અલંગને ઓક્સિજન મળ્યો…

નેવલ શિપ, વૉર શિપ અલંગમાં આવશે
  • ઉદ્યોગ – દેવેન્દ્ર જાની

દુનિયાભરમાં શિપ બ્રેકિંગ માટે અલંગનંુ નામ જાણીતું છે. ભારતમાં દર વર્ષે આશરે ૩૦૦ જેટલાં જહાજ ભાંગવા માટે આવે છે. તેના આશરે ૯૮ ટકાથી વધુ જહાજ એકલા અલંગમાં આવે છે. ગુજરાત અલંગ માટે ગૌરવ લે છે. ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન આ અલંગ શિપ બ્રેકિંગનો ઉદ્યોગ છેલ્લા કેટલાક મહિનાથી મંદીના માહોલ સામે ઝઝૂમી રહ્યો છે. આ વર્ષે તો સામાન્ય કરતાં પ૦ ટકા જેટલાં ઓછાં જહાજો ભાંગવા માટે આવ્યાં છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે ડિસેમ્બર ર૦૧૯માં શિપ રિસાઇક્લિંગ બિલ – ર૦૧૯ સંસદમાં પાસ કરી દેતાં આર્થિક રીતે ભાંગતા જતાં અલંગના ઉદ્યોગને ઓક્સિજન મળી ગયો છે. ઉદ્યોગપતિઓએ રાહત અનુભવી છે. મંદીમાં વતન જતા રહેલા મજૂરો પરત ફરી રહ્યા છે. આમ અલંગના શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં તો અચ્છે દિન લૌટ આયે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

એક આધુનિક જહાજનું આયુષ્ય રપથી ૩૦ વર્ષ હોય છે. આ જહાજ હજારો કિલોમીટરની દરિયાઈ સફરમાં મહાશક્તિશાળી મોજાંઓનો સામનો કરીને અંતે જ્યારે અંતિમ મુકામે પહોંચે છે ત્યાર પછી પણ તે એક નવા સ્વરૃપમાં હજારો – લાખો લોકોને રોજગારી આપે છે. એક જહાજનું સ્વરૃપ સમાપ્ત થયા બાદ નવજીવન મળે છે તેને રિસાઇક્લિંગ કહેવામાં આવે છે. શિપ રિસાઇક્લિંગનો ઉદ્યોગ ભારતમાં જે સૌથી મોટો અલંગમાં છે. ભાવનગરથી આશરે પ૦ કિ.મી. દૂર સોસિયા ગામ પાસે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ધમધમી રહ્યું છે. આ યાર્ડ ૧૯૮૩માં સ્થપાયા બાદ અહીંના શિપ બ્રેકિંગ ઉદ્યોગે અનેક વખત તેજી અને મંદીના દોરનો સામનો કર્યો છે. વર્તમાનમાં કારમી મંદીનો સામનો કરી રહેલા આ ઉદ્યોગને કેન્દ્રએ જાણે જીવતદાન આપ્યંુ છે. શિપ રિસાઇક્લિંગ બિલ સંસદમાં પાસ થવાથી અલંગના ઉદ્યોગપતિઓમાં જાણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠપ થઈને પડેલા અથવા તો ક્ષમતા કરતાં પ૦ ટકાએ કામ કરતા યુનિટોમાં ફરી ધમધમાટ શરૃ થયો છે. હજારો – લાખો કારીગરો માટે બેરોજગારીની સમસ્યા હલ થશે તેવો આશાવાદ જન્મ્યો છે.

વિશ્વમાં નાના – મોટા પ૩૦૦૦ જેટલાં શિપ છે તેમાંથી દર વર્ષે આશરે ૧૦૦૦ શિપ ભાંગવા માટે દુનિયાના જુદા જુદા જહાજવાડામાં જતાં હોય છે. ભારતમાં દર વર્ષે આશરે ૩૦૦ જહાજો ભાંગવા માટે આવે અને મહત્ત્વની વાત એ છે કે તેમાંથી ર૭પ કરતાં વધુ જહાજો એકમાત્ર અલંગમાં આવે છે. એનો અર્થ એ છે કે દેશનો ૯૦ ટકા કરતાં વધુ શિપ બ્રેકિંગ ઉદ્યોગ એકલા અલંગમાં છે.

દુનિયાભરમાંથી શિપને ભાંગવા માટે અલંગના દરિયા કિનારે લાવવું ભૌગોલિક રીતે પણ અનુકૂળ હોવાથી સૌથી વધુ જહાજ અલંગ યાર્ડમાં આવે છે. ભરતી ઓટમાં કિનારા પર કુદરતી સાનુકૂળતા શિપને લાંગરવાની રહેતી હોવાથી અલંગની પસંદગી વધારે થતી હોય છે. ભારતમાં અલંગ સિવાય કેરળ, બંગાળ અને મહારાષ્ટ્રમાં બ્રેકિંગ યાર્ડ છે, પણ ખૂબ નાના પાયે ત્યાં કામ થઈ રહ્યંુ છે. દેશના ટોટલ શિપ બ્રેકિંગના માત્ર દસ ટકામાં બાકીના યાર્ડનો સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી મોટા જહાજવાડા તરીકે અલંગની ઓળખ તો આજે પણ જળવાઈ જ રહી છે, પણ આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ અને હોંગકોંગ કન્વેશનના કેટલાક આકરા માપદંડને કારણે પર્યાવરણના અને કામદારોની સુરક્ષાના કેટલાક સવાલો ઊભા થતા રહેતા હતા. ઉદ્યોગકારો કહી રહ્યા છે, આ અવરોધને કારણે ખાસ કરીને યુરોપિયન યુનિયનના દેશો અલંગમાં શિપ બ્રેકિંગ માટે મોકલતા ન હતા, પણ હવે સ્થિતિ સુધરી રહી છે.

નેવલ શિપ, વૉર શિપ અલંગમાં આવશે
શિપ રિસાઇક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ઇન્ડિયા)ના સેક્રેટરી હરેશભાઈ પરમાર ‘અભિયાન’ને કહે છે, ‘દુનિયાના શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ હોંગકોંગ કન્વેન્શનમાં માપદંડોનંુ મહત્ત્વ વધારે છે. આ માપદંડો મુજબ જે યાર્ડમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ હોય ત્યાં સૌથી વધુ જહાજો ભાંગવા માટે આવે છે. ખાસ કરીને નેવલ શિવ, વૉર શિપ અલંગમાં બ્રેકિંગ માટે આવતા ન હતા. મોટા ભાગે પેસેન્જર શિપ જ આવતા હતા, પણ ભારત સરકારે અને ખાસ કરીને કેન્દ્રીય કક્ષાના શિપિંગ વિભાગના રાજ્યપ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ખાસ રસ લઈને અલંગ માટે જે ટૅક્નિકલ અવરોધો હતા તે દૂર કરવા માટે સંસદમાં શિપ રિસાઇક્લિંગ બિલ પાસ કર્યું, તેના કારણે અલંગના ઉદ્યોગને ખૂબ ઉત્તેજન મળશે. યુરોપિયન યુનિયન અને જાપાન સહિતના દેશોમાંથી શિપ હવે અલંગમાં ભાંગવા માટે આવશે. તેનો લાભ ઉદ્યોગને મળશે. અલંગનો ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રના આ બિલથી તેજીનો નવો સંચાર થશે તે નક્કી છે.’

આ વાત સાથે સંમત થતાં એસોસિયેશનના ઉપપ્રમુખ રમેશભાઈ મેંદપરા કહે છે, ‘અલંગને હવે આંતરરાષ્ટ્રીય સ્તરની હરીફાઈમાં ઊભા રહેવા માટેના જે અવરોધો હતા તે દૂર થયા છે. હાલ ૧૩૦ જેટલા પ્લોટમાંથી ૯૦ જેટલા પ્લોટ તો હોંગકોંગ કન્વેન્શન અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબના તૈયાર કરી જ દેવામાં આવ્યા છે. હવે બાકીના પ્લોટમાં આ કામ આગળ વધશે અને સરકારી સ્તર મુજબ પણ આ સ્ટાન્ડર્ડ મુજબનું કામ ઝડપથી કરવામાં આવશે. તે આગામી દિવસો માટે અલંગના ઉદ્યોગને વિકાસની એક નવી ઊંચાઈએ લઈ જશે. અત્યાર સુધી કેટલાક કેમિકલ હેઝાર્ડ હોય તેવા શિપ ભાંગવા માટે લાવવામાં કેટલાક અવરોધો ઊભા થતા હતા, પણ હવે તે દૂર થશે.’

પરપ્રાંતના મજૂરો પરત અલંગ ભણી
 અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયાનો સૌથી મોટો જહાજવાડો છે. દુનિયાભરમાંથી શિપ અહીં આવે છે. અલંગ યાર્ડમાં આગામી દિવસોમાં તેજી દેખાતાં વતનમાં જતાં રહેલા મજૂરો પરત ફરી રહ્યા હોવાનંુ ઉદ્યોગકારો કહી રહ્યા છે. અલંગમાં આશરે ૧પ હજાર મજૂરો સીધી રોજગારી મેળવી રહ્યા છે, જ્યારે પરોક્ષ રીતે આશરે દોઢ લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ યુપી, બિહાર જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મજૂરો પરત અલંગ આવી રહ્યા છે. અલંગમાં ફરી એકવાર ધમધમાટ દેખાઈ રહ્યો છે. અલંગના ઉદ્યોગકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલંગના ઉદ્યોગ સાથે જોડાયેલા સુનિલ નારાયણ કહે છે, ‘કેન્દ્રના શિપ રિસાઇક્લિંગ બિલના કારણે શિપ બ્રેકિંગ ઉદ્યોગને તો ઉત્તેજન મળશે, સાથે આનુષંગિક ઉદ્યોગોમાં પણ તેજી આવશે. અલંગમાં  શિપના સ્ક્રેપની સાથે જે સ્ટીલ મળે છે તેના કારણે રોલિંગ મિલનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગને પણ નવું બળ મળશે. અલંગની સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટ, ફેબ્રિકેશન સહિતના કામો કરતા એકમોને લાભ મળશે.

ટૂંકમાં કહીએ તો અલંગના ઉદ્યોગ પરથી મંદીનાં વાદળો હટી રહ્યાં હોવાનો માહોલ ઊભો થતા ભાવનગર જિલ્લાની ઇકોનોમી મજબૂત બનશે. આશરે ૧૦ હજાર કરોડનંુ ટર્નઓવર ધરાવતો અલંગનો આ ઉદ્યોગ છે. કેટલાંક વૈશ્વિક કારણોસર મંદીમાં સપડાયો હતો. અલંગના ઉદ્યોગકારોને મંદીના માર વચ્ચે પોતાનું યુનિટ કેમ ચલાવવું તે મોટો પડકાર હતો, પણ રાજ્ય અને કેન્દ્રના પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી જેવા કારણોસર અલંગમાં તેજીનો દોર ફરી એક વાર આવ્યો છે. ગુજરાત સરકારે અલંગ ઉદ્યોગ માટે ખાસ નીતિ જાહેર કરી તેની અસરો પણ દેખાઈ રહી છે. ભારતમાં જટિલ સરકારી પ્રક્રિયા અને આકરા ટેક્સ ભારણથી ઉદ્યોગકારોને બેવડો ફટકો પડતો હતો, એ માળખામાં સરળીકરણ લાવવામાં આવી રહ્યું છે. અલંગ શિપ બે્રકિંગ યાર્ડ સરકાર માટે પણ કમાઉ દીકરા સમાન છે. કસ્ટમ ડ્યુટીની હજારો રકમની કમાણી અલંગમાંથી કેન્દ્ર સરકારને મળી રહી છે.

પર્યાવરણના કડક કાયદા
ભારતમાં શિપ બ્રેકિંગ યાર્ડ માટેના અને પર્યાવરણના નિયમો વધુ કડક છે અને શિપ બ્રોકરોએ પણ જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. શિપ બ્રોકરોને ઑટોનોમિક રેડિયેશન ફ્રી સર્ટિફિકેટ, લેબર ઇન્સ્યોરન્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ, ગેસ ફ્રી ફોર મેન એન્ટ્રી સર્ટિફિકેટ, બીચ પરમિશન, વેસ્ટ ડિસ્પોઝલ યોગ્ય રીતે કરવા સહિતના અનેક પ્રકારની મંજૂરી લેવી પડે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકની અનેક એજન્સીઓની કામગીરીમાંથી પસાર થવું પડે છે તેમાં મુખ્ય જોઈએ તો કસ્ટમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપ્લોઝિવ, સ્ટેટ લેબર ડિપાર્ટમેન્ટ, ઓટોમિક એનર્જી એન્ડ રેડિયેશન બોર્ડ, ગુજરાત મેેરીટાઇમ બોર્ડ વગેરે વિભાગો અને કેટલીક કમિટીઓની કામગીરીનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો અલંગના શિપ બ્રોકરોને સરકારના કડક નિયમોનો અમલ કરવો પડે છે, જ્યારે તેના હરીફો પડોશી રાષ્ટ્રો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શિપ બ્રોકરોને આવા કડક નિયમોનો સામનો કરવો પડતો નથી. ત્યાં કાયદાઓની પ્રક્રિયા સરળ છે. સરકારે અલંગના ઉદ્યોગને આગળ વધારવા આ પ્રક્રિયા હજુ સરળ બનાવવી જોઈએ તેવી માગણીઓ ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.

——-.

અલંગમાં કયા વર્ષમાં કેટલાં શિપ આવ્યાં?
અલંગમાં શિપ બ્રેકિંગ યાર્ડની સ્થાપના ૧૯૮રમાં થયા બાદ અત્યાર સુધીમાં ૮ હજાર જેટલાં શિપ ભાંગવા માટે આવી ચૂક્યા છે. આ ઉદ્યોગ વીસ હજાર જેટલા કારીગરોને સીધી અને દોઢેક લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી આપી રહ્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ હાલ આ યાર્ડનું સંચાલન સંભાળે છે. કયા વર્ષે કેટલાં શિપ અલંગમાં આવ્યાં તેના આંકડા પર એક નજર કરીએ.

વર્ષ    શિપની સંખ્યા

૧૯૮રથી ર૦૧૧ પપ૦૯

ર૦૧૧-૧ર       ૪૧પ

ર૦૧ર-૧૩       ૩૯૪

ર૦૧૩-૧૪       ર૯૮

ર૦૧૪-૧પ      ર૭પ

ર૦૧પ-૧૬      ર૪૯

ર૦૧૬-૧૭      રપ૯

ર૦૧૭-૧૮      રપ૩

ર૦૧૮-૧૯       ર૧૯

ર૦૧૯  ૧૮૦ (અંદાજિત)

——-.

ઉદ્યોગ પાકિસ્તાન-બાંગ્લાદેશ જતા અટકશે
કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શિપિંગ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા મનસુખભાઈ માંડવિયાએ અલંગના શિપ બ્રેકિંગ માટે અતિ મહત્ત્વનું એવું બિલ સંસદમાં લાવીને આ ઉદ્યોગને મોટું બળ આપવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પોતે ભાવનગર જિલ્લામાંથી આવતા હોવાથી અલંગના ઉદ્યોગના પ્રશ્નોને સારી રીતે સમજતા હોવાનો પણ આ પ્રક્રિયામાં લાભ મળ્યો છે. મનસુખભાઈ ‘અભિયાન’ સાથેની ખાસ વાતચીતમાં કહે છે, મુખ્ય બે ઉદ્દેશ્ય સાથે સંસદમાં શિપ રિસાઇક્લિંગ બિલ – ર૯૧૯ પેશ કરવામાં આવ્યું હતું. તે પસાર થયું તેનો ખૂબ આનંદ છે. ભારતનો ૯પ ટકા કરતાં વધુ શિપ બ્રેકિંગ ઉદ્યોગ અલંગમાં છે. મુખ્ય બે ઉદ્દેશ્ય સાથે આ બિલ લાવવામાં આવ્યું હતું. પર્યાવરણના પ્રશ્નો અને હેઝાર્ડ વેસ્ટના રિસાઇક્લિંગ માટેના કેટલાક અવરોધો આ ઉદ્યોગને નડી રહ્યા હતા. અવારનવાર પીઆઇએલ થતી હતી. કોર્ટ કેસ વધતા રહેતા હતા. તેની અસર આ ઉદ્યોગ પર પડતી હતી. વિશ્વમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન છે જે એક મોનિટરિંગ સંસ્થા છે. દુનિયાભરમાં દરિયાકાંઠે વસેલા રાષ્ટ્રો તેના સભ્ય હોય છે. આ સંસ્થાએ કેટલાક માપદંડો નક્કી કર્યા છે, તે મુજબ સભ્ય દેશોમાં શિપ બ્રેકિંગ માટેનું કામ થવું જોઈએ. વર્ષ ર૦૦૯માં હોંગકોંગમાં કન્વેન્શન થયું જેમાં એક ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો. દુનિયાના યુરોપ, અમેરિકા જેવા દેશોનાં શિપ તો જ ભાંગવા માટે જાય છે જ્યાં આ માપદંડ મુજબની સુવિધાઓ અને સિસ્ટમ કાનૂની રીતે હોય.

નોર્વેની એક ટીમ થોડા સમય પહેલાં ભારત આવી હતી અને તેમણે સરકારને કહ્યું હતું કે, જો ભારત આવો કાયદો લાવે તો નોર્વે દર વર્ષે ૪૦ જેટલી શિપ ભાંગવા માટે મોકલશે. જાપાનનું પણ આવું જ વલણ હતું. અલંગમાં ૧૩૦ જેટલા પ્લોટ છે. તેમાંથી ૯૦ જેટલા પ્લોટ હોંગકોંગ કન્વેન્શનના ધારાધોરણ મુજબના બની ગયા છે, પણ તેને કાયદાકીય રીતે માન્યતા આપી શકાઈ નથી. લાંબા વિચાર બાદ અંતે કેન્દ્ર સરકારે શિપ રિસાઇક્લિંગ બિલ – ર૦૧૯ દ્વારા આ ફેરફારને એક સંવૈધાનિક સ્વરૃપ આપ્યું છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો લાભ મળી શકે. આ બિલ બાદ હવે કાયદો બનશે. તેનો લાભ એ થશે કે યુરોપીય યુનિયન, જાપાન સહિતના દેશોના શિપ ડાયરેક્ટ અલંગ આવી શકશે. અલંગનો બિઝનેસ પાકિસ્તાન અને બાંગ્લાદેશના હાથમાં ન જતો રહે તે માટે કેન્દ્રએ આ પગલંુ ભર્યું છે. બાંગ્લાદેશની સરકારે આ પ્રકારનું બિલ પાસ કર્યું છે, પણ ત્યાં અલંગ જેવી કુદરતી સાનુકૂળતા અને સુવિધાઓ વિકસેલી નથી. અલંગની હરીફાઈમાં બાંગ્લાદેશ ક્યાંક પાછળ છે. ભારતમાં આ બિલ કાયદો બન્યા બાદ આગામી બે વર્ષમાં અલંગની સિકલ બદલાઈ જશે. દેશમાં વપરાતા સ્ટીલના ૧૦ ટકા હિસ્સો રિસાઇક્લિંગ સ્ટીલનો છે જે અલંગમાંથી મળે છે. આમ શિપ બ્રેકિંગ સિવાયના ઉદ્યોગોને પણ આગામી દિવસોમાં બળ મળશે.

———————————

અલંગ શીપયાર્ડદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment