રહસ્યમય બુશ ફાયર

ઓસ્ટ્રેલિયન ઓપનના પરિણામે અમુક રકમ બુશ ફાયર રિલીફ ફંડમાં જશે
  • ચર્નિંગ ઘાટ- ગૌરાંગ અમીન

અગ્નિના સદુપયોગ વગર માનવી જીવી ના શકે
વાયુના દુરુપયોગથી પૃથ્વી આપણી જીવી ના શકે 

બુશ શબ્દ વિશ્વએ બે જ્યોર્જ જોયેલા તે દરમિયાન ઘણો સહન કરેલો. ફાયર છેલ્લા ઘણા દિવસથી વિશ્વમાં સૌથી વધુ ચર્ચામાં આવેલો શબ્દ છે. તાજેતરના ઓસ્ટ્રેલિયન બુશ ફાયર વિષે સૌને અખબાર, ટીવી ‘ને ખાસ કરીને સોશિયલ મીડિયા થકી એટલું તો જાણવા મળ્યું જ છે કે જે થયું તે અત્યંત આઘાત પમાડે એવું થયું છે. બાઇબલ પર આધારિત ધર્મમાં માનનારા ઘણા એવું વિચારીને ગભરાઈ ઊઠ્યા કે ઈશ્વરે આ વખતે પાણી નહીં અગ્નિ વડે વિસર્જન કરીશ તેમ જે કીધેલું છે તેવું ખરેખર સમસ્ત વિશ્વમાં થશે ત્યારે દ્રશ્ય કેવું હશે. કર્મમાં માનનારા ઘણા બબડી ગયા કે માણસે જેવું કર્યું છે તેવું તે આવી રીતે ભોગવશે. વિશ્વનો આમ ઇન્સાન અનુકંપા ‘ને ચિંતાની મર્યાદિત તાકાત વડે પ્રાર્થના કરવા લાગ્યો. રાજકારણીઓ સદૈવની જેમ હૈયાધારણ ‘ને વાયદા ભરેલા સ્ટેટમેન્ટ આપવા લાગ્યા. બહુધા વિજ્ઞાની ‘ને જ્યોતિષ પોતપોતાની નબળાઈ જાણીને ખાસ વાણીવિલાસ પર નથી ઊતર્યા એ સારું કર્યું છે. ઓસ્ટ્રેલિયન બુશ ફાયર અંગે હજુ ન્યૂઝ હેડલાઇન આવ્યા જ કરે છે.

ઓસ્ટ્રેલિયન ઓપનના પરિણામે અમુક રકમ બુશ ફાયર રિલીફ ફંડમાં જશે, ભલે મેલબોર્નમાં હવાની ગુણવત્તા બરાબર ના હોવાથી ટૂર્નામેન્ટ નિર્ધારિત દિવસે શરૃ કરવી કે નહીં કે પછી ઇન્ડોર રમાડવી તે માટે લાગતાવળગતાં અધિકારીઓ ચર્ચા કરે છે. શેન વોર્ન પોતાની ગ્રીન બેગી કેપ જે તેણે ૧૪૫ ટેસ્ટ મેચમાં પહેરેલી હતી તે ઓક્શન કરી જે રકમ મળશે તે દાનમાં આપશે. ક્રિસ હેમ્સવર્થ ‘ને એલ્ટન જ્હોન એક એક મિલ્યન ડૉલર્સ ડોનેટ કરશે. મારિયા શારાપોવાના પગલે નોવાક પચ્ચીસ હજાર ડૉલર્સ આપવા તૈયાર થયો. સેલિબ્રિટી દ્વારા અત્યાર સુધીમાં સો મિલ્યન ડૉલર્સની સખાવત જાહેર થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયન શીખ સમુદાયે પીડિત તથા સેવક લોકોને જમાડવાની સેવા શરૃ કરી છે. હોલિવૂડના કલાકારોની જેમ આપણા ટાઇગર શ્રોફ, દિશા પટણી ‘ને દિયા મિર્જા વગેરેએ મેસેજ રિલે કર્યા છે. અમેરિકાની એક મૉડેલે પોતાની નગ્ન તસવીર દસ ડૉલરનું દાન કરશે તેને મેસેજમાં મોકલશે કરીને કરોડો રૃપિયાની મદદ ભેગી કરી છે.

ન્યૂઝીલેન્ડનું આકાશ કેસરી થઈ ગયું. પેસિફિક વિસ્તારનું તાપમાન ઊંચું ગયું. દર દસ હજાર સ્ક્વેર કિલોમીટર્સમાં ૧૭.૫ સસ્તન, ૨૦.૭ પક્ષી ‘ને ૧૨૯.૫ સાપ રહે છે તેવા પ્રોફેસર ક્રિસ ડિકમેનના સંશોધનને આધારે એક અબજથી વધુ દેડકા સહિત બિનમાનવ જીવો મૃત્યુ પામી ચૂક્યા છે. મનુષ્યના મૃત્યુનો આંક પચીસ સુધી પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયામાં કટોકટી જાહેર થઈ છે. ઓસિ પોપ સ્ટાર ટોન્સ એન્ડ આઇ દ્વારા સ્પેશિયલ એઇડ કૉન્સર્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમિત રીતે યોજાતા સિડની ફેસ્ટિવલના આયોજકોનું કહેવું છે કે ફેસ્ટિવલ લોકોને ઘરની બહાર કાઢી અને એક કરશે. બીજી તરફ પોતાની પ્રોપર્ટી છોડીને ભાગેલા લોકો જ્યારે પાછા ફર્યા ત્યારે તેમણે જાણ્યું કે ચોર લૂંટારા તેમના માલસામાન પર હાથ ફેરવી ચૂક્યા છે. બુશ ફાયર અંગેના આવા તેમ જ તેવા ન્યૂઝ વચ્ચે ઘણુ-ઘણુ લોકોને જાણવા નથી મળતું કે લોકોને જણાવવામાં નથી આવતું ત્યારે ત્રીજી તરફ પર્યાવરણવાદીઓએ દેકારો મચાવ્યો છે કે ક્લાયમેટ ચેન્જ અંગેની પૉલિસી બદલવાની જરૃર છે, આ બુશ ફાયર બદલાતી વેધર પેટર્નનું પરિણામ છે.

શું ખરેખર આ બુશ ફાયર વેધર ચેન્જને કારણે થયો છે? ૨૦૧૯માં ફેબ્રુઆરીમાં બે વાર બુશ ફાયરની ઘટના બનેલી. એ પહેલાં માર્ચ ‘૧૮માં. ફેબ્રુઆરી ‘૧૭માં બે વાર. જાન્યુઆરી ‘૧૬. નવેમ્બર ‘૧૫માં ત્રણ વાર. જાન્યુઆરી ‘૧૫માં ત્રણ વાર. ‘૧૧, ‘૧૨, ‘૧૩ ‘ને ‘૧૪માં પણ બુશ ફાયરના બનાવો બનેલા. ૨૦૦૯, ‘૭, ‘૬, ‘૫, ‘૩ ‘ને ‘૨માં પણ. ‘૯૮, ‘૯૭,  ‘૯૪, ‘૯૩ કે ‘૮૫, ‘૮૪, તમે આશરે અટકળ કરો તો શક્ય છે એ વર્ષે ઓસ્ટ્રેલિયામાં બુશ ફાયર નોંધાયો હોય. સૌથી જૂનો નોંધાયેલો બુશ ફાયર ૧૮૫૧ની છઠ્ઠી ફેબ્રુઆરીનો છે જેમાં બાર હ્યુમન સિવાય એક મિલ્યન ઘેટાં વત્તા અન્ય ઘણા પશુ મોતને ભેટેલાં. બુશ ફાયર ‘ને ક્લાયમેટ ચેન્જને સાંકળતો રિપોર્ટ તો છેક ૨૦૦૭માં આવેલો. આવી ખોફનાખ બનાવોની વર્ષોથી ચાલતી શૃંખલા પાછળ ગ્લોબલ વૉર્નિંગના વાવડ કારણભૂત માની લેવાની પવિત્ર ફરજ પૂરી કરવી એટલે લસણ ખાવાથી કૅન્સર ના થાય તેવું ગોખી કાઢવું ‘ને અવારનવાર જગ્યા પૂરવા એ ખબર છપાય ત્યારે તેનું કટિંગ કરીને સંગ્રહ કરવાનું તંદુરસ્ત કાર્ય કરવું.

બુશ ફાયર વીજળી ત્રાટકવાથી પણ શરૃ થઈ શકે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના આ વિષયના તજજ્ઞોનું કહેવું છે કે બુશ ફાયર શરૃ થવા માટે વિશેષ જવાબદાર આદમ જાત જ છે. વીજળીની ઓવરહેડ લાઇન્સના નેટવર્કમાં ક્યાંક શોર્ટ સર્કિટ થાય તો તેના તણખા જવાબદાર બની શકે છે. કોઈએ કોઈની કોઈ રીતે આગ લાગે તેવું કર્મ કર્યું હોય તો તે કારણ બની શકે છે. દા.ત. ફટાકડા, બારૃદ કે ધૂમ્રપાન. કેમ્પફાયર બુશ ફાયરમાં રૃપાંતર પામી શકે છે. મીણબત્તી કરવા કે ચૂલો સળગાવવા ચેતાવેલી દીવાસળીથી દાવાનળ શરૃ થઈ શકે છે. જંગલમાં પર્યાવરણ વ્યવસ્થાપનના ભાગ રૃપે ઓફિશિયલી કન્ટ્રોલ્ડ કે પ્રિસ્ક્રાઇબ્ડ બર્ન કરવામાં આવે ત્યારે તેની આડ અસર રૃપે એકાદ ચિનગારી પણ બુશ ફાયર શરૃ કરી શકે છે અને આ સિવાય ખેતી કે અન્ય કોઈ ચોક્કસ કામ માટે જંગલનો અમુક ભાગ સાફ કરવાનું આયોજન હોય ત્યારે જે આગ માણસ દ્વારા સભાનતાથી જાતે લગાડવામાં આવે તેને કારણે બુશ ફાયરની મહાહોળી પ્રગટી શકે છે.

સસ્તન પ્રાણીવિદ્યા, અશ્મીભૂત પ્રાણીવિદ્યા ‘ને કુદરતી પર્યાવરણની સાચવણીના પુરસ્કર્તા પર્યાવરણવાદી તથા અન્વેષક એવા ટીમ ફલેનરીએ ૧૯૯૪માં એક પુસ્તક લખેલું ધ ફ્યૂચર ઇટર્સ. ઘણાએ વધાવેલું તો ઘણા પર્યાવરણવાદી ‘ને વિજ્ઞાનીઓએ તેની ટીકા કરેલી. આજે એ પુસ્તકની ઘણી વાતો પર ગંભીરતાથી ચયન કરવાનો ફરી એક વાર સમય થયો છે. ટીમે લખેલું કે ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ પર અસર કરતું સૌથી મહત્ત્વનું બળ અગ્નિ છે. ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી યાને એબઓરિજિન લોકો ફાયર-સ્ટિક ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરતા જે શિકાર માટે તેમ જ ઝાડીમાં થતાં બટાકા ‘ને અન્ય જમીની ખાવાલાયક છોડના ઉછેર એવમ વિકાસ માટે મદદગાર નિવડતી. મધ્ય ઓસ્ટ્રેલિયામાં તેમણે હજારો વર્ષ સુધી એ રીતે અગ્નિનો ઉપયોગ કરીને પોતાનો દેશ સાચવેલો હતો. ઓસ્ટ્રેલિયામાં અગ્નિનો ઉપયોગ એટલો સામાન્ય ‘ને વ્યાપક હતો કે ઓસ્ટ્રેલિયા ખેડનારા લગભગ તમામ સાહસિકોએ તેનો ઉલ્લેખ કરેલો છે. જેમ્સ કૂકે ઓસ્ટ્રેલિયાને અગ્નિનો ખંડ નામ એમનેમ નહોતું આપ્યું.

ફલેનરી આગળ કહે છે કે જ્યારે અગ્નિના ઉપયોગ પરનું નિયંત્રણ આદિવાસીઓના હાથમાંથી યુરોપિયન લોકોના હાથમાં આવ્યું ત્યારથી પરિણામ હોનારતમાં આવ્યું. પરંપરાગત બર્નિંગ પ્રોસેસ છોડવાથી અગ્નિ-વ્યવસ્થાપનનો અર્થ માત્ર અગ્નિ-શમન થઈ ગયો. આ સાથે ૨૦૦૧માં એક અભ્યાસ થયેલો તેનું પરિણામ જાણવા જેવું છે. એ સ્ટડી કહે છે કે પરંપરાગત બર્નિંગ પ્રોસેસનો વિચ્છેદ કરીને વૃક્ષો કાપવાના જે કાર્યક્રમ શરૃ થયેલા તેને કારણે ઓસ્ટ્રેલિયાના ઘણા વિસ્તાર સપાટાબંધ પ્રસરતી વિનાશકારી આગ માટે ઉપલબ્ધ થઈ ગયા, ખાસ કરીને ઉનાળાની સૂકી આબોહવામાં. ૨૦૧૭માં થયેલા એવા જ અન્ય સંશોધનમાં બહાર આવ્યું કે યુરોપિયનોએ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવા જે વૃક્ષો કાપ્યા તેને કારણે થડ વગરના છોડ યાને ઝાડી-ઝાંખરાં વધી ગયાં જે દાવાનળ માટે બળતણ બનવા લાગેલાં. અન્ય મોટો ટર્નિંગ પોઇન્ટ બન્યો ગોચર કે ચરાણ માટે આફ્રિકાથી ઓસ્ટ્રેલિયામાં આયાત કરવામાં આવેલું ગેમ્બા ઘાસ. ૧૯૪૨માં ગેમ્બાના સામાન્ય ઇમ્પોર્ટની શરૃઆત થઈ ‘ને ૧૯૮૩માં ઇમ્પોર્ટ ખૂબ મોટા સ્તરે શરૃ થયેલું. આ ઘાસ તીવ્ર દાવાનળ માટે સુગમ ઈંધણ બનવા માંડ્યું.

ઓસ્ટ્રેલિયામાં યુરોપિયનોએ માણસોને ખાવાલાયક છોડવાનું નિકંદન કાઢ્યું. હજારો વાર ઘર બળી જતાં છતાં વૃક્ષો કાપીને લાકડાના ઘર બનાવતાં જ રહ્યા. એથી આગળ બહુધા ફર્નિચર પણ કેવળ લાકડાનું જ બનતું. મોટા પાયે પશુપાલન કરવા સાથે જંગલના મોટા પ્રાણીઓનો શિકાર વધતો જ ગયેલો જેને કારણે જંગલની નેચરલ પેટર્ન નકારાત્મક દિશા તરફ બદલાતી ગઈ. જે હદે ઓસ્ટ્રેલિયામાં આદિવાસીઓ પર જુલમ થયા છે ‘ને એમનું સાવ નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે તેનો જોટો વિશ્વમાં જડે એમ નથી. રેડ ઇન્ડિયન્સથી પણ બૂરા હાલ આ એબઓરિજિન્સના છે. આટલી વિશાળ જમીન હોવા છતાં વર્ષોનાં વર્ષો સુધી ગોરાઓએ કોલસાથી વધુ કાળા કામ કર્યા ‘ને હવે જ્યારે રાખ ઊડવા લાગી છે ત્યારે પોતાના ગુના ‘ને ભૂલ જોવાને બદલે મામલો અવનવી દિશામાં ઢસડવા મથે છે. આદિવાસીઓ આયોજનપૂર્વક મર્યાદિત આગ લગાડી જમીનને સત્ત્વવાન કરતાં. ગોરાઓ પ્રત્યક્ષ ‘ને પરોક્ષ રીતે આગ લગાડીને જમીન તો ઠીક આકાશને પણ તમસવાન કરતા રહ્યા.

જે-તે પાવરફુલ વ્યક્તિઓ બુશ ફાયર માટે કયા મોઢે ક્લાયમેટ ચેન્જને જવાબદાર ગણાવતા હશે? ખરો સવાલ તો એ ઊઠવો જોઈએ કે ઓસ્ટ્રેલિયાના ગોરાઓ ‘ને બુશ ફાયર દ્વારા ગ્લોબલ વૉર્મિંગ ‘ને ક્લાયમેટ ચેન્જમાં કેટલો ઉમેરો થયો છે? વિશ્વને કાયમી નુકસાન કરવા માટે એમની પાસે દંડ વસૂલવાની માગણી કરે તોય કોણ કરે. એક તારણ મુજબ ૮૫% આસપાસ બુશફાયર મનુષ્યજનક હોય છે. ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ જે બોલચાલમાં ગ્રીન્સ તરીકે ઓળખાય છે તે રાજકીય પક્ષ ઓસ્ટ્રેલિયામાં ત્રીજા નંબરે છે. આ બુશ ફાયર સાથે ત્યાં બૂમો ઊઠેલી કે અગ્નિ શમન તેમ જ અગમચેતી સ્વરૃપે અગ્નિ અવરોધ માટે જે પગલાં લઈ શકાવા જોઈએ તેમાં ગ્રીન્સનાં ધારાધોરણ નડતર સાબિત થયા છે. સામે ગ્રીન્સ પોતાના મતાનુસાર વળતાં આક્ષેપો કરે છે. એ સાથે અત્યારે આ બ્લેમ-ગેમ જવા દો એવો ચતુર સૂર પણ ઝણઝણતો રહે છે. ઓફ કોર્સ, ભારતમાં આવી કોઈ ઘટના ઘટે તો મુખ્ય સમાચારોમાં સરકાર કેવી રીતે ખોટી છે એ વધુ આવે, પરંતુ આ ફર્સ્ટ વર્લ્ડનો વ્હાઇટ કન્ટ્રી છે. સમાચારમાં આજની કે અગાઉની સરકાર અથવા કોઈ રાજકીય પક્ષના વાંકની વાત એમ કે તેમ ના ચમકે.

છતાં દેશના ભવિષ્યની ચિંતા કરતા ઓસ્ટ્રેલિયન્સ ઓછા નથી. બંધ બારણે ‘ને ઇન્ટરનેટ પર સર્ચ કરનારા વિચારો કરે છે કે આ વખતનો બુશ ફાયર કોઈક રીતે શંકાસ્પદ છે. ઘણા આ વખતના બુશ ફાયરને કાવતરું કરાર આપે છે. ના, એ લોકો કોઈ કારણો આપ્યા વિના આ દુર્ઘટનાને ફક્ત કન્સ્પિરસીનું લેબલ લગાડી છટકી નથી ગયા. એમની દલીલો આપણને વિચારતા કરી મૂકી દે એવી છે. ઓસ્ટ્રેલિયામાં મીઠા પાણીની ભારે સમસ્યા છે. આ સદીના ઓસ્ટ્રેલિયન માનવ સમાજને આદિમાનવના કાળની અવારનવાર લાગતી આગ જેવી સમસ્યા સામે નિયમિત રીતે હારવું પડે છે. ઓસ્ટ્રેલિયા પાસે જમીન ખૂબ છે, પણ માનવ વસાહતને લાયક જગ્યા માપમાં છે. આ સામાન્ય અક્કલવાળાને સમજાય એવી પરિસ્થિતિ હોવા છતાં ઓસ્ટ્રેલિયાને આંતરરાષ્ટ્રીય રીતે લિડિંગ પ્લેયર થવું છે. અર્થતંત્ર મેગા કરવું છે અને એ પાછું પોતાની વસ્તી વધારીને. સ્વાભાવિક છે આ પોતાની વસ્તી એટલે દેશની, બહારથી લોકોને વસવાટ માટે બોલાવીને. સબૂર, કોઈના કોઈ કારણ સર ભારત છોડી ત્યાં વસવા માંગનારા ઉતાવળે મોં ના ચઢાવતાં.

ન્યૂ સાઉથ વેલ્સના છેલ્લા બજેટમાં ૧૨.૯ મિલ્યન ડૉલર્સ ફાયર એન્ડ રેસ્ક્યૂ એક્સપેન્સમાંથી કાપવામાં આવેલા. જ્યારે એનએસડબ્લ્યૂ રૃરલ ફાયર સર્વિસ જે સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે તેમણે ૨૬.૭ મિલ્યન ડૉલર્સ ખર્ચામાં ગુમાવ્યા છે. બાયરન બે જે આગમાં અત્યંત નુકસાન પામ્યું છે તેને કિંગ્સ ક્લિફ ખાતે નવું ફાયર સ્ટેશન બનાવવા ૫.૮૫ મિલ્યન ડૉલર્સ ફાળવવામાં આવેલા જે હજુ પહોંચ્યા નથી. ન્યૂ સાઉથ વેલ્સમાં વૉટર લેવલ નીચું જતું રહ્યું છે ત્યારે પણ ફાયર ફાઇટર્સ બોરના પાણી પર નિર્ભર છે. આખરે થયું એવું કે હજારો લોકોને એનએસડબ્લ્યૂ રૃરલ ફાયર સર્વિસ પર કોઈ આશા રાખ્યા વગર સ્થળ ખાલી કરીને પોતાની રીતે દૂરના કોઈ સ્થળ પર ખસી જવાનું કહેવામાં આવ્યું. તમે ફાયરનો વ્યાપ ‘ને ફાયર ફાઇટર્સ તથા સુરક્ષા કર્મીઓની સંખ્યા જુઓ તો ડઘાઈ જવાય. આટલી માહિતી પરથી આપણે સમજવાનું છે કે વર્ષોથી દાવાનળનો અનુભવ હોવા છતાં ઓસ્ટ્રેલિયા ફાયર ફાઇટિંગ માટે એટલું કે તેટલું સક્ષમ નથી. વિચારો કે ભારતમાં સરકાર એલાન કરે કે અમે મદદ નહીં કરી શકીએ, તમે તમારા ઘર છોડીને જતાં રહો તો મીડિયા શું કરે? ત્યાં તો મહદ પ્રોપર્ટી ફાયર સંબંધિત વીમાનું કવચ ધરાવતી હોય છે એટલે અમુક દ્રષ્ટિએ ઘણા લોકો બચી જાય.

ઓસ્ટ્રેલિયામાં કૃત્રિમ વરસાદ માટે કે કુદરતી વરસાદ પર કાબૂ મેળવવા માટે માણસકીય રીતે પ્રયત્નો થતા આવ્યા છે. છેક ૧૯૪૭માં પહેલી વાર ક્લાઉડ સિડિંગ કરવામાં આવેલું. વેધર આસપાસના ઓસ્ટ્રેલિયન ઉદ્યોગની સાઇઝ મલ્ટિ બિલ્યન ડૉલર્સની છે. સરકાર દર વર્ષે લાખો ડૉલર્સ વેધર મૅનેજમૅન્ટ માટે આમ કે તેમ ફાળવે છે જેમાં વરસાદ પાડવાની પહેલી વાર અજમાવવાની રીતો માટેનું ફન્ડિંગ પણ આવી ગયું. સત્તાધીશો કે ઓસ્ટ્રેલિયાની મોસ્ટ પાવરફુલ લોબી પર શંકા કરતા લોકો માને છે કે પર્યાવરણને સુધારવા ‘ને વરસાદ લાવવાના નામે ટેક્સ પેયર્સના પૈસે કંપનીઓ કે સંસ્થાનો ‘ને તેમના મળતિયા જલસા કરે છે. એથી વિશેષ એ લોકો માને છે કે ઓસ્ટ્રેલિયામાં અમુક વખતે વરસાદ ના પડવા પાછળ પણ આ માણસોનો સીધો કે આડકતરો હાથ હોય છે. આજે લોકો પોતાનામાં સખત વ્યસ્ત તેમ જ ગૂંચવાયેલા છે ‘ને સાથે વિજ્ઞાન પર લોકોનો ભરોસો વધતો ગયો છે ત્યારે સરકાર સાયન્સ ‘ને ટૅક્નોલોજી વડે લોકોનું સારું કરવાની યોજના મૂકે તો અપવાદ રૃપે જ લોકો અસહમત થાય.

બુશ ફાયરને ષડ્યંત્ર માનનારા લોકો આંકડા સહિતની માહિતી સાથે આવી દલીલો કરીને મુખ્ય આરોપ એ મૂકે છે કે ઓસ્ટ્રેલિયાના બોસ લોકોએ જે સ્માર્ટ સિટીઝ ‘ને પ્રોડક્ટિવ એન્ડ લિવેબલ સિટીઝની યોજનાઓ બનાવી છે તે સમસ્ત સમસ્યાની જડ છે. એજન્ડા ૨૦૩૦ સાકાર કરવા ઓસ્ટ્રેલિયા કટિબદ્ધ છે, જે માટે આગામી દશકામાં જમીન તથા કુદરતી સંપત્તિ પરના કાયદેસર અધિકારમાં ધરમૂળથી ફેરફાર થવાના છે. સ્માર્ટ સિટીનો એજન્ડા યુએન દ્વારા પ્રમાણિત ‘ને પુશ કરવામાં આવેલો છે. આ એજન્ડા સફળ કરવા ચીની ‘ને અમેરિકન વેપારીઓ સહિત ઇન્ટરનેશનલ જાયન્ટસ સક્રિય થયેલા છે. આ અબજો ડૉલર્સનો ખેલ છે. આ બધું ફેડરલ લેવલ પર એક્ઝિક્યૂટ કરવામાં આવી રહ્યું છે. જે શહેરો હયાત છે તે શહેરોએ સ્માર્ટ સિટીને લગતાં પ્રોગ્રામ બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સ્માર્ટ સિટીઝના વિઝનના ત્રણ પાયા રાખવામાં આવ્યા છે. સ્માર્ટ ઇન્વેસ્ટમૅન્ટ, સ્માર્ટ પૉલિસી ‘ને સ્માર્ટ ટૅક્નોલોજી. ના રે, કોઈ માઈનો લાલ એવું નથી પૂછવાનો કે અત્યાર સુધી જે શહેરોનું વ્યવસ્થાપન થયેલું તેની પાછળ ડમ્બ ઇન્વેસ્ટમૅન્ટ, ફૂલિશ પૉલિસી ‘ને ઇડિયટ ટૅક્નોલોજી હતા કે?

વેલ, પાસ્ટ પાછળ રાખીને ફ્યૂચર જોવું જ જોઈએ. સ્માર્ટ સિટીઝના વિઝનને એક તરફી વક્ર દ્રષ્ટિથી જોવું એ બેશક બબૂચકતા જ કહેવાય. તો પછી બુશ ફાયરને સ્માર્ટ સિટીઝના એજન્ડા સાથે કેમ સાંકળવામાં આવે છે? કારણ ચર્ચાય છે કે બુશ ફાયરની તાજેતરની જે બીના બની તે ‘ને વિઝન મુજબ ભવિષ્યમાં સ્માર્ટ સિટીઝને જે સાંકળશે તે ટ્રેનનો રૃટ એકબીજાને સીધો સાંકળે એવો છે. કોન્સોલિડેટેડ લેન્ડ એન્ડ રેલ ઓસ્ટ્રેલિયા નામની કંપનીએ બ્રિસ્બેનથી મેલબોર્ન સુધીની ઘણા નગરને જોડતી હાઈ સ્પીડ રેલવેની યોજના મૂકી છે, જેની સાથે ઓસ્ટ્રેલિયન સત્તા સહર્ષ સહમત છે. આવો, કલેરા કે કલારા તરીકે ઓળખાતી આ કંપની ‘ને તેના વિઝન વિષે જાણીએ. કંપની ૨૦૧૫માં શરૃ થઈ. ‘૧૭-૧૮માં તેના રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી. રેલ રૃટ અગાઉ પ્લાન્ડ હતો તેનાથી અલગ હરિયાળા વિસ્તારમાંથી પસાર થાય તેમ નક્કી કરવામાં આવેલો. કંપની તરફથી માલિક નિક કહે છે તે જમીનના માલિકોને મોટો પ્રોજેક્ટ આવવાનો છે તેમ જનરલ પ્રપોઝલ મૂકીને જમીન ખરીદવાના પ્રયત્નો કરતો હતો. કંપનીએ વેબસાઇટ બનાવી, કમિંગ સૂનની વાતો સાથે. આ દરમિયાન સરકાર ‘ને રાજકારણનાં માથાંઓ સાથે મિટિંગ્સ થતી રહી. બસ. કંપનીનું કે નિકનું કોઈ અનુભવસિદ્ધ બૅકગ્રાઉન્ડ નથી. કંપની વિષે વધુ જાણવા જાવ તો ફક્ત કંપનીના સ્વપ્ન જ જાણવા મળે, બાકી બધું ગુપ્ત કે પછી ગોડ નોઝ પ્રકારનું.

સરકાર પણ આ પ્રોજેક્ટમાં લોકોના પૈસા વાપરવા માંડી છે. ઓસ્ટ્રેલિયન બુશફાયરનો જે રોડ મેપ રહ્યો છે એ જ રૃટ ઓન પેપર આ ટ્રેનનો છે. કલારાના બોસ નિકનું કહેવું હતું કે પહેલું સ્ટેશન બનાવવા માટે તેમણે શેપર્ટન આસપાસ જમીન એક્વાયર કરી લીધી છે. આ બુશ ફાયર વખતે શેપર્ટન ઓથોરિટીઝ દ્વારા જાહેર થયું છે કે સમસ્ત વિક્ટોરિયા બુશ ફાયરના રિસ્ક ઝોનમાં છે. જો તમે વિક્ટોરિયાના બુશમાં કે ફાર્મમાં કે દરિયા કિનારે કે ઉપનગરીય વિસ્તારમાં રહેતા હો ‘ને જ્યાં આસપાસ ઘાસ હોય તો તમને બુશ ફાયરની અસર થઈ શકે છે. ટૂંકમાં ભાગો. વારુ, અહીં સમજવા જેવું એય છે કે ઘણા સમયથી કલારા દ્વારા જમીન એક્વાયર કરવાની કોશિશ થયેલી જેમાં તેમને પૂરતી સફળતા નથી મળી. વળી, જે જમીન અંગે કોન્ટ્રાક્ટ થયા છે તેમાંથી મોટા ભાગના લોકો આઘાપાછા થવા લાગેલા.

ખેર, આપણે તો બે ચાર આશા રાખી શકીએ. એક તો વર્તમાન બુશ ફાયરથી નકારાત્મક અસર પામેલાની લાઇફ શક્ય એટલી જલ્દી પૂર્વવત્ થાય. ભવિષ્યના બુશ ફાયર અંગે ઓસ્ટ્રેલિયા વધુ સજાગ ‘ને સજ્જ થાય. પૃથ્વીના પર્યાવરણ એવમ વાતાવરણને જે નુકસાન થયું હોય તે રિકવર કરવા માટે સાચા ‘ને પૂરતા પ્રયત્નો થાય. સાયન્સ ‘ને ટૅક્નોલોજીના નામે ચરી જ ખાવું હોય તો સાથે થોડા ઘણા રિસોર્સ જ્યોતિષવિદ્યા પાછળ પણ વાપરવા જોઈએ અને વિશેષ આશા એ કે ઓસ્ટ્રેલિયાના ૨૦૩૦ એજન્ડા અંગેના કોઈ પણ પ્રોગ્રામ ‘ને કલારાની યોજના કુદરત સાથે રમત કરીને અત્યાર સુધી આગળ ના વધતી હોય તથા ભવિષ્યમાં આગળ ના વધે. ભારત ‘ને ભારતનાં રાજ્યોએ આ બુશ ફાયર પરથી શિક્ષણ મેળવવું જોઈએ. આપણે ત્યાંની સ્થિતિ સાવ અલગ છે એમ કહીને છટકી ના જવાય. એ પણ આશા રાખીએ કે લગભગ હજારેક મિલ્યન ડૉલર્સના વીમા પાકશે તો તેને લઈને વીમા ઉદ્યોગ વત્તા અર્થતંત્ર આગામી દિવસોમાં સામાન્ય જનતા સાથે મસ્તી ના કરે.

બુઝારો –  એબઓરિજિનલ હોવું એ તમારી ચામડીના રંગનું હોવું કે તમારું નાક પહોળું હોવું નથી. એ એક આધ્યાત્મિક અનુભૂતિ છે, પોતાના હૃદયમાં જ્ઞાત હોય તેવી એક ઓળખ છે. એ એવી અનન્ય સંવેદના છે જે એબઓરિજિનલ ના હોય તે પૂરી રીતે સમજી ના શકે.
ઓસ્ટ્રેલિયન એબઓરિજિનલ ઉક્તિ
————————-

ચર્નિંગ ઘાટ. ગૌરાંગ અમીન
Comments (0)
Add Comment