સબ કુછ સિખા હમને ન સિખી હોશિયારી…..

દુનિયામાં ન દેખાય એવી, સારા માણસોના નિર્માણની એક પાઠશાળા ચાલે છે.....
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

દુનિયામાં ન દેખાય એવી, સારા માણસોના નિર્માણની એક પાઠશાળા ચાલે છે…..

હજુ પણ આ દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેઓ દુનિયાની નજરે હોશિયાર નથી, પરંતુ એમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે એ ચિંતાનો વિષય છે. આ દુનિયામાં ન દેખાય એવી, સારા માણસોના નિર્માણની એક પાઠશાળા ચાલે છે. એવી પાઠશાળાઓના આચાર્ય આવા હોશિયાર ન હોય, એવા લોકો હોય છે. ગીતકાર શૈલેન્દ્રે આ ગીત આમ તો અનાડી શબ્દને વ્યાખ્યાયિત કરવા માટે લખ્યું છે, પરંતુ એમાં શું શું ન આવડે તો સજ્જનની વ્યાખ્યામાં સમાવિષ્ટ રહી શકાય એ તરફ પણ સંકેત છે. ગુજરાતી વેપારીઓ વહાણવટાના જમાનામાં સજ્જનને મજાકમાં નુકસાનીનો ધંધો કહેતા. મુંબઈના બારામાં પાંચ વેપારીઓ મસલત કરતા હોય અને પેલો સજ્જન વેપારી દૂરથી આવતો દેખાય એટલે બધા કહેતા કે આવ્યો… નુકસાનીનો ધંધો આવ્યો અને આમ પણ સજ્જનતા એ દેખીતી રીતે નુકસાનીનો ધંધો છે.

હકીકત અને તાત્ત્વિક તથ્ય એ છે કે સજ્જનતા જેવો નફાકારક ધંધો એકેય નથી. અહીં ધંધો એટલે વ્યવહાર અને જીવન રીતિ. નવી પેઢીના મનમાં આપણા પ્રવર્તમાન સમાજે જે ડહાપણ ડહોળ્યું છે તે એમ છે કે પોતાનું કરી લે એ હોશિયાર. બીજાઓને બચાવવા માટે જાતે હોડીમાંથી કૂદીને દરિયામાં પડવાની વાત એ ડહાપણમાં ક્યાંય આવતી નથી. એને કારણે આજે સ્થિતિ એવી આવી છે કે એક યુવાન જ્યાં નોકરી કરે છે ત્યાં એના મિત્ર માટે પણ જગ્યા છે.

પણ એને ઘરમાંથી જ સલાહ મળશે કે તું છાનોમાનો તારું કરને..! આગળ જતા એ જ તને નડે. આ એક પ્રકારનું સામુદાયિક પ્રોગ્રામિંગ છે. ઘરમાં ક્યારેક એવી વાતો થતી હોય છે જેનો અર્થ એવો થાય કે નજીકના અન્ય કુટુંબના લોકો બહુ આગળ નીકળે એ સારી વાત નથી. સંસારના સૌથી પછાત પરિવારની ઓળખ એ છે કે તે નજીકના અન્યોની પ્રગતિના તાપને સહી શકતા નથી અને એનું અજવાળું માણી શકતા નથી. કઝિન્સ અંગે પણ જેઓ પ્રબુદ્ધ નથી એમના પરિવારોમાં આવા મનોરોગ જોવા મળે છે.

સબ કુછ શીખ્યા વિના પણ એકલી હોશિયારીને આધારે પોતાનું વહાણ હાંકનારા લોકો છે. મા એમ ચાહે છે કે મારો દીકરો ક્યાંય છેતરાય નહીં અને બાપ એમ ચાહે કે ભલે બીજાને છેતરે, પણ પોતે પોતાનું કરી લે એ કળિયુગીન લક્ષણ છે. કેટલાંક રાજસ્થાની લોકગીતોમાં આવાં વર્ણનો છે. એટલે કે બીજાને છેતરે છે તે હોશિયાર છે તો એવી હોશિયારીનો જેને ખપ નથી તે હવે સજ્જન છે. સંસારમાં નુકસાનીના ધંધા જેવી બીજી કોઈ મઝા નથી, પણ એ તો પોસાય એને માટે જ છે. એવા નમૂનાઓ પણ છે જેમને પોતાની સજ્જનતાનો અફસોસ થતો હોય.

