કચકડાની પટ્ટીમાં સાચાં દ્રશ્યો – બનેલાં દ્રશ્યો – પકડી શકાય છે અને ફરી ભજવી શકાય છે. એક કેસેટમાં મુકેશ કે મહંમદ રફીનો અવાજ અકબંધ રાખી શકાય છે. આપણે વિજ્ઞાનની મદદથી જાણી શક્યા કે માણસની ખોપરીમાં મગજના નામે જે ‘ગ્રે મેટર’ છે તેમાં અદ્ભુત શક્તિઓ છે. માણસની ક્ષણેક્ષણની નોંધ તેમાં છે.
જો આ બધા નિર્જીવ પદાર્થોમાં અવાજ અને રૃપ અકબંધ રહી શકતાં હોય તો લાખો વર્ષથી ચાલતો આ બ્રુનો કારોબાર જીવંત હસ્તીઓની ઘણીબધી યાદો અને છબીઓ શું કામ સાચવીને ચાલતો ના હોય? માત્ર ધર્મે જ નહીં, તેના કરતાં પણ વધુ વિજ્ઞાને ઘણીબધી સૂક્ષ્મતાઓ સ્વીકારી લીધી છે. વીજળી, ગુરુત્વાકર્ષણ, ભાતભાતનાં કિરણો, પરમાણુઓ, રોગનાં જંતુઓ આ બધું શું આંખ વડે જોઈ શકાય છે? વિજ્ઞાનીઓ એક જીવંત એકમના ‘મન’ પરથી હવે ‘વિશ્વના મન’ સુધી પહોંચ્યા છે. ભગવાન હોય કે ન હોય, એક ‘વિરાટ મન’ છે. આપણે વાંદરાને મળેલી નિસરણીની જેમ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાનનાં થોડાંક પગથિયાં ચડ્યા ત્યાં આપણુ પેટ ફુલાવવા માંડ્યા – મારાથી કોઈ મોટું છે ખરું? આપણે ભૌતિક-માનસિક આનંદોના હોજમાં ડૂબકીદાવ દીધા કરીએ છીએ, પણ આ કૌતુકપૂર્ણ સૃષ્ટિ સાથેની સંવાદિતાના જોડાણને જાણ્યે-અજાણ્યે કાપી બેઠા છીએ. આથી ઘણીબધી વ્યવસ્થા, ઘણી બધી સલામતી અને ઘણીબધી સગવડો વચ્ચે પણ આપણે ભયની, અનિશ્ચિતતાની અને દિશાશૂન્યતાની લાગણી અનુભવીએ છીએ. આમાંથી કંટાળાનું એક પૂર પેદા થયું છે અને આપણે તેમાં ડૂબી રહ્યાં છીએ. જીવન અર્થહીન, ઢંગધડા વગરનું અને નિષ્પ્રયોજન લાગે છે તેનું કારણ આ છે. શા માટે જીવવું એવો સવાલ થવાનું કારણ આ છે. જીવવું તો જીવી-જીવીને આખરે શું મેળવવાનું છે? એવી નિષ્ફળ પરાક્રમની લાગણી થવાનું કારણ આ છે.
શ્રદ્ધા વગર ધર્મની, ઈશ્વરની કલ્પના શક્ય નથી તે જૂની વાત થઈ. આજની નવી વાત એ છે કે વૈજ્ઞાનિકો જાણી ચૂક્યા છે કે શ્રદ્ધા અને માન્યતા વગર વિજ્ઞાનના રસ્તે પણ આગળ પગ મૂકી શકાય તેમ નથી. આપણે આજની આટલી મોટી ભીડ અને આટલાં બધાં જોખમો વચ્ચે આપણા આત્માને સાબૂત રાખી શકીએ – આપણા પોતાના વ્યક્તિત્વમાં શ્રદ્ધા બાંધી શકીએ તો બીજો છેડો આપણી નજરથી બહુ દૂર નહીં રહે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઈશ્વરમાં શ્રદ્ધા ના હોવી તે નાસ્તિકતાનું એક રૃપ છે. પોતાની જાતમાં શ્રદ્ધા ના હોવી તે નાસ્તિકતાનું બીજું રૃપ છે. આત્મશ્રદ્ધા અને ઈશ્વરશ્રદ્ધા બંને છેડા મળશે ત્યારે એક પ્રદક્ષિણા પૂર્ણ અને સાર્થક બનશે.
——————–