જળપુરાણઃ માનવી માટે પાણી બતાવવાનું સંકટ આવ્યું

ભારતે જળદિવસ ઑક્ટોબર-નવેમ્બરમાં ઊજવવો જોઈએ
  • કટોકટી – વિનોદ પંડ્યા

સહરાના રણમાં તમારી પાસે હજારો ટન સોનું હોય તો તે નહીં, પણ પાણીની એક બોટલ જીવન બચાવશે. છતાં પૃથ્વીને આપણે રણ પ્રદેશમાં ફેરવી રહ્યા છીએ. તો શું પાણી પૃથ્વી પરથી ગાયબ થઈ રહ્યું છે? ના, પૃથ્વી પર પાણી દસ અબજની વસતિ થાય તો પણ ખૂટે નહીં એટલું છે. તકલીફ એ છે કે માણસજાત પૃથ્વી પરના પાણીનો યોગ્ય વહીવટ કરી શકતો નથી અથવા કરતો નથી. ઘણા વખતથી કહેવાઈ રહ્યું છે કે હવે પાણી માટે યુદ્ધો લડાશે. વિવાદો શરૃ થઈ ગયા છે. જેમ કે કાવેરી જળ વિવાદ, ચીન સાથે બ્રહ્મપુત્રાનો વિવાદ, તિષ્ટા વિવાદ, પાકિસ્તાન સાથે પંજાબ, કાશ્મીરની નદીઓનો વિવાદ, પણ દુનિયામાં મોટાં યુદ્ધો ફાટી નીકળે કે કેમ? અને તેમ ના થાય તે માટે માણસે શું કરવું પડશે તે શક્યતાની તપાસ ખૂબ જરૃરી બને છે.

‘પ્યાર, મહોબ્બત, પ્રેમ કે ઈશ્ક વગર કરોડો લોકો જીવી ગયા, પણ પાણી વગર કોઈ જીવી શક્યું નથી.’ કવિ ડબલ્યુ. એચ. ઓડેનના આ શબ્દો છે. વરસાદ, ધોધ, ફુવારા કે બાથટબમાં ફિલ્મી પ્યાર બહેકી ઊઠે છે અને આપણે પાણીની નોંધ લેતાં નથી અને બીજાં કારણોસર પાણી પાણી થઈ જઈએ, પણ હવે ટબમાં નહાવાના દિવસો જતા રહેશે. પાણી પર અનેક સ્લોગન લખાયાં છે અને ‘જળ છે તો જીવન છે’ એ સૂત્ર પાણી કરતાં વધુ દ્રષ્ટિગોચર થાય છે. અગાઉ સર્વત્ર પાણી હતું, આજે સૂત્રો છે. ૪૦ વરસ અગાઉ કોઈ વિચારતું ન હતું કે પાણી વેચાતું મળશે અને હવે દર ૨૨ માર્ચના રોજ ‘વર્લ્ડ વૉટર ડે’ અર્થાત વિશ્વ જલ દિન ઊજવાય છે, કારણ કે અમેરિકાના સ્થાપકોમાંના એક બેન્ઝામીન ફ્રેન્કલીનના શબ્દોમાં તો ‘કૂવો સૂકાઈ ગયા પછી તેનું મૂલ્ય સમજાય છે.’

ભારતે જળદિવસ ઑક્ટોબર-નવેમ્બરમાં ઊજવવો જોઈએ જેથી હજી પાણી હોય ત્યારે જ પાળ બાંધી શકાય. માર્ચ પહેલાં તો ખતમ થઈ ગયું હોય. હજારો, લાખો ગ્રહો, ઉપગ્રહોની વચ્ચે પૃથ્વી એક વિશેષ સ્થાન ભોગવે છે, તે એ કે માત્ર પૃથ્વી પર જ જીવન છે, કારણ કે માત્ર પૃથ્વી પર જ પાણી છે. બીજા ગ્રહોમાં જીવન શોધવા માટે નાસાએ એક સૂત્ર અપનાવ્યું છે. ‘ફોલો ધ વૉટર.’ આ તેનું મિશન સ્ટેટમેન્ટ પણ છે. એવા ગ્રહની શોધ કરો કે જ્યાં પાણી હોય. પાણી હશે તો જીવન આપોઆપ હશે. મંગળ પર અગાઉ નદીઓ વહેતી હતી. તેની નદીઓના કાંઠાના પ્રવાહમય ઘસાયેલા પથ્થરો પરથી જાણી શકાય છે. પાણી વગરનો મંગળ જુઓ કેવો બની ગયો છે? મંગળનું તો મોટા ભાગનું બધું હજી રહસ્યમય છે, પણ જ્યાં સુધી પૃથ્વીનું પોતાનું ગુરુત્વાકર્ષણ છે ત્યાં સુધી પૃથ્વી પરથી કશું ક્યાંય જવાનું નથી. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓ માટે પાણી લઈ જવાય એટલું જ. એ પાણી પણ, અવકાશવીરોના ઉત્સર્ગોનું ફરી ફરીવાર રિસાઇક્લિંગ કરીને વાપરવું પડે છે. અહીં પાણીની કિંમત સમજાય! સહરાના રણમાં તમારી પાસે હજારો ટન સોનું હોય તો તે નહીં, પણ પાણીની એક બોટલ જીવન બચાવશે. છતાં પૃથ્વીને આપણે રણ પ્રદેશમાં ફેરવી રહ્યા છીએ. તકલીફ એ છે કે માણસજાત પૃથ્વી પરના પાણીનો યોગ્ય વહીવટ કરી શકતો નથી અથવા કરતો નથી.