જિંદગી હાથમાંથી સરી ગઈ હોય અને પોતાના સમકાલીનોની સુખાકારી જોઈને એમ થાય કે તેઓ બધાએ તો વંડા વાળી લીધા ને આપણે તો રહી ગયા તો એવી તકલાદી સજ્જનતા કરતાં ચપટીક ધૂળ વધારે સારી. નીતિના નાટ્યાત્મક ચહેરાઓનું તો અખિલ વિશ્વ પ્રદર્શન છે અને એ ચાલુ જ રહેવાનું છે. સજ્જનતાની વ્યાખ્યા હવે તો દરેકનો વ્યક્તિગત અધિકાર છે. તમે મને ભલે દુર્જન માનો, પરંતુ મારી બનાવેલી વિભાવના પ્રમાણે તો હું નખશિખ સજ્જન છું. એટલે હવે તો દરેક દુર્યોધન પોતાની એવી વિભાવના ઘડે છે જે યુધિષ્ઠિરનો પર્યાય હોય.

જિંદગી એ બુદ્ધિ અને હૃદયનું દ્વંદ્વ-યુદ્ધ છે. હૃદયના કહ્યાગરા ભાગ્યે જ કોઈ હોય. આખી દુનિયા બુદ્ધિદેવીના શ્રીચરણે આળોટતી જોવા મળે છે. એમ થવું એ નિયત ક્રમ છે, કારણ કે બુદ્ધિ આ સંસારનું કાર્યચાલક પરિબળ છે. એક જ વાર હૃદય કહે એમ કરવાની શરૃઆત કરો તો માળો વિખાઈ જાય છે. હૃદય વચ્ચે બહુ બોલબોલ કરતું હોય છે. જેમ-જેમ ભૌતિકવાદના આંગણે મનુષ્ય રમતો થાય તેમ-તેમ એ હૃદયને બકબક ન કરવાની સલાહ આપતો થાય છે. છેવટે એક સમય એવો આવે છે જ્યારે હૃદય ધબકતું તો રહે છે, પણ બુદ્ધિ સાથે વિવાદમાં ઊતરતું નથી. એટલે કે આખરે હૃદયનું બકબક બંધ થઈ જાય છે.

પળે-પળે શું કરવું તેની મૂંઝવણ એટલા માટે સર્જાય છે, કારણ કે બુદ્ધિ અને હૃદય બંને સામ-સામા છેડે ઊભા હોય છે. જિંદગીમાં આવી પળે મોટા ભાગના જ્યારે બુદ્ધિનું શરણુ સ્વીકારે છે, જ્યારે જૂજ હૃદયને પ્રાધાન્ય આપે છે. ઇતિહાસ એવા કિસ્સાઓથી ભરેલો છે કે, જ્યાં હૃદયને પ્રાધાન્ય આપનાર ઘણા બધા બુદ્ધિથી પરે એવી સિદ્ધિઓના સ્વામી તરીકે પ્રસ્થાપિત થયા છે. જગ્ગી વાસુદેવ કહે છે કે, ઇન્ટલેક્ટ એટલે કે બુદ્ધિ એ જિંદગીનો ભાગ છે, પણ તે જિંદગીનો મુખ્ય પ્રવાહ નથી, પરંતુ એમની વાત સાથે સહુ સંમત નથી. અરે, બહુધા લોકોને તો એ વિવાદ જાણવામાં જ રસ નથી. જગ્ગી વાસુદેવ બહુ એડવાન્સ હોય છે. એટલે તળિયે પડેલા પાણા એમની સાથે ઊંચકાતા નથી, એ પડ્યા જ રહે છે. બૌદ્ધિક સંપદાને જ જિંદગીનો મુખ્ય પ્રવાહ માનનારો વર્ગ જુદો અને મોટો છે.

રિમાર્ક – દો ઔર દો કા જોડ હંમેશાં ચાર કહાં હોતા હૈ,
સોચ-સમઝવાલોં કો થોડી નાદાની દે મૌલા….!
નિદા ફાઝલી

———————————-

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment