- ધર્મ સંવાદ – હિંમત કાતરિયા
આણંદના સારસા ગામમાં સત કૈવલ સંપ્રદાયની ગુરુ ગાદી છે. ૧૯૭૨માં સ્વામી અવિચલદાસ મહારાજ આ સંપ્રદાયના સાતમાં અધિપતિ બન્યા અને અત્યારે સંપ્રદાયનો વિસ્તાર કરી રહ્યા છે અને તેઓ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. સ્વામી અવિચલદાસ મહારાજ ૧૯ વર્ષની ઉંમરે સત કૈવલ સંપ્રદાયના વડા બન્યા હતા અને તેમનો સાધુ દીક્ષા સુવર્ણજયંતી મહોત્સવનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેમાં આદિવાસી કન્યાઓનાં સમૂહલગ્નથી લઈને વિરાટ ધર્મ સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે. આ સંપ્રદાય વિધિવિધાનોમાં નથી માનતો કે નથી ગુરુના આશીર્વાદથી અનુયાયીને પાવન કરવામાં દિલચસ્પી દાખવતો. સંપ્રદાયના બંધારણ પ્રમાણે તેમાં પુરાણો અને અન્ય કથાવાર્તાને કોરાણે મુકીને વેદવાણીને સમજીને જગત કર્તાની ઉપાસના કરવાનું શિખવે છે. આવો અવિચલદાસ મહારાજ પાસેથી આ સંપ્રદાય વિશે, ધર્મના સાચા સ્વરૃપ વિશે અને ભારતની વિશ્વગુરુ બનવાની સંભાવના વિશે પ્રશ્નોત્તરી કરીએ.
અભિયાનઃ આ સંપ્રદાયનું નામ સત કૈવલ કેમ પડ્યું અને આ સંપ્રદાય ધર્મનું કેવી રીતે અનુસરણ કરે છે?
અવિચલદાસ મહારાજ ઃ આ સંપ્રદાયનું નામ ખરેખર કૈવલ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના શ્રીમદ કરુણાસાગર મહારાજે અઢીસો વર્ષ પહેલાં કરી હતી. હિન્દુ ધર્મમાં કર્મકાંડ, વર્ણભેદ, છૂઆછૂત, ધર્મના નામે કેટલાક કુરિવાજો પ્રવેશ્યા. આ કુરિવાજોથી જનહિત થતું નથી. આની સામે એક સંતયુગ શરૃ થયો અને તેમાં કબીરદાસ, નાનક, નરસિંહ મહેતાથી લઈને અનેક સંતોએ એ કુરિવાજોને તોડવાનો પ્રયત્ન કર્યો અને ધર્મની વ્યાખ્યા કરી. આવી જ વ્યાખ્યા કરુણાસાગર મહારાજે કરી. જેમ કે નરસિંહ મહેતાએ વૈષ્ણવજનની સાચી વ્યાખ્યા કરી. કબીરદાસે તીર્થો, વ્રતો, કર્મકાંડ ઉપર કુઠારાઘાત કર્યા અને બદલાયેલા ધર્મના સ્વરૃપની વાતો કરી. એવું જ નાનકે કર્યું અને એ પરંપરામાં જ કરુણાસાગર મહારાજે કહ્યંુ કે, ધર્મ બધા માટે સમાન છે અને બધા પોતાના આત્મકલ્યાણ માટે ધર્મનું અનુસરણ કરી શકે. આપણે ત્યાં અમુક કર્મ કરવાના કેટલાક વર્ગને વિશેષ અધિકાર અપાયા. વિશેષ વર્ગ પાસે એ આવડત ન હોય તો પણ જવું પડે. એ કારણે ધર્મમાં શોષણ ઊભું થયું. ધર્મના નામે આપણે કેટલાક લોકોને પ્રતાડિત કર્યા, કેટલાક લોકોના અધિકાર છીનવી લીધા. આમ ધર્મના નામે ઘણો અન્યાય થયો. કરુણાસાગર મહારાજે સ્થાપેલા આ સંપ્રદાયના પાયો એ છે કે અહીં કોઈ વર્ણભેદ અને લિંગ ભેદ નથી. કરુણાસાગર મહારાજે એક ચોપાઈમાં લખ્યંુ છે કે એક બ્રહ્મથી સરવે થયું, ચૈતન વ્યાપ્ત સકલ મેં રહ્યું.
બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય, સબમેં બોલે હરિનો અંશ
હાડ માંસ તુગા રુદ્ર સરખુ છે કોણ બ્રાહ્મણને શૂદ્ર
કેટલીય એવી બાબતો છે જેને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેને ધર્મમાં ઘુસાડી દેવામાં આવી અને એ રીતે અંધશ્રદ્ધા ધર્મનો પાયો બની ગયો.
આ સંપ્રદાય પ્રમાણે ધર્મજ્ઞાન એટલે શું?
કરુણાસાગરે કહ્યંુ છે કે જ્ઞાન ત્રણ પ્રકારના છે. યથાર્થ જ્ઞાન, રોચક જ્ઞાન અને ભયાનક જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે તમે જેવું કરશો એવું પામશો. તમને આજે જે કંઈ મળે છે તે તમારાં જ કર્મોનું પરિણામ છે. રોચક જ્ઞાન એટલે તમે અહીં દાન કરશો, જમાડશો, આટલી ક્રિયાઓ, અહીં સ્નાન વગેરે સુખ પ્રાપ્તિ માટેના પ્રલોભનો. ભયાનક જ્ઞાન એટલે આટલું નહીં કરો તો તમારે નર્કમાં જવું પડશે, તમારે યાતનાઓ ભોગવવી પડશે. મોટા ભાગના લોકોને રોચક અને ભયાનક જ્ઞાનમાં ફસાવવામાં આવે છે. રોચક જ્ઞાનમાં ક્રિયાઓ કરવા સામે લાલચ આપવામાં આવે છે. ભયાનક જ્ઞાનમાં ભય બતાવવામાં આવે છે. કરુણાસાગર મહારાજે કહ્યંુ છે કે મનુષ્યે સતકર્મ કરવું જોઈએ. યથાર્થ જ્ઞાનને સમજો. પ્રલોભન, લોભ કે લાલચ અને ભયથી તમે મુક્ત થાવ. સર્જનહારનું આ જગત સિસ્ટમથી ચાલે છે. જેમ કે અમેરિકાથી અહીં આવેલો કોઈ માણસ ક્રેડિટકાર્ડ વાપરે તો ત્યાં રાત હોય તો પણ તેના ખાતામાં પૈસાની લેવડદેવડ થઈ જાય છે. એના માટે કોઈ વચેટિયાએ વચ્ચે રહેવું પડતું નથી. એવી રીતે કર્મ પ્રમાણે ફળ આપવાની સૃષ્ટિ નિયંતાએ રચના કરી છે.
અહીં જ્ઞાનનો સિદ્ધાંત છે કે કર્તા એક જ છે. સર્જનહારે શરીર ધારણ કરવાની જરૃર પડતી નથી, કારણ કે આખી સૃષ્ટિ સિસ્ટમથી ચાલે છે. એના માટે કોઈ રાક્ષસ મોટો થઈ જાય અને તેને મારી ન શકાય એટલા માટે તેને મારવા ભગવાને આવવું પડે એવું નથી. આખરે આપણે બધા અંશ છીએ અને સર્જનહાર અંશી છે. અંશ અંશી સમર્થ બની શકે તેમ નથી. જેમ વડના નાનકડા બીજને થોડું પાણી મળે તો તેમાંથી આખરે વડનું વિશાળ વૃક્ષ બનશે, પરંતુ શેરડીના મોટા સાંઠાને રોપીને તેમાંથી વટવૃક્ષની આશાએ ગમે તેટલું ખાતર પાણી આપવામાં આવે તો પણ તે આશા ફળીભૂત થતી નથી. કેમ કે એવી સિસ્ટમ છે.
આ સંપ્રદાયમાં સૃષ્ટિના કર્તા વિશે કેવી વ્યાખ્યા કરવામાં આવી છે?
સૃષ્ટિના સર્જનહારમાં પાંચ વિશેષણ છે. આદ્ય (જેના પહેલાં કોઈ નહોતું), શક્રત (જેમનામાં સર્જકનો ગુણ છે, આકાશ આદ્ય છે, પણ તેનામાં સર્જન કરવાની શક્તિ નથી), સ્વરાજ (સૃષ્ટિને બનાવીને છોડી દીધી નથી પણ તેનું સંચાલન કરે છે), કરુણેશ (તેમણે આપણને બનાવીને છૂટા મુકી દીધા નથી, પરંતુ કરુણાપૂર્વક બધા જીવો જીવી શકે એવી વિશિષ્ટ સિસ્ટમ બનાવી દીધી છે) અને પાંચમું કૈવલ એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ નથી. આપણા જીવનમાં બધા પ્રકારનો વિરોધાભાસ હોય છે. જેમ કે આપણે કાયમ સુખી નથી હોતા કે કાયમ દુઃખી નથી હોતા. આપણે કાયમ શોકમાં નથી હોતા કે કાયમ હર્ષમાં નથી હોતા. આપણે કાયમ ધર્મને પણ નથી અનુસરતા કે અધર્મને પણ નથી અનુસરતા. ધર્મ-અધર્મ, જૂઠ-સત્ય બંને આપણામાં સાથે ચાલે છે. સર્જનહારમાં આમાંનો કોઈ વિરોધાભાસ નથી. આવા સર્જનહારને કોઈ નામથી સંબોધન નથી કર્યું. આવા સર્જનહારનું આપણે સ્મરણ કરીએ છીએ. ભગવાનને ખોટી લીલા કરવાની શું કામ જરૃર પડે છે.
તો પછી અહીં સર્જનહાર સિવાયના કોઈ દેવતાને માનવાનો નિષેધ છે?
ત્રણ દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અનુક્રમે સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જનની જવાબદારી સોંપાઈ છે, પરંતુ તે બધા સર્જનહારના વિશેષ અંશો છે. એ વિશેષ અંશોમાં તેમને વિશેષ શક્તિ આપી છે, વિશેષ સામર્થ્ય છે, પરંતુ તેમને સર્જનહાર નથી કહ્યા. સામાન્ય અવલોકનમાં તો સમાજ ઉત્તરોત્તર છીછરો થતો જાય છે અને તમે સૂક્ષ્મ તત્ત્વની વાત કરો છો.
તમારા સાધુ જીવનના પચાસ વર્ષમાં તમે ધર્મના સ્વરૃપમાં કેવો બદલાવ જોયો?
સાચી વાત છે. બુદ્ધિજીવીઓ સાથે અમે ચર્ચા કરીએ છીએ અને તેમાં સમજનારો વર્ગ છે. અમારા સાધુ સમાજમાં પણ આવો સમજનારો વર્ગ છે, પરંતુ જનસમાજ અને સાધુ સમાજ છીછરો થતો જાય છે એ વાત સાચી છે. આદિ શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંતમાં માનનારા અમારા સંન્યાસીની વાત કરીએ તો અદ્વૈત સિદ્ધાંતમાં અવતારને કોઈ સ્થાન નથી, પણ એ બધા રામાયણ અને ભાગવતની કથા કરે છે કારણ કે પાપી પેટનો સવાલ છે. અમારા સંપ્રદાયનો એક વિશ્વ ભ્રમ નિધિ નામનો કરુણાસાગરજી મહારાજે આપેલો ગ્રંથ છે જેમાં વિશ્વની ભ્રમણાઓને છેદવાની વાતો કરી છે. એમાં વાલી અને સુગ્રીવની ઉત્પત્તિનું એક દ્રષ્ટાંત આપ્યંુ છે જે મેં બીજે કશે વાંચ્યું નથી, પરંતુ ગૂગલમાં શોધતા તે એ પ્રમાણે જ મળી આવ્યું છે. વાલી અને સુગ્રીવની ઉત્પત્તિનો પ્રસંગ કંઈક આવો છે કે સ્વર્ગના દેવતા ઇન્દ્રે નાકમાંથી કે કાનમાંથી કચરુ કાઢીને નીચે ફેંક્યું જે પૃથ્વી પર આવીને પડ્યું (ગુરુત્વાકર્ષણના નિયમને ભેદીને) એ કચરુ પૃથ્વી પર આવતા સુંદર પુરુષ બની ગયું અને એ પુરુષ કૂવામાં પડ્યો. એ કૂવામાંથી બહાર નિકળ્યો તો તેમાં એક સ્વરૃપવાન સ્ત્રી બની ગઈ. એ એટલી સુંદર હતી કે તેને જોઈને ઇન્દ્રમાં કામના જાગી અને તેનું સ્ખલન થયું. એ વીર્ય સ્ત્રીના માથામાં પડ્યું તેમાંથી વાલી ઉત્પન્ન થયો અને ગળાના ભાગે પડ્યંુ, તેમાંથી સુગ્રીવ પેદા થયો. કરુણાસાગર મહારાજ એમ કહે છે કે આધ્યાત્મિકતામાં સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ એવા પાંચ પ્રકારના દેહ કહ્યા છે. આપણો મનુષ્યનો દેહ સ્થૂળ દેહ છે ‘ને તે અસ્થિ, મજ્જા, ચર્મ, વાળ, રુધિર વગેરે સાત ધાતુનો બનેલો છે. એવું દેવોનું શરીર નથી. આપણા શરીરની ઉત્સર્ગ ક્રિયાઓ, પરસેવો જેવા દોષો દેવોને લાગુ પડતા નથી. તો ઇન્દ્રના શરીરમાંથી પણ કચરો ન નિકળે કે તેનું સ્ખલન ન થાય. ઇન્દ્રના કોઈ ઉપાસકો નથી હોતા એટલે તેને પુરાણોમાં ઘમંડી, કપટી વગેરે નાના પ્રકારે બહુ નીચો બતાવ્યો છે.
બીજું કે દરેક પુરાણમાં તે જે દેવતાનું પુરાણ હોય તેની મહત્તા દર્શાવવી તે તેનો મુખ્ય ઉદ્દેશ છે. શિવપુરાણમાં વિષ્ણુને બીજા ક્રમના બતાવવામાં વાંધો નથી. એવી રીતે વિષ્ણુપુરાણમાં શિવજીને બીજા ક્રમના બતાવવામાં વાંધો નથી. પુરાણોમાં એકબીજા દેવતાની ઊંચા દેખાડવાની હરીફાઈ છે એથી વિશેષ કંઈ નથી.
એવો તર્ક આપવામાં આવે છે કે પુરાણો અને ઉપનિષદોમાં ગૂઢ તત્ત્વને રૃપક સ્વરૃપે મૂકવામાં આવ્યો છે. પુરુષાર્થ દ્વારા અધિકારીઓ જ તેનું અસલ તત્ત્વ પામી શકે?
જો ગૂઢ તત્ત્વ જાહેર જનતા માટે નથી તો પછી આવી કથાઓ જાહેરમાં કરવાની શું જરૃર છે. પરમાણુ વિજ્ઞાનનું જ્ઞાન અમુક લોકોને જ છે તો એ વિજ્ઞાન બધાને ભણાવવાની ક્યાં જરૃર છે.
એમ કરતા જેમનામાં એ તત્ત્વ પામવાની સંભાવના છે તેની સુધી પહોંચી શકાય એ માટે?
ના એવું નથી. પુરાણોના ઇતિહાસ તરફ નજર કરીએ તો ઘણા બધાનું એવું માનવું છે કે પુરાણકથાઓનો ઇતિહાસ બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્ભવ સાથે શરૃ થયો છે, કારણ કે હિન્દુઓ બૌદ્ધ ધર્મમાં બહુ વટલાતા હતા. વૈદિક સિદ્ધાંત તરીકે શાસ્ત્રો અને વેદની વાત કરીએ તો તેમાં બ્રહ્મ સિદ્ધાંતની જ વાત આવે છે. વેદોમાં ક્યાંય પુરાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આપણી પાસે બ્રહ્મસિદ્ધાંત હતો, એની સામે બૌદ્ધોએ વિહારો બંધાવ્યા, કથાઓ પ્રસિદ્ધ કરી. એને કાઉન્ટર કરવા માટે આપણે ત્યાં પુરાણાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એવો ઇતિહાસકારોનો મત છે. આમાંથી અવતારવાદની સ્થાપના થઈ અને મહાપુરુષોને ભગવાન બનાવવામાં આવ્યા અને એમાંથી પછી ધીમે-ધીમે સંતોને પણ ભગવાન બનાવવાની પરંપરા શરૃ થઈ ગઈ છે. હવે કેટલાક સંપ્રદાયમાં એવી પ્રથા આવી છે કે અવતારોની લીલા નહીં, પણ સંતોની લીલા શરૃ થઈ ગઈ છે. પછી સંતોને જ ભગવાન રૃપ અને સંતોને જ સર્વસ્વ માનવા લાગ્યા. આના પરિણામે સંતોએ સમાજની શું સ્થિતિ કરી તે આપણે બધા આજે જોઈ શકીએ છીએ.
આનો અર્થ એવો આપણે કરીએ કે અવતારવાદની જે-તે સમયે આવશ્યકતા હતી, અત્યારે નથી?
હા, અત્યારે એની આવશ્યકતા નથી. એમાંથી બહાર નિકળી જવું જોઈએ.
તો પછી રામ, કૃષ્ણની કથાઓ, ભગવદ્દગીતા વગેરેને લઈને લોકો મૂંઝવણમાં મુકાશે કે આમાં અમારે શું કરવું?
અવતારોની કથાની અધ્યાત્મ માર્ગમાં કોઈ આવશ્યકતા નથી. દાખલો આપું, આજે બધા જ કથાકારો તુલસીકૃત રામાયણની કથા કરે છે. તમે વાલ્મીકિ રામાયણનો અભ્યાસ કરો. તુલસીદાસે તે સમયની માગ પ્રમાણે રામાયણ બનાવી હતી, કારણ કે એ સમયમાં હિન્દુ ધર્મમાં બધું વિઘટન હતું. હરિજનોને તેમનાં પગલાં ભુંસાઈ જાય એ માટે પાછળ ઝાંખરુ બાંધીને ચાલવું પડતું હતું. એકબાજુ મુસ્લિમોનું આક્રમણ ચાલતું હતું. એ સમયમાં તુલસીદાસે સમાજને જોડવા માટેના સેતુરૃપ રામને બનાવ્યા હોય એવું લાગે છે. તેમણે રામાયણને બધી કથાઓના સેતુરૃપે બનાવી. દાખલા તરીકે વનવાસી અને નગરવાસીઓ વચ્ચે સંબંધ રહે એ માટે નિશાદની બહુ મજબૂત કથા મૂકી. વાલ્મીકિ રામાયણમાં એ મોટી કથા નથી. શબરી અને રામની કથા પણ જેટલી તુલસી રામાયણમાં છે એટલી મોટી વાલ્મીકિ રામાયણમાં નથી. એવી જ રીતે કે વૈષ્ણવો શિવવું એમ બોલવા તૈયાર નહોતા કેમ કે એમાં શિવ શબ્દ આવી જાય છે. રામેશ્વરની સ્થાપના પાછળ શિવ પાર્વતીનો સંવાદ. રામેશ્વર કેમ? તો રામ કહે છે કે રામના ઈશ્વર છે એટલા માટે. રામશ્ય ઈશ્વર યશ્ય રામેશ્વર. તુલસીદાસે રામ પાસે કહેવડાવ્યંુ કે શિવનો દ્રોહ કરે તે મારો ભક્ત નથી. એ વાલ્મીકિ રામાયણમાં નથી.
અત્યારનો સમય પુરાણોને પકડવાનો છે કે વેદોને? અને અત્યારનો સમય મુસ્લિમ આક્રાંતા કરતાં કેટલો અલગ છે, નથી લાગતું કે ધર્મને વિધર્મીઓથી ખતરો છે એ કરતાં વધુ કહેવાતા ધર્મના આગેવાનોથી છે?
વેદો, શાસ્ત્રોની વાણીને પકડીને ચાલવાનો સમય છે. ભાગવત વિશે એમ કહેવાય છે કે વ્યાસજીએ ૧૭ પુરાણોની રચના પછી વ્યથિત થઈને ગંગા કિનારે જાય છે ત્યારે નારદ મુનિ મળે છે અને નારદ વ્યાસને ઉદાસીનું કારણ પૂછે છે, ત્યારે વ્યાસજી કહે છે કે, મેં આટલા બધા ભગવાનની કથા કહી છે પણ મારા મનમાં શાંતિ નથી. ત્યારે નારદજી કહે છે કે તમે ભગવાનની કથા કરી, હવે ભક્તોનું વર્ણન કરો અને એમ ભાગવતની રચના થઈ. ભક્તિ માટે એ કામ લાગે. આદર્શ પિતા, આદર્શ પુત્રને સમજવા હોય તો વ્યાવહારિક દ્રષ્ટિએ રામાયણ કામ લાગે. ઉપાસના તો એક સર્જનહારની જ કરવી જોઈએ.
બીજા પ્રશ્નના જવાબમાં કહું તો, અત્યારે ધર્મની પરિસ્થિતિ દિવસે-દિવસે બગડી રહી છે. એમાં માધ્યમો પણ જોડાયા છે. આ યંત્ર રાખજો તો આ સિદ્ધિ થશે વગેરે ક્રિયાકાંડમાં. આજે ધાર્મિક આગેવાનો કોમર્શિયલ બની ગયા હોય, માર્કેટની દ્રષ્ટિથી વાત કરતા હોય એવું આપણને જોવા મળે છે. અમુક મહામંડલેશ્વરની બેઠકની આસપાસ કૃત્રિમ રીતે વસ્તુઓને સજાવી દેવામાં આવે છે. આવી સાધુને ક્યાં જરૃર છે?
અત્યારે સાધુ જગતમાં મોટાપાયે પ્રપંચ ચાલે છે તો સંસારી માટે સાધુને ઓળખવાની તમે કઈ રીતો આપો છો?
હું અખિલ ભારતીય સંત સમિતિનો અધ્યક્ષ છું. અમારી મિટિંગમાં મહંતો ફોર્ચ્યુનર, મર્સિડિઝ લઈને આવતા હોય છે અને હું જૂની સાદી ગાડી લઈને જાઉં છું. મારી સાથે રહેનારા પણ મને ગાડી બદલવાનું કહે છે. મારે લોકોને સમજાવવા પડે છે કે ગાડીનો ઉપયોગ મારે ગંતવ્ય સુધી પહોંચવા માટે કરવાનો છે. એમાં દેખાડો શું કામ કરવો. આવશ્યકતા પૂરતું જ વાપરવું એનું નામ ત્યાગ છે. અત્યારે અમને સાધુને જમાડવા લોકો બહુ આગ્રહ કરે છે. એમાં એવી માન્યતા હોય છે કે સાધુ, બ્રાહ્મણોને જમાડવાથી પુણ્ય થાય છે. ૮૦ ટકા સાધુ, બ્રાહ્મણોને ડાયાબિટીસ છે અને તેમને આગ્રહ કરી કરીને મીઠાઈ ખવડાવવામાં આવે છે એનું ક્યાંથી પુણ્ય થવાનું. જે ભુખ્યો છે તેને જમાડશો તો પુણ્ય થશે. ભક્તોએ એ વિચારવું જોઈએ કે જે દાનથી કોઈને સુખ મળતું હોય તેવા દાનનું જ પુણ્ય મળવાનું છે. મંદિરમાં કરોડો રૃપિયા નાખી દો તો એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. સાધુના સાદગીભર્યા જીવનથી જ સંસારીએ એમની ઓળખ કરવી જોઈએ. કુંભ મેળો એટલે કલ્પવાસ. એમાં સાધુઓની અસ્થાયી રાવટી બાંધવામાં કરોડો રૃપિયા વાપરે છે અને લોકો પણ ત્યાં જ આકર્ષાય છે. આશ્રમ એટલે આવો અને શ્રમ કરો, પરંતુ આજે આશ્રમ એટલે પંચતારક હોટલ બનાવી દીધી છે.
આ સ્થિતિ ઊભી થઈ તેના માટે જવાબદાર કોણ, સંન્યાસી કે ગૃહસ્થી?
વધુ પડતા ગૃહસ્થી જવાબદાર છે. ભક્તો ચાર પ્રકારના કહ્યા છે માનિયા, ધાનિયા, તાનિયા, જ્ઞાનિયા. માનિયા એટલે માન ભુખ્યા. સાધુ બોલાવે એટલે ફુલાય કે બધા વચ્ચે મને બોલાવ્યો અને વીઆઈપીમાં જમવા લઈ ગયા. કેટલાક ધાનિયા એટલે કે ખાવાપીવામાં જ રસ હોય. કેટલાક તાનિયા એટલે કે કીર્તન, ગાવા, નાચવામાં જ રસ હોય અને કેટલાક જ્ઞાનિયા એટલે કે જ્ઞાન ભુખ્યા હોય છે. આપણી હિન્દુ સંસ્કૃતિનો મૂળ પાયો જ્ઞાન છે. આટલા ધર્મ ગ્રંથો કોઈ પાસે નથી. આટલું વિશિષ્ટ જ્ઞાન કોઈ પાસે નથી, પરંતુ એ જ્ઞાન તરફ કોઈને રુચિ નથી. એટલે કરુણાસાગર મહારાજે કૈવલ જ્ઞાન સંપ્રદાય શબ્દ વાપર્યો. ઘણી વખત સાધુઓ ભક્તોની ડિમાન્ડને વશ થઈને અમુક દેખાડા કરે છે. ભક્તો ફોર્સ કરે છે અને સાદું જીવન, ઉચ્ચ વિચારને ભૂલી જાય છે. આ દૂષણ ઊભું થયંુ છે. અમને પણ વિદેશથી આવતા ભક્તો અમુક સુવિધાઓ ઊભી કરવાનો એમ કહીને આગ્રહ કરે છે કે આજના સમયની આ માગ છે. હું તેમને કહું છું કે ભક્તો પ્રમાણે આપણે બદલાવું જોઈએ કે આપણા પ્રમાણે ભક્તોને બદલાવવા જોઈએ? લોકો છે એવા આપણે થવું કે આપણે છીએ એવા લોકોને કરવા. ગામ ગુરુ અને સાધુ ચેલો એવો અત્યારનો ઘાટ થયો છે આજે અને એનું આ પરિણામ છે.
ભારત વિશ્વગુરુ બને એવી પરિસ્થિતિને લઈને તમે કેટલા આશાવાદી છો?
ન્યાય સહિત અનભૈ અવિલોક્તિ કયો કહે કપટ કુબેરા… ન્યાયપૂર્વક, નિર્ભય થઈને અવલોકનપૂર્વક બધાને સમજાવો, પણ કપટને લઈને તમે ધર્મપ્રચાર ન કરશો. અમે આશાવાદી છીએ, કારણ કે લોકો બધાથી કંટાળે છે. છેલ્લે અસત્યથી પણ કંટાળશે, દંભથી પણ કંટાળશે અને પછી સત્ય શોધવા નિકળશે. આપણે જોઈએ છીએ કે એક સમયે મોટું ફળ અને વધારે ઉત્પાદન તરફ આપણુ કૃષિ જગત ફંટાયંુ હતું અને આજે કોકડાઈ ગયેલું પણ ઓર્ગેનિકનો પ્રચાર કરી રહ્યા છીએ. આવું ધર્મ ક્ષેત્રે પણ થશે.
તમે વેદો તરફ પાછા વળવાની વાત કરો છો, પરંતુ એમાં એક દલીલ એવી છે કે ભક્તિ વિનાનું કોરું જ્ઞાન શું કામનું?
આ મહત્ત્વનો સવાલ છે. અમારા સાધુએ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૃપણ નામનો એક ગ્રંથ લખ્યો છે. જ્ઞાન, ભક્તિ અને ત્યાગ આ ત્રણનું મિશ્રણ એનું નામ જ ધર્મ છે. જ્ઞાન એટલે સત્ય-અસત્ય પરખ કરવાની શક્તિ, ભક્તિ એટલે સત્યને સ્વીકારવું તે અને અસત્યનો ત્યાગ કરવો તે વૈરાગ છે. ભક્તિના નામે આપણે બહુ લોકોને ઠગવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુરુ શબ્દથી સૌથી વધુ ઠગાયા છે. ગુરુઓને તમારું સર્વસ્વ સોંપી તેને શરણે થઈ જાવ. આવો પ્રચાર કરીને ગુરુઓએ જે લીલાઓ કરી છે તેનાથી આપણે અજાણ નથી. કેટલાક સેવકોએ આમ કરતા પોતાની જાતને ધન્ય માન્યા. એક સમય તો આપણે ત્યાં એવો હતો કે વૈષ્ણવો લગ્ન કરીને પોતાની નવવધૂને મહારાજને સુહાગરાત માટે સોંપી દેતા હતા. હિન્દુ પ્રજાને ધર્મના નામે સૌથી ડરપોક પ્રજા બનાવી દીધી. બિલાડી આડી આવે તોય પાછા વળે. અહીંથી પરદેશ ગયા છે તો તેમને અહીંથી દોરાધાગા ત્યાં લોકોને મોકલે છે. ભક્તિનો મતલબ લગનીપૂર્વક સત્યને વળગી રહેવું. પરોપકાર, સેવા વગેરેને વળગી રહેવું એ પણ ભક્તિમાં આવે. આડંબરવાળી ભક્તિ વધી ગઈ છે.
તમે વેદાંત ઉપર ભાર મુકો છો તો આ સંપ્રદાયના ગ્રંથો કયાં છે?
કરુણાસાગર મહારાજે ૧૫ ધર્મગ્રંથો બનાવ્યા છે. એમાં ઉપદેશની વાતો છે. અમે પાંચમા વેદને માનીએ છીએ. કથાઓ એમ કહે છે કે બ્રહ્માજીના પાંચ મુખ હતા અને પાંચમા મુખનું શિવજીએ છેદન કર્યું. કહેવાય છે કે ચાર મુખેથી ચાર વેદ સાંભળ્યા પછી પાંચમા મુખેથી પાંચમા વેદની વાણી સાંભળીને સનકાદિકોએ બળવો કર્યો અને ભાગી ગયા, વૈરાગ આવી ગયો, બ્રહ્મજ્ઞાન થયું. પછી શિવજીએ પાંચમા મુખને છેદી નાખ્યું. આજે પણ ઉપવિત સંસ્કારમાં બળવો દોડાવવાની આ પ્રક્રિયા છે. એમાં મને જ્ઞાન થઈ ગયું છે અને હું સંન્યાસી બનીશ, સંસારી નહીં બનું એવી એક માન્યતા છે. પછી એને મામા પકડી લાવે છે. એ પાંચમાં વેદને લઈને કોઈ કહે છે કે મહાભારત પાંચમો વેદ છે, કબીર કહે છે કે મારી વાણી પાંચમો વેદ છે, નાનક કહે છે કે મારી વાણી પાંચમો વેદ છે, કરુણાસાગર મહારાજે પંચમવેદ નામે ગ્રંથ લખ્યો છે. તેમાં તેમણે કર્તાએ સૃષ્ટિની રચના કેવી રીતે કરી છે એનું વિશેષ વર્ણન છે અને અહીંથી મુક્ત થઈને આપણે કેવી રીતે કર્તાને મળી શકીએ એનું વર્ણન છે. એ મુખ્ય ગ્રંથ છે. એ સિવાય મહારાજે શ્વાસોશ્વાસ ઉપર લખ્યંુ છે, ઉપદેશ ઉપર લખ્યું છે, ૨૦ જેટલી જુદી જુદી પ્રકૃતિવાળા જીવોનાં લક્ષણોની સમજ આપી છે. આમ મહારાજે પ્રાકૃત ભાષામાં કુલ ૧૦ હજારથી વધુ ચોપાઈઓ લખી છે.
આશ્રમની પ્રવૃત્તિઓ કઈ કઈ છે?
કરુણાસાગર મહારાજે એક ચોપાઈ લખી છે કે ચાર ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દિખાવન દેત, દયા ક્ષમા ઔર દીનતા પરદુખ કુ હર લેત… એને પ્રધાન રાખીને અમે સામાજિક, શૈક્ષણિક અને વૈદિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. વર્ષમાં બે વખત અત્યંત ગરીબ કન્યાઓનાં સમૂહલગ્નનું આયોજન કરીએ છીએ. આદિવાસી વિસ્તારમાં આઝાદી પહેલાંથી અમારી આશ્રમશાળાઓ ચાલે છે, કન્યા છાત્રાલયો ચાલે છે. અહીં હાઈસ્કૂલ છે, આંખની હૉસ્પિટલ ચાલે છે જેમાં વર્ષે ૧૦ હજાર જેટલી આંખની સર્જરીઓ નિઃશુલ્ક કરવામાં આવે છે.
તમારા સાધુ જીવનના ૫૦ વર્ષ અને પૂર્વ જીવનની સફર કેવી રહી?
બાલ્યાવસ્થાથી મારી ધાર્મિક રુચિ રહી છે. અમારા ઘરની બાજુમાં શિવાલય હતું, ત્યાં સાધુઓ આવતા. હું તેમનું અવલોકન કરતો, તેમના સાંનિધ્યમાં રહેતો અને મને થયું કે આ જીવન ઊંચું જીવન છે અને સતત એ દિશામાં મારી મનઃસ્થિતિ બનતી રહી. હું ચોથા ધોરણમાં ભણતો ત્યારે અહીંથી એક સાધુ ઉપદેશ માટે મારા ગામ આવ્યા હતા, મેં તેમને સાંભળ્યા. છેલ્લે એક સંત આવ્યા તેમને મેં મારા મનની સ્થિતિ કહી. તેમણે મને આશ્રમમાં આવવા કહ્યું. હું અહીં આવી ગયો. હું ૧૮મા વર્ષના પ્રવેશ વખતે અહીં આવ્યો. મહારાજશ્રી સાથે મારો પરિચય કરાવ્યો. મહારાજશ્રીએ મને કહ્યંુ કે ભણે તે જ સારો સાધુ થઈ શકે, શિક્ષણ બહુ મહત્ત્વનું છે, તું ભણે તો મને ગમશે. મેં તૈયારી બતાવી. મહારાજશ્રીએ મને વારાણસીમાં સંપૂર્ણાનંદ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણવા મુક્યો. હું ભણ્યો. પ્રથમા, મધ્યમા અને શાસ્ત્રીય અને આચાર્ય જેવી ડિગ્રી સંસ્કૃતમાં આવે છે. હું શાસ્ત્રીય સુધી પણ ન પહોંચી શક્યો અને મહારાજશ્રીને પેરાલિસિસનો એટેક આવ્યો અને મને તેડાવી લીધો. છેલ્લા ત્રણ મહિના હું મહારાજશ્રી સાથે રહ્યો. ૧૯૯૪માં મહારાજશ્રીએ મને જવાબદારી સોંપી. જેનું હું આજે નિર્વહન કરું છું.
ધર્મપ્રચારની કેવી વ્યવસ્થા છે?
ધર્મ પ્રચાર માટે અમે સદાચાર તાલીમ શિબિર, યુવા શિબિર, મહિલા તાલીમ શિબિર… વિવિધ પ્રકારની શિબિરોનું આયોજન કરીએ છીએ. નિશ્રા નામનો પાંચ દિવસનો એક પ્રોગ્રામ ચલાવીએ છીએ જેમાં લોકો અહીં મારી સાથે પાંચ દિવસ રહે છે. અલગ-અલગ સ્થળે સત્સંગ પારાયણના કાર્યક્રમો ગોઠવાય છે. અમારા અલગ-અલગ મંદિરને સંભાળતા અમારા ૪૦ જેટલા સંતો પણ આવા કાર્યક્રમો કરે છે. અમે નરવેદ અને અચરત દીક્ષા નામના બે વિભાગો ગૃહસ્થ પ્રચારકો માટે શરૃ કર્યા છે. તેઓ અઠવાડિયામાં એક દિવસ ઘરનું કામ છોડીને આ કામમાં જોડાય છે. એવા અમારી પાસે બહેનો-ભાઈઓ નામે ૧૮૦૦ લોકો છે. અમારા સંપ્રદાયમાં નરવેદ સાગર નામના સંત થઈ ગયા એમના નામે આ દીક્ષા અપાય છે. અચરત દીક્ષા બહેનો માટે છે. અચરતબા પાઠક નામના અમારા મહિલા સંતના નામે આ દીક્ષા અપાય છે. ગુજરાતમાં વિશેષ આણંદ ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૃચ, સુરત, મહેસાણા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં અમારા આશ્રમો અને સંતો છે. દાહોદથી લઈને વલસાડ સુધીના આદિવાસી વિસ્તારમાં અમારા ઓછાવત્તા અનુયાયીઓ છે. આદિવાસી વિસ્તારમાં જવું ખતરનાક હતું તેવા આઝાદી પહેલાના કાળમાં અમારા સંતો આ લોકો સુધી પહોંચ્યા હતા.
તમારો રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાવા પાછળનો તર્ક શું હતો?
અમારા ગુરુજી એમ કહેતા કે, જેમના જીવનમાં શાંતિ એ જ સુખી જીવનનો અધિકારી બને. શાંતિ એટલે વ્યક્તિ જે રાષ્ટ્રમાં રહેતો હોય તે રાષ્ટ્રમાં શાંતિ હોય, તે જે વ્યવસાય કરતો હોય તેમાં ધન વગેરે સારું મળતું હોય અને સારું આરોગ્ય હોય તે ત્રણેય ઉપક્રમને અમે એકસાથે ચલાવીએ છીએ. એટલે રાષ્ટ્રની વાત આવે, રામજન્મભૂમિની વાત આવે તો તેની સાથે હું અતિ સક્રિય રીતે જોડાયેલો છું.
———————————–