પૃથ્વીની સિત્તેર ટકા સપાટી પર પાણી પથરાયેલું છે, પણ પૃથ્વી પરના કુલ પાણીનો તે સાડા સત્તાણુ ટકા (૯૭.૫ ટકા) હિસ્સો બને છે. આ સાડા સત્તાણુ ટકા હાલમાં આપણા માટે સ્ટીમરો હંકારવા અને મીઠું પકાવવા સિવાય બીજા કશા ખપનું નથી. જોકે ઇઝરાયલે દરિયાના પાણીને મીઠું બનાવવાની ટૅક્નોલોજી શોધી છે, પણ તે પાણી દૂધના ભાવમાં પડે. પૃથ્વી પર ઉપયોગમાં લઈ શકાય એટલું માત્ર અઢી ટકા પાણી જ છે અને તેમાંથી પણ પોણા બે ટકા ધ્રુવ પ્રદેશોમાં અને ઠંડા વિસ્તારોમાં કાયમી બરફ તરીકે જમા થયેલું છે. બાકી પોણો ટકો (૦.૭૫ ટકા) બચ્યું તેના પર પૃથ્વી પરનાં તમામ જંગલો, ખેતીવાડી, પ્રાણીઓ અને માનવીઓ નભે છે. તેમાંનું પણ મોટા ભાગનું ભૂગર્ભમાં છે. નદીઓ અને સપાટી પરનાં સરોવરો, તળાવો પૃથ્વીની જરૃરિયાતનું લગભગ ૬૦ ટકા પાણી પૂરું પાડે છે. આટલા પાણીનું માણસે મૅનેજમૅન્ટ કરવાનું છે. હાલ સમસ્યા એ છે કે આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય કારણોસર પાણીનો ગેરવહીવટ થાય છે. સિંગાપુરની ‘લી કુઆન યુ સ્કૂલ ઓફ પબ્લિક પૉલિસી’ના પાણીના નિષ્ણાત અસિત વિશ્વાસના કહેવા મુજબ, ‘નાણાનો અભાવ, દુકાળ વગેરે કારણો પાણીની તંગી માટે અપાય છે, તે બધાં બહાનાં જ છે. દરેક જગ્યાએ એક જ મોટી સમસ્યા છે અને તે ગેરવહીવટની છે.’ યુરોપિયન કમિશનના પ્રમુખ જયાં-કલોદ જુન્કેર આ હકીકત વધુ અસરકારક રીતે વ્યક્ત કરે છે. એ કહે છે, ‘અમે બધા જાણીએ છીએ કે શું કરવાની જરૃર છે? અને શું કરવું ઘટે? પણ અમે એ જાણતાંં નથી કે એ બધું કર્યા પછી ફરીવાર કેવી રીતે ચૂંટાઈ આવવું?’ મતલબ કે મતબેન્કોને ખુશ રાખવા ઘણી વખત જરૃરી નિર્ણયો લેવાતા નથી. લોકશાહીની આ એક મોટી વિડંબના છે. લોકો વતી અને વડે રાજ કરવાનું હોય છે, પણ દુનિયામાં હજી અજ્ઞાનતા બહુમતીમાં છે. તેઓ શું કરવું તે યોગ્ય રીતે જાણતા હોતા નથી અને ટૂંકા ગાળાના સ્વાર્થને નજરમાં રાખે છે. એટલે તો ચૂંટણી ટાણે, નદીમાં બે રાજ્યો માટે પૂરું ના થાય એટલું પાણી હોય તો પણ, એટલું પાણી એક રાજ્યને અપાવવાનું નેતાઓ વચન આપે છે.

પાણી ફરી ફરીને ઉપયોગમાં લઈ શકાય તેવું સંસાધન અથવા સ્ત્રોત (રિન્યુએબલ રિસોર્સ) છે. તે સતત અલગ-અલગ કામોમાં આવે છે. ગયા વરસે ચેન્નઈમાં પાણીની અભૂતપૂર્વ તંગી લાંબો સમય ચાલી. ગયા વરસે નેશનલ જ્યોગ્રાફિકમાં એવી તસવીરો છપાઈ જેમાં મધ્ય એશિયાના વિશાળ સરોવરો સુકાઈ ગયાં. તેની જમીન ફાટીને યુએસનાં રાજ્યોના નકશા જેવી બની ગઈ અને તેમાં સૂમસામ હોડીઓ પડી હોય. દુનિયાનું ચોથા ક્રમનું મોટું ગણાતું ખારા જળનું સરોવર જે ‘અરલ સી’ તરીકે પણ ઓળખાય છે તેમાં ભેંકારમાં ખાલી પડેલી હોડીઓ જોવા મળી હતી. આ અરલ સી મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાન વચ્ચે આવેલું છે. ગયા વરસે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં પણ પાણી સાવ ખલાસ થવા આવ્યું હતું. કેપટાઉનથી દક્ષિણ ધ્રુવ (એન્ટાર્કટિકા) પ્રદેશ પ્રમાણમાં નજીક છે, છતાં ઘણો દૂર છે. કેપટાઉનના અધિકારીઓએ તે બરફના પ્રદેશમાંથી એક સ્ટીમર સાથે હિમપર્વત (આઈસબર્ગ) બાંધીને તેને કેપટાઉન સુધી ખેંચી લાવવાની યોજના પણ ગંભીરપણે વિચારી હતી જેથી બરફના મીઠા પાણીને શહેર માટે ઉપયોગમાં લઈ શકાય. જોકે આ કોઈ પ્રથમ પ્રયોગ ગણાયો ન હોત. લેટિન અમેરિકાના ચીલી અને બ્રાઝિલમાં અગાઉ આઇસબર્ગ ખેંચી લાવવામાં આવ્યા હતા. કેનેડાની એક તરફ એટલાન્ટિક છે તો બીજી તરફ પેસિફિક છે. ઉત્તર ધ્રુવના આઇસબર્ગ ત્યાં આવી જાય છે. પડખે આઈસલેન્ડ પણ છે. અમુક કંપનીઓ તે આઇસબર્ગનું પાણી મેળવી પંદર હજાર વર્ષ જૂના પાણી તરીકે ૧૮૦ અમેરિકી ડૉલરમાં એક બોક્સ વેચે છે. અમુક દારૃ ગાળવાના કારખાના આ પાણી વાપરી ખાસ પ્રકારનો દારૃ મોંઘા ભાવે વેચે છે. કેપટાઉનની ચાલીસ લાખની વસતિ સંકટમાં મૂકાઈ ત્યારે આ યોજના વિચારવી પડી હતી, પરંતુ બ્રાઝિલના સાઉ પાઉલો શહેરમાં, ચાર વરસ અગાઉ પાંચ ટકાથી ઓછું પાણી બચ્ચું ત્યારે આઇસબર્ગ ખેંચી લાવ્યા હતા.

સો વરસ અગાઉ પાણીનો વપરાશ હતો તેમાં છ ગણો વધારો થયો છે. ધારણા છે કે ૨૦૫૦ સુધીમાં બીજા વીસથી પચાસ ટકા જેટલી વપરાશ વૃદ્ધિ થશે. હાલમાં પૃથ્વીના લોકો વરસેદહાડે ૪૬૦૦ ઘન કિલોમીટર પાણી વાપરે છે . આ એટલો વપરાશ છે જે પાણીનો પુરવઠો ખતરનાક હદે નીચે લાવ્યા વગર પૂરો પાડી શકાય, પરંતુ તે માટે દુનિયાએ મળીને વ્યવસ્થા કરવી પડે. દુનિયાની ત્રીજા ભાગની ભૂગર્ભીય જળવ્યવસ્થા સુકાઈ જવાની તૈયારીમાં છે અને વધુ ને વધુ સુકાતી જશે. જ્યારથી વીજળીથી ચાલિત પાવરફુલ મોટરો વપરાશમાં આવી છે ત્યારથી અબજો વરસથી ભરેલા જળ ભંડારો માણસે છેલ્લાં ચાલીસ વરસમાં ઊલેચી નાખ્યા છે, કારણ કે આ મોટરો હજાર અને પંદરસો ફીટ નીચેથી પાણી ખેંચી લે છે. ત્રણ પરિબળોને કારણે પાણીની માગમાં સતત વધારો થતો રહેશે. વરસ ૨૦૫૦ સુધીમાં જગતની આબાદી વધીને સાડા નવ અબજથી સવા દસ અબજ સુધી પહોંચશે, તેમાં એકલા ભારતની વસતિ જ પોણા બે અબજથી બે અબજ જેટલી (લગભગ ૧૮થી ૨૦ ટકા) જેટલી હશે. આજે દુનિયાની કુલ વસતિ લગભગ આઠ અબજ છે. ૨૦૫૦ સુધીમાં દુનિયાના જે પ્રદેશો ભીષણ જળસંકટનો સામનો કરશે તેમાંના મોટા ભાગના એશિયા અને આફ્રિકામાં હશે; જ્યાં હાલમાં જ પાણીની તંગી છે. ભવિષ્યમાં લોકોની જીવનશૈલી પણ એવી બનતી જશે જેમાં પાણીનો વપરાશ વધુ થાય. ટોઇલેટો વધશે તેમ ફ્લશ કરવા વધુ પાણીની જરૃર પડશે. છેક ૧૯૬૫માં બ્રિટનના પ્રિન્સ ફિલિપ (રાણીના પતિ) બોલ્યા હતા કે, ‘લોકો અડધો ટમ્બલર પેશાબના નિકાલ માટે બે ગેલન પાણી વાપરે (ફલશ કરે) તે દેશ (બ્રિટન)માં પાણીનો સૌથી ખરાબ વેડફાટ છે.’ આ પ્રકારની લાઇફ-સ્ટાઇલ હજી એશિયા અને ભારતમાં આવી રહી છે. વધુ ને વધુ લોકો શહેરો તરફ જઈ રહ્યાં છે. તેઓ બીજા કામો માટે પણ પાણીનો વધુ વપરાશ કરશે. આમાંના ઘણા એવાં શહેરોમાં જઈ વસશે જ્યાં હાલમાં જ પાણીની તંગી છે.

વસતિ વધશે તો તેઓના માટે અન્ન ઉગાડવું પડશે. દૂધાળાં ઢોર પાળવાં પડશે. તે માટે વધુ પાણીની જરૃર પડશે. હાલમાં નદી, તળાવ અને ભૂગર્ભમાંથી જે પાણી ખેંચવામાં આવે છે તેમાંનું સિત્તેર ટકા ખેતીવાડી માટે વપરાય છે. એક અંદાજ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની જરૃર પડશે, છતાં એવી ટૅક્નોલોજીઓ વધુ વપરાશમાં આવશે કે જેથી પાણીનો ખેતીવાડીમાં વપરાશ ઘટે અને અસરકારતા વધે.

છેલ્લા બે દાયકા દરમિયાન હવામાન પરિવર્તનની દર વરસે ત્રીસ કરોડ લોકો પર વિપરીત અસર પડી છે. પૂર હોનારત, દુકાળ બધું સાથે ચાલે. ઝંઝાવાતો અને ચક્રવાતો એકસાથે અનેક જગ્યાએ સર્જાતા થયાં. ગયા વરસે પૂર્વ અમેરિકામાં ‘ફલોરેન્સ’ અને પૂર્વ એશિયામાં ‘માંગખૂટ’ નામના વાવાઝોડાં એકસાથે ત્રાટક્યાં હતાં. વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે ગ્રીન હાઉસ ગેસમાં વૃદ્ધિને કારણે આ વાવાઝોડાં પેદા થયાં હતાં. અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘વંટોળિયા વાવો અને વાવાઝોડાં લણો.’ બાઇબલમાં તે મુજબની ઉક્તિ પણ છે કે, જેઓ વંટોળ વાવશે તે વાવાઝોડાં લણશે. (ધ ધેટ સો ધ વિન્ડ શેલ રીપ ધ વ્હર્લવિન્ડ). સાર એ છે કે ખરાબ કામ કરશો તો તેનું તેનાથી વધુ મોટું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. હવામાન અને પૃથ્વીની બાબતમાં આ કથન લિટરલી સાચું પુરવાર થઈ રહ્યું છે. અને હવે મહત્ત્વની વાત. દુનિયામાં પાણીના ડહાપણભર્યા સદુપયોગ માટે અને ગાંડપણભર્યા દુરુપયોગ માટે બે રાષ્ટ્રોને વિરોધાભાસી અંતિમો ગણવામાં આવે છે. સદુપયોગ માટે ઇઝરાયલનું નામ લેવાય છે તો દુરુપયોગ માટે ભારતનો દાખલો અપાય છે, જ્યાં નદીઓને માતા તરીકે પૂજાય છે. ભારતના લોકોએ નદીઓને ગટર કરતાં પણ ગંદી બનાવી છે અને તે પણ ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારના નામે. જોકે ગયા કુંભમેળામાં યોગી આદિત્યનાથ સરકારે ચીવટપૂર્વકનું આયોજન કરીને નદીઓને, ખાસ કરીને ગંગાને માનવીના જુલ્મોમાંથી બચાવી લીધી છે. પ્રમાણમાં ગંગા ઘણી નિર્મળ અને સ્વચ્છ બની છે, પણ અમુક-અમુક ટુકડાઓમાં. દિલ્હીના ઓખલા વિસ્તારમાં જમુના નદીના કાંઠે ‘ધ રિવર વ્યૂ’ નામની હોટલ આવેલી છે. હોટેલની રૃમમાંથી નદી તો દેખાય છે, પણ એ દ્રશ્યો (વ્યૂ) ઘૃણા પેદા કરે તેવાં છે. કાંઠા પર પારાવાર કચરો ઠલવાયેલો પડ્યો હોય, લોકો કાંઠે બેસીને શૌચ કરતા હોય, ઔદ્યોગિક પ્રદૂષણોથી ભરપૂર ગંદી ગટરો નદીમાં ઠલવાતી હોય. રિવર વ્યૂમાં આ મફતમાં મળે. તેમાં બારીમાંથી ગંદી વાસ અને બેક્ટેરિયાનાં ટોળાં જોડાય. કયો પર્યટક આવું દ્રશ્ય પસંદ કરે? ભારતમાં લોકો માત્ર આવું જોવા માટે જ ટેવાયેલા નથી, પરંતુ ગંદકીમાં યથાશક્તિ ફાળો આપવા પણ ટેવાયેલા છે. જેમને ગંદકીમાં જ મજા આવતી હોય તેમને તેનાથી દૂર કેમ કરવા? સફાઈ ન જાળવવા માટે પ્રજા જ સરકારોને કારણ આપતી રહે છે. તેઓએ નદીઓનાં જળ ઝેર બનાવી દીધાં છે. ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવવા પ્રમાણે વરસ ૨૦૧૬માં યમુનાના પ્રત્યેક સો મિલિલિટર (નાનકડા અરધા ગ્લાસ) પાણીમાં એક અબજ સાઠ કરોડ ફિક્લ કોલીફોર્મ બેક્ટેરિયાનો વાસ હતો. હોટેલનું નામ ‘નર્કાગાર વ્યૂ’ રાખો તો જ સત્યકથન કહેવાય!

અગાઉ રાજીવ ગાંધીએ ત્યારના લગભગ રૃપિયા ચાર હજાર કરોડ ફાળવ્યા હતા તે ભ્રષ્ટાચારમાં ચાવી ગયા. ત્યારથી ગંગા સફાઈનું રાજકારણ રમાતું થયું અને તે નામે પૈસા ચવાતા પણ થયા. વર્તમાન સરકારમાં પ્રથમ વખત નદીઓની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે, પણ નીતિન ગડકરીએ જે-જે મોટી વાતો કરી હતી તે સાચી પડી નથી. પ્રયાગરાજની આગળ વધતા વડાપ્રધાનનો મતદાર ક્ષેત્ર વારાણસી આવે. મા ગંગાએ એમને બોલાવ્યા હતા અને વડાપ્રધાને ગંગા સફાઈનું વચન આપ્યું હતું તે મહદ્અંશે પાળી બતાવ્યું છે.

આમ છતાં નિષ્ણાતોના મતે ગંગાનું પાણી આરોગ્ય માટે જોખમી છે. લોકો મરતી વેળાએ જ પીએ છે તેથી કેટલું ખતરનાક છે તે સાબિત થઈ શકતું નથી. મોરારિબાપુ પીએ છે તે ઉપર ગંગોત્રીમાંથી લવાય છે. અહીં બીજી દેખીતી મહત્ત્વની વ્યાધિ એ છે કે ગંગાના પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે. ઉપરના ભાગે હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ, ઇકોલોજીને અત્યંત જોખમમાં મૂકીને શરૃ કરાયાં તે માટે અગાઉની સરકારો જવાબદાર છે. ૨૦૧૮માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ૧૯૭૦ બાદ ગંગાના પ્રવાહમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ચાલ્યો. ૨૦૧૮ સુધીમાં તેમાં પચાસ ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. લાંબા ગાળાની વૈજ્ઞાનિક આગાહી કહે છે કે ૨૧૦૦ની સાલ સુધીમાં હિમાલયની ત્રીજા ભાગની હિમનદીઓ ઓગળી જશે અને ૨૦૬૦થી ગંગાનો પ્રવાહ સાવ ઘટવા માંડશે. પવિત્ર નદી જ નહીં બચે તો લોકો પાપ ધોવા ક્યાં જશે?

ભારતના લગભગ ચાલીસ કરોડ લોકો ગંગા અને તટના પ્રદેશોમાં વસે છે. બ્રિટિશ પત્રકારોએ (અને દુનિયાના અન્ય પત્રકારોએ) ગંગા પર અનેક પુસ્તકો લખ્યાં છે, જેમાં તેઓ ગંગાનું સત્યાનાશ કાઢવા માટે ભારતની પ્રજા અને ભારતની સરકારો, બંનેને જવાબદાર ગણાવે છે. તેઓ લખે છે કે જો પવિત્ર નદીની આ હાલત છે તો બીજી નદીઓની હાલત કેવી હશે? પણ તેઓ જાણતા નથી કે આ પવિત્ર અને મોટી નદી છે તેથી જ તેની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. ક્રિષ્ના, કાવેરી, નર્મદા, તાપી, ગોદાવરી વગેરેની સ્થિતિ ગંગા યમુના જેટલી ખરાબ નથી, પણ વાપીની દમણ ગંગા કેમિકલની નદી બની છે. વડાપ્રધાને તાજેતરમાં જ ૨૦૨૪ સુધીમાં ઘેર-ઘેર નળ દ્વારા પાણી પહોંચાડવાની યોજના કાર્યાન્વિત કરી છે. વ્યક્તિદીઠ રોજના ૪૩થી ૫૫ લિટર પાણી પૂરું પાડવાની સરકારની નેમ છે. તે માટે રાષ્ટ્રીય ફંડ ઊભું કરાશે જે ‘રાષ્ટ્રીય જલજીવન કોષ’ તરીકે ઓળખાશે. પાણીના બચાવ માટે બીજી પણ કેટલીક યોજનાઓ અમલમાં મૂકાશે. વરસ ૨૦૨૦માં ભારતમાં ૨૧ શહેરો, જેમાં નવી દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઈ વગેરેનો સમાવેશ થાય છે, ત્યાં ભૂગર્ભ જળ ખલાસ થઈ જશે. દેશનાં ૧૯ રાજ્યોમાં પાણીની સ્થિતિ કટોકટીભરી છે. ઇઝરાયલની મદદ દ્વારા ખેડૂતોને જ્ઞાન અપાશે કે પાણી જમીન માટે નહીં, પણ તેના પર ઊભેલા છોડ માટે આપવાનું છે. જોકે ખેડૂતોને આ જ્ઞાન તો હોય જ છે, પરંતુ માત્ર છોડને જ પાણી મળે તેવી ટૅક્નોલોજી તેમની પાસે નથી. નવાઈની વાત એ છે કે પાણીના સંકટનો સામનો કરી રહેલાં ૧૯ રાજ્યોમાં ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે, જ્યાં ગંગા જમુના વહે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક પણ તેમાં છે. હાલમાં ભારતમાં સરેરાશ નાગરિક ૧૩૫ લિટર પાણી દિવસમાં વાપરે છે, પરંતુ ગ્રામીણ ઇલાકાઓમાં વ્યક્તિગત વપરાશ ઓછો છે. ક્યાંક સાવ મળતું નથી. તમામ મોટાં શહેરોની આસપાસની નદીઓ પૂર્ણપણે પ્રદૂષિત થઈ છે. બેંગ્લુરુના મધ્યમાંથી નીકળતી નદી અને શહેરના સરોવરમાં પાંચ-પાંચ માળની ઇમારતની સમકક્ષ સફેદ ફીણના ડુંગર પેદા થાય છે અને તેનો ઉકેલ શોધવામાં દર વરસે સરકાર અશક્તિ જાહેર કરે છે. તે પણ ખૂબ વિરોધ થાય ત્યારે. આપણા દેશમાં રાષ્ટ્રની ઈમેજ બગાડે એવી કોઈ સમસ્યાઓનો ઉપાય નેતાઓ પાસે નથી.

ઇઝરાયલ પાસે પાણીના માત્ર બે સોર્સ છે જે બાઇબલના પૂર્વેના છે. એક જોર્ડન નદી છે, જે ખાસ મોટી કે પહોળી નથી અને ‘સી ઓફ ગેલીલી’ નામનું ફ્રેશ વોટરનું તળાવ છે. આ બંને પૂરતાં નથી. ગયા વરસ સુધી ઇઝરાયલમાં સતત પાંચ વરસ સુધી સો વરસનો સૌથી મોટો દુકાળ પડ્યો. સી એફ ગેલીલી સાવ સૂકાઈ જવા આવ્યું ત્યારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વરસાદ પડ્યો અને દુકાળનો અંત આવ્યો. ઇઝરાયલના સમગ્ર ઇતિહાસમાં તેને ગેલીલી સરોવરનું પાણી મળતું રહ્યું છે. આજે ઇઝરાયલની વસતિ ૮૭ લાખ અને બીજા ૫૦ લાખ લોકો ઇઝરાયલ દ્વારા ઓક્યુપાઇડ પ્રદેશોમાં વસે છે. તેઓ હવે ગેલીલીના પાણી પર નિર્ભર નથી. ઈઝરાયલ પોતાની જરૃરિયાતનું અરધાથી વધુ પાણી જાતે બનાવી લે છે. અર્થાત દરિયાના ખારા જળને મીઠું બનાવેલું હોય છે. બીજું, ગંદા પાણીને સ્વચ્છ કરીને રિસાઇકલ કરેલું હોય છે. દુકાળના પાંચ વરસ દરમિયાન દર વરસે ૪૦ કરોડ ઘન મીટર પાણી સમુદ્રમાંથી પ્રાપ્ત કરવામાં આવતું હતું. વરસાદ પડ્યા બાદ તે પ્રવૃત્તિમાં ઘટાડો થયો. ૨૦૧૮ બાદ માત્ર સાત કરોડ ઘન મીટર ખારા પાણીને મીઠું બનાવાય છે. હવે ઇઝરાયલ ગેલીલીના સરોવરને સમુદ્રના પાણીને મીઠું બનાવીને ભરી દેવા માગે છે જેથી દુકાળના સમયમાં તે રિઝર્વ તરીકે કામ આપે. ઇઝરાયલમાં ૮૫ ટકા પાણી રિસાઇક્લિંગથી પાછું મેળવાય છે. એ પાણી ખેતરોમાં પાછું મોકલાય. દરેક ટીપાનો સદુપયોગ થાય. સહરાના રણ પર વિમાન ઊડતું હોય અને હરિયાળા બગીચા જેવો પ્રદેશ શરૃ થાય તો સમજી લેવું કે વિમાન ઇઝરાયલની હદમાં પ્રવેશ્યું છે. ખેતીવાડીના પાકોમાં ઇઝરાયલે અસાધારણ પ્રગતિ સાધી છે. પાણીનો યોગ્ય ઢબે વપરાશ કરવાની શરૃઆત ચીનમાં પણ થઈ ચૂકી છે.

ચીનની યલો રિવર ૫૫૦૦ કિલોમીટર લાંબી અને દુનિયાની સાતમા ક્રમની મોટી નદી છે. આ નદીની સપાટી પીળા કાંપને કારણે ઊંચી આવી રહી છે તેથી તે વરસાદમાં વારંવાર છલકાઈને આસપાસ પારાવાર નુકસાન પહોંચાડે છે. જ્યારે વધુ વરસાદ પડે ત્યારે હેનાન પ્રાન્તના બંધમાંથી ખૂબ વધુ પાણી છોડવામાં આવે છે જેથી નીચાણના ભાગમાં જમા થયેલો કાંપ પાણીના ફોર્સના કારણે ધોવાઈ જાય અને નદી છલકાવાનું જોખમ ટળે. તેના પીળા કાંપને કારણે તે ‘યલો રિવર’ તરીકે ઓળખાય છે. જોકે હવેનાં વરસોમાં તેના પાણીના પ્રવાહમાં ૩૫ ટકાની ઘટ પડી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે પાણીના વિતરણની વ્યવસ્થા જુદી રીતે કરી છે. પૂર્વ ઓસ્ટ્રેલિયાના એક વિશાળ હિસ્સાને ‘મુરે’ અને તેની જોડીદાર ‘ડાર્લિંગ’ નદીઓ પાણી પૂરું પાડે છે. ખેતીવાડી અને શહેરોમાં પીવા માટે. ૨૦૦૬ સુધી આ પ્રદેશમાં દસ વરસ સતત દુકાળ પડ્યો હતો. ત્યાર બાદ વરસાદ પડ્યો ત્યારે લોકો મનફાવે તેમ, ભારતના લોકોની માફક પાણી વેડફવા માંડ્યા, પણ દુકાળની અસરથી જાગેલી ઓસ્ટ્રેલિયન સરકારે નદીને મૂળ સ્વરૃપમાં પુનર્જીવિત કરવાના પ્રયત્નો આદર્યા. સરકારે પાણી મેળવવાના હક્કોનું ખેડૂતોમાં લિલામ કર્યું. ખેડૂત પોતાની જરૃરિયાત મુજબ એ હક્કો ખરીદી કે વેચી શકે, જે રીતે ભારતનાં મોટાં શહેરોમાં મકાન બાંધકામ માટે એફએસઆઈ વેચી કે ખરીદી શકાય છે. સરકાર પણ, ખેડૂતોને જરૃર ન હોય તો પરવાના પાછા ખરીદતી હતી. વધુ પાણી નહીં વાપરવાથી પૈસા બચે છે તે સમજાઈ જવાથી પાણીનો બગાડ ઘટ્યો. બે ઘન કિલોમીટરથી પણ વધુ માત્રામાં પાણીની બચત થઈ અને નદીમાં પાણીનો પ્રવાહ વધુ માત્રામાં જળવાઈ રહ્યો, જે પર્યાવરણ અને ઇકોલોજી માટે જરૃરી પણ છે.

ભૂગર્ભ જળની વાત કરીએ તો વરસો અગાઉ અમરેલી જિલ્લામાં લાઠી લિલિયા વિસ્તારમાં એક ગામ હતંુ જ્યાં લોકોનાં હાડકાં અને સાંધા નબળાં પડી ગયાં હતાં. ફ્લોરોસિસ નામની બીમારી તેઓને લાગુ પડી હતી. જે ગામના પાણીમાં ‘ફ્લોરાઇડ’ નામના પદાર્થનું પ્રમાણ વધુ હોય ત્યાં આ બીમારી લાગુ પડે. એ ગામ માટે ખાસ પાણીની સરકારે તજવીજ કરી, પરંતુ આજે પાણીના તળ ખૂબ ઊંડે ગયાં છે. સર્વત્ર લોકો ફ્લોરાઇડ અને બીજા જોખમી તત્ત્વોથી યુક્ત પાણી પી રહ્યાં છે, જેથી ફ્લોરોસિસ જેવી બીમારીઓ વ્યાપક બની છે. તેમાં બાળકોના હાથપગ વાંકા વળી જાય તો ડૉક્ટરો ભૂલથી પોલિયો થયાનું નિદાન પણ કરે છે. ગ્રામીણ બિહારમાં આ બીમારી ખૂબ ફેલાઈ છે. ખાસ કરીને દલિતો અને ગરીબોને તે વધુ લાગુ પડે છે જેમને શુદ્ધ પાણી ઉપલબ્ધ બનતું નથી. આજકાલ પાણીથી બેક્ટેરિયા કે જીવાણુ-જન્ય બીમારી લાગુ પડે તે ઓછી ગંભીર બાબત ગણાય છે. દવાથી તેની તત્કાળ સારવાર થઈ શકે, પરંતુ પાણીમાં ઝેરી તત્ત્વો અને ધાતુઓ ભળી જવાનો ખતરો સૌથી મોટો અને ચિંતાકારક બન્યો છે. અર્ધધાતુના સોમલ અથવા આર્સેનિક (ઝેર)ની માફક પાણીમાં વધુ પડતું ફ્લોરાઇડ હોય તો ઝેરી પુરવાર થાય છે. તે આર્સેનિકની માફક ભૂગર્ભના જળમાં હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સૂચવે છે કે તેનું પ્રમાણ એક લિટર પાણીમાં દોઢ મિલિગ્રામથી વધુ ના હોવું જોઈએ. વધારે હોય તો લાંબા ગાળાના સેવનથી સ્કેલેટલ ફ્લોરોસિસ નામક બીમારી લાગુ પડે. જેમાં આગળ લખ્યું તેમ શરીર વાંકુંચૂકું થઈ જાય અને પીડા આપે. ભૂગર્ભના જળમાં ફ્લોરાઇડ, આર્સેનિક, નાઇટ્રેટ અને ક્ષારના સ્વરૃપમાં ઝેરી તત્ત્વો હોઈ શકે છે. કેટલાંક તત્ત્વો પાણીમાં કુદરતી રીતે આવ્યાં હોય છે તો કેટલાક ઔદ્યોગિક કચરો, પાલિકાના કચરાના ખાડામાંથી જમીનમાં ઊતરેલું પાણી, ટોઇલેટ વગેરેની સેપ્ટિક ટાંકીઓ, ભૂગર્ભમાંની ગળી રહેલી ગેસ ટેન્ક તેમ જ ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ વપરાશ વગેરે માર્ગો દ્વારા જમીન નીચેના પાણીમાં ભળ્યાં હોય છે. પાણી જમીનમાં જેટલું વધુ ઊંડે હોય એટલું તે વધુ ઝેરી હોવાની શક્યતા રહે છે, કારણ કે આ બધાં તત્ત્વો જમીનમાં ઊંડે ઊતરીને પાણીમાં ભળે છે. ભારતમાં તો ખેતીવાડી માટેનું ૬૦ ટકા પાણી પણ ભૂગર્ભમાંથી આવે છે. તેથી ખતરો વધી જાય છે. તે ઝેર ખાદ્યપદાર્થોમાં ભળે છે. ભૂગર્ભમાંથી સૌથી વધુ જળ ખેંચનારા પ્રથમ પાંચ રાષ્ટ્રોમાં એક ભારત છે. બીજા ચારમાં અમેરિકા, ચીન, ઈરાન અને પાકિસ્તાન છે. આ પાંચેય દેશ મળીને જમીનમાંથી ખેંચાતા દુનિયાના કુલ પાણીમાંથી ૬૭ ટકા ખેંચી કાઢે છે. બાકીના બધા દેશો મળીને માત્ર ૩૩ ટકા ખેંચે છે. ભારતમાં પાણી તો મફતમાં આપવા લેવાની ચીજ છે. ૧૮૮૨માં અંગ્રેજોએ ઘડેલા કાયદામાં ભારતના દરેક જણને પોતાની જમીન પરનું કે જમીન નીચેનું તમામ પાણી મફતમાં રાખવાનો કે વાપરવાનો અધિકાર અપાયો છે. ભૂગર્ભમાંથી વીજળીની મોટર વડે પાણી ખેંચવાનો ખર્ચ વધુ આવે છે, પણ નેતાઓ ખેડૂતોના વપરાશ માટેની વીજળીનાં બિલો માફ કરે અથવા રાહત આપે તેથી પાણીનો વેડફાટ વધે છે. ૧૯૭૦માં દેશમાં ખેતીવાડી માટે દસ ટકા વીજળી વપરાતી હતી તે ૧૯૯૫માં વધીને ત્રીસ ટકા પર પહોંચી અને આજે તો તેનાથી વધુ વીજળી પાણી ખેંચવા માટે વપરાય છે. સસ્તી વીજળીને કારણે ખેડૂતો ખૂબ પાણી જોઈએ તેવા પાકો જેમ કે કપાસ, શેરડી વગેરે વધુ વાવે છે. પંજાબ એક સમયે સૂકી ધરતી હતી ત્યાં કેનાલો આવવાથી તે એગ્રિકલ્ચરલ પાવરહાઉસ બની ગયું. આવું ચીનના અમુક પ્રાન્તોમાં પણ થયું છે જ્યાં પારાવાર ફસલો પાકવા માંડી. ઈઝરાયલ, ભારત અને મંચુરિયા જેવા દેશો આજે ખેતીવાડીની પ્રોડક્ટ્સમાં અગ્રેસર બન્યા છે, પરંતુ તેઓ ખેતપેદાશની સાથે-સાથે જથ્થાબંધ પાણીની પણ નિકાસ કરે છે, જે ‘વર્ચ્યુઅલ વૉટર’ તરીકે ઓળખાય છે. ખેતરોમાં વધુ પાકો બારે માસ વાવવાથી સૂર્યનાં કિરણોનું રેડિયેશન પૃથ્વી બહાર પાછું ફેંકાય છે. ફલત ઃ પૃથ્વીની જમીન વધુ ઠંડી રહે છે. વાદળા બંધાવા માટે જમીન જે માત્રામાં ગરમ રહેવી જોઈએ એટલી રહેતી નથી તેથી ચોમાસાની સિસ્ટમ પણ ખોરવાઈ જાય છે.

આ વર્ચ્યુઅલ વૉટરનો કોન્સેપ્ટ પણ સમજવા જેવો છે. સામાન્યપણે એક માણસને એક દિવસમાં બેથી ચાર લિટર પાણી પીવાની જરૃર પડે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે એક રોટલો, એક ચોકલેટ કે રીંગણાનું સો ગ્રામ શાક એ ખાય છે ત્યારે તેને પકવવા કેટલું પાણી વપરાયું? જે વસ્તુ તે ખાય છે તેની સાથે એટલું પાણી પણ એ ખાઈ જાય છે, જે હકીકતમાં પાણીના સ્વરૃપમાં ખાતો નથી તેથી તેને વર્ચ્યુઅલ વૉટર કહે છે. માત્ર ખાવાની ચીજો જ નહીં, પણ જીન્સ, કપડાં, પેન્સિલ, સ્માર્ટ ફોન્સ વગેરેના નિર્માણ પણ પાણી વપરાય છે. આથી આપણે પાણીનો ડાયરેક્ટ વપરાશ કરીએ તેના કરતાં ઇનડાયરેક્ટ વપરાશ ખૂબ મોટો હોય છે. પીવા, નહાવા, કપડાં ધોવા કે સેનિટેશન માટે દિવસનું કુલ પાણી વાપરીએ તેના કરતાં પણ વર્ચ્યુઅલ વૉટરનો વપરાશ ખૂબ મોટી માત્રામાં કરીએ છીએ. વર્ચ્યુઅલ વૉટરને બીજા શબ્દોમાં ‘વૉટર ફૂટપ્રિન્ટ’ પણ કહે છે.

લંડનની કિંગ્ઝ કૉલેજના પ્રોફેસર ટોની એલને ૧૯૯૩માં આ કોન્સેપ્ટ ડેવલપ કર્યો હતો. જે દેશો ખાદ્યપદાર્થો કે ફર્નિચર વગેરેની નિકાસ કરે છે તે તેની ફૂટપ્રિન્ટ જેટલા પાણીની પણ નિકાસ કરે છે અને સામેનો દેશ એટલા પાણીની આયાત કરે છે. આ થિયરી ખેતપેદાશ, પાણીનો વપરાશને અને તેનો ઇકોનોમિક્સ સાથેનો સંબંધ બાંધવામાં ખૂબ મદદરૃપ પુરવાર થઈ છે. દેશ દેશ પ્રમાણે પાણીની પ્રાપ્તિ, તે માટેના ખર્ચ વગેરે બદલાતાં રહે છે. ઘણી વખત તમે દુનિયાના બજાર ભાવે ખાંડ સાકરની નિકાસ કરતા હો પણ અમુક દેશો કરતાં તેની પડતર કિંમત તમને વધુ આવતી હોઈ શકે, કારણ કે પાણી મોંઘું હોઈ શકે.

ભારતની જ વાત કરીએ તો ગુજરાતમાં પ્રત્યેક કિલો ચોખાના ઉત્પાદન માટે ૪૦૫૭ લિટર પાણીની જરૃર પડે છે. પ. બંગાળમાં ૨૭૭૬ લિટરની જરૃર પડે છે. માટે જો તમે ગુજરાતમાં ૫૦૦ ગ્રામ ચોખા રાંધીને ફેંકી દો તો તેની સાથે બે હજાર લિટરથી વધુ પાણી પણ ફેંકી દો છો અથવા વેડફો છો. ભારતમાં એક કિલોગ્રામ સફરજન પકાવવા ૨૧૨૨ લિટરની પણ જર્મનીમાં ૧૩૧ લિટરની, કેનેડામાં ૨૧૩ લિટરની અને અમેરિકામાં ૪૩૯ લિટર પાણીની જરૃર પડે છે. મતલબ કે ભારતમાં ખૂબ પાણી જોઈએ. દુનિયામાં ૧ કિલો ચોકલેટ માટે સૌથી વધુ એટલે કે ૧૭ હજાર લિટર પાણીની જરૃર પડે છે. બીફ (બળદ ભેંસનું માંસ) માટે ૧૬ હજાર લિટરની, કેળાં માટે લગભગ એક હજાર લિટરની અને ટોમેટો માટે ૪૦૦ લિટર પાણીની જરૃર પડે છે. ઘણા દેશો પોતાના દેશોમાં પાણીની સ્થિતિ, પાણીની જરૃરિયાત વગેરે ધ્યાનમાં લઈ અમુક ચીજવસ્તુઓ પોતાને ત્યાં ઊગાડવાને બદલે આયાત કરવાનું વધુ પસંદ કરે છે. તે માટે તેઓએ વર્ચ્યુઅલ વૉટરનો ચાર્ટ ધ્યાનમાં રાખવો પડે છે.

ઇઝરાયલે ખારા પાણીને મોટી માત્રામાં મીઠું બનાવવાની ટૅક્નોલોજી શોધી કાઢી. આજે ભારતમાં ઘરે-ઘરે રિવર્સ ઓક્ષમોસિસ (આરઓ) મશીનો પાણીના શુદ્ધીકરણ માટે છે તેની શોધ પણ ઇઝરાયલના વિજ્ઞાની સીડની લોએબે કરી હતી. તેલ અવિવથી ૧૫ કિલોમીટર દૂર સમુદ્રના જળમાંથી પીવાલાયક જળ બનાવવાનો દુનિયાનો સૌથી મોટો પ્લાન આવેલો છે જે વરસના ૨૩ કરોડ ઘન મીટર પાણી શુદ્ધ કરીને પૂરું પાડે છે. તે ઇઝરાયલની કુલ જરૃરિયાતના વીસ ટકા છે. આવડો મોટો પ્લાન્ટ ચલાવવા માટે માત્ર વીસ માણસોની જરૃર પડે છે. પ્રોજેક્ટો અને પ્લાન્ટોની ઇઝરાયલમાં કોઈ નવાઈ રહી નથી. ટૅક્નોલોજી વાપરીને દરિયાના પાણીને શુદ્ધ બનાવતા પંદર હજારથી વધુ પ્લાન્ટ આજે દુનિયામાં કાર્યરત છે. દુનિયામાં પાણીની કારમી તંગી પેદા થાય તો ડિસેલાઇનેશન (પાણીને ક્ષારરહિત બનાવવાની પ્રક્રિયા) તેનો ઉપાય છે. દુનિયામાં રોજના સાડા નવ કરોડ ઘન મીટર પાણી મીઠું બનાવવામાં આવે છે તેમાં અખાતના આરબ દેશો મોખરે છે. ઇઝરાયલમાં હાલમાં વરસે ૬૦ કરોડ ઘન મીટર પેદા થાય છે તે ૨૦૩૦ સુધીમાં વધારીને એક અબજ દસ લાખ ઘન મીટર થશે. જોકે દુનિયાના કુલ ઉત્પાદનમાં ઇઝરાયલનું પ્રમાણ માત્ર બે ટકા જ છે, કારણ કે તે ઘણો નાનો દેશ છે. સાઉદી અરેબિયા સાડા પંદર ટકા, યુએઈ દસ ટકાનું ઉત્પાદન કરે છે. આ પ્રક્રિયા વડે એક ઘન મીટર પાણી ભારતીય રૃપિયા પાંત્રીસમાં પડે. અગાઉ આ કિંમત ઊંચી આવતી, પણ ઇઝરાયલે વધુ સારા મેમ્બ્રેન (ફિલ્ટરો) શોધી કાઢ્યાં પછી પડતર કિંમતમાં ઘણો ઘટાડો થયો. ઇઝરાયલ પોતાના વપરાયેલા પાણીને રિસાઇકલ કરી ખેતીવાડી માટે વાપરે છે, પણ માત્ર એક શહેરનો બનેલો સિંગાપુર દેશ પોતાની ગટરોના પાણીને શુદ્ધ કરીને પીવા માટે ફરીથી વપરાશમાં લે છે. તેના ચાર રિસાઇકલ પ્લાન્ટો સિંગાપુરની પાણીની ૩૦ ટકા જરૃરિયાતને પહોંચી વળે છે.

ખારા જળને મીઠું બનાવવાનું મોંઘું પડે છે. માટે સૌથી સારો ઉપાય પાણી બચાવવાનો છે. સૌથી વધુ પાણી ખેતીવાડીમાં વપરાય છે તેથી વધુ બચતનો સ્કોપ પણ ત્યાં જ છે. ઇઝરાયલે અગાઉ સ્પ્રિન્કલર (ફુવારા) પદ્ધતિની શોધ કરી હતી, પણ તેમાંય હવામાં પાણી ઊડી જાય, વેડફાય. માટે ડ્રિપ ઇરિગેશન પદ્ધતિ વિકસાવી. હવે તેને ડિજિટલ ઉપકરણો અને ઍપ્લિકેશનો સાથે જોડવામાં આવી છે જેથી જે છોડને જેટલાની જરૃર હોય એટલું જ પાણી નિયત સમયે મળે. આ પદ્ધતિ ખૂબ કરકસરવાળી પુરવાર થઈ છે. આ અને બીજી પદ્ધતિઓ દ્વારા ખેતીમાં પાણીનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ થાય તો ઘણુ પાણી બચાવી શકાય.

કેનાલો અને પાઇપલાઇનોમાંથી મોટા પાયે પાણીની ચોરી થાય છે તે અટકાવવી જોઈએ. ગરીબ દેશોમાં આ સમસ્યા મોટી છે. સરકારો પણ મફતમાં કે સાવ સસ્તા ભાવમાં પાણી પૂરું પાડે છે તેથી વધુ વેડફાય છે. ૨૦૧૧માં દિલ્હી જલ બોર્ડ દ્વારા જે પાણી પૂરું પડાયું તેમાંનું ૫૩ ટકા સાવ મફતમાં અપાયું હતું. લીક થતી પાઇપલાઇનો સમયસર દુરસ્ત કરાતી નથી. શ્રીમંત રાષ્ટ્રોને પણ આ સમસ્યા નડે છે. લંડનમાં ૨૮ ટકા અને મોન્ટ્રીઅલમાં ૪૦ ટકા પાણી જૂની અને સડી ગયેલી પાઇપ-લાઇનોના કારણે વેડફાય છે. ઘણી જાણીતી કંપનીઓએ પ્રોડક્ટના નિર્માણ વખતે પાણીનો વપરાશ ઘટે તે માટે પગલાં લીધાં છે. નેસલે કંપની ઝીરો-વૉટર ફેક્ટરીઓમાં બેબી મિલ્કનું નિર્માણ કરે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઊડી ગયેલી ગાયના દૂધની વરાળને પાછી મેળવી તેને પાણીની અવેજીમાં વાપરવામાં આવે છે. પાણીની બોટલો વેચતી અમુક કંપનીઓ કુદરતને એટલું પાણી પાછું મળે તે માટેની વ્યવસ્થા કરે છે.

માણસ પાણી બચાવશે તો જ પાણી માણસને બચાવી શકશે. માણસજાત એમ કંઈ મરી જવા તૈયાર થવાની નથી, પણ જો સમયસર પાણી ના બતાવ્યું તો પાણી વગર અનેક મુસીબતોનો જરૃર સામનો કરવો પડશે.

———————————–

કવર સ્ટોરીજળ સમસ્યાવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment