ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો કેવા? ઉત્તરો કેવા?

બિઝનેસ વિઝા જે નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના છે એની સંજ્ઞા 'બી-૧' છે.
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

શબ્દકોશમાં ઇન્ટરવ્યૂનો અર્થ મેળાપ‘, ‘મુલાકાત‘, ‘સંવાદઆવો આવો જણાવવામાં આવ્યો છે. અમેરિકાના કોઈ પણ પ્રકારના ઇમિગ્રન્ટ યા નોન-ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરતાં જે ઇન્ટરવ્યૂ આપવાનો રહે છે એનો અર્થ ભલભલા ભણેલા-ગણેલા પણ ભય‘, ‘બીક‘, ‘ગભરામણ‘, ‘અકળામણએવો જ કરતા હોય છે. ઇન્ટરવ્યૂ આપવો ન પડે એ કારણસર અનેકો, જેઓ વિઝા મેળવીને એક વાર અમેરિકામાં પ્રવેશ્યા હોય તેઓ ત્યાં જ સ્ટેટસ ચેન્જયા એડ્જસ્ટની અરજી કરતા હોય છે, કારણ કે મોટા ભાગની આવી અરજીઓ ઉપર ઇન્ટરવ્યૂ લીધા સિવાય જ નિર્ણય અપાતો હોય છે.

શરૃઆત કરશું જે પ્રકારના વિઝા માટે સૌથી વધારે અરજી થાય છે એ નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના બી-૧/બી-૨ વિઝાના ઇન્ટરવ્યૂના પ્રશ્ન-ઉત્તરથી.

બિઝનેસ વિઝા જે નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના છે એની સંજ્ઞા ‘બી-૧’ છે. વિઝિટર્સ વિઝા પણ નોન-ઇમિગ્રન્ટ શ્રેણી છે એની સંજ્ઞા બી-૨ છે. આ બંને પ્રકારના વિઝા હેઠળ જે કાર્યો કરવાની અમેરિકામાં છૂટ હોય છે એ લગભગ સરખા હોવાને કારણે કોઈ પણ એક પ્રકારના વિઝાની અરજી કરતાં બંને વિઝા સાથે આપવામાં આવે છે. અમેરિકામાં જ્યારે તમે પ્રવેશો છો ત્યારે તમે બિઝનેસમેન તરીકે ત્યાં આવ્યા છો? કે એક વિઝિટર તરીકે? એ જાણીને ઇમિગ્રેશન ઓફિસર તમને અમેરિકામાં બિઝનેસ સ્ટેટસ યા વિઝિટર્સ સ્ટેટસ ઉપર પ્રવેશ આપે છે એવું તમારા પાસપોર્ટમાં લખીને જણાવે છે. એટલે તમે જો એક બિઝનેસમેન તરીકે અમેરિકામાં જવાની ઇચ્છા ધરાવતા હો તો તમારું અમેરિકાનું સ્ટેટસ બિઝનેસમેનનું હોય છે. તમે એક બિઝનેસમેનને લગતાં કાર્યો અમેરિકામાં કરી શકો છો. જો તમે વિઝિટર્સ તરીકે અમેરિકામાં પ્રવેશવા ઇચ્છતા હો તો તમારું અમેરિકાનું સ્ટેટસ વિઝિટર્સનું હોય છે અને તમે એક વિઝિટર જે જે કાર્યો અમેરિકામાં કરી શકે એ ત્યાં કરી શકો છો.

બી-૧/બી-૨ વિઝા બંને નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના છે એટલે કે એ વિઝાધારક અમેરિકામાં ઇમિગ્રન્ટ તરીકે પ્રવેશવાની ઇચ્છા નથી ધરાવતો. એ ત્યાં કાયમ રહેવા નથી ઇચ્છતો.

બી-૧ વિઝાના ઇચ્છુક બિઝનેસમેનો જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાય છે ત્યારે અમેરિકાના ‘ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ની કલમ ૨૧૪ (બી) હેઠળ કોન્સ્યુલર ઓફિસરોએ એવું ધારી લેવું પડે કે અરજદાર એક બિઝનેસમેન તરીકે ટૂંક સમય માટે અમેરિકામાં પ્રવેશવા નથી ઇચ્છતો. એનો ઇરાદો નોન-ઇમિગ્રન્ટ એટલે કે અમેરિકામાં કાયમી ન રહેવાનો નથી. એ અમેરિકામાં કાયમ રહેવા ઇચ્છે છે. આથી બી-૧ વિઝાના અરજદારોએ ઓફિસરને ખાતરી કરાવવી આપવી પડે છે કે એ ખરા અર્થમાં એક બિઝનેસમેન છે. એ અમેરિકામાં ફક્ત બિઝનેસના કામ માટે જ ટૂંક સમય માટે પ્રવેશવા ઇચ્છે છે. એનો અમેરિકામાં કાયમ રહેવાનો ઇરાદો નથી. એની પાસે અમેરિકા જવા-આવવાના, ત્યાં રહેવા-ખાવાના અને પરચૂરણ ખર્ચાની પૂરતી જોગવાઈ છે અને સ્વદેશમાં એના કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ એને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ પૂરો થતાં એને સ્વદેશ પાછો ખેંચી લાવશે.

કોન્સ્યુલર ઓફિસરો બી-૧ વિઝાના અરજદારોને ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્નો પૂછે એ ઉપલી બાબતોની ખાતરી કરવા માટે એને લગતા પ્રશ્નો પૂછે છે.

બી-૧ વિઝાના અરજદારોને સામાન્ય રીતે નીચેના અથવા એના જેવા જ પ્રશ્નોમાંના થોડાક પ્રશ્નો પૂછવામાં આવે છે.

*           તમે અમેરિકા શા માટે જવા ઇચ્છો છો? કેટલા દિવસ અને ક્યાં અમેરિકામાં રહેશો? કેટલો ખર્ચો આવશે? એ કોણ આપશે? કોને મળવાના છો?

*           તમે જે કાર્ય માટે અમેરિકા જવા ઇચ્છો છો એ ફોન ઉપર વીડિયો કૉલિંગ કરતાં ઈ-મેઇલ મોકલી કે પત્રવ્યવહાર દ્વારા કરી ન શકો?

*           તમારી સાથે બીજી કોઈ વ્યક્તિ અમેરિકા જનાર છે? જો જવાબ હા હોય તો એ વ્યક્તિ કોણ છે? તમારી સાથે એને અમેરિકા જવાની શું જરૃર છે?

*           આ પહેલાં તમે ભારતની બહાર બિઝનેસાર્થે કશે પણ ગયા છો? ફરવા માટે કશે ગયા છો?

*           જે કંપનીના બિઝનેસ માટે તમે અમેરિકા જવા ઇચ્છો છો એ કંપનીમાં તમે કયો હોદ્દો ભોગવો છો? કેટલા સમયથી કામ કરો છો? તમારો પગાર શું છે? તમારી આવક શું છે? તમને જ શા માટે અમેરિકા મોકલવામાં આવે છે?

*           અમેરિકામાં તમારું કોઈ સગું-વહાલું યા ઓળખીતી વ્યક્તિ રહે છે? જવાબ જો હામાં હોય તો એ વ્યક્તિ કોણ છે? તેઓ અમેરિકામાં કયા સ્ટેટસ ઉપર છે? (એટલે કે શું તેઓ અમેરિકન સિટીઝન છે? ગ્રીનકાર્ડ ધારક છે? કે અન્ય કોઈ વિઝા ઉપર અમેરિકામાં છે?)

*           તમે ભારત પાછા આવશો એની ખાતરી શું?

*           તમે આ પહેલાં અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરી હતી? જો એ કરી હોય અને વિઝા નકારવામાં આવ્યા હો તો શા માટે તમારી અરજી નકારવામાં આવી હતી? જો તમને વિઝા આપવામાં આવ્યા હો તો તમે એ વિઝા ઉપર અમેરિકામાં પ્રવાસ કર્યો હતો? ક્યાં ગયા હતા? કેટલા દિવસ રહ્યા હતા? કોને મળ્યા હતા? હવે પાછા જવાની શું જરૃર છે?

આ ઉપરાંત તમારા વ્યવસાયને લગતા, તમારી નોકરીને લગતા, તમે ભારતમાં જે કામ કરો છો એને લગતા, તમારા અનુભવ ને અભ્યાસને લગતા, તમારા કુટુંબ અને તમારી પ્રોપર્ટીને લગતા પ્રશ્નો કરવામાં આવી શકે. વિઝાના દરેક અરજદારને એની લાયકાત, એની પરિસ્થિતિ, ઉંમર, હોદ્દો, આ સર્વે મુજબ પ્રશ્નો કરવામાં આવે છે. પહેલા જણાવેલ બે-ચાર પ્રશ્નો લગભગ બધાને પૂછવામાં આવે છે, પણ પછી દરેક વ્યક્તિને એની પ્રતિભા મુજબના પ્રશ્નો પૂછવામાં આવે છે. આવા પ્રશ્નોના કેવા ઉત્તરોની અપેક્ષા રખાય છે એ આપણે આવતા અઠવાડિયે જાણશું.
—————————————–

વિઝા. ડો. સુધીર શાહ
Comments (0)
Add Comment