- પહેલ – હેતલ રાવ
સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર આવેલા પ્રતિબંધ અને પર્યાવરણને સાચવવાની લોકોમાં આવેલી જાગૃતિના કારણે આગામી સમયમાં યોજાનારાં લગ્નો ઇકો-ફ્રેન્ડલી એટલે કે પ્લાસ્ટિક મુક્ત જોવા મળશે. નિશા પોતાના પિતા સાથે વાત કરી રહી હતી કે, મેં અને નિયમે એક નિર્ણય કર્યો છે કે અમારાં લગ્નના દરેક ફંક્શનમાં કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ના થાય. એટલે કે લગ્નના ડેકોરેશનથી લઈને જમણવાર કે પછી પાણીની બોટલો સુધીની દરેક વસ્તુ પ્લાસ્ટિક મુક્ત, ઇકો-ફ્રેન્ડલી હોય. નિશાના પિતા દીકરીની આ વાત સાંભળી અવાક થઈ ગયા. તેમને લાગ્યું કે લગ્નના આટલા ભવ્ય સમારંભમાં દરેક વસ્તુ પ્લાસ્ટિક મુક્ત બનાવી કેવી રીતે સંભવ બને અને દેશ-વિદેશથી આવનારા મહેમાનોને સ્ટીલનાં વાસણોમાં જમવાનું પીરસીશંુ? પહેલાંના સમયની વાત જુદી હતી, પણ આજના આધુનિક યુગમાં આ બધું શક્ય કેવી રીતે બનશે? પણ નિશા અને તેના ફીયાન્સ નિયમે જ્યારે બંને પરિવારને સાથે બેસાડીને વૅડિંગ પ્લાનર સાથે થયેલી વાત, ડેકોરેશન, જમણવાર દરેક ફંક્શનની જાણકારી આપી ત્યારે બધાને લાગ્યંુ કે હા, ખરેખર પ્લાસ્ટિક મુક્ત લગ્ન શક્ય છે. એટલંુ જ નહીં, હકીકતમાં તો પ્લાસ્ટિકનાં અનેક ઓપ્શન છે.
ધનિક વર્ગનાં લગ્ન સમારંભ પણ તેમની પ્રતિષ્ઠા પ્રમાણે ધામધૂમથી થતાં હોય છે. આવા લગ્નમાં ધૂમ પૈસા ખર્ચી જુદી-જુદી થીમ પર દરેક વિધિ કરવામાં આવે છે. જેના ડેકોરેશનથી લઈને નાનામાં નાની તમામ વસ્તુમાં પૈસા પાણીની જેમ વપરાય છે, પરંતુ આ બધામાં સૌથી વધુ જો કોઈ વસ્તુનો ઉપયોગ થતો હોય તો તે પ્લાસ્ટિક છે, પણ હવે તે નાબૂદ થાય તેવી તૈયારીઓ પર્યાવરણ પ્રેમી કરી રહ્યા છે.
આ વિશે વાત કરતાં શહેરના વૅડિંગ પ્લાનર કલ્પિત જાની કહે છે, ‘લગ્નગાળો શરૃ થઈ ગયો છે, પરંતુ તેના બુકિંગ તો મહિનાઓ પહેલાં જ થઈ જતાં હોય છે. મુંબઈ, દિલ્હી, ઉદેપુર, જયપુર જેવા શહેરોની જેમ જ હવે ગુજરાતમાં પણ લોકો ઇકો-ફ્રેન્ડલી લગ્ન માટે આગળ આવી રહ્યાં છે. જમવાની ડિશો જ નહીં, પરંતુ પ્લાસ્ટિકની બોટલ, ડેકોરેશનમાં ઉપયોગ થતી પ્લાસ્ટિકની વસ્તુઓ અને અન્ય જગ્યાએ પણ પ્લાસ્ટિકની વસ્તુઓના રિપ્લેસમેન્ટની ડિમાન્ડ લોકો કરે છે.’
અમદાવાદમાં રહેતી અને દેશ-વિદેશમાં વૅડિંગ પ્લાન કરતી પ્રથા પરીખ કહે છે, ‘પર્યાવરણ પ્રત્યેના આવા આગ્રહના કારણે ફરી એકવાર સ્ટીલના ગ્લાસ, ડિશો અને તમામ વાસણ સેટનો દોર શરૃ થવા જઈ રહ્યો છે. જે રીતે લોકો ઇકો-ફ્રેન્ડલી, પ્લાસ્ટિક મુક્ત લગ્ન સમારંભની ડિમાન્ડ કરી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે જમણવારમાં પંગતની શરૃઆત પણ જલ્દી થશે.’ ઇકો-ફ્રેન્ડલી લગ્નો માટે પ્લાસ્ટિકના સામે કેવાં ઓપ્શન છે તે વિશે વાત કરતા પ્રથા કહે છે, ‘લગ્ન સમારોહને ઇકો-ફ્રેન્ડલી પ્લાસ્ટિક-ફ્રી બનાવવા માટે પાંચ પતરાળાંઓને કોમ્પ્રેસ્ડ કરીને એક ડિશ બનાવવામાં આવે છે. આ ડિશ મજબૂત અને વજનમાં હળવી હોય છે. સામાન્ય પતરાળાં કરતાં તેનો ખર્ચ પાંચ ગણો વધી જાય છે, પરંતુ લાખો, કરોડાના ખર્ચે લગ્ન થતાં હોય ત્યાં આવા ખર્ચા સામાન્ય હોય છે. થર્મોકોલ અને મેલેમાઇનની ડિશોનો ઉપયોગ પણ બંધ થશે. વુડન અને કોમ્પ્રેસ્ડ પાંદડાંઓની જ નહીં, પણ ખાઈ શકાય તેવા મટીરિયલમાંથી બનતી ચમચીઓનો વપરાશ પણ કરવામાં આવશે.’
ડેકેરેશન વિશે વાત કરતાં અનિરુદ્ધ મણિયાર કહે છે, ‘લગ્નની સજાવટમાં પ્લાસ્ટિકના ફ્લાવર્સથી લઈને દરેક વસ્તુનો ઉપયોગ થાય છે, પરંતુ હવે તેની જગ્યાએ વધુમાં વધુ ઇકો-ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરવા માટેનો આગ્રહ લોકો કરી રહ્યા છે.’
મીત પટેલ કહે છે, ‘મારાં લગ્ન આગામી મહિનામાં છે અમે થીમ મેરેજ કરવાના છીએ, પરંતુ વૅડિંગ પ્લાનર્સ સાથે પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકનો યુઝ ના કરે. જેના કારણે લગ્ન ખર્ચમાં થોડો વધારો પણ થશે, પરંતુ પર્યાવરણ માટે એટલું તો કરી જ શકાય.’
સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો તેને લોકો સ્વેચ્છાએ જ અપનાવી રહ્યા છે. કદાચ આ જ કારણોસર યુવાનો અને તેમના પરિવારજનો પણ જાહોજલાલી ભરેલા લગ્નોમાં પ્લાસ્ટિકના વપરાશ પર રોક લગાવી રહ્યા છે.
વનસ્પતિની કંકોતરીઓ
દાયકાઓ પહેલાં સાદી સિમ્પલ અને અમુક ચોક્કસ રંગની કંકોતરીઓનું ચલણ હતું, પરંતુ હવે સામાન્ય કંકોતરીઓનું સ્થાન વિશેષ બની ગયંુ છે. પ્લાસ્ટિક પ્રતિબંધ લગ્નોની સાથે વિવિધ વનસ્પતિઓનાં બીજમાંથી તૈયાર થતી કંકોતરીઓ પણ લોકો માટે પ્રથમ પસંદ બની રહી છે. કહેવાય છે કે આવી કંકોતરીઓ લગ્ન પૂર્ણ થયા પછી જો જમીન પર તેનું રોપણ કરવામાં આવે તો તેની પર છોડ પણ ઊગી શકે છે. પર્યાવરણની જાળવણી માટે આવી કંકોતરી ઉપયોગી બનશે.
———————————